જૂનું કોટ્યર્ક મંદિર, મહુડી

જૂનું કોટ્યર્ક મંદિર, મહુડી

     અમદાવાદથી આશરે ૬૨ કી.મી. દૂર મહુડી ગામમાં, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના ઇષ્ટદેવ શ્રીકોટ્યર્કપ્રભુનું નવું મંદિર આવેલું છે. મંદિર ગામની બહાર છે. અમદાવાદથી જઈએ તો પહેલાં કોટ્યર્ક મંદિર આવે અને પછી મહુડી ગામ આવે. ગામમાં એક પ્રખ્યાત જૈન મંદિર પણ છે. મહુડી ગામ મધુપુરી તરીકે પણ ઓળખાય છે. કોટ્યર્ક એટલે કોટિ+અર્ક, એટલે કે કરોડો કિરણો ધરાવતા દેવ અર્થાત સૂર્યદેવ. વૈષ્ણવ સમાજ વર્ષોથી કોટ્યર્કદેવને પૂજતો આવ્યો છે.

આ કોટ્યર્ક દેવનું જૂનું મંદિર, મહુડી ગામથી આશરે બે કી.મી. દૂર આવેલી સાબરમતી નદીના કિનારે, ઉંચી ટેકરી પર આવેલું હતું. પણ આજુબાજુની જમીનનું ધોવાણ થતાં, આશરે સો વર્ષ પહેલાં, નવું મંદિર, હાલની જગાએ બાંધવામાં આવ્યું છે. જૂના કોટ્યર્ક મંદિરના અવશેષો હજુ યે ત્યાં નદીકિનારે ટેકરી પર અસ્તિત્વ ધરાવે છે. અત્યારે પણ ઘણા ભક્તો આ જૂના મંદિરે દર્શન કરવા ભક્તિભાવથી જાય છે. ગામથી નદી સુધીનો બે કી.મી.નો રસ્તો કાચો અને ઉંડા ચીલાવાળો છે. રીક્ષા કે ગાડી ના જઈ શકે. ટ્રેક્ટર ટ્રેલરમાં બેસીને કે ચાલતા જઈ શકાય. પછી ટેકરીના ઢાળ પર ચડવાનું. થોડું કષ્ટદાયક હોવા છતાં, કોટ્યર્ક પ્રભુનાં દર્શન કરવાથી થાક ઉતરી જાય છે, મનમાં આનંદ ઉભરાય છે, અને મન જૂના મંદિરની ભવ્યતાની કલ્પનામાં ખોવાઈ જાય છે. અહીં એક શીવમંદિર પણ છે.

ઉંચાઈએથી ઘણે દૂર સુધી દેખાતી સાબરમતી નદી બહુ જ ભવ્ય અને રળિયામણી લાગે છે. ટેકરી પરથી નીચે ઉતરી, વડની વડવાઈઓ પર હીંચકા ખાવાની તથા ખળ ખળ વહેતી નદીમાં નહાવાની મજા આવે એવું છે. અહીં આ મંદિરની થોડી તસ્વીરો મૂકી છે. ક્યારેક આ જૂના મંદિરના દર્શને જરૂર જજો.

વાર્તા – પ્રામાણિકતા નામની કોઈ ચીજ છે ખરી ?

                                     વાર્તા – પ્રામાણિકતા નામની કોઈ ચીજ છે ખરી ? 

     ‘કેમ છો શાહસાહેબ ?’ કહીને મારા પાડોશી શ્રીમનુભાઈએ, રવિવારે સવારે મારા ઘરમાં પગ મૂક્યો.

‘બસ, મજામાં’ કહીને મેં તેમને આવકાર આપ્યો. તેઓ હિંચકા પર ગોઠવાયા. હું સામે ખુરશીમાં બેઠો. રવિવાર હતો એટલે મારે નોકરી પર જવાનું હતું નહિ. આથી મનુભાઈ માટે થોડો સમય ફાળવવામાં મને વાંધો નહોતો. મનુભાઈ ‘વાત ક્યાંથી શરુ કરવી’ તેની મુંઝવણમાં હોય તેવું લાગ્યું.

હું પહેલાં મનુભાઈનો પરિચય આપી દઉં. હું એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર, અને સરકારી કોલેજ એટલે નિયમ મૂજબ બદલી તો થાય જ. લગભગ આઠ મહિના પહેલાં, મારી બદલી થતાં, હું સૌરાષ્ટ્રના આ શહેરમાં આવ્યો હતો. બહુ મોટું નહિ ને બહુ નાનું નહિ, એવા આ શહેરમાં હું સહેલાઈથી ગોઠવાઈ ગયો હતો. મકાન ભાડે લીધું હતું. મકાનમાલિક તથા પાડોશીઓ પણ સારા હતા. બાજુમાં રહેતા મનુભાઈએ મારી સાથે સારો ઘરોબો કેળવ્યો હતો. તેઓ બી.કોમ. સુધી ભણેલા હતા. અને અહીં એક સરકારી નિગમમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા. તેમનો પુત્ર પરાગ આ વર્ષે બારમા ધોરણમાં ભણતો હતો. કોમર્સમાં બહુ ભલીવાર નથી, એવું માનીને મનુભાઈએ પુત્રને સાયન્સ લાઈન લેવડાવી હતી. પણ પરાગને સાયન્સ પ્રવાહનું ભણવાની બહુ ઉત્કંઠા કે લગન હતી નહિ. જેમતેમ ગાડું ગબડતું હતું. ક્યારેક પરાગને તેના બાપા મારી પાસે શીખવા માટે ધકેલતા. પણ તેને સાયન્સ જેવા ગહન વિષયને, ભેજામાં ઉતારવાની બહુ ઈચ્છા થતી હોય એવું લાગતું નહિ.

મારે ત્યાં મનુભાઈનું આગમન કદાચ તેમના પુત્રના અનુસંધાનમાં જ હશે, એવું મેં ધાર્યું, અને ખરેખર એમ જ નીકળ્યું. મનુભાઈ બોલ્યા, ‘શાહસાહેબ, જુઓને, મારા પરાગને બોર્ડની વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે. આવતા અઠવાડિયે તો પરીક્ષા શરુ થશે. પણ તમે જાણો છો કે એની કશી જ તૈયારી નથી. એને કંઇ જ આવડતું નથી.’

મેં કહ્યું, ‘હા, પણ તેણે રસ લઈને મહેનત કરવી જોઈએ.’

મનુભાઈ કહે, ‘રસબસનું તો ઠીક છે હવે. પણ એ જો સારા માર્કે પાસ થઇ જાય તો તેને તમારી કોલેજમાં એડમીશન લેવડાવવું છે.’

મેં કહ્યું, ‘ એ માટે તો તેણે ઘણા સારા માર્ક લાવવા પડે.’

મનુભાઈ બોલ્યા, ‘શાહસાહેબ, સારા માર્ક લાવવામાં તમે તેને મદદ કરી શકો તેમ છો.’

હું તેમનો મર્મ સમજ્યો નહિ. મેં કહ્યું, ‘ભાઈ, આમાં હું શું કરી શકું ?’

મનુભાઈ બોલ્યા, ‘શાહસાહેબ, તમે પ્રોફેસર છો, એટલે તમને ગણિત તો સરસ જ આવડતું હોય.’

મેં કહ્યું, ‘હા પણ, તેનું શું ?’

મનુભાઈ હવે મૂળ મુદ્દા પર આવ્યા, ‘સાહેબ, જુઓ, તમારી મદદની ક્યાં જરૂર પડે તે કહું. પરીક્ષાનું પેપર શરુ થાય તે વખતે હું અને મારા બીજા ત્રણ વાલી મિત્રો તમને, એક જણના ઘરે લઇ જઈએ, ત્યાં તમારે એક અલાયદા રૂમમાં બેસવાનું, ચાનાસ્તો-મીઠાઈ આવી જશે. પરીક્ષા શરુ થાય એટલે થોડી જ વારમાં સ્કુલમાંથી એક માણસ, તમને ગણિતનું પેપર આપી જશે. તમારે ફટાફટ એ પેપરના દાખલા એક કાગળ પર ગણી કાઢવાના, ચોપડી, ગાઈડો તમારે જે જોઈએ તે તમારી પાસે અગાઉથી તૈયાર રાખવાનું, એ બધા માટેનો ખર્ચ તમને પહેલેથી જ આપી દઈશું. તમે ગણેલા જવાબના કાગળો અમે, સ્કુલમાં તુરંત પહોંચાડી દઈશું. તે પરાગ અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી જશે. તેઓ બધા, તેમાંથી પેપરમાં કોપી કરી લેશે. સાહેબ, તમે ના પાડશો નહિ. તમારી મહેનતના પૈસા પણ તમને મળી જશે. તમને પૂરા બે હજાર રૂપિયા આપીશું.’

મનુભાઈ જડબેસલાક પ્લાન બનાવીને આવ્યા હતા. હું એકચિત્તે તેમનો પ્લાન સાંભળી રહ્યો હતો, અને ઉંડા આઘાતમાં સરી રહ્યો હતો. મને તો તેમની વાત સાંભળીને ખૂબ નવાઈ લાગી કે લોકો આવું બધું પણ કરી શકે ? સ્કુલમાં સુપરવાઈઝર હોય, પ્રીન્સીપાલ હોય, સ્ક્વોડના સભ્યો પણ આવ્યા હોય, આ બધામાંથી પ્રશ્નપેપર લાવવાનું, તેને ગણવાનું અને ઝડપથી પાછું પહોંચાડવાનું તથા વિદ્યાર્થી પણ સમયમર્યાદામાં તે લખી નાખે-આ બધું કેવી રીતે બની શકે ? અને આમાં પ્રામાણિકતાનાં ધોરણોનું શું ? શું બધા જ આ ચેઈનમાં સામેલ ? મને તો આ ગમે જ નહિ. એટલું જ નહિ, બીજા કોઈ આવું કરતા હોય તો તેને પણ હું આવું કામ કરવા ના દઉં. મનુભાઈ શું ધારીને આવ્યા હશે ? તેમણે મારી સાથે કેળવેલો ઘરોબો હવે મને સમજાઈ રહ્યો હતો. શું દુનિયામાં પ્રામાણિકતા નામની કોઈ ચીજ છે જ નહિ ?

મનુભાઈ મારા ચહેરા પર દેખાતી મુંઝવણ પારખી ગયા. પણ એનો એમણે ઉંધો અર્થ કર્યો. બોલ્યા, ‘સાહેબ, તમને તમે ખુશ થાવ એટલા પૈસા આપીશું. એ બધું તમે મારા પર છોડી દો. સ્કુલમાં પટાવાળા, ચોકીદાર અને સુપરવાઈઝરો સાથે બધી જ ગોઠવણ થઇ ગઈ છે. ક્યાંયથી વાતની ખબર નહિ પડે કે તમે આમાં સંડોવાયેલા છો. બધા જ આપણા માણસો છે. તમારા પર કોઈ સંકટ નહિ આવે. અને આજે જો તમે આ કામ કરી આપશો તો આવાં બીજાં અનેક કામ તમને ભવિષ્યમાં મળશે. તમે ન્યાલ થઇ જશો.’

મનુભાઈ એમનું જ હાંકે રાખતા હતા. તેમને એવો તો વિચાર જ નથી આવતો કે હું આ કામમાં તેમને સાથ નહિ આપું. છેવટે મેં જ જવાબ આપ્યો, ‘સોરી મનુભાઈ, હું આ કામ નહિ કરી શકું.’

મનુભાઈ બોલ્યા, અરે, શું સાહેબ, તમે ય ભાવ ખાવ છો ? પૈસા ઓછા પડે છે એમ જ કહો ને ? વધારે પૈસા માગવાની તમારી રીત હું સમજી ગયો છું.’

મેં કહ્યું, ‘મનુભાઈ, પૈસા માગવાનો સવાલ જ ઉભો નથી થતો. હું આ કામ કરવા હરગિજ તૈયાર નથી.’

મનુભાઈ એમની સ્ટાઈલમાં હસ્યા. તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે હું આ કામ નહિ કરું. તે બોલ્યા, ‘સાહેબ, હવે મજાક જવા દો. ચાલો, તમે તૈયાર છો, એવું હું મારા બીજા વાલી મિત્રોને જણાવી દઉં, કે જેથી કામ આગળ વધે.’

મેં હવે મક્કમતાથી કહ્યું, ‘મનુભાઈ, તમે એમ માનતા હો કે આ કામ હું કરીશ, તો તમે ભૂલો છો. આવું કામ મેં ક્યારે ય કર્યું નથી અને કરીશ પણ નહિ. તમને આવી વાત કરતાં શરમ આવવી જોઈએ.’

મનુભાઈ હવે જરા ગંભીર થયા. બોલ્યા, ‘શરમની વાત છોડો સાહેબ, આ શહેરમાં આવા કામની કોઈ નવાઈ નથી. વિદ્યાર્થીનો વાલી આવું કામ કરાવી લાવે પછી છડેચોક ગર્વથી કહેતો હોય છે કે જુઓ, મારા દિકરા માટે હું આમ કરાવી લાવ્યો ને તેમ કરાવી લાવ્યો. તમે સાહેબ, સામેથી મળતા પૈસા જતા કરી રહ્યા છો, એ જ મને તો મગજમાં ઉતરતું નથી.’

મેં કહ્યું, ‘મનુભાઈ, જિંદગી જીવવાની તમારી રીતમાં મારી વાત ક્યારે ય બંધબેસતી નહિ આવે, જો તમારે સાંભળવું હોય તો એકબે વાત હું કરું.’

મનુભાઈ બોલ્યા, ‘ભલે કહો’

મેં કહ્યું, ‘તમે જે કામ માટે મારી પાસે આવ્યા છો, એમાં તમે છોકરાને ખોટા રસ્તે દોરી રહ્યા છો. તમે એનો ખોટો પક્ષ લેવાને બદલે, તેને ભણવામાં મહેનત કરીને પાસ થવાનું કહો. તેને ભણવામાં રસ પડે તે માટે તમે તેને પ્રેમથી તમારી પાસે બેસાડો, બેચાર સારી વાતો કહો, તેને માટે ટાઇમ આપો. એ જો મહેનત કરીને આગળ આવશે તો તે ઘણી સારી જિંદગી જીવશે.’

પણ મનુભાઈને મારી વાત ગળે ઉતરી નહિ. તેઓ નિરાશ થઈને મારા ઘરના દાદરનાં પગથિયાં ઉતરી ગયા. આખી જિંદગી જેણે સ્વાર્થી ટૂંકા રસ્તા જ શોધ્યા હોય તેને મારો બે મિનિટનો ઉપદેશ શું અસર કરે ?

આજે આ વાતને વીસ વર્ષ થયાં. વચ્ચે વચ્ચે પરાગના સમાચાર મળ્યા કરતા હતા. તે ત્રણેક વાર બોર્ડમાં નાપાસ થયો. પછી દસમા ધોરણના માર્ક પર ડીપ્લોમામાં ભણવાનો વિચાર કર્યો. તેમાં પણ ક્યાંક ગરબડ કરી એટલે એડમીશન ના મળ્યું. પછી ઇધરઉધર નોકરી કરી. છેવટે આજે તે તેના પપ્પાની ઓફિસમાં પટાવાળાની નોકરી કરે છે. પપ્પા મનુભાઈ રીટાયર થઇ ગયા છે. જિંદગીમાં પ્રામાણિકતા જેવું કંઇક હોય છે એવું એ સમજ્યા છે કે નહિ, તેની ખબર નથી.

પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત

પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત

     આજના શહેરનાં કોન્ક્રીટનાં જંગલોમાંથી છૂટીને ક્યારેક કુદરતી જંગલોમાં વિહરવા જવાની કેવી મજા આવે ! આવું જ એક જંગલ વડોદરાથી માત્ર ૧૫ કી.મી.ના અંતરે હજુ યે સચવાઈ રહ્યું છે. વડોદરાથી ગોત્રી થઈને સીંઘરોટના રસ્તે જઈએ તો ડાબા હાથે પ્રકૃતિ ઉદ્યાનનું બોર્ડ આવે છે. આ ડાબે રસ્તે વળીને એક કી.મી. જેટલું અંદર જઈએ એટલે પ્રકૃતિ ઉદ્યાન(Nature Education Park)ના પ્રવેશદ્વારે પહોંચી જવાય. આ એક કી.મી.નો રસ્તો કાચો અને ઉંચોનીચો છે, પણ ગાડી જઈ શકે. ઉદ્યાનનો સમય સવારના આઠથી સાંજના પાંચ સુધીનો છે.

બહારના મુખ્ય રસ્તે આગળ જઈએ તો થોડાક અંતર પછી મહી નદી આવે અને ત્યાર પછી આંકલાવ, આસોદર ગામો આગળ થઈને આણંદ જવાય. મહી નદી પ્રકૃતિ ઉદ્યાનની નજીક હોઈ, આ ઉદ્યાનમાં મહી નદીનાં કોતરો આવેલાં છે. ચોમાસામાં આ કોતરોમાં ભરપૂર પાણી વહેતું હોય તે દ્રશ્ય કેવું મનોહર લાગે !

પ્રકૃતિ ઉદ્યાનના પ્રવેશ આગળ નજીવી ફી ભરીને અંદર જઈએ એટલે ગામડાના કોઈ વિસ્તારમાં આવી ગયા હોઈએ એવું લાગે. ગામડાના મકાન જેવી એક ઓફિસ છે. ઓફિસમાં તથા બાજુના ઓરડામાં જંગલની જાળવણી માટેનો સરસામાન પડ્યો રહે છે. બીજી બાજુ રસોડું બનાવેલું છે.વચ્ચે ખુલ્લા મેદાનમાં રાત્રે આકાશદર્શન માટેનાં ટેલીસ્કોપ ગોઠવેલાં છે. વૃક્ષોથી હરીભરી આ જગા ખૂબ રમણીય લાગે છે.

ઓફિસના પાછળના ભાગમાં બેસવા માટે બેઠકો, કાથીના ખાટલા, જમવા માટે સિમેન્ટનાં ટેબલ એવું બધું છે. પછી ઝાડ પર હિંચકા બાંધેલા છે. ઝાડ પર ચડવા માટે દોરડાંની નિસરણી છે. દોરડાંની જાળી પર ચડવાની મજા માણી શકાય છે. એક ઝાડથી બીજા ઝાડ સુધી દોરડા પર ચાલીને જઈ શકાય છે. કોતર ઓળંગવા માટે દોરડાંનો પૂલ બનાવેલો છે. બાજુમાં બાળકો માટે નાનો સ્વીમીંગ પૂલ છે, તંબૂઓ છે, એક ઉંચો વોચટાવર છે, તેના પર ચડીને આજુબાજુનું આખું જંગલ જોઈ શકાય છે. અમે આ બધી વસ્તુઓની મજા માણી આગળ વધ્યા.

અમને એક ગાઈડ આપવામાં આવ્યો હતો, તે અમારી સાથે જ હતો. આગળ હવે કોતરોમાં ઉતરવાનું હતું. એટલામાં એક નીલગાય અમારી નજરે પડી. આ જંગલમાં નીલગાય ઉપરાંત હરણાં, શિયાળ, ઝરખ, વાંદરાં, સસલાં, સાપ વગેરે પ્રાણીઓ પણ રહે છે. ઘણી જાતનાં પક્ષીઓ જેવાં કે મોર, કોયલ, ટીટોડી, કલકલિયો, દેવચકલી, કાબર પણ અહીં છે. જંગલમાં આંબલી, બાવળ, બોરડી, ગુગળ જેવાં અસંખ્ય વૃક્ષો છે.

ગાઈડની સાથે સાથે અમે કોતરોમાં ચાલ્યા. અત્યારે ઉનાળાની શરૂઆત હતી અને બપોરનો સમય હતો, એટલે ગરમી પુષ્કળ હતી. તથા કોતરો પણ પાણી વગરનાં સૂકાંભઠ્ઠ હતાં. જંગલી ઝાડપાન ખરાં, પણ અત્યારે ચોમાસાની ગ્રીનરીનો અભાવ હતો. અહીં ચોમાસું પૂરું થવાની તૈયારીમાં હોય ત્યારે આવવું જોઈએ. તે વખતનો માહોલ કંઇક અલગ જ હોય.

કોતરોમાં ચડઉતર કરીને આશરે બેએક કી.મી. જેટલું ચાલીને મૂળ જગાએ પાછા આવ્યા. ભૂખતરસ તો લાગી જ હતી. અમે જમવાનું સાથે લઈને આવ્યા હતા, તે પેલી બેઠકો પર બેસીને જમ્યા. પછી ઝાડ નીચે ખાટલાઓમાં થોડી વાર આરામ કર્યો. થોડું આજુબાજુ ફર્યા. રસોડામાં તપાસ કરતાં ખબર પડી કે જો પંદર કે તેથી વધુ જણ ગ્રુપમાં અગાઉથી બુકીંગ કરાવીને આવીએ તો સવારના ચાનાસ્તા તથા બપોરના જમવાની સગવડ અહીં કરી આપે છે.

અહીં રાત્રે રહેવાની વ્યવસ્થા છે. તંબૂમાં પણ રહી શકાય છે. રાત્રે આકાશદર્શનની તો ઘણી જ મજા આવે. સ્કુલકોલેજના વિદ્યાર્થીઓ માટે અહીં કેમ્પ કે સેમિનાર ગોઠવવાની પણ સગવડ છે. અહીના કુદરતી વાતાવરણમાં આવા કેમ્પમાં રહેવાનો ખૂબ જ આનંદ આવે. ભાઈચારાની લાગણી કેળવાય, જાતમહેનતના પાઠ શીખવા મળે અને કુદરતનું, ખગોળનું તથા પ્રાણીપક્ષીઓના જીવનનું જ્ઞાન પણ મળે. વિદ્યાર્થીઓએ એક વાર આ અનુભવ લેવા જેવો છે. અહીં વર્ષ દરમ્યાન વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

વડોદરા સ્થિત ‘ગુજરાત નેચર કોન્ઝર્વેશન સોસાયટી’ આ પ્રકૃતિ ઉદ્યાનનું જતન કરે છે. એ ઓફિસનો ફોન નં. ૦૨૬૫ ૨૯૭૨૬૦૧ છે. બુકીંગ કરાવવા માટે અહીંની ઓફિસના સંચાલકશ્રીનો નંબર ૯૩૨૭૨૩૩૧૭૬ છે. પશુપક્ષીઓના પ્રાકૃતિક જીવનનું રક્ષણ કરતો આ ઉદ્યાન ખરેખર જોવા જેવો છે.

અમે અહીં ફરવાનો સંતોષ મેળવીને તથા ઘણી બધી માહિતી પ્રાપ્ત કરીને બપોર પછી વડોદરા તરફ પાછા વળ્યા.

જાખણ મંદિર

જાખણ મંદિર

અમે દર વર્ષે દિવાળીના તહેવારોમાં ક્યાંક ફરવા જવાનું ગોઠવી દેતા હોઈએ છીએ. એક દિવાળીએ અમે લીમડી પાસે આવેલ જાખણ મંદિરે જવાનું નક્કી કર્યું. અમદાવાદથી જાખણ ૧૦૦ કી.મી. દૂર છે.

અમદાવાદથી રાજકોટના રસ્તે, લીમડી આવવાના ૮ કી.મી. બાકી રહે ત્યારે જાખણ આવે. રોડને અડીને જ આ મંદિર આવેલું છે. નામ છે રાજરાજેશ્વર ધામ – જાખણ. મંદિર બહુ જ ભવ્ય છે. ૨૦૦૭માં બન્યું છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું એકસાથે મંદિર હોય એવું આ એક જ સ્થળ છે.

અહીં દેશની બધી નદીઓનાં પાણી લાવીને બનાવેલું એક સરોવર છે. પાછળ સર્વધર્મ મંદિર છે. યોગને લગતો પ્રદર્શન હોલ છે. અહીં હોસ્પિટલ છે, સ્કુલ છે, એક રેસીડેન્શીયલ સ્કુલ બની રહી છે. લાયબ્રેરી છે, યોગ વિદ્યાલય છે અને ખુલ્લી જગા તથા બાગબગીચા ધરાવતું નૈસર્ગિક વાતાવરણ છે. અહીં જમવા તથા રહેવાની વ્યવસ્થા છે. દર્શને આવનાર દરેકને ફ્રી જમવાનું મળે છે. મલાવ-કાયાવરણના રાજશ્રી મુનિના સહયોગથી આ મંદિર ચાલે છે.

આ સાથે જાખણ મંદિરના ફોટા મૂક્યા છે. એક વાર આ મંદિરના દર્શને જરૂર જજો. અમદાવાદથી સવારના નીકળો તો બપોર પછી તો પાછા અમદાવાદ આવી જવાય. અનુકૂળ હોય તો વચ્ચે બગોદરામાં નવકારધામ તથા બગોદરાની નજીક અરણેજનાં બૂટભવાની માતાનાં દર્શન પણ કરી લેવાય.

કોટેશ્વર મહાદેવ

કોટેશ્વર મહાદેવ

અરબી સમુદ્રને કિનારે પ્રભાસપાટણમાં બિરાજમાન ‘સોમનાથ મહાદેવ’ જેવું શીવમંદિર અમદાવાદમાં જોવા મળે તો કેવો આનંદ થાય ! હા, આવા દેખાવવાળુ એક મંદિર અમદાવાદમાં આવેલું છે ! એ છે સાબરમતી વિસ્તારમાં મોટેરા સ્ટેડીયમથી આશરે ત્રણેક કી.મી. દૂર સાબરમતી નદીને કિનારે આવેલું કોટેશ્વર મહાદેવ.  નદી કિનારે શાંત વિસ્તારમાં બાગબગીચા ધરાવતું આ મંદિર ખરેખર દર્શનીય છે. એક રવિવારની સાંજ આ મંદિર આગળ ગાળવા જેવી છે. તક મળે તો અહીં શીવજીનાં દર્શન કરવા જરૂર જજો.

વાર્તા ‘ભટ્ટ સાહેબ’

ભટ્ટ સાહેબ

     કોલેજમાં હડતાલનો માહોલ બરાબર જામ્યો હતો. બે દિવસથી શરુ થયેલી હડતાલમાં આજે તો કોલેજના બધા જ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા હતા. કોલેજના ગેટ આગળનું વાતાવરણ તંગ હતું.

જયારે હડતાલ પડે ત્યારે થોડા બળુકા વિદ્યાર્થીઓ આપોઆપ વિદ્યાર્થી નેતા બની જતા હોય છે અને તેઓ મોખરે રહીને બીજા વિદ્યાર્થીઓને દોરતા હોય છે. બીજા વિદ્યાર્થીઓને ગમે કે ના ગમે તો પણ આવા નેતા જેવા વિદ્યાર્થીઓની પાછળ ઘસડાવું પડતું હોય છે.

હડતાલનું કારણ હતું અનામતનો પ્રશ્ન. કોલેજના એડમીશન દરમ્યાન, થોડી સીટો અનામત રાખવા સામેનું આ આંદોલન હતું. આ વાત ૧૯૮૦ના દાયકાની છે. તે વખતે અનામત સામેના આંદોલને જોર પકડ્યું હતું. કોલેજોમાં હડતાલો પડતી હતી. એમાં ય અમદાવાદની એન્જીનીયરીંગ કોલેજોમાં તો ખાસ. આવું થાય ત્યારે રાજકીય પક્ષો પણ એક યા બીજા પક્ષના વિદ્યાર્થીઓને ટેકો આપે, વિદ્યાર્થીઓને શૂર ચડાવે અને પોતાની ખીચડી રાંધી લે.

હડતાલમાં વિદ્યાર્થીઓ તોફાને ચડે ત્યારે પથ્થરબાજી કરે, બારીબારણાંના કાચ તોડી નાખે, કોઈકને વગર વાંકે ધીબી કાઢે. આવું બને તેને કાબૂમાં રાખવા પ્રીન્સીપાલ પોલિસને બોલાવે, પોલિસ આવે એટલે વિદ્યાર્થીઓમાં નાસભાગ મચે, વિદ્યાર્થીઓ પોલિસ પર પથરા પણ મારે અને જે વિદ્યાર્થી પોલિસના હાથમાં ઝલાઈ જાય તેનું તો આવી જ બને. પોલિસ તેની બરાબર ધોલાઈ કરી નાખે. પોલિસ એવા સંજોગો ઉભા કરી દે કે કોઈ વિદ્યાર્થીની કેરિયર રોળાઈ જાય.

તો વાત હતી અમારી એન્જીનીયરીંગ કોલેજમાં શરુ થયેલ હડતાલની. આજે ત્રીજા દિવસે હડતાલ વધુ વકરી. પ્રીન્સીપાલે પોલિસની કુમક બોલાવી અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વગર વિદ્યાર્થીઓ વિખરાઈ ગયા. પોલિસના હાથમાં કોઈ ન આવ્યું. પણ પોલિસે અમુક વિદ્યાર્થીઓને દાઢમાં રાખી લીધા.

ચોથા દિવસે પણ હડતાલ યથાવત હતી. વિદ્યાર્થીઓ બહાર શોરબકોર કરતા હતા. જો પોલિસ આવે તો તે અમુક વિદ્યાર્થીઓને પકડીને હડતાલ કમજોર બનાવી દે એવું લાગતું હતું.

અમારી કોલેજમાં ત્યારે પ્રોફેસર ભટ્ટ એક વિદ્વાન અને બાહોશ પ્રોફેસર હતા. તેઓ ભણાવવામાં જેટલા નિપુણ એટલા જ શિસ્તના પણ કડક આગ્રહી હતા. તેમના નામથી વિદ્યાર્થીઓ બહુ ગભરાય, તેમની સામે આવતાં ડરે. એટલું જ નહિ, અન્ય જુનિયર લેકચરરો પણ ભટ્ટ સાહેબના રુઆબ આગળ ખૂબ શિસ્તમાં રહે. આમ છતાં, ભટ્ટસાહેબ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાગણીશીલ. વિદ્યાર્થીઓનું હમેશાં ભલું ઈચ્છે. વિદ્યાર્થીની સારી કારકિર્દી બનાવવા માટે તેઓ હમેશાં પ્રયત્નશીલ રહે.

અત્યારે હડતાલને કારણે ભટ્ટસાહેબ ખૂબ જ વ્યથિત હતા. તેઓ ઇચ્છતા હતા કે વિદ્યાર્થી હડતાલ સમેટાઈ જાય અને કોઈ પણ વિદ્યાર્થી તેનો ભોગ ન બને. તેમણે આ હડતાલમાં શું કરવું જોઈએ તે અંગે બરાબર વિચારી લીધું. અને પછી પ્રીન્સીપાલને મળવા ગયા, બોલ્યા, ‘સર, મારે આપની સાથે થોડી વાત કરવી છે.’

પ્રીન્સીપાલ કહે, ‘બોલો, જલ્દી બોલો, બહારની પરિસ્થિતિ જોતાં આજે પણ પોલિસને બોલાવ્યા સિવાય ચાલે તેમ નથી.’

ભટ્ટસાહેબ કહે, ‘સર, હું આ બાબતે જ વાત કરવા આવ્યો છું. આજે પોલિસને ન બોલાવો તો સારું’

પ્રીન્સીપાલ અકળાયા, ‘અરે ભટ્ટ, આ તમે શું કહો છો ? પોલિસને ન બોલવું એમ ? શું કોલેજના જાનમાલની અને આપણા બધાની રક્ષા નથી કરવી ? કોણ સાચવશે આ બધું ? આપણે કોલેજ નથી ચલાવવાની ?’

પ્રીન્સીપાલ આવેશમાં બોલી ગયા. પછી ભટ્ટ સાહેબે કહ્યું, ‘સાહેબ, આપણે જરૂર આ બધાની રક્ષા કરવી છે. પણ સાથે સાથે વિદ્યાર્થીઓની પણ રક્ષા કરવી છે. આપણો કોઈ વિદ્યાર્થી આમાં ભોગ ન બની જાય, એ પણ આપણે ધ્યાન રાખવું રહ્યું.’

પ્રીન્સીપાલ કહે, ‘પણ અત્યારે એમાં હું બીજું શું કરું ?’

ભટ્ટ સાહેબ બોલ્યા, ‘સાહેબ, મને આજનો એક દિવસ આપો. હું આજે એક પ્રયત્ન કરું છું.’

પ્રીન્સીપાલની સંમતિ લઇ ભટ્ટ સાહેબ કોલેજના ગેટ આગળ આવ્યા. બહાર બરાબર ઉશ્કેરાટ હતો. અમારા જેવા બેચાર લેક્ચરર સાહેબો પણ ભટ્ટસાહેબની પાછળ જઈને ઉભા રહ્યા. ભટ્ટસાહેબ થોડી વાર તો એ તમાશો જોઈ રહ્યા. વિદ્યાર્થીઓ ઉછળી ઉછળીને બૂમો પાડી રહ્યા હતા,

‘અનામતો દૂર કરો’

‘વિદ્યાર્થી એકતા ઝીંદાબાદ’

‘હમસે જો ટકરાયેગા, મિટ્ટીમેં મિલ જાયેગા’

ભટ્ટસાહેબને જોઈને વિદ્યાર્થીઓને વધુ શૂરાતન ચડ્યું. ભટ્ટસાહેબે જોયું તો ચારેક લીડર જેવા વિદ્યાર્થીઓ, બીજા વિદ્યાર્થીઓને આ રીતે સૂત્રો બોલાવડાવતા હતા. સાહેબે આ ચાર જણાને બરાબર ધ્યાનમાં રાખી લીધા. થોડી વાર સુધી, તેમનો મૂડ જોયા કર્યો અને પછી કશી પરવા કર્યા વિના, વીજળીવેગે ટોળામાં દોડી ગયા અને બે હાથથી પેલા ચારમાંથી બે જણાને ઝબ્બે કરીને, ઝડપથી કોલેજના ગેટ આગળ ખેંચી લાવ્યા. કોઈ કશું વિચારે ત્યાર પહેલાં તો તેઓ, પેલા બે જણને લઈને કોલેજમાં પાછા આવી ગયા. ટોળામાં જો તેઓ થોડું વધારે રોકાઈ ગયા હોત તો બધા વિદ્યાર્થીઓ તેમના પર તૂટી પડ્યા હોત.

ભટ્ટસાહેબની પાછળ અમે બધા કોલેજની ઓફિસમાં દોડી ગયા. પેલા બે વિદ્યાર્થીઓ પકડાઈ જવાથી, બીજા બે વિદ્યાર્થી નેતાઓ પણ “સાહેબ, સાહેબ, એમને છોડો” એમ બોલતા ઓફિસ સુધી આવી ગયા. હવે, ચારે ય લીડરો કોલેજની ઓફિસમાં હતા. લીડરો પકડાઈ જવાથી, બહાર બીજા વિદ્યાર્થીઓમાં તો સોંપો પડી ગયો. તેઓમાં પોતાની હિંમત તો હતી નહિ. ચાર વિદ્યાર્થીરૂપી ખીલાને જોરે એ બધા કૂદી રહ્યા હતા. તેઓ બધા તો થોડી વારમાં વિખરાઈ ગયા.

હવેની ઘડી ભટ્ટસાહેબે સાચવવાની હતી. પેલા ચાર વિદ્યાર્થીઓને કઈ રીતે સાચે રસ્તે ચડાવવા એમાં એમની કસોટી થવાની હતી. અત્યારે તરત તો એ ચારે ય ઉશ્કેરાયેલા હતા, એટલે તેમને કોઈ ઉપદેશ આપવાનો અર્થ ન હતો. કોઈ સલાહની તેમના પર અસર થવાની ન હતી. અત્યારે તો તેમને બેસાડી રાખવામાં જ સાર હતો.

તેમને એક રૂમમાં બેસાડી દીધા. ભટ્ટસાહેબની સૂચનાથી અડધા કલાક પછી હું અને બીજા એક સર, એ વિદ્યાર્થીઓને મળવા ગયા. શાંતિથી વાતો શરુ કરી. એમને જે બોલવું હતું તે બોલવા દીધું. દસેક મિનિટના ઉશ્કેરાટ પછી, અને તેમને કોઈ શાંતિથી સાંભળનાર મળવાથી તેઓ શાંત થયા. પછી ભટ્ટસાહેબ અંદર આવ્યા અને વાત શરુ કરી.

‘જુઓ ભાઈ, તમારે હડતાલ ચાલુ રાખવી હોય તો રાખો, મને કોઈ વાંધો નથી. મને તમારા માટે અને તમારા પ્રશ્ન માટે હમદર્દી છે. હું તમારી સાથે છું.’

ભટ્ટસાહેબની વાતથી ચારે જણ દિગ્મૂઢ થઇ ગયા. તેમને તો એમ હતું કે સાહેબ બરાબર ખખડાવશે, કદાચ મારે પણ ખરા. અને પોલિસને સોંપી દે તો પોલિસ તેમને ખોખરા કરી નાખે. કદાચ કેરિયર બનવામાં ય ખતરો આવી જાય. આવી ધારણાને બદલે અહીં તો ઉલટું બની રહ્યું હતું. “હું તમારી સાથે છું” શબ્દોએ તો ગજબની અસર કરી હતી.

ભટ્ટસાહેબની વાતથી ચારે ય જણ હળવા બની રહ્યા હતા. સાહેબની વાણી આગળ ચાલી, ‘પણ તમારાથી કે મારાથી તમારો પ્રશ્ન ઉકેલી શકાય એમ છે ખરો ? જરા વિચારો. મારી વાત ધ્યાનથી વિચારો. અને બીજું, ધારો કે તમે પોલિસના હાથે પકડાઈ જાવ, તો શું થાય ? કેસ થાય તો નિવેડો ક્યારે આવે ? તમારી કારકિર્દીનું શું ? સમાજમાં તમારું સ્થાન શું ?’

સાહેબના વાણીપ્રવાહને ચારે ય જણા તાબે થઇ રહ્યા હતા. તેઓ પકડાયા હોવા છતાં, તેઓને કંઈ નહિ થાય, એ વાતથી તેઓ ખુશ હતા. ભટ્ટસાહેબે આગળ ચલાવ્યું, ‘જો તમે હડતાલમાં લીડર બનવાનું છોડી, અભ્યાસ તરફ ધ્યાન આપવા માગતા હો તો હું તમારી કેરિયર ખૂબ સારી બને તે માટે મદદ કરવા તત્પર છું.’

અને એ બધા ભટ્ટસાહેબને વશ થઇ ગયા. હવે, વધુ કંઈ કહેવાની જરૂર ન હતી. આભારવશ તેઓ ભટ્ટસાહેબને જોઈ રહ્યા. સાહેબે એ ચારેયના વાલીઓને બોલાવીને પણ સલાહસૂચન આપ્યાં.

હડતાલ તો તરત જ સમેટાઈ ગઈ. એ ચારેય વિદ્યાર્થી તથા બીજા વિદ્યાર્થીઓનું ભટ્ટસાહેબ માટે માન ખૂબ જ વધી ગયું. ભટ્ટસાહેબે પણ તેમની કારકિર્દી ઘડવામાં ઘણો ફાળો આપ્યો.

બધા જ પ્રોફેસરો ભટ્ટસાહેબ જેવા બને તો ?

પતિ – પત્નીના જોક્સ

વ્હાલા વાચકો, ઘણા દિવસથી હું મારા બ્લોગ પર કંઈ લખી નથી શક્યો. આજે ‘પતિ – પત્નીના જોક્સ’ થી શરૂઆત કરું છું. મજા આવી હોય તો પ્રતિભાવ આપશોજી.

પતિ – પત્નીના જોક્સ

(૧)

સાસુ : જમાઈ, આવતા જન્મે તમે શું થવા ઈચ્છો છો ?

જમાઈ : ગરોળી

સાસુ : કેમ ?

જમાઈ : તમારી દીકરી ફક્ત એનાથી જ બીએ છે.

(૨)

વિનોદ : યાર, આજે મારે ઘેર જવાનું મોડું થઇ ગયું. મારે જલ્દી ઘેર પહોંચવું પડશે.

મારી પત્ની મારા વગર જમતી જ નથી.

મનીષ : ખરેખર ? શું, તારી પત્ની તને આટલો બધો પ્રેમ કરે છે ?

વિનોદ : હા, પણ રસોઈ તો મારે જ કરવાની હોય છે.

(૩)

પત્ની : સાંભળો છો ? અમદાવાદમાં મગજના તાવની બીમારી ફાટી નીકળી છે. આજે જ

મુંબઈની ટીકીટ લઇ આવો. આપણે મુંબઈ જતાં રહીએ.

પતિ : તું ચિંતા ના કર. તને કશું ય નહિ થાય. આ બીમારી એમને લાગુ પડે છે, જેમને

મગજ હોય.

(૪)

દિકરો : પપ્પા, હું એટલો મોટો ક્યારે થઈશ, જયારે મારે બહાર જતી વખતે મમ્મીની રજા

લેવી ન પડે ?

પપ્પા : બેટા, એટલો મોટો તો હજી હું પણ નથી થયો.

(૫)

જગત : યાર મેહુલ, તું બહારગામ તો જાય છે, પણ મારાં લગ્ન વખતે તો પાછો આવી
જઈશ ને ?

મેહુલ : હાસ્તો વળી ! હું મિત્રને મુસીબતના વખતે એકલો છોડી દેવા નથી માગતો.

(૬)

એક ફકીર, તકલીફોને દૂર કરવા માટેનાં તાવીજ બનાવી આપતો હતો. એક વકીલે તેને કહ્યું, ‘એવું તાવીજ બનાવી આપ કે જેનાથી પત્નીની કટકટ ઓછી થાય.’

ફકીરે કહ્યું, ‘એવું તાવીજ જો બનાવી શકાતું હોત તો હું ફકીર થયો ન હોત.’

‘રંગનાં નામ’ લીસ્ટ

‘રંગનાં નામ’ લીસ્ટ

લાલ                   કાળો                   શામળો

લીલો                  ધોળો                   કથ્થઈ

પીળો                  સફેદ                   ગોરો

વાદળી               મરૂન                   ભગવો

ભૂરો                    રાખોડી                કાબરચીતરો

જાંબલી              આસમાની           ઉદો

નારંગી              હળદરીયો           ગળી

નીલો                 કેસરી                   રતૂમડો

રાતો                  ગેરુ                      રાની

ગુલાબી            કીરમજી                જાંબુડીયો

તપખીરિયો       પોપટી                  મોરપીંછ

સોનેરી             દૂધિયો                  રામા

રૂપેરી                 ખાખી                   રીંગણી

બદામી            લક્કડીયો              ભીનો

ઘઉંવર્ણો          ભૂખરો                   છીંકણી

શ્યામ               મ્હેંદી

રંગનાં નામ

ઘણા વખતથી હું ‘પ્રવાસ’ અને ‘વાર્તાઓ’ લખી રહ્યો છું. આજે, મગજને સહેજ તસ્દી આપવી પડે એવી વાત કરીએ.

                                              રંગનાં નામ 

ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દો ‘રંગના નામ’ માટે વપરાય છે. દા.ત. પીળો, લીલો, સોનેરી વગેરે. આવા કેટલા શબ્દો તમને યાદ આવે છે ? જેટલા યાદ આવે તેનું લીસ્ટ બનાવો. મેં આવા ૪૧ શબ્દો શોધ્યા છે. આપે શોધેલા શબ્દો મને ઇમેલમાં મોકલી શકો છો. મારું ઈમેલ એડ્રેસ pravinkshah@gmail.com છે. એક અઠવાડિયા પછી, હું આવા શબ્દોનું લીસ્ટ તથા તમારા જવાબો મારા બ્લોગ પર મૂકીશ.

વાર્તા – બેગની બલિહારી !

                                                      

                                                          બેગની બલિહારી !

     અમદાવાદના એરપોર્ટ પર મુંબઈથી આવેલા વિમાને, ઘરઘરાટી સાથે ઉતરાણ કર્યું. વિમાનનું બારણું ખુલતાં જ પેસેન્જરો ઉતરીને કન્વેયર બેલ્ટ પરથી પોતપોતાનો સામાન લેવા પહોંચ્યા.

બધા મુસાફરોની સાથે આશકા પણ બેલ્ટ તરફ ચાલી. તેને પોતાનો સામાન લઇ, જલ્દીથી ઘેર પહોંચવું હોય એવું એની ચાલ પરથી લાગતું હતું. ગૌર બદન અને પાતળી સોટા જેવી ઉંચી કાયા ધરાવતી આશકા બ્લ્યુ જીન્સ અને આછા ગુલાબી ટોપમાં આધુનિક યુવતિ હોવાનું પ્રમાણ પૂરું પાડતી હતી. ચહેરા પર છૂટા વાળની સેરો પવનમાં લહેરાઈને ચહેરાને  વધુ સુંદર બનાવતી હતી. આંખ પરના કાળા ગોગલ્સ, માથાના વાળ પર ચડાવી આજુબાજુ જોતી તે ઝડપથી બેલ્ટ તરફ ચાલતી હતી. તેની ચપળતા જોઈને અને ઉંચી હીલના સેન્ડલનો ચપ ચપ અવાજ સાંભળીને, આજુબાજુવાળાઓનું  ધ્યાન તેના તરફ અચૂક જતું હતું. આશકા બેલ્ટ આગળ જઈને ઉભી રહી. તેના સામાનમાં તો આછા લીલા કલરની એક એટેચી જ માત્ર હતી. મુંબઈથી અમદાવાદ એક દિવસના ઇન્ટરવ્યૂ માટે આવેલી વ્યક્તિનો સામાન કેટલો હોય ? તેને આજે અગિયાર વાગે ગ્રીનવેલી કંપનીની ઓફિસે પહોંચવાનું હતું. એટેચીને બેલ્ટ પરથી ઉઠાવી, આશકા રીક્ષા કરીને નવરંગપુરામાં માસીને ઘેર જવા રવાના થઇ.

વિમાનમાંથી છેલ્લો ઉતરનાર મુસાફર હતો મી. આદિત્ય ઝવેરી. તે મારા મિત્ર શ્રીકાંત ઝવેરીનો લાડકોડમાં ઉછરેલો પુત્ર હતો. શ્રીમંત બાપનો નબીરો હતો. મનમાની રીતે જીવવા વાળો હતો, છતાં યે મિલનસાર અને બુદ્ધિશાળી હતો. રખડવાનો શોખીન જીવ હતો. તેની સાથે થોડો યે સમય પસાર કરનારને તેની સાથે સારું ફાવી જતું. મિત્રપુત્રના નાતે તે મારો ભત્રીજો હોવાની સાથે મારો મિત્ર પણ હતો. તેણે કોમર્સ ગ્રેજ્યુએશન કરી, વધુ ભણવાનું મુલતવી રાખી, બાપનો ધંધો સંભાળી લીધો હતો.

છેલ્લી ઘડીએ ટીકીટ બુક કરાવીને, છેલ્લો ઉતરનાર આદિત્ય આરામથી બેલ્ટ આગળ પહોંચ્યો ત્યારે બેલ્ટ પર માત્ર તેની જ એક એટેચી પડી હતી. નફકરા લાગતા આદિત્યે એટેચી ઉઠાવી, ખભે ભરાવીને ચાલતી પકડી. બહાર તેને લેવા આવનાર ડ્રાઈવર મહેશ રાહ જોતો ઉભો હતો. આદિત્યને જોઈને તે બોલી ઉઠ્યો, ‘નાનાશેઠ, આવી ગયા ? કાંઈ તકલીફ તો નથી પડી ને ?’

‘અરે ! તકલીફ શું પડવાની હતી ? લે, આ એટેચી. મૂક ગાડીમાં.’

મહેશે એટેચી હાથમાં લીધી. તેને એટેચી વજનદાર લાગી. બોલ્યો, ‘ શેઠ, મુંબઈથી ખરીદી કરી લાવ્યા છો કે શું ? તમે ગયા ત્યારે તો એટેચી આટલી વજનદાર ન હતી.’

આદિત્ય બોલ્યો, ‘અરે, મૂક ને માથાકૂટ વજનની. તું ય શું સવારના પહોરમાં લઇ મંડ્યો છે.’

પણ ચૂપ રહે તો મહેશ શાનો ? ‘શેઠ, આજનો તમારો પ્રોગ્રામ જાણો છો ને ? મોટા શેઠે કહ્યું છે કે તમારે જમીને તરત ઓફિસે પહોંચી જવું.’

આદિત્ય બોલ્યો, ‘સારું જા, હું ઘેર જમીને તરત ઓફિસે જવા નીકળીશ. બસ, હવે આગળ કંઈ બોલતો નહિ.’

ગાડી ઘેર પહોંચી. પપ્પા તો ક્યારના ય ઓફિસે જતા રહ્યા હતા. મમ્મી તો હતી નહિ. વરસો પહેલાં, આદિત્યને મૂકીને, પ્રભુને ત્યાં સિધાવી ગઈ હતી. પણ પપ્પા શ્રીકાંતભાઇની કાળજી અને સારા સંસ્કારોથી આદિત્ય ખરાબ રવાડે ચડતાં બચી ગયો હતો. હા, થોડો બેદરકાર અને નચિંત જીવ ખરો. શ્રીકાંતભાઇ હવે તેને પરણાવી દેવા અધીરા બન્યા હતા. અત્યારે તો રસોયણ બાઈ રસોઈ કરીને જમાડતી હતી, પણ ઘરની વહુ રસોઈ કરે તેમાં ફેર તો પડે ને ?

આદિત્યે તૈયાર થવા માટે એટેચી ખોલી. પણ આ શું ? તેના આશ્ચર્ય વચ્ચે, એટેચીમાંની કોઈ વસ્તુ તેની પોતાની ન હતી. અંદર હતાં પફપાઉડર, બંગડીઓ, ગળાનો નકલી હાર, બુટ્ટી, લેડીઝના ડ્રેસ વગેરે વગેરે. ‘નક્કી કંઇક ગરબડ થઇ છે. કોઈકે મારો સામાન ચોરીને લેડીઝનો સામાન ભરી દીધો લાગે છે. મહેશ સાચુ જ કહેતો હતો કે એટેચીનું વજન વધી ગયું છે.’

તેના મનમાં ઝબકારો થયો, ‘કદાચ આખી એટેચી જ બદલાઈ ગઈ લાગે છે. બીજા કોઈકની આવા જ રંગની આવી એટેચી હશે, એણે ભૂલમાં મારી એટેચી બેલ્ટ પરથી ઉઠાવી લીધી હોય એવું બને. હું તો છેલ્લો પ્રવાસી હતો, એટલે ખબર પડી હોત તો પણ મારી એટેચી શોધવા ક્યાં જાત ?’

પણ હાલપૂરતી આ વાત બાજુએ રાખી, ઘરમાંની સાધનસામગ્રીની મદદથી નહાવાધોવાનું પતાવી, આદિત્ય ઓફિસે પહોંચ્યો. આજે ઓફિસમાં રીસેપ્શનીસ્ટની જગા માટેના ઇન્ટરવ્યૂ રાખેલ હતા. પપ્પાએ ઇન્ટરવ્યૂ લેવાનું ક્યારનું ય શરુ કરી દીધું હતું. ચારેક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પતી ગયા હતા. પટાવાળાએ પાંચમા ઉમેદવારના નામની બૂમ પાડી, ‘મીસ આશકા મોદી.’

મીસ આશકા મોદી એટલે આપણી આ વાર્તાની હીરોઈન આશકા. તે રૂમની અંદર આવી. તેણે પહેરેલાં કપડાં જોઈને શ્રીકાંતને જરા કૂતુહલ થયું. ઝભ્ભો અને સફેદ લેંઘો, વાળ છૂટ્ટા, હાથે બંગડી નહિ, ગળામાં માળા નહિ, કાને એરીંગ નહિ. એક છોકરા જેવો દેખાવ જોઈ, શ્રીકાંત સહેજ નવાઇ પામ્યા. પણ તેમણે તો ઇન્ટરવ્યૂ લેવાનું શરુ કરી દીધું.

‘મીસ…….’

આશકા બોલી, ‘હું મીસ આશકા મોદી, સર’

શ્રીકાંત, ‘આશકા, તમે અહીં અમદાવાદમાં જ રહો છો ? કે બહાર ?’

આશકા, ‘સર, હું મુંબઈથી આવું છું. અહીં મારાં માસીનું ઘર છે ત્યાં ઉતરી છું.’

શ્રીકાંત, ‘રીસેપ્શનીસ્ટની જવાબદારી ઘણી મોટી હોય છે. આગંતુકનું સ્મિત અને પ્રેમાળ શબ્દોથી સ્વાગત કરવું, એ ખૂબ જરૂરી બાબત હોય છે.’

આશકા, ‘હું એ જવાબદારી સમજુ છું, સર.’

શ્રીકાંત, ‘પણ આશકા, મુંબઈમાં રહેનારને અમદાવાદની આ નોકરી ફાવશે ખરી ? અહીં ક્યાં રહેશો ? અવારનવાર મુંબઈ જવાનું મન નહિ થઇ જાય ?’

આશકા, ‘સર, તમે કહો છો એવું થાય ખરું, પણ અમે મૂળ તો અમદાવાદના જ વતની છીએ, એટલે અમદાવાદનું આકર્ષણ છે. અને બીજુ, ભવિષ્યમાં જો મારાં લગ્ન અમદાવાદમાં થાય તો પછી અમદાવાદમાં જ રહેવાનું થાય ને ?’

શ્રીકાંતભાઈને આશકાનો જવાબ ગમી ગયો. આદિત્ય માટે ગૃહિણી શોધવાની છે તે મનમાં યાદ આવી ગયું. તેઓ આશકાને નોકરીએ રાખવાનું વિચારતા હતા એવામાં આદિત્ય ઓફિસમાં દાખલ થયો. એની નજર આશકા પર પડી. તેના માથાથી પગ સુધી તેની નજર ફરી વળી. તેને પણ આશકાએ પહેરેલાં કપડાં જોઈને અચરજ થયું. બિલકુલ પૂરુષનાં જ કપડાં. એટલું જ નહિ, એવાં કપડાંની એક જોડ એની પોતાની પાસે પણ હતી ! પણ આજે એ જોડ પેલી એટેચીમાંથી ગુમ હતી ! કદાચ એ કપડાં જ આ છોકરીએ પહેર્યાં હોય. અર્થાત….? ‘એનો અર્થ એવો કે આ છોકરીની અને મારી એટેચી અદ્દલ સરખી હતી ? અને આ છોકરી પણ સવારે મુંબઈથી આવી હોય અને ભૂલથી મારી એટેચીને પોતાની સમજીને, એ ઉપાડીને ચાલી નીકળી હોય.’

આશકા તો સંકોચ અનુભવતી હતી. ‘ઇન્ટરવ્યૂ લેનાર વડિલ અને આ જુવાનિયો મારાં કપડાં જોઈને કેમ ચમકે છે ? શું મેં પૂરુષનાં કપડાં પહેર્યાં છે એટલે ? પણ એમને શું ખબર પડે કે મારી બેગ એરપોર્ટ પર બદલાઈ ગઈ છે ! એમાં મારી આ દશા થઇ છે !’

છેવટે આદિત્યે મૌન તોડ્યું, ‘મેડમ, તમે મુંબઈથી આજે સવારની ફ્લાઈટમાં જ આવ્યાં ?’

આશકા જરા ગભરાઈ, ‘આ જુવાનિયો આ બધુ ક્યાંથી જાણી ગયો ?’ બોલી, ‘જી’

આદિત્ય, ‘તમારા સામાનમાં આછા લીલા રંગની એક એટેચી છે ને ?’

આશકાને થયું કે ‘મારી ઉલટતપાસ થઇ રહી છે કે શું ?’ બોલી, ‘હા, કેમ ?’

આદિત્ય, ‘બસ મેડમ, તાળો મળી ગયો. તમે પહેર્યાં છે તે કપડાં મારાં છે.’

આશકાને હજુ કશી ગતાગમ પડતી ન હતી. એને તો એમ કે ‘આ બંને જણ મારાં કપડાંની પાછળ પડી ગયા છે. હું ઇન્ટરવ્યૂ આપવા આવી છું કે પોલિસ ચોકીએ ?’

આખરે આદિત્યે ભેદ ખોલ્યો, ‘મેડમ, હું પણ આજ સવારની જ ફ્લાઈટમાં મુંબઈથી આવ્યો છું. આપણા બંનેની એટેચી આછા લીલા રંગની અને એકસરખા દેખાવની છે. તમે મારી એટેચી લઈને દોડ્યાં અને છેલ્લે વધી તે તમારી એટેચી હતી, તેને મારી સમજીને હું લઇ ગયો. એવું બને કે તમારી પાસે બીજાં કપડાં નહિ જ હોય એટલે મારી એટેચીમાંનાં મારાં કપડાં પહેરીને તમે અહીં પહોંચી ગયાં. અને ઈત્તફાક તો કેવો કે તમારે બીજે ક્યાંય નહિ ને ઇન્ટરવ્યૂ માટે અહીં મારી સામે જ આવવાનું થયું ! ચોર, ચોરેલો સામાન સામે ચાલીને સોંપવા આવે તે આનું નામ !’ એમ કહીને આદિત્ય ખડખડાટ હસવા માંડ્યો.

આશકાના મન પરથી પણ હવે ભાર હળવો થઇ ગયો. તે ય હસવા માંડી. અને બોલી, ‘એ મીસ્ટર, હું ચોર નથી હોં. હવે મને મારી એટેચી પાછી આપો, નહિ તો તમે પણ ચોર, મારા જેવા.’

શ્રીકાંતભાઈ આખી વાતનો મર્મ પામી ગયા. એ પણ હાસ્યમાં જોડાઈ ગયા. તેમણે આશકાને નોકરી માટે પસંદ કરી જ, અને ભવિષ્યમાં બધુ બરાબર લાગે તો આશકાને, આદિત્ય માટે પણ પસંદ કરવાનું મનોમન વિચારી લીધું.

આશકાનો જવાબ સાંભળી, આદિત્ય ઓર ખીલી ઉઠ્યો. આશકા દેખાવમાં તો તેને ગમી જ ગઈ હતી. બોલ્યો, ‘ભલે હું ચોર, મને તો તમારું દિલ ચોરવાનું પણ મન થઇ ગયું છે, જો તમારી મંજૂરી હોય તો.’

આશકા શરમાઈ ગઈ, ‘મને નોકરી તો શરુ કરવા દો. પછી જે ચોરવું હોય તે ચોરજો.’

કહેવાની જરૂર ખરી કે આદિત્ય અને આશકા, એક જ ઓફિસમાં કામ કરતાં કરતાં પરણી ગયાં ? ફક્ત બેગ બદલાઈ જાય, એ નજીવી ઘટના ક્યારેક બે જણને કેવાં જોડી દે છે !

આ ઘટનાના એક વર્ષ પછી હું, મારી પત્ની, મારો મિત્ર કમ ભત્રીજો આદિત્ય અને આશકા, એક ગૃપની સાથે, જબલપુરની નજીક આવેલા કાન્હા નેશનલ પાર્કના પ્રવાસે નીકળ્યા. ફરવાનો શોખ તો અમને બધાને એકસરખો. અમારો મુકામ કાન્હા રીસોર્ટમાં હતો. રીસોર્ટ આગળ ઉતર્યા ત્યારે અંધારું પડી ગયું હતું. બસમાંથી અમારો બધાનો સામાન ઉતર્યો તેમાંથી અમારી બેગો ઉપાડીને અમે અમારી રૂમમાં પહોંચ્યા. રૂમ ખોલીને બેગો અંદર લીધી. થોડી વારમાં અમારા ગૃપનો એક છોકરો દોડતો અમારી રૂમમાં આવ્યો અને બોલ્યો, ‘તમારું નામ પ્રવીણભાઈ છે ?’

મેં કહ્યું, ‘હા, શું છે એનું ?’

તે બોલ્યો, ‘કાકા, તમારી બેગ બદલાઈ ગઈ છે, અને તે અમારી સાથે આવી ગઈ છે. એ બેગ પર એક ખૂણામાં ‘પ્રવીણભાઈ’ લખેલું વાંચી, તમને શોધતો શોધતો હું અહીં આવ્યો.’

મેં ઉંચકી લાવેલી બેગ ધ્યાનથી જોઈ. તે મારી ન હતી. હું ભૂલથી બીજાની બેગ લઈને આવી ગયેલો. મેં એ બેગ પાછી આપી અને મારી બેગ મેળવી લીધી. મારો ભત્રીજો આદિત્ય અને આશકા બાજુમાં જ ઉભાં ઉભાં આ તમાશો જોઈ રહ્યાં હતાં અને મંદ મંદ હસી રહ્યાં હતાં. આદિત્ય બોલ્યો, ‘કેમ કાકા, શું વિચાર છે ? ગઈ સાલ મારી બેગ બદલાઈ ગઈ ત્યારે, મને તો બેગની સાથે સાથે આ આશકી મળી ગઈ. તમને શું મળશે ?’

આદિત્યની કોમેન્ટ સાંભળીને અમે બધાં ય હાસ્ય સાગરમાં ડૂબી ગયાં.

Previous Older Entries

Follow

Get every new post delivered to your Inbox.

Join 137 other followers