ગુજરાતીમાં નામ શોધો
30 Jan 2011 3 Comments
આજે એક ખૂબ સહેલો પ્રશ્ન મૂકું છું. નીચે કેટલાક ઈંગ્લીશ શબ્દો લખ્યા છે, એનો અર્થ ગુજરાતીમાં
લખો. શરત એટલી કે તમે જે જવાબ લખો તે, કોઈ છોકરા કે છોકરીનું નામ હોવું જોઈએ. દા. ત.
Evening – સંધ્યા (evening નો અર્થ સાંજ અને સંધ્યા બંને થાય. પણ સંધ્યા એ
છોકરીનું નામ છે )
Peacock
Inspiration
Fame
Clever
Prayer
Politeness
Sky
Flower
Hundred tap
Courtesy
Worship
Rain
Morning
Vision
Soil
Flute
Spring
Direction
Sun
Art
Sound
Ray
Night
Event
Light
Hope
Sea
Moon shine
જવાબ e-mailથી મોકલશો. એક અઠવાડિયા પછી ઉકેલ મુકીશ.
e-mail address: pravinkshah@gmail.com
લાલુપ્રસાદનું કોમ્પ્યુટર
28 Jan 2011 8 Comments
આજે એક જોક મૂકું છું.
લાલુપ્રસાદે કોમ્પ્યુટર જોયું ન હતું. ફકત કોમ્પ્યુટરને લગતા થોડા શબ્દો સાંભળ્યા હતા.
એક વાર એક મિત્રએ તેમને પૂછ્યું, “લાલુજી, કોમ્પ્યુટર કેવું હોય એ મને કહેશો ?”
લાલુએ જવાબ આપ્યો, “કોમ્પ્યુટર બે માળનું તો હશે જ, કારણ કે એમાં સીડી (CD)હોય છે.”
મિત્રએ કહ્યું,” ના, ખોટું”
લાલુએ કહ્યું, ” તો પછી કોમ્પ્યુટર ઘર જેવું હશે કારણ કે એમાં બારી (Window)હોય છે.”
મિત્રએ કહ્યું, “ખોટું”
લાલુએ કહ્યું,” તો પછી કોમ્પ્યુટર સ્કુલના ક્લાસરૂમ જેવું હશે, કારણ કે એમાં મોનીટર (Monitor) હોય છે.”
મિત્રએ કહ્યું,” ખોટું”
લાલુએ કહ્યું, “તો પછી કોમ્પ્યુટર ઉંદર પકડવાના પાંજરા જેવું હશે, કારણ કે એમાં માઉસ (Mouse)હોય છે.”
મિત્ર કંટાળ્યા. એમને લાગ્યું કે કદાચ હવે હું જ ભૂલી જઈશ કે કોમ્પ્યુટર કેવું હોય. એટલે એમણે આગળ પૂછવાનું માંડી વાળ્યું.
“દરેક કોથળીમાં કેટલા રૂપિયા મુકવા” – ઉકેલ
26 Jan 2011 9 Comments
એક કોથળીમાં ૧ રૂપિયો.
બીજી કોથળીમાં ૨ રૂપિયા
ત્રીજી કોથળીમાં ૪ રૂપિયા
ચોથી કોથળીમાં ૮ રૂપિયા
પાંચમી કોથળીમાં ૧૬ રૂપિયા
છઠ્ઠી કોથળીમાં ૩૨ રૂપિયા
સાતમી કોથળીમાં ૩૭ રૂપિયા
—————————–
કુલ ૧૦૦ રૂપિયા
હવે જવાબ ચેક કરીએ.
ધારો કેકોઈને ૧ રુપીઓ આપવો છે, તો કોથળી નં. ૧ આપી દેવાની.
ધારો કે કોઈને ૧૨ રુપીયા આપવા છે, તો કોથળી નં. ૩ અને ૪ આપી દેવાની.
ધારો કે કોઈને ૩૫ રુપીયા આપવા છે, તો કોથળી નં. ૧, ૨ અને ૬ આપી દેવાની
ધારો કે કોઈને ૭૬ રુપીયા આપવા છે, તો કોથળી નં. ૧,૨,૩,૬ અને ૭ આપી દેવાની.
આમ, ૧ થી ૧૦૦ રૂપિયા સુધીની કોઈ પણ રકમ માટે ચેક કરી જુઓ. અમુક કોથળીઓ
આપવાથી કોઈ પણ રકમ આપી શકાશે.
દરેક કોથળીમાં કેટલા રૂપિયા મુકવા ?
24 Jan 2011 8 Comments
આજે એક કોયડો મુકું છું. આમ તો સહેલો જ છે. કદાચ સહેજ અઘરો લાગે.
તમારી પાસે એક એક રૂપિયાના સિક્કાવાળા કુલ ૧૦૦ રૂપિયા છે. તમારી પાસે સાત ખાલી કોથળીઓ છે. આ સિક્કાઓમાંથી દરેક કોથળીમાં એટલા રૂપિયા મુકો કે જેથી કોઈ વ્યક્તિ એકથી સો સુધીમાંના ગમે એટલા રૂપિયા માગે તો તેને અમુક કોથળીઓ જ આપી દેવાય.
તો દરેક કોથળીમાં કેટકેટલા રૂપિયા મુકવા તે શોધી કાઢો.
બેનટનવિલમાં બરફ
22 Jan 2011 2 Comments
આ વર્ષે ઠંડી બહુ જ પડી છે. યુરોપ થીજી ગયું છે. ભારતમાં કાશ્મીર, લેહ, લડાખ અને ઉત્તર ભારત ઠંડીમાં ધ્રુજી રહ્યાં છે. ગુજરાતમાં પણ નલિયા, ડીસા અને અમદાવાદ સહીત ઘણાં સ્થળોએ પુષ્કળ ઠંડી પડી છે. અમેરિકામાં શિકાગો, ન્યુયોર્ક અને અન્ય કેટલાંયે શહેરો ઠંડીના સપાટામાં આવી ગયાં છે.
હું અત્યારે અમેરિકા(USA)ના આર્કાન્સા રાજ્યના બેનટનવિલ નામના નાનકડા શહેરમાં ટૂંક સમય માટે ભારતથી આવ્યો છું. આ શહેર ડલાસથી ઉત્તર-પૂર્વમાં આશરે ૫૦૦ કી.મી. દુર આવેલું છે. અહીં પણ ઠંડી સખત છે. સામાન્ય દિવસે તાપમાન આશરે ૫ અંશ સેલ્સિયસ જેટલું રહે છે. ક્યારેક તે -૭ અંશ સે. પણ થઇ જાય છે. ઠંડીમાં ઝાડ પરથી બધાં જ પાન ખરી પડે છે. અહીં ૨૦ જાન્યુઆરીના રોજ સખત ઠંડી અને બરફ(snow) પડ્યો છે. એના ફોટા પાડીને આ સાથે મેં મુક્યા છે. આ બરફ રૂ જેવો બિલકુલ પોચો હોય છે.
અહીં બરફ પડે એટલે ઘરની આગળની લોન, રસ્તા એમ બધું જ બરફથી છવાઈ જાય. મકાનનાં છાપરાં પર પણ બરફની ચાદર પથરાઈ જાય. આકાશમાંથી બરફ વરસતો હોય એ દ્રશ્ય જોવાની મઝા આવે. બરફ પડવાનો ચાલુ હોય ત્યારે ઠંડી ઓછી લાગે. એટલે તે વખતે કપડાં બરાબર ચડાવીને ઘરની બહાર આવી શકાય ખરું. બરફમાં મસ્તી કરવાનો આનંદ આવે. બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેંકવા, બરફમાંથી માણસ જેવો આકાર બનાવવો(Snow man), બરફમાં ચાલવું – આ બધામાં મઝા આવે.
જોકે બરફમાં ખુબ સાચવીને ચાલવું પડે, લપસી જવાની શક્યતા ખુબ જ. ગાડી પણ ખુબ ધીરી અને સાચવીને ચલાવવી પડે. બ્રેક મારો તો પણ ગાડી ઉભી ના રહે.
આ પરિસ્થિતિમાં મુખ્ય રસ્તાઓ પર તો બરફ સાફ કરવાનાં યંત્રોથી બરફ દુર કરાતો હોય છે અને વાહનવ્યવહાર શક્ય તેટલો ચાલુ રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી જગાએ સ્કૂલો અને ઓફિસોમાં રજા પડી જાય છે.
આમ, ભારતમાં સખત વરસાદ વખતે જેવી પરિસ્થિતિ ઉભી થાય એવું અહીં બરફવર્ષા વખતે થાય છે.
વાર્તા “પ્રેમકહાની”
20 Jan 2011 15 Comments
આજે એક સત્ય ઘટના, નામઠામ બદલીને વાર્તારૂપે મુકું છું.આશા છે કે વાંચકો તેને જરૂર આવકારશે.
પ્રેમકહાની
“પ્રયાગ, તારું તો બી.એ.નું આ છેલ્લું વર્ષ છે. પછી તો તું કોલેજ નથી આવવાનો. ક્યારેક યાદ તો કરીશ ને ?”
“અરે, શું વાત કરે છે કલ્પના, છેલ્લા બે વર્ષનો આપણો સંગાથ એમ થોડો ભૂલી જવાય ?”
સુરસાગરને કિનારે બાંકડા પર બેઠેલાં બે દોસ્ત, કલ્પના અને પ્રયાગ, શિંગચણા ફાકતાં ફાકતાં વાતો કરી રહ્યાં હતાં. બંને જણ વડોદરાની આર્ટસ કોલેજમાં ભણતાં હતાં.વાંચનના એક સરખા શોખે, બંને વચ્ચે દોસ્તી પાંગરી હતી. દોસ્તી ધીરે ધીરે પ્રણયમાં ફેરવાઈ રહી હતી, પણ બેમાંથી કોઈએ હજુ ‘પ્રેમ’ શબ્દ ઉચ્ચારવાની પહેલ કરી નહોતી.
“પ્રયાગ, મારે તો હજુ બે વર્ષ ભણવાનાં બાકી છે. તારો હવે શું પ્લાન છે ?”
“બસ કલ્પના, હવે નોકરી પછી છોકરી…..એટલે કે લગ્ન. પપ્પા-મમ્મીને છોકરાને પરણાવવાની ઉતાવળ બહુ હોય.”
“પ્રયાગ, તેં કોઈ છોકરી પસંદ કરી છે ખરી ?કે પછી બધું પપ્પા-મમ્મી પર છોડ્યું છે ?”
“હા, મને એક છોકરી ગમે છે ખરી.”
કલ્પનાની આતુરતા વધી ગઈ, “એમ ? કોણ છે એ છોકરી ?”
“એ હું તને કાલે કહીશ.”
બંને છુટાં પડ્યાં. કલ્પના થોડા કુતુહલ અને થોડી આશા-નિરાશા સાથે ઘેર ગઈ. બીજો દિવસ ક્યારે ઉગે અને કોલેજમાં પ્રયાગ મળે એની અધીરાઈમાં રાતે નિદ્રાદેવીને આધીન થઇ.
પ્રયાગના પપ્પા-મમ્મી, મનોજભાઈ અને રાધાબેન, વડોદરામાં જ રહેતા હતાં, જયારે કલ્પનાનું કુટુંબ વડોદરાની નજીક બાજવા ગામે રહેતું હતું. પપ્પા કનુભાઈને ગામમાં કરિયાણાની દુકાન હતી. મમ્મી સુધાબેન દુકાન ચલાવવામાં મદદ કરતાં. કલ્પના કોલેજ માટે, બાજવાથી વડોદરા અપડાઉન કરતી. બંને કુટુંબો એક જ જ્ઞાતિનાં હતાં.
કલ્પના સીધી સાદી છોકરી પણ દેખાવડી ખુબ જ. ઉજળી પણ એટલી જ. નાજુક, નમણી કાયા, જોતાં જ મન મોહી લે તેવી. બોલવામાં ખુબ જ મીઠી અને સંસ્કારી. તો પ્રયાગ પણ એવો જ ડાહ્યો, શાણો અને ચબરાક. પોતાની વાક્છટાને લીધે તે કોલેજમાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં ખુબ જ જાણીતો અને માનીતો. ઘણી છોકરીઓને તેની દોસ્તી કરવાનું મન થાય એવો. પણ એમાંય મનમોહક કલ્પના મેદાન મારી ગઈ. પ્રયાગ સાથે, બીજી છોકરીઓ કરતાં તેની દોસ્તી વધુ ગાઢ બની ગઈ.
આમ છતાં ય આજે એને ઉચાટ હતો. પ્રયાગને ગમતી છોકરી કોણ હશે ? કદાચ પોતે ન હોય અને બીજી કોઈ હોય તો ?
બીજે દિવસે કેન્ટીનમાં પ્રયાગ સાથે મુલાકાત થઇ અને પ્રયાગે ગમતી છોકરીનું નામ ઉચ્ચાર્યું, “કલ્પના”
કલ્પનાના હૃદયમાં આનંદનો ઉભરો આવી ગયો, છતાં બોલી,” તો પછી ગઈ કાલે આ નામ બોલતાં શું તકલીફ પડતી હતી ?”
પ્રયાગ બોલ્યો, “મારે જોવું હતું કે તું એક દિવસ તડપે છે કે નહીં ? બસ, આપણા પ્રેમની કસોટી આજે પૂરી થઇ.” અને બંને જણે જિંદગીની સફર સાથે વિતાવવાના કોલ એકબીજાને આપી દીધા.
પછી તો રોજની મુલાકાતો, કોલેજનો બગીચો, કેન્ટીન, લાયબ્રેરી, સુરસાગર તળાવ – એમ ઘણી જગાઓ એમના પ્રેમની સાક્ષી બની રહી. એમનો પ્રેમ શુદ્ધ અને સાત્વિક હતો. તેઓએ ક્યારેય કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નહોતું.
આમ ને આમ બીજાં બે વર્ષ પસાર થઇ ગયાં. પ્રયાગ વડોદરામાં ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી લાગી ગયો હતો. કલ્પનાનું બી.એ. પણ પૂરું થયું. તેમની અવારનવાર મુલાકાતો પણ ચાલ્યા કરી.
કનુભાઈએ હવે કલ્પના માટે વરની શોધ શરુ કરી. કલ્પનાને લાગ્યું કે ‘પોતાને પ્રયાગ ગમે છે’ એ વાત હવે ઘરમાં જાહેર કરવી જ પડશે, નહિ તો પપ્પા જો બીજે ક્યાંક ગોઠવી દેશે તો શું થશે ? છેવટે કલ્પનાએ હિંમત કરીને મોટાભાઈ પ્રથમેશ આગળ પ્રયાગની વાત કરી. પ્રથમેશને પહેલાં તો આશ્ચર્ય થયું પણ પછી વડોદરામાં રહેતા એક મિત્ર પરાગ મારફતે પ્રયાગના સ્વભાવ, ચાલચલગત વિગેરે વિષે તપાસ કરાવડાવી. બધું બરાબર લાગ્યું એટલે પ્રથમેશે ઘરમાં પપ્પા-મમ્મીને જાણ કરી. તેઓ બધા વડોદરા જઈને પ્રયાગના પપ્પા-મમ્મીને મળ્યા. આમ, બંને પક્ષે બધું જ યોગ્ય હતું. હવે ફક્ત વિવાહ જાહેર કરવાની જ વાર હતી.
તો વાંધો ક્યાં પડ્યો ? દુનિયામાં સામાન્ય રીતે બને છે તેમ અહીં પણ પ્રેમકહાનીમાં વિલન (ખલનાયક) ઉભો થયો. કલ્પનાના મામા કનકરાય વડોદરામાં જ રહેતા હતા અને પ્રયાગના પપ્પા મનોજભાઈ જોડે એમને કોઈ અંગત અદાવત હતી. એમને મનોજભાઈ સાથે બોલવાનો વ્યવહાર પણ ન હતો. એટલે જેવી એમને, ભાણી કલ્પનાના વિવાહ પ્રયાગ સાથે થવા અંગેની ખબર પડી કે તરત જ દોડતા બાજવા આવી પહોંચ્યા અને બહેનને કહેવા લાગ્યા,
“સુધા, તું ભાણી કલ્પનાનો વિવાહ પેલા મનોજભાઈના પ્રયાગ જોડે કરવા માગે છે, તે સાચી વાત છે ?”
સુધાબેન બોલ્યાં, “અમારી એવી ઇચ્છા છે, પ્રયાગ ભણેલો છે, નોકરી કરે છે, આપણી જ જ્ઞાતિનો છે, ઘર-કુટુંબ સારું છે, પછી શું ?”
કનકરાય જરા ગરમ થયા, “બહેન, તને એ છોકરા વિષે કશી ખબર નથી. તે ઉડાઉ છે, ખર્ચાળ છે, ખરાબ સોબતે ચડી ગયેલો છે, એ બધું તને ક્યાંથી ખબર હોય ? આપણે કલ્પનાનું પ્રયાગ સાથે કરવું નથી. મને પૂછ્યા વગર કંઈ કરતી નહિ “ એમ કહીને કનકરાય તો વડોદરા ઉપડી ગયા અને કનુભાઈ-સુધાબેન-કલ્પના-પ્રથમેશને મુંઝવણમાં મુકતા ગયા. મામાનું વજન જ્ઞાતિમાં ઘણું પડે, એટલે એમની આમન્યા જાળવવા કનુભાઈએ તેમની સામે વિરોધ વ્યક્ત ના કર્યો, પણ હવે શું કરવું ?
આ વાત ૧૯૭૦ના દાયકાની છે. આ કથામાં મિયાં-બીબી રાજી છે, બંને પક્ષના વડીલો રાજી છે, તો મામાને શું પૂછવાનું હોય ? પણ તે જમાનામાં કુટુંબ વ્યવસ્થા વધુ ગાઢ અને જડ હતી. મામા આવો હસ્તક્ષેપ કરી શકતા.
આમ ને આમ થોડા દિવસો પસાર થવા દીધા પછી, એક દિવસ કનુભાઈ, સુધાબેન અને પ્રથમેશ વડોદરા કનકરાયને મળવા ગયા. કનુભાઈએ કહ્યું, “કનકરાય, પ્રયાગ સારો છોકરો છે. જો તે ખરાબ હોય તો અમે સામે ચાલીને કલ્પનાને તેની સાથે પરણાવવા તૈયાર થઈએ ખરા ? અમે અમારી દીકરીનું બુરું તો ન જ ઈચ્છીએ ને ?”
પણ કનકરાય માન્યા નહિ. તેઓ જડ સ્વભાવના અને તોછડા હતા. તેમના પોતાના ચારિત્ર્ય વિષેની છાપ પણ બહુ સારી નહિ. તેમના ઘરમાં તેમની પુત્રવધુના કામકાજમાં તે બહુ માથું મારતા અને તેને હેરાન કરતા, એવી એમની છાપ હતી.
કનુભાઈ કનકરાય પાસેથી કશો ઉકેલ મેળવ્યા વગર પાછા ફર્યા. પ્રથમેશને તો આ બધું જોઈ મામા પર બહુ જ ગુસ્સો આવતો હતો. તેને મામા કંસ અને મામા શકુની યાદ આવી ગયા.
પણ પછી તો કનુભાઈએ નક્કી જ કરી નાખ્યું કે હવે આપણે કનકરાયને કંઈ પૂછવું નથી, અને પ્રથમેશને પ્રયાગને ત્યાં મોકલી, વિવાહ-વિધિ કરી, કલ્પના-પ્રયાગનો વિવાહ જાહેર કરી દેવો.
બે દિવસ પછી, એક શુભ મુહુર્તમાં પ્રથમેશ બાજવાથી વડોદરા જવા બસસ્ટેન્ડ પર પહોંચ્યો અને જેવો બસમાં ચડવા ગયો તેવામાં જ તે જ બસમાંથી મામી નીચે ઉતર્યાં. મામી તેને પકડીને પાછો ઘેર લઇ આવ્યાં. આમાં બન્યું એવું હતું કે પ્રથમેશ કલ્પનાના વિવાહ માટે જવાનો છે, એની ખબર મામાને ક્યાંકથી મળી ગઈ અને મામાએ તેને રોકવા, મામીને મોકલ્યાં હતાં !
મામા બધે જ આડા આવતા હતા. એક વાર કલ્પનાએ પ્રયાગને ખાનગીમાં મળીને જણાવ્યું કે, “ચાલ, આપણે ઘર છોડીને ભાગી જઈએ.”
પણ પ્રયાગે કહ્યું, “ના, આપણે એવું કરવું નથી. ડરીને પરણવું નથી. હું વાજતેગાજતે જાન લઈને તારે ઘેર આવીશ અને વિધિપૂર્વક તારી સાથે લગ્ન કરીને જાહેરમાં તને લઇ જઈશ.”
કલ્પનાએ કહ્યું, “પણ આમ ક્યાં સુધી ખેંચીશું ? મારા મામા મને બીજે પરણાવી દેશે તો ? તારા પપ્પા તારું બીજે ગોઠવી દેશે તો ?”
પ્રયાગે કહ્યું, “ જ્યાં સુધી તારું લગ્ન નહિ થાય ત્યાં સુધી હું લગ્ન નહિ કરું”
કલ્પનાએ કહ્યું, “હા, મારો પણ એવો જ મક્કમ નિર્ણય છે.”
આટલું નક્કી કરવા છતાં, એક વાર તો કલ્પનાનું મન ડગી ગયું. જવા દો આ બધો માનસિક પરિતાપ. મામા કહે ત્યાં લગ્ન કરી લઉં એટલે આ બધી ઝંઝટ મટે. મમ્મીને પણ શાંતિ. એણે ભાઈ પ્રથમેશને આવું જણાવ્યું પણ ખરું. પણ પ્રથમેશે બે દિવસ સુધી બહેનના હાવભાવ જોયા. બહેન બહુ જ દુઃખી, નિરાશ અને નંખાઈ ગયેલી હતી.
બસ, હવે પ્રથમેશથી રહેવાયું નહિ. તેણે બહેનનું લગ્ન કોઈ પણ ભોગે પ્રયાગ સાથે કરાવવાનો નિર્ધાર કરી લીધો. અને એક દિવસ પપ્પાને જણાવીને, વડોદરા જવા નીકળ્યો. મામાને ત્યાં પહોંચ્યો અને મામાને સાફ સાફ સુણાવી દીધું, “મામા, હું આજે કલ્પનાના વિવાહ પ્રયાગ સાથે કરવા અંગે, છેલ્લી વાર તમને મળવા આવ્યો છું. તમે આ માટે હા પાડો, અથવા વચમાંથી ખસી જાવ.”
મામા ગર્જ્યા, “અને હું વચમાંથી ન ખસું તો ? તો તું શું કરી લઈશ ?”
પ્રથમેશ કહે, “તમે કેટલા સજ્જન છો, તે હું તમને ઓળખું છું. મારી ભાભી એટલે કે તમારી પુત્રવધુ સાથેના તમારા બેહુદા વર્તનની વાત હું બધા સંબંધીઓને જણાવી દઈશ. લો, આ પોસ્ટકાર્ડ વાંચો.” એમ કહી પ્રથમેશે એક પોસ્ટકાર્ડ મામાના હાથમાં પકડાવ્યો. મામાએ વાંચ્યો,
“મહાશય શ્રી…………….
કનકરાય તેમની પુત્રવધુને હેરાન કરે છે, એટલું જ નહિ, પણ ખાનગીમાં તેની છેડતી કરતી હરકતો પણ કરે છે. પુત્રવધુ બિચારી સસરા સામે કંઈ બોલી શકતી નથી. એક દુખિયારી સ્ત્રીનો સંસાર બચાવવાના હેતુથી, આપ કનકરાયને આમાંથી રોકો.”
નનામો પોસ્ટકાર્ડ મામાએ ફાડી નાખ્યો અને તડુક્યા, “આ બધું શું છે ?”
પ્રથમેશે કહ્યું, “મામા, જુઓ, આવાં પચીસ પોસ્ટકાર્ડ લખીને લાવ્યો છું. દરેક પર આપણા સગાઓનાં સરનામાં લખીને તૈયાર રાખ્યાં છે. અને દરેકને આજે જ ટપાલમાં રવાના કરું છું. જો તમે મારી પાસેથી આ કાગળો ખૂંચવી લેશો તો મને ફરીથી બીજાં પચીસ પોસ્ટકાર્ડ તૈયાર કરવામાં વાર નહિ લાગે.”
મામા છેવટે કુણા પડ્યા. પોતે હવે આડખીલીરૂપ નહિ બને, તેવી તેમની પાસેથી ખાતરી લઇ, ઘરની બહાર આવ્યો. અને મનમાં મામાને દુષ્ટ, કપટી, કુકર્મી, કુપાત્ર…….એવી ગુજરાતી ભાષામાંથી જડે એટલા સારા શબ્દો શોધી, તેની આગળ ‘કું’ લગાડી, ગાળો ભાંડી, બાજવા પાછો આવ્યો.
ઘેર આવી બધી વાત કરી. બસ, પછી તો કશાય અવરોધ વગર કલ્પના-પ્રયાગનાં વિવાહ-લગ્ન ઉજવાયાં. મામા લગ્નમાં ના આવ્યા.
કલ્પના-પ્રયાગનું લગ્નજીવન ખુબ જ મધુરું રહ્યું. આજે પ્રયાગની ૬૦ વર્ષની ઉંમરે પણ કલ્પના-પ્રયાગ એટલા જ પ્રેમથી જીવે છે, જેટલો પ્રેમ તેમણે એક જમાનામાં સુરસાગરને કિનારે બેસીને માણ્યો હતો.
“શહેરનું નામ શોધો” નો ઉકેલ
18 Jan 2011 Leave a Comment
ગઈ કાલે મેં મુકેલ પોસ્ટ “શહેરનું નામ શોધો” ને વાચકોએ ખુબ પ્રેમથી આવકારેલ છે. ખુબ ખુબ આભાર. કોમેન્ટસમાં તેનો ઉકેલ આવી ગયેલ છે જ . છતાં અત્યારે અહી તેનો ઉકેલ મુકું છું.
Write nine – લખનૌ
Courage town - હિમતનગર
Old castle – જુનાગઢ
Ear flood – કાનપુર
Price town – ભાવનગર
Peacock seed – મોરબી
Water village – જલગાવ
Peg town – જામનગર
Face – સુરત
શહેરનું નામ શોધો
17 Jan 2011 10 Comments
આજે એક ખુબ સહેલો puzzle મુકું છું.
નીચે ભારતના થોડા શહેરોના નામ ઇંગ્લીશમાં લખ્યા છે, તો તે શહેરનું ગુજરાતીમાં નામ શું હશે, તે શોધી કાઢવાનું. દા. ત. Twenty town એટલે વિસનગર.
Write nine
Courage town
Old castle
Ear flood
Price town
Peacock seed
Water village
Peg town
Face
“વાર્તા” હમ સફર
14 Jan 2011 10 Comments
આજે એક મારી લખેલી “વાર્તા” અહીં મુકું છું. અગાઉ ત્રણ-ચાર જગાએ વાર્તાઓ લખી છે, પણ વાર્તા લખવી એ આકરી પરિક્ષા છે. વાંચકોની કસોટીમાં કેટલો પાર ઉતરું છું, એ તો વાંચકો કહેશે ત્યારે જ મને જાણ થશે. તમારો અભિપ્રાય જરૂર આપજો. આભાર.
હમ સફર
પેસેન્જરોથી ભરેલી એસ. ટી. બસ ગોધરાથી ઉપડીને વડોદરા તરફ દોડી રહી હતી. નયન પણ તેમાંનો એક પેસેન્જર હતો. ઉનાળાનો દિવસ હતો. સાંજના ચાર વાગ્યા હતા, છતાં ગરમી ઘટી ન હતી. પરસેવો નીતરતો હતો. એવામાં એક મોટું ગામ આવ્યું. કંડકટરે બૂમ પાડી, “બસ અહી પંદર મીનીટ ઉભી રહેશે, જેને ચા પાણી પીવાં હોય તે પીને પંદર મીનીટમાં પાછા આવી જજો.”
નયન તો ક્યારનો ય નીચે ઉતરવા માટે તલસી રહ્યો હતો. ખુલ્લી હવામાં જવાથી થોડી રાહત તો મળે ! બધા પેસેન્જરોની સાથે નયન પણ નીચે ઉતરવા માટે સીટ પરથી ઉભો થયો. તેણે સહેજ પાછળ નજર કરી. પાછળની સીટમાંથી પણ એક યુવતિ ઉભી થઇ હતી. એ યુવતિ નહિ, પણ સ્વર્ગમાંથી ઉતરી આવેલી મેનકા હતી. નાજુક, નમણી અને જોતામાં જ ગમી જાય એવી. ચહેરા પરથી રૂપ નીતરતું હતું. રૂપ રૂપના અંબાર સમી આ કન્યા પર અત્યાર સુધી પોતાની નજર કેમ ના પાડી, તેની નયનને નવાઈ લાગી રહી હતી.
બસના પેસેજમાંથી બહાર નીકળતાં, પેલી કન્યાના હાથમાં રહેલી વોટરબેગ નીચે પડી ગઈ. નયનના પગ નજીક જ તે પડી, એટલે નયને તે ઉઠાવીને, તેને પાછી આપી. રૂપમઢયા યૌવનના મુખમાંથી રણકાર જેવો અવાજ આવ્યો, “થેંક યુ “ નયન તે સાંભળીને પાણી પાણી થઇ ગયો. બધાની સાથે, તે બંને પણ બસમાંથી ઉતર્યા. નયને વિવેક કર્યો, “ લાવો, તમારી વોટરબેગ આપો, હુ પાણી ભરી લાવું.”
“ના, આપણે બંને સાથે જ જઈએ. પાણી પી લઈશું, વોટરબેગ ભરી લઈશું અને ક્યાંક બેસીને પંદર મીનીટ પસાર કરીશું.” નયન ખુશ થઇ ગયો. વગર માગ્યે જ આ રૂપાળીનો સાથ મળતો હતો !
પાણી અને ચા પીને બંને જણ એક બાંકડા પર ગોઠવાયાં. નયને વાતની શરૂઆત કરી, “મારી હમસફરનું નામ હુ જાણી શકું ?”
“હા, મારી ફોઈએ મારું નામ નીતા પડ્યું છે. તમારું ?”
“હુ નયન “
નયનને તો આ રૂપના પટારા વિષે ઘણું બધું જાણી લેવું હતું. એ બોલ્યો, “ હુ વડોદરા જઈ રહ્યો છું. તમે પણ વડોદરા જ જવાના ?”
નીતા બોલી, “ હા, હુ પણ વડોદરા જ જાઉં છું. હુ રહું છું જ વડોદરા, કારેલીબાગમાં. તમે ?”
નયન બોલ્યો, “હુ ગોધરા રહું છું. વડોદરા મારા માસી માંદા છે, એટલે એમની ખબર જોવા જાઉં છું. માસી નિઝામપુરામાં રહે છે. આવતી કાલે ગોધરા પાછા.”
નીતા બોલી, “ એટલે ઉડતી મુલાકાત, એમ જ ને ? બાકી વડોદરામાં રહેવાની મઝા આવે એવું છે.”
નયન બોલ્યો,”હા, મને ખબર છે. હુ ચાર વર્ષ વડોદરા રહીને ભણ્યો છું. આ વર્ષે જ મેં કોમ્પ્યુટર એન્જીનીયરીંગ પૂરું કર્યું છે. જોબ પણ વડોદરામાં જ લગભગ નક્કી છે. તમારો બાયોડેટા શું કહે છે ?”
નીતા બોલી, “બસ, આપણે તો બંદા લહેર કરતાં કરતાં આર્ટસમાં ભણ્યા છીએ. આ વખતે છેલ્લા વર્ષમાં છું. ગુજરાતી મારો પ્રિય વિષય છે. આ વર્ષ પૂરું થાય એટલે……..”
નયન બોલ્યો, “ હેં, એટલે…….એટલે પછી શું ?”
એટલામાં કંડકટરની બૂમ સંભળાઈ, “ચાલો, આપણી બસ ઉપડે છે.”
બંને જણા, અન્ય મુસાફરોની સાથે બસમાં ચડી ગયા. બસ ઉપડી, બે હમઉમ્ર મુસાફરોને લઈને વડોદરા તરફ. નયનની બાજુની સીટનો પ્રવાસી અહીં ઉતરી ગયો હશે એટલે એ સીટ ખાલી હતી. નયને પાછળ જોઈને કહ્યું, “નીતા…” બાકીનું આમંત્રણ એની આંખોએ જ આપી દીધું. નીતા આગળ આવીને નયનની બાજુમાં બેસી ગઈ. હવે છેક વડોદરા સુધીનો સંગાથ હતો.
નયનની અધૂરી વાત નીતાએ આગળ ચલાવી, “જુઓ નયન, છોકરી ભણી રહે એટલે માબાપ તેના લગ્નની તૈયારી કરે. મારા માટે ય મુરતિયાઓ જોવાઈ રહ્યા છે ખરા ! મમ્મીએ તો એક નબીરો મનમાં નક્કી યે કરી લીધો છે,પણ મને તે પસંદ નથી. હા, મને એન્જીનીયર થયેલ છોકરો ગમે ખરો !”
નયનના મનમાં કલ્પનાના ઘોડાઓ દોડવા લાગ્યા. જો આ નીતાનો સાથ મળી જાય તો જીંદગીમાં જલસા પડી જાય. પણ હાય અફસોસ ! પેલી જલ્પાનું શું ? માએ લગભગ નક્કી કરી રાખેલ એ જલ્પા મને ભટકાડી દેશે તો ? હુ એનો કેટલો વિરોધ કરી શકીશ ? એ જલ્પાડી છે કાગડી જેવી અને પોતાને સમજે છે કોયલ ! છે હબસણ જેવી છે અને વહેમ રાખે છે હંસલીનો ! ના, ના, મમ્મીને કહેવું જ પડશે કે જલ્પા મને પસંદ નથી.
“શું દીવાસ્વપ્નમાં પડી ગયા, નયન ?” નીતાએ નયનને જાગૃત કર્યો.
“ઓહ ! ના, કઈ નહીં. એ તો હુ તમારા વિષે વિચારતો હતો.”
નીતા, “ મારા વિષે ? મારા વિષે શું વિચારવા જેવું છે ?”
નયન, “કંઈ નહિ. આ તો હુ એન્જીનીયર છું. તમને એન્જીનીયર છોકરો ગમે છે ને ? એટલે મનમાં કંઈક વિચાર આવી ગયો.”
નીતા, “ એમ ? તો વિચાર્યા કરો. ખાલી વિચારવાથી કંઈ નહિ વળે.”
વડોદરા નજીક આવી રહ્યું હતું. થોડી વારમાં બંને પ્રવાસી પોતપોતાના રસ્તે ચાલ્યા જવાના હતા.
નયન,” ચાલો તો, નીતા, તમારો સહવાસ સરસ રહ્યો. આપણે ફરી હવે મળવાના નથી. આજની સફર કાયમ માટે યાદ રહી જશે.”
વડોદરા આવ્યું. બંને જણ એકબીજાથી વિદાય લઈને પોતાને રસ્તે પડ્યા.નયનના દિલમાં નીતા વસી ગઈ. પણ આ તો બે ઘડીનો સંગ.એમાં કંઈ કોઈ થોડું પોતાનું બની જાય ? પણ અરે ! મેં તેનું સરનામું કે ફોન નંબર કંઈ જ માગ્યું નહિ ! એણે પણ ના માગ્યું ? કમ સે કમ દોસ્તી તો રહેત. જેવી હરિઇચ્છા.
નયન માસીને ત્યાં પહોંચ્યો. માસીની તબિયત સુધારા પર હતી. એટલે નિરાંત થઇ. મમ્મી સુધાનો સંદેશો માસીને કહ્યો. સાંજે જમીને માસી સાથે બેઠો હતો, ત્યારે માસીએ પૂછ્યું, “નયન, હવે તું ભણી રહ્યો, વિવાહ લગ્નનું શું વિચાર્યું ? સુધા કહેતી હતી કે એણે કોઈ જલ્પા તારા માટે પસંદ કરી છે.”
નયનથી માસી આગળ સાચી વાત કર્યા વગર ના રહેવાયું, “માસી, સાચું કહું ? મને એ જલ્પા પસંદ નથી. તમે મારી મમ્મીને સમજાવો ને ? તમારી બેન તો તમારું સાંભળે ને ?”
માસી બોલ્યાં, “સારું, હુ તારી મમ્મીને વાત કરી જોઇશ. પણ પછી તું કોની સાથે લગ્ન કરવા ઈચ્છે છે ? જો તારી ઇચ્છા હોય તો તને હું એક છોકરી બતાવું. મારી દૂરની ભત્રીજી છે. અહી વડોદરામાં કારેલીબાગમાં રહે છે. આ વર્ષે બી. એ. નું ભણી રહેશે. કદાચ કાલે અહીં તેના પપ્પા-મમ્મી સાથે મને મળવા આવવાની છે.”
નયનની આતુરતા વધી ગઈ, “માસી, એનું નામ શું છે ?”
“નીતા”
નયનને થયું, હમણાં તેનું હૃદય ઉછળીને બહાર આવી જશે. પણ તેણે ઉત્સાહ મનમાં દબાવી રાખ્યો. કાલે એને આવવા દો, પછી જોયું જશે.
બીજે દિવસે નયન માટે સોનાનો સુરજ ઉગ્યો. નીતા એના પપ્પા-મમ્મી સાથે દસ વાગે આવી પહોંચી. એ જ નીતા હતી, બસની હમસફર ! નીતા તો નયનને અહીં જોઈને આભી જ બની ગઈ. શું, આ મારાં કાકી જ નયનનાં માસી હતાં ? જેને ફરી ક્યારેય મળવાની કલ્પના ન હતી, તે બીજા જ દિવસે મળી ગયો !
બધી વ્યાવહારિક વાતો ચાલી. નયનનાં માસીએ નીતાના પપ્પા-મમ્મીને નીતાનું નયન સાથે ગોઠવવા માટે તૈયાર કરી લીધાં. પછી બોલ્યાં,”જાઓ છોકરાંઓ, તમે એકબીજાને મળી લો.”
એક અલાયદા રૂમમાં નીતા-નયન બેઠાં.નયન બોલ્યો,”નીતા, હવે તો હું તમને ‘તું’ કહીને જ બોલાવીશ. કાલે તો છુટા પડ્યા ત્યારે મેં તારું સરનામું કે ફોન નંબર માગ્યો નહીં, તેં પણ મારો નંબર ના માગ્યો ?”
નીતા બોલી,“નયન, તમે ના માગ્યું એટલે મને એમ કે તમને મારી જરૂર નથી. એટલે પછી મેં ય ના માગ્યું.”
નયન કહે,”નીતા, બોલ હવે, આ એન્જીનીયર તને પસંદ છે ને ?”
નીતા બોલી,”હવે એ કહેવાની જરૂર રહી છે ખરી ?”
નયન,”બસ તો, ચાલો હવે માસી પાસે.”
બંને બહાર આવ્યાં. બંનેની સંમતિ જાણ્યા પછી, માસીએ બહેન સુધાને ગોધરા ફોન કરીને મનાવી લીધી. ચાર મહિના પછી નીતા-નયન રંગેચંગે પરણી ગયાં.
બે વર્ષ બાદ, એક બાબાને લઈને બંને જણ ફરી માસીને મળ્યાં ત્યારે બોલ્યાં,” તમે અમને સાથ આપ્યો તેનું આ ફળ છે.”
ગીરા ધોધ
11 Jan 2011 Leave a Comment
એક વખત અમે ભરૂચથી બે દિવસનો પ્રવાસ ગોઠવ્યો. આ પ્રવાસ દરમ્યાન ગુજરાતનો સૌથી ઉંચો ધોધ, ગીરાનો ધોધ જોવાનું પણ આયોજન હતું. આ ધોધની ઊંચાઈ ૩૦૦ ફૂટ છે. (ભારતનો સૌથી ઉચો ધોધ જોગનો ધોધ છે, જેના પાણી ૨૬૦૦ ફૂટની ઊંચાઈએથી પડે છે.)
અમે ભરૂચથી સુરત થઈને સોનગઢ પહોંચ્યા. સોનગઢથી ગીરાનો ધોધ ૫૮ કી.મી. દુર છે. વચ્ચે ખપાટિયા અને શીંગણા જેવા નાના ગામ આવે છે. પણ રસ્તો સારો છે, છેલ્લા ચાર કી.મી. ખરાબ છે, પણ ગાડી જઈ શકે. વરસાદની ઋતુ લગભગ પૂરી થયા પછીની મોસમ હતી. આકાશમાં થોડા થોડા વાદળા હતા. રસ્તો જંગલોમાં થઈને પસાર થતો હતો. આવા વાતાવરણમાં અહી સુધી પહોચવાની ખુબ મઝા આવી.
ઉપરથી પડતા ધોધની બે મોટી ધારાઓ નીચે એક મોટું તળાવ રચે છે. ઉપર ધોધને કિનારે બેસવા માટે સરસ ચોતરાઓ બનાવ્યા છે. અહી બેસીને ધોધનું, નીચેના તળાવનું અને તળાવ છલકાઈને ખીણમાં આગળ વહેતા પાણીનું દ્રશ્ય ખુબ નયનરમ્ય લાગે છે. ધોધમાં કે આગળ વહેતા પાણીમાં ઉતરી શકાય તેમ નથી. પણ કિનારે કિનારે રહીને સોએક પગથીયા ઉતરીને ધોધની નજીક જઈ શકાય. ધોધમાં નહાવાનું તો શક્ય જ નથી.
ગાઢ જંગલમાં આવેલો આ ધોધ ખુબ જ સુંદર છે. ધોધ જોઈને એમ લાગે કે શું આપણે આપણા ગુજરાતમાં જ છીએ ? કે હિમાલયના કોઈક અલૌકિક સ્થળે ?
અહી બે કલાક પસાર કરી, છેવટે અમે અમારો પ્રવાસ આગળ ચલાવ્યો.





Recent Comments