‘રંગનાં નામ’ લીસ્ટ
11 Mar 2012 Leave a Comment
‘રંગનાં નામ’ લીસ્ટ
લાલ કાળો શામળો
લીલો ધોળો કથ્થઈ
પીળો સફેદ ગોરો
વાદળી મરૂન ભગવો
ભૂરો રાખોડી કાબરચીતરો
જાંબલી આસમાની ઉદો
નારંગી હળદરીયો ગળી
નીલો કેસરી રતૂમડો
રાતો ગેરુ રાની
ગુલાબી કીરમજી જાંબુડીયો
તપખીરિયો પોપટી મોરપીંછ
સોનેરી દૂધિયો રામા
રૂપેરી ખાખી રીંગણી
બદામી લક્કડીયો ભીનો
ઘઉંવર્ણો ભૂખરો છીંકણી
શ્યામ મ્હેંદી
રંગનાં નામ
03 Mar 2012 1 Comment
ઘણા વખતથી હું ‘પ્રવાસ’ અને ‘વાર્તાઓ’ લખી રહ્યો છું. આજે, મગજને સહેજ તસ્દી આપવી પડે એવી વાત કરીએ.
રંગનાં નામ
ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દો ‘રંગના નામ’ માટે વપરાય છે. દા.ત. પીળો, લીલો, સોનેરી વગેરે. આવા કેટલા શબ્દો તમને યાદ આવે છે ? જેટલા યાદ આવે તેનું લીસ્ટ બનાવો. મેં આવા ૪૧ શબ્દો શોધ્યા છે. આપે શોધેલા શબ્દો મને ઇમેલમાં મોકલી શકો છો. મારું ઈમેલ એડ્રેસ pravinkshah@gmail.com છે. એક અઠવાડિયા પછી, હું આવા શબ્દોનું લીસ્ટ તથા તમારા જવાબો મારા બ્લોગ પર મૂકીશ.
વાર્તા – બેગની બલિહારી !
27 Feb 2012 3 Comments
બેગની બલિહારી !
અમદાવાદના એરપોર્ટ પર મુંબઈથી આવેલા વિમાને, ઘરઘરાટી સાથે ઉતરાણ કર્યું. વિમાનનું બારણું ખુલતાં જ પેસેન્જરો ઉતરીને કન્વેયર બેલ્ટ પરથી પોતપોતાનો સામાન લેવા પહોંચ્યા.
બધા મુસાફરોની સાથે આશકા પણ બેલ્ટ તરફ ચાલી. તેને પોતાનો સામાન લઇ, જલ્દીથી ઘેર પહોંચવું હોય એવું એની ચાલ પરથી લાગતું હતું. ગૌર બદન અને પાતળી સોટા જેવી ઉંચી કાયા ધરાવતી આશકા બ્લ્યુ જીન્સ અને આછા ગુલાબી ટોપમાં આધુનિક યુવતિ હોવાનું પ્રમાણ પૂરું પાડતી હતી. ચહેરા પર છૂટા વાળની સેરો પવનમાં લહેરાઈને ચહેરાને વધુ સુંદર બનાવતી હતી. આંખ પરના કાળા ગોગલ્સ, માથાના વાળ પર ચડાવી આજુબાજુ જોતી તે ઝડપથી બેલ્ટ તરફ ચાલતી હતી. તેની ચપળતા જોઈને અને ઉંચી હીલના સેન્ડલનો ચપ ચપ અવાજ સાંભળીને, આજુબાજુવાળાઓનું ધ્યાન તેના તરફ અચૂક જતું હતું. આશકા બેલ્ટ આગળ જઈને ઉભી રહી. તેના સામાનમાં તો આછા લીલા કલરની એક એટેચી જ માત્ર હતી. મુંબઈથી અમદાવાદ એક દિવસના ઇન્ટરવ્યૂ માટે આવેલી વ્યક્તિનો સામાન કેટલો હોય ? તેને આજે અગિયાર વાગે ગ્રીનવેલી કંપનીની ઓફિસે પહોંચવાનું હતું. એટેચીને બેલ્ટ પરથી ઉઠાવી, આશકા રીક્ષા કરીને નવરંગપુરામાં માસીને ઘેર જવા રવાના થઇ.
વિમાનમાંથી છેલ્લો ઉતરનાર મુસાફર હતો મી. આદિત્ય ઝવેરી. તે મારા મિત્ર શ્રીકાંત ઝવેરીનો લાડકોડમાં ઉછરેલો પુત્ર હતો. શ્રીમંત બાપનો નબીરો હતો. મનમાની રીતે જીવવા વાળો હતો, છતાં યે મિલનસાર અને બુદ્ધિશાળી હતો. રખડવાનો શોખીન જીવ હતો. તેની સાથે થોડો યે સમય પસાર કરનારને તેની સાથે સારું ફાવી જતું. મિત્રપુત્રના નાતે તે મારો ભત્રીજો હોવાની સાથે મારો મિત્ર પણ હતો. તેણે કોમર્સ ગ્રેજ્યુએશન કરી, વધુ ભણવાનું મુલતવી રાખી, બાપનો ધંધો સંભાળી લીધો હતો.
છેલ્લી ઘડીએ ટીકીટ બુક કરાવીને, છેલ્લો ઉતરનાર આદિત્ય આરામથી બેલ્ટ આગળ પહોંચ્યો ત્યારે બેલ્ટ પર માત્ર તેની જ એક એટેચી પડી હતી. નફકરા લાગતા આદિત્યે એટેચી ઉઠાવી, ખભે ભરાવીને ચાલતી પકડી. બહાર તેને લેવા આવનાર ડ્રાઈવર મહેશ રાહ જોતો ઉભો હતો. આદિત્યને જોઈને તે બોલી ઉઠ્યો, ‘નાનાશેઠ, આવી ગયા ? કાંઈ તકલીફ તો નથી પડી ને ?’
‘અરે ! તકલીફ શું પડવાની હતી ? લે, આ એટેચી. મૂક ગાડીમાં.’
મહેશે એટેચી હાથમાં લીધી. તેને એટેચી વજનદાર લાગી. બોલ્યો, ‘ શેઠ, મુંબઈથી ખરીદી કરી લાવ્યા છો કે શું ? તમે ગયા ત્યારે તો એટેચી આટલી વજનદાર ન હતી.’
આદિત્ય બોલ્યો, ‘અરે, મૂક ને માથાકૂટ વજનની. તું ય શું સવારના પહોરમાં લઇ મંડ્યો છે.’
પણ ચૂપ રહે તો મહેશ શાનો ? ‘શેઠ, આજનો તમારો પ્રોગ્રામ જાણો છો ને ? મોટા શેઠે કહ્યું છે કે તમારે જમીને તરત ઓફિસે પહોંચી જવું.’
આદિત્ય બોલ્યો, ‘સારું જા, હું ઘેર જમીને તરત ઓફિસે જવા નીકળીશ. બસ, હવે આગળ કંઈ બોલતો નહિ.’
ગાડી ઘેર પહોંચી. પપ્પા તો ક્યારના ય ઓફિસે જતા રહ્યા હતા. મમ્મી તો હતી નહિ. વરસો પહેલાં, આદિત્યને મૂકીને, પ્રભુને ત્યાં સિધાવી ગઈ હતી. પણ પપ્પા શ્રીકાંતભાઇની કાળજી અને સારા સંસ્કારોથી આદિત્ય ખરાબ રવાડે ચડતાં બચી ગયો હતો. હા, થોડો બેદરકાર અને નચિંત જીવ ખરો. શ્રીકાંતભાઇ હવે તેને પરણાવી દેવા અધીરા બન્યા હતા. અત્યારે તો રસોયણ બાઈ રસોઈ કરીને જમાડતી હતી, પણ ઘરની વહુ રસોઈ કરે તેમાં ફેર તો પડે ને ?
આદિત્યે તૈયાર થવા માટે એટેચી ખોલી. પણ આ શું ? તેના આશ્ચર્ય વચ્ચે, એટેચીમાંની કોઈ વસ્તુ તેની પોતાની ન હતી. અંદર હતાં પફપાઉડર, બંગડીઓ, ગળાનો નકલી હાર, બુટ્ટી, લેડીઝના ડ્રેસ વગેરે વગેરે. ‘નક્કી કંઇક ગરબડ થઇ છે. કોઈકે મારો સામાન ચોરીને લેડીઝનો સામાન ભરી દીધો લાગે છે. મહેશ સાચુ જ કહેતો હતો કે એટેચીનું વજન વધી ગયું છે.’
તેના મનમાં ઝબકારો થયો, ‘કદાચ આખી એટેચી જ બદલાઈ ગઈ લાગે છે. બીજા કોઈકની આવા જ રંગની આવી એટેચી હશે, એણે ભૂલમાં મારી એટેચી બેલ્ટ પરથી ઉઠાવી લીધી હોય એવું બને. હું તો છેલ્લો પ્રવાસી હતો, એટલે ખબર પડી હોત તો પણ મારી એટેચી શોધવા ક્યાં જાત ?’
પણ હાલપૂરતી આ વાત બાજુએ રાખી, ઘરમાંની સાધનસામગ્રીની મદદથી નહાવાધોવાનું પતાવી, આદિત્ય ઓફિસે પહોંચ્યો. આજે ઓફિસમાં રીસેપ્શનીસ્ટની જગા માટેના ઇન્ટરવ્યૂ રાખેલ હતા. પપ્પાએ ઇન્ટરવ્યૂ લેવાનું ક્યારનું ય શરુ કરી દીધું હતું. ચારેક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પતી ગયા હતા. પટાવાળાએ પાંચમા ઉમેદવારના નામની બૂમ પાડી, ‘મીસ આશકા મોદી.’
મીસ આશકા મોદી એટલે આપણી આ વાર્તાની હીરોઈન આશકા. તે રૂમની અંદર આવી. તેણે પહેરેલાં કપડાં જોઈને શ્રીકાંતને જરા કૂતુહલ થયું. ઝભ્ભો અને સફેદ લેંઘો, વાળ છૂટ્ટા, હાથે બંગડી નહિ, ગળામાં માળા નહિ, કાને એરીંગ નહિ. એક છોકરા જેવો દેખાવ જોઈ, શ્રીકાંત સહેજ નવાઇ પામ્યા. પણ તેમણે તો ઇન્ટરવ્યૂ લેવાનું શરુ કરી દીધું.
‘મીસ…….’
આશકા બોલી, ‘હું મીસ આશકા મોદી, સર’
શ્રીકાંત, ‘આશકા, તમે અહીં અમદાવાદમાં જ રહો છો ? કે બહાર ?’
આશકા, ‘સર, હું મુંબઈથી આવું છું. અહીં મારાં માસીનું ઘર છે ત્યાં ઉતરી છું.’
શ્રીકાંત, ‘રીસેપ્શનીસ્ટની જવાબદારી ઘણી મોટી હોય છે. આગંતુકનું સ્મિત અને પ્રેમાળ શબ્દોથી સ્વાગત કરવું, એ ખૂબ જરૂરી બાબત હોય છે.’
આશકા, ‘હું એ જવાબદારી સમજુ છું, સર.’
શ્રીકાંત, ‘પણ આશકા, મુંબઈમાં રહેનારને અમદાવાદની આ નોકરી ફાવશે ખરી ? અહીં ક્યાં રહેશો ? અવારનવાર મુંબઈ જવાનું મન નહિ થઇ જાય ?’
આશકા, ‘સર, તમે કહો છો એવું થાય ખરું, પણ અમે મૂળ તો અમદાવાદના જ વતની છીએ, એટલે અમદાવાદનું આકર્ષણ છે. અને બીજુ, ભવિષ્યમાં જો મારાં લગ્ન અમદાવાદમાં થાય તો પછી અમદાવાદમાં જ રહેવાનું થાય ને ?’
શ્રીકાંતભાઈને આશકાનો જવાબ ગમી ગયો. આદિત્ય માટે ગૃહિણી શોધવાની છે તે મનમાં યાદ આવી ગયું. તેઓ આશકાને નોકરીએ રાખવાનું વિચારતા હતા એવામાં આદિત્ય ઓફિસમાં દાખલ થયો. એની નજર આશકા પર પડી. તેના માથાથી પગ સુધી તેની નજર ફરી વળી. તેને પણ આશકાએ પહેરેલાં કપડાં જોઈને અચરજ થયું. બિલકુલ પૂરુષનાં જ કપડાં. એટલું જ નહિ, એવાં કપડાંની એક જોડ એની પોતાની પાસે પણ હતી ! પણ આજે એ જોડ પેલી એટેચીમાંથી ગુમ હતી ! કદાચ એ કપડાં જ આ છોકરીએ પહેર્યાં હોય. અર્થાત….? ‘એનો અર્થ એવો કે આ છોકરીની અને મારી એટેચી અદ્દલ સરખી હતી ? અને આ છોકરી પણ સવારે મુંબઈથી આવી હોય અને ભૂલથી મારી એટેચીને પોતાની સમજીને, એ ઉપાડીને ચાલી નીકળી હોય.’
આશકા તો સંકોચ અનુભવતી હતી. ‘ઇન્ટરવ્યૂ લેનાર વડિલ અને આ જુવાનિયો મારાં કપડાં જોઈને કેમ ચમકે છે ? શું મેં પૂરુષનાં કપડાં પહેર્યાં છે એટલે ? પણ એમને શું ખબર પડે કે મારી બેગ એરપોર્ટ પર બદલાઈ ગઈ છે ! એમાં મારી આ દશા થઇ છે !’
છેવટે આદિત્યે મૌન તોડ્યું, ‘મેડમ, તમે મુંબઈથી આજે સવારની ફ્લાઈટમાં જ આવ્યાં ?’
આશકા જરા ગભરાઈ, ‘આ જુવાનિયો આ બધુ ક્યાંથી જાણી ગયો ?’ બોલી, ‘જી’
આદિત્ય, ‘તમારા સામાનમાં આછા લીલા રંગની એક એટેચી છે ને ?’
આશકાને થયું કે ‘મારી ઉલટતપાસ થઇ રહી છે કે શું ?’ બોલી, ‘હા, કેમ ?’
આદિત્ય, ‘બસ મેડમ, તાળો મળી ગયો. તમે પહેર્યાં છે તે કપડાં મારાં છે.’
આશકાને હજુ કશી ગતાગમ પડતી ન હતી. એને તો એમ કે ‘આ બંને જણ મારાં કપડાંની પાછળ પડી ગયા છે. હું ઇન્ટરવ્યૂ આપવા આવી છું કે પોલિસ ચોકીએ ?’
આખરે આદિત્યે ભેદ ખોલ્યો, ‘મેડમ, હું પણ આજ સવારની જ ફ્લાઈટમાં મુંબઈથી આવ્યો છું. આપણા બંનેની એટેચી આછા લીલા રંગની અને એકસરખા દેખાવની છે. તમે મારી એટેચી લઈને દોડ્યાં અને છેલ્લે વધી તે તમારી એટેચી હતી, તેને મારી સમજીને હું લઇ ગયો. એવું બને કે તમારી પાસે બીજાં કપડાં નહિ જ હોય એટલે મારી એટેચીમાંનાં મારાં કપડાં પહેરીને તમે અહીં પહોંચી ગયાં. અને ઈત્તફાક તો કેવો કે તમારે બીજે ક્યાંય નહિ ને ઇન્ટરવ્યૂ માટે અહીં મારી સામે જ આવવાનું થયું ! ચોર, ચોરેલો સામાન સામે ચાલીને સોંપવા આવે તે આનું નામ !’ એમ કહીને આદિત્ય ખડખડાટ હસવા માંડ્યો.
આશકાના મન પરથી પણ હવે ભાર હળવો થઇ ગયો. તે ય હસવા માંડી. અને બોલી, ‘એ મીસ્ટર, હું ચોર નથી હોં. હવે મને મારી એટેચી પાછી આપો, નહિ તો તમે પણ ચોર, મારા જેવા.’
શ્રીકાંતભાઈ આખી વાતનો મર્મ પામી ગયા. એ પણ હાસ્યમાં જોડાઈ ગયા. તેમણે આશકાને નોકરી માટે પસંદ કરી જ, અને ભવિષ્યમાં બધુ બરાબર લાગે તો આશકાને, આદિત્ય માટે પણ પસંદ કરવાનું મનોમન વિચારી લીધું.
આશકાનો જવાબ સાંભળી, આદિત્ય ઓર ખીલી ઉઠ્યો. આશકા દેખાવમાં તો તેને ગમી જ ગઈ હતી. બોલ્યો, ‘ભલે હું ચોર, મને તો તમારું દિલ ચોરવાનું પણ મન થઇ ગયું છે, જો તમારી મંજૂરી હોય તો.’
આશકા શરમાઈ ગઈ, ‘મને નોકરી તો શરુ કરવા દો. પછી જે ચોરવું હોય તે ચોરજો.’
કહેવાની જરૂર ખરી કે આદિત્ય અને આશકા, એક જ ઓફિસમાં કામ કરતાં કરતાં પરણી ગયાં ? ફક્ત બેગ બદલાઈ જાય, એ નજીવી ઘટના ક્યારેક બે જણને કેવાં જોડી દે છે !
આ ઘટનાના એક વર્ષ પછી હું, મારી પત્ની, મારો મિત્ર કમ ભત્રીજો આદિત્ય અને આશકા, એક ગૃપની સાથે, જબલપુરની નજીક આવેલા કાન્હા નેશનલ પાર્કના પ્રવાસે નીકળ્યા. ફરવાનો શોખ તો અમને બધાને એકસરખો. અમારો મુકામ કાન્હા રીસોર્ટમાં હતો. રીસોર્ટ આગળ ઉતર્યા ત્યારે અંધારું પડી ગયું હતું. બસમાંથી અમારો બધાનો સામાન ઉતર્યો તેમાંથી અમારી બેગો ઉપાડીને અમે અમારી રૂમમાં પહોંચ્યા. રૂમ ખોલીને બેગો અંદર લીધી. થોડી વારમાં અમારા ગૃપનો એક છોકરો દોડતો અમારી રૂમમાં આવ્યો અને બોલ્યો, ‘તમારું નામ પ્રવીણભાઈ છે ?’
મેં કહ્યું, ‘હા, શું છે એનું ?’
તે બોલ્યો, ‘કાકા, તમારી બેગ બદલાઈ ગઈ છે, અને તે અમારી સાથે આવી ગઈ છે. એ બેગ પર એક ખૂણામાં ‘પ્રવીણભાઈ’ લખેલું વાંચી, તમને શોધતો શોધતો હું અહીં આવ્યો.’
મેં ઉંચકી લાવેલી બેગ ધ્યાનથી જોઈ. તે મારી ન હતી. હું ભૂલથી બીજાની બેગ લઈને આવી ગયેલો. મેં એ બેગ પાછી આપી અને મારી બેગ મેળવી લીધી. મારો ભત્રીજો આદિત્ય અને આશકા બાજુમાં જ ઉભાં ઉભાં આ તમાશો જોઈ રહ્યાં હતાં અને મંદ મંદ હસી રહ્યાં હતાં. આદિત્ય બોલ્યો, ‘કેમ કાકા, શું વિચાર છે ? ગઈ સાલ મારી બેગ બદલાઈ ગઈ ત્યારે, મને તો બેગની સાથે સાથે આ આશકી મળી ગઈ. તમને શું મળશે ?’
આદિત્યની કોમેન્ટ સાંભળીને અમે બધાં ય હાસ્ય સાગરમાં ડૂબી ગયાં.
હોગેન્કલ ધોધ
16 Feb 2012 Leave a Comment
હોગેન્કલ ધોધ
કુદરતે આ પૃથ્વીને કેટલું બધું આપ્યું છે ! નદીનાળાં, પર્વતો, દરિયા, ધોધ, જંગલો અને ઘણુંબધું. પ્રકૃતિની આ લીલા નીરખવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. તેમાં ય ધોધ તો કુદરતનું મનોહર અને નિરાળુ સ્વરૂપ છે. તમને ધોધ જોવાનો ગમે ને ? આપણા દેશમાં નાનામોટા એટલા બધા ધોધ આવેલા છે કે એમાંથી બહુ ઓછાનાં નામઠામ આપણે જાણીએ છીએ. આવું એક નામ છે હોગેન્કલ ધોધ. કાવેરી નદી પર આ ધોધ આવેલો છે. કાવેરી નદી કર્ણાટક રાજ્યના કોડાગુ જિલ્લામાં આવેલી બ્રહ્મગિરિની ટેકરીઓમાંથી નીકળે છે અને કર્ણાટક તથા તમિલનાડુમાં વહીને બંગાળાના ઉપસાગરને મળે છે. કર્ણાટકમાં કાવેરી નદી પર શીવસમુદ્રમ ધોધ છે, અને આગળ જતાં કર્ણાટક-તમિલનાડુની સરહદ આગળ તમિલનાડુના ધર્માપુરી જિલ્લામાં હોગેન્કલ ધોધ આવેલો છે.
હોગેન્કલ એ માત્ર એક જ ધોધ નથી. પણ વિશાળ જગામાં પથરાયેલ ઘણા ધોધોની હારમાળા છે. હોગેન્કલ આગળ, રેતાળ બીચવાળા મોટા વિસ્તારમાં નદી પથરાય છે, તેથી તે અનેક જળધોધ રચે છે અને એક અલૌકિક દ્રશ્ય ખડુ કરે છે. ધોધનો ફોટો જોતાં જ એની ખબર પડી જશે. આ ધોધ સરેરાશ ૨૦ મીટરની ઉંચાઈએથી પડે છે. તમિલ ભાષામાં hoge એટલે ધુમાડા અને kal એટલે ખડકો. ધોધ પડે ત્યારે અહીં ખડકોમાંથી ધુમાડા નીકળતા હોય એવું લાગે છે. એટલે આ ધોધ હોગેન્કલ(Hogenakkal)તરીકે ઓળખાય છે. તમિલમાં તેને મેરીકોટ્ટાયમ પણ કહે છે. વળી, હોગેન્કલ નામના ગામ આગળ આ ધોધ આવેલો હોવાને લીધે પણ તેને હોગેન્કલ કહે છે. અમેરિકાના નાયગરા ધોધ જોડે તે થોડું સામ્ય ધરાવતો હોઈ, તે ‘ભારતના નાયગરા’ તરીકે પણ જાણીતો છે.
ધોધનું પાણી ખડકો પરથી નીચે ખીણમાં પડે ત્યારે વાદળના ગડગડાટ જેવો અવાજ સતત સંભળાય છે. એક બાજુ ઘુઘવતો, ગર્જના કરતો, ઉછળતો ધોધ અને બીજી બાજુ સાંકડી ખીણમાં શાંત લયબદ્ધ રીતે વહેતું ધોધનું પાણી. કેવું સરસ દ્રશ્ય ! સામે અનેક જગાએથી ધોધ જોઈ શકાય છે. પણ પાણીમાં ઉતરાય એવું નથી. લોકો આ ધોધ જોવા ચોમાસુ પૂરું થયા પછી તરત આવતા હોય છે કે જેથી ચોમાસાના પૂરની રૌદ્રતા ન હોય અને પાણી ઘટીને ઓછું પણ ના થઇ ગયુ હોય. આવા સમયે અહીં ઘણી ભીડ હોય છે. કુદરતના ચાહકો માટે આ એક રમણીય પીકનીક સ્થળ છે. વળી,આ એક પવિત્ર સ્થળ છે. લોકો અહીં સ્નાન કરીને પવિત્ર થાય છે. નહાવાનું ઉપરવાસમાં વધુ અનુકૂળ છે. નદીની આજુબાજુ ગાઢ જંગલો આવેલાં છે. તેમાં ટ્રેકીંગની મજા લઇ શકાય છે.
આ ધોધ ખાસ બે બાબતો માટે વધુ જાણીતો છે. એક તો, આ પાણીમાં નહાવાથી ચામડીના રોગો દૂર થાય છે, એવી માન્યતા છે. ધોધરૂપે પડતા પહેલાં કાવેરી નદી જંગલની વનસ્પતિમાં થઈને પસાર થાય છે, એટલે તેનું પાણી દવાની ગરજ સારે છે. જાણે કે સ્પા માટેનો હેલ્થ રીસોર્ટ ! અને બીજી બાબત એ કે ધોધ પડ્યા પછી, ખીણમાં વહેતા પાણીમાં, ખાસ પ્રકારની બોટમાં બેસીને બોટીંગ કરી શકાય છે. અહીના સ્થાનિક લોકો, ગોળ ટોપલા જેવી હોડી બનાવે છે. વાંસની આ હોડીનો વ્યાસ આશરે સાત ફૂટ જેટલો હોય છે. તેમાં વધુમાં વધુ આઠ જણ બેસી શકે છે. હોડીનો નાવિક તેને એક જ હલેસાથી આગળ ધકેલે છે. અહીના લોકો આવી હોડી, વાંસના સળિયા ગૂંથીને એક જ દિવસમાં તૈયાર કરી નાખે છે. તળિયે ચામડાની ખાલ કે પ્લાસ્ટિકનુ કપડું મઢી લે છે, એટલે પાણી હોડીમાં પેસી ના શકે. આ હોડી કેવી દેખાય છે તે ફોટામાં જોઈને તરત જ ખ્યાલ આવી જશે. આવી હોડીને તમિલમાં ‘પરિસાલ’ તથા કન્નડ ભાષામાં ‘ટેપ્પા’ કે હરિગોલુ’ કહે છે. આવી ગોળ થાળી જેવી હોડીમાં બેસવાની કેવી મજા આવે ! ઘણા પ્રવાસીઓ તો, આવી હોડીથી આકર્ષાઈને ખાસ તેમાં સફર કરવા માટે અહીં આવે છે. હોડીવાળો, હોડીને ધોધની સામે લઇ જઈને ધોધનાં નજીકથી દર્શન કરાવે છે. ધોધના વહેતા તરંગમય પાણી પર, લયબદ્ધ રીતે ઊંચીનીચી થતી બોટની સફર કેવી રોમાંચક હોય ! એની મજા તો આ હોડીમાં બેસો તો જ માણવા મળે. જો કે ધોધમાં પાણી પુષ્કળ હોય ત્યારે હોડીઓ ફરતી બંધ થઇ જાય છે. જમીન રસ્તે તો ધોધની સામે નજીક પહોંચાય એવું છે જ નહિ. ટોપલાહોડીમાં જ જવું પડે. હોડીવાળાની, હોડીમાંથી થતી કમાણી એ જ તેમની આવકનું મુખ્ય સાધન છે. હોડીવાળા માછલી અને નાસ્તો પણ વેચતા હોય છે. નદીકિનારે દુકાનોમાં પણ આ બધું મળે છે. અહીં મસાજ કરનારા પણ મળી રહે છે.
નીચવાસમાં ખીણની બંને બાજુ ઉંચા ઉંચા ખડકો છે.અહીં નાના છોકરાને થોડા રૂપિયા આપો તો તે ત્રીસેક ફૂટ ઉંચા ખડક પરથી ખીણમાં કૂદી, પળવારમાં તો સીધા ચઢાણવાળા ખડક પર ચડીને ઉપર પાછો પહોંચી જાય. એની ચપળતા, ઝડપ અને સાહસ જોઈને દંગ રહી જવાય.
ધોધ પડ્યા પછી, તે દક્ષિણ બાજુએ વહી જાય છે અને પછી, મેત્તુર ડેમ આગળ મોટુ સરોવર રચે છે. આ ડેમ ૧૯૩૪ માં બંધાયો હતો. બંધના પાણીનો ઉપયોગ સિંચાઇ અને વીજળી પેદા કરવામાં થાય છે. તમિલનાડુ સરકાર, હોગેન્કલ ધોધમાંથી પીવાનું ચોખ્ખું પાણી મેળવવાનો પ્રોજેક્ટ હાથ ધરી રહી છે.
ફિલ્મોવાળાને તો આવો ધોધ જરૂર આકર્ષે. અહીં ઘણી તમિલ ફિલ્મોનાં શુટીંગ થયેલાં છે. હિન્દી ફિલ્મ ‘રોઝા’ ના એક ગીતનું શુટીંગ અહીં થયેલું છે.
હોગેન્કલ ધોધ ધર્માપુરીથી ૪૬ કી.મી. અને બેંગ્લોરથી ૧૮૦ કી.મી. દૂર છે. હોગેન્કલ જવા માટે બેંગલોર અને સાલેમથી બસો મળે છે. નજીકનું રેલ્વે સ્ટેશન ધર્માપુરી છે. ક્યારેક તક મળે તો ધોધ જોવા અને પેલી ટોપલાહોડીમાં બેસવા જરૂર જજો.
પાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને
03 Feb 2012 2 Comments
પાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને
ગુજરાતમાં ખૂબ જાણીતાં હોય એવાં ઘણાં બધાં યાત્રાધામો છે. જેવાં કે ડાકોર, અંબાજી, સોમનાથ, શામળાજી, વડતાલ વગેરે. પાલિતણા પણ આવું જ પ્રસિદ્ધ યાત્રાધામ છે. જૈન ધર્મનાં અહીં એટલાં બધાં મંદિરો છે કે ના પૂછો વાત ! અહીં ફક્ત જૈન મંદિરો હોવા છતાં, ધર્મના કોઈ પણ જાતના બાધ વગર, બધા લોકો દર્શને આવે છે, એવું એ પવિત્ર ધામ છે. અમે પણ આ પવિત્ર ભૂમિના દર્શને જવાનો કાર્યક્રમ બનાવી, એક દિવસે બપોરે બે વાગે પાલિતણા જવા નીકળી પડ્યા.
અમદાવાદથી પાલિતણા શહેરનું અંતર ૨૨૦ કી.મી. છે. અમદાવાદથી બાવળા, બગોદરાના રસ્તે જવાનું. બગોદરાથી ભાવનગર તરફ વળવાનું. ત્યાંથી ધંધુકા, બરવાળા, વલભીપુર, ધાંધલી, શિહોર અને સોનગઢ થઈને પાલીતણા પહોંચાય. આમ તો આ રસ્તે પણ ઘણાં જૈન તીર્થો આવે છે. બગોદારમાં નવકાર તીર્થ છે. હમણાં એક વર્ષ પહેલાં જ બન્યું છે. ખુલ્લી વિશાળ જગામાં બગીચા, પાર્કીંગ અને રહેવાજમવાની વ્યવસ્થાવાળું આ સ્થળ ઘણું જ સરસ છે. અહીં બેસો તો મનને શાંતિ જરૂર લાગે છે. અમે અહીં પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી પ્રવાસ આગળ વધાર્યો.
ધંધુકા પછીના તગડી ગામે વૈષ્ણવ સંપ્રદાયની શ્રીમહાપ્રભુજીની બેઠક આવેલી છે. તળાવને કિનારે આવેલી આ જગા પણ એક સરસ નૈસર્ગિક સ્થળ છે. અહીં વૈષ્ણવો માટે રહેવાજમવાની વ્યવસ્થા છે. તગડીથી બરવાળાના રસ્તે પાંડવકાલીન ભીમનાથ મહાદેવ આવે છે. એ પણ એક જાણીતું શીવમંદિર છે. બરવાળાથી ૨૦ કી.મી. પછી અયોધ્યાપુરમ નામે એક પ્રખ્યાત જૈન મંદિર છે. ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અહીં આદિનાથ ઋષભદેવ ભગવાનની ભવ્ય મૂર્તિનાં દર્શન કરીને મન પ્રફુલ્લિત થઇ જાય છે. આદિનાથ દાદા એટલે જૈનોના પહેલા તીર્થંકર. મહાવીર સ્વામી એ ચોવીસમા તીર્થંકર. જૈનોના પ્રખ્યાત તીર્થ સમેતશિખરજીમાં પાર્શ્વનાથ પ્રભુ અને ગીરનારમાં નેમિનાથ પ્રભુ બિરાજે છે. અયોધ્યાપુરમમાં પણ રહેવાજમવાની સગવડ છે. જૈનોનાં બધાં તીર્થોમાં જમવાની વ્યવસ્થા હોય જ છે. દર્શને આવનારાઓને તકલીફ ના પડે તેની સારી કાળજી લેવાય છે. તમે આ રસ્તે નીકળો તો અયોધ્યાપુરમ થોભીને આ મંદિર જરૂર જોજો.
અમે આગળ ચાલ્યા. વલભીપુર પસાર થયું. અહીં વલભીપુરમાં કોઈ દાતાએ એક મોટો બંગલો પ્રજા માટે દાનમાં આપેલો છે. અહીંથી પસાર થતા જૈન ધર્મીઓને રાત્રિનિવાસ કરવો હોય તો અહીં થઇ શકે છે. આગળ જતાં ધાંધલી, શિહોર અને સોનગઢ ગામ આવ્યાં. ધાંધલીથી શિહોરનો રસ્તો થોડો ખરાબ છે. પણ વાહનો તો આરામથી જઈ શકે. સોનગઢની હીંગ વખણાય છે. સોનગઢથી આગળ જઈએ એટલે ‘શેત્રુંજય પ્રવેશદ્વાર’ લખેલી મોટી કમાન આવે છે. અહીંથી પાલિતણા માત્ર ૨૮ કી.મી. દૂર છે. આગળ જતાં વીસેક કી.મી. પછી અઢીદ્વીપ નામનું જૈન મંદિર આવે છે. આ બધું જોતા જોતા અમે સાંજે સાત વાગે પાલિતણા પહોંચી ગયા.
પાલિતણામાં પુષ્કળ લોકો દર્શનાર્થે આવે છે. વર્ષના કોઈ પણ સમયે અહીં લોકોની ભીડ દેખાય છે.તહેવારોમાં તો માનવ મહેરામણ ઉમટે છે. જૈનોના સંઘ તો અવારનવાર આવ્યા જ કરે છે. આટલા બધા લોકોને રહેવા માટે અહીં ઘણી ધર્મશાળાઓ ઉભી થઇ છે. નામ ભલે ‘ધર્મશાળા’ હોય, પણ તેમાં હોટેલ જેવી બધી સગવડો હોય છે. અમે અગાઉથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવ્યું ન હતું, એટલે ધર્મશાળામાં રૂમ મળવામાં થોડી તકલીફ પડી, પણ છેવટે મળી તો ગઈ જ. ફોનથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવીને આવવું વધુ સારું. રાત્રે જમીને આરામ કર્યો. બીજે દિવસે શેત્રુંજય ડુંગર ચડવાનો કાર્યક્રમ હતો.
પાલિતણા શહેર એક નાના નગર જેવું લાગે. શહેરના રસ્તાઓ ખૂબ જ સારા અને પહોળા છે. રસ્તાઓ પર ચોખ્ખાઈ ખૂબ જ છે. પાલિતણાનું મુખ્ય આકર્ષણ છે શેત્રુંજય ડુંગર અને ડુંગર પરનાં જૈન મંદિરો. પાલિતણા નગરના છેડેથી જ ડુંગર શરુ થાય છે. આ જગાને તળેટી કહે છે. પાલિતણાની મોટા ભાગની ધર્મશાળાઓ તળેટીની નજીક જ આવેલી છે. શેત્રુંજય તીર્થની યાત્રાએ આવનારા લોકો, તળેટીથી ડુંગર ચડવાનું શરુ કરે છે. અહીં ડુંગર તરફ ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યું છે. પ્રવેશદ્વારમાં દાખલ થતામાં જ એક મોટું મંદિર છે. તેને બાબુ દેરાસર કહે છે. દેરાસરમાં આદિનાથ ભગવાનની મૂર્તિ છે. આ દેરાસર ખૂબ વિશાળ પરિસરમાં પથરાયેલું છે. જેને શેત્રુંજય ડુંગર ન ચડવો હોય કે શારીરિક તકલીફને કારણે ચડી શકાય તેમ ન હોય તે બાબુ દેરાસર સુધી તો આવે જ. એટલે અહીં તો મોટા મેળા જેવું લાગે. લોકો બાબુ દેરાસરમાં પૂજાપાઠ, અર્ચન કરતા હોય છે. જૈન ધર્મની દીક્ષા લેવાની વિધિ પણ અહીં થાય છે. અહીં મહારાજ સાહેબ(મ.સા.) તથા સાધ્વીઓનાં દર્શન કરવાની તક પણ આસાનીથી મળે.
બાબુ દેરાસરની બાજુમાં સમોવર્ષણ નામનું દેરાસર છે. તેનો દેખાવ ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અજાયબીમાં ગણી શકાય એવી સરસ આ કલાકૃતિ છે. સમોવર્ષણની તસ્વીર એ પાલિતણાની ઓળખ છે. થોડી વાર સુધી જોયા જ કરવાનું મન થાય એવો એનો દેખાવ છે.
શેત્રુંજય પર ચડવાનો રસ્તો બાબુ દેરાસર અને સમોવર્ષણ દેરાસરની વચ્ચે થઈને પસાર થાય છે. અમે આ બંને દેરાસરમાં દર્શન કરી, ડુંગર ચડવાનું શરુ કર્યું. રસ્તો પગથિયાંવાળો છે. પગથિયાં એટલાં સરસ અને પહોળાં બનાવ્યાં છે કે ચડવાનું સહેલું લાગે. વળી, દરેક પગથિયાની ઊંચાઈ પણ છ ઈંચથી વધારે નથી એટલે ચડવામાં થાક ઓછો લાગે. દર પચાસ પગથિયાંએ પગથિયાંનો નંબર લખેલો છે એટલે તમે કેટલાં પગથિયાં ચડ્યા, તેનો અંદાજ મળતો રહે. ડુંગરની ટોચ સુધી કુલ ૩૩૬૪ પગથિયાં છે. થોડા થોડા અંતરે પગથિયાંની બંને બાજુએ શીલાઓ પર ભગવાનને નમન કરતાં સૂત્રો લખેલાં નજરે પડે છે. ઘણા લોકો ચંપલ પહેર્યા વગર ડુંગર ચડવાની બાધા રાખતા હોય છે, એટલે ગરમીમાં પગે દઝાવાય નહિ તે માટે પગથિયાં પર બંને બાજુએ થોડા ભાગમાં સફેદ રંગ કરેલો છે. એક બાજુનો સફેદ પટ્ટો ચડનારાઓ માટે તથા બીજી બાજુનો પટ્ટો ઉતરનારાઓ માટે. થોડા થોડા અંતરે વિસામાઓ પણ આવે છે. વિસામા પર માટલાનું ઠંડું ચોખ્ખું પીવાનું પાણી મળી રહે છે. અહીં પાણી પીને બે ઘડી બેસવાથી નવું જોમ આવી જાય અને પછી યાત્રિકો આગળ પગથિયાં ચડવાનું શરુ કરે.
લગભગ છસો એકાવન પગથિયાં પછી થોડો સપાટ રસ્તો આવે છે. પછી વળી પાછાં પગથિયાં. લગભગ અઢારસો પગથિયાં પછી હિંગળાજ માતાનું મંદિર આવે છે. માતાને પગે લાગી યાત્રિકો આગળ વધે છે. બધાને ઠેઠ ટોચ પર પહોંચી આદિનાથ દાદાને મન ભરીને નિરખવા છે. અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી જીંદગીમાં ધન્યતા અનુભવવી છે. એ ઉત્સાહમાં થાક વર્તાતો નથી. આમ છતાં, યાત્રિકો ચડતાં ચડતાં હાંફી જાય તો દર થોડાં પગથિયાંએ સહેજ ઉભા રહીને થાક ખાઈ લે છે. જાતે ન ચડી શકનારા માટે ડોળી મળી રહે છે. પણ ચઢાણવાળા રસ્તે આપણી જાતને બીજા મનુષ્યો દ્વારા ઉચકાવવી એ માનવતા વિરુદ્ધનું કૃત્ય લાગે છે. ડોળીમાં બેસીને યાત્રા કરવાથી ભગવાન પ્રસન્ન થતા હશે કે કેમ, એ તો ભગવાન જ જાણે !
અમે એક બહેનને તો દરેક પગથિયે નીચે બેસી, માથું પગથિયે નમાવી, ઉપર ચડતાં જોયાં. એ બહેનને કેટલું કષ્ટ પડ્યું હશે ? એ ભગવાનમાં કેટલી અતૂટ શ્રદ્ધા ધરાવતાં હશે ?
શેત્રુંજયની ઉપર પહોંચ્યા પછી, અહીનાં મંદિરોનો માહોલ તો ખરેખર અદભૂત છે. અહીં કુલ કેટલાં મંદિરો હશે, તે કલ્પી શકો છો ? લોકોના કહેવા પ્રમાણે, અહીં મંદિરોની સંખ્યા ૯૦૦ જેટલી છે ! દરેક મંદિરમાં દર્શનનો લ્હાવો લેવા જેવો છે. આ મંદિરો અગિયારમી સદીથી ઓગણીસમી સદી સુધીના આઠસો વર્ષના ગાળામાં બંધાયાં છે. મંદિરો બાંધવામાં પથ્થર અને આરસનો ઉપયોગ થયેલો છે. મંદિરોની દિવાલો પરની દેવદેવીઓની વિવિધ મુદ્રાવાળી મૂર્તિઓ જોતાં એમ લાગે છે કે એ વખતના લોકો કેવા કલાપ્રેમી હશે ! આટલું બધું શિલ્પકામ કરવામાં કેટલો બધો સમય લાગ્યો હશે ! પણ નિપુણતા, પ્રભુભક્તિ અને શોખને લીધે આ બધું શક્ય છે. અને મંદિરો કેવાં ભવ્ય અને ઉત્તુંગ શિખરોવાળાં છે ! એક જુઓ અને એક ભૂલો, એવાં આ મંદિરો જોઈને મન આનંદ, ભક્તિ અને પ્રભુપ્રેમમાં તરબોળ થઇ જાય છે. અમને આબુનાં દેલવાડાનાં દહેરાં અને મોઢેરાનું સૂર્ય મંદિર યાદ આવી ગયાં. અહીનાં મંદિરોમાં મુખ્ય મંદિર આદિનાથ દાદાનું છે. આ મંદિરને દાદાની ટુક પણ કહે છે. આદિનાથ દાદાનાં દર્શન કરીને મન પાવન થઇ જાય છે. એક વાર તો અહીં દર્શન કરવા જજો જ.
શેત્રુંજયની ટોચ પરથી, પાલિતણાની બાજુમાં વહેતી શેત્રુંજી નદીનું દ્રશ્ય બહુ જ સુંદર લાગે છે. શેત્રુંજી પર બાંધેલા બંધને લીધે ઉપરવાસમાં ભરાયેલ સરોવર અહીંથી દેખાય છે. ટોચ પથી ચારે બાજુ નજર કરતાં એમ લાગે કે ભગવાને કેવી સરસ સૃષ્ટિ રચી છે ! ઘણે દૂર એક અન્ય ડુંગર પર બાંધેલાં મંદિરો પણ ઝાંખાં ઝાંખાં દેખાય છે. એ છે હસ્તગિરિ પરનું જૈન મંદિર. બીજા દિવસે અમે હસ્તગિરિ જવાના હતા.
બસ, પછી મનમાં સંતોષ ભરી અમે ડુંગર ઉતરવાનું શરુ કર્યું. પેલાં છસો એકાવન પગથિયાંના સપાટ રસ્તા આગળ, એક ભાઈ ભાતાગૃહમાં નાસ્તો કરવાના(નવકારસીના) પાસ આપતા હતા. તે પાસ લઈને તળેટીએ પહોંચી ગયા.
તળેટીમાં ચાનાસ્તાની દુકાનો છે. તે એકદમ વ્યવસ્થિત રીતે લાઈનબંધ ઉભી કરેલી છે. ચોખ્ખાઈ તો ખૂબ જ. અહીં શેરડીનો રસ બારે માસ મળે છે. અમને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો. અહીં કાચું પપૈયું અને ચવાણું નાખેલી ખાસ પ્રકારની ભેળ મળે છે. તે ખાવાની મજા આવી. બાજુમાં જ ભાતાગૃહ છે. પેલા પાસ ધરાવનારને અહીં ખાવાપીવા માટે બુંદી, સેવ અને ચા મળે છે, અને તે પણ જોઈએ તેટલાં. ખાધા પછી સાકર-વરિયાળીનું પાણી મળે છે. આ બધાથી ડુંગર ચડ્યાઉતર્યાનો થાક ઉતરી જાય છે.
ભાતાગૃહમાં ખાધા પછી અમે ત્રણેક કલાક આરામ કર્યો અને સાંજના પાલિતણા નગર જોવા નીકળ્યા. તળેટીની નજીકના વિસ્તારમાં મણીભદ્ર દેરાસર, કાચનું દેરાસર તથા અન્ય જાણીતાં મંદિરો છે. મ.સા. તથા સાધ્વીઓના મુકામ માટે પણ વ્યવસ્થા છે. એ બધું જોયું.
બીજા દિવસે અમે પાલિતણાથી ૧૭ કી.મી. દૂર આવેલા હસ્તગિરિ ડુંગર જવા નીકળ્યા. શેત્રુંજીના કિનારે કિનારે રસ્તો છે. હસ્તગિરિ ડુંગરની ટોચ પર છેક મંદિર સુધી ગાડી તેમ જ લક્ઝરી બસો જઈ શકે છે. વળાંકો તેમ જ ઢાળ પર જરા સાચવીને ડ્રાઈવિંગ કરવાનું. કુલ છ કિલોમીટરનું ચઢાણ છે. ઉપર ઋષભદેવ(આદિનાથ) ભગવાનનું ભવ્ય દેરાસર અને પરિસરમાં ૭૨ જિનાલય છે. આખું બાંધકામ સફેદ આરસનું છે. સવારના સૂર્યના કોમળ તડકામાં આ મંદિરોનાં શિખરો ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. મંદિરની બહાર ચારે બાજુ વિશાળ ચોગાન અને તેમાં ઉભાં કરેલાં નાનાં મંદિરો અહીના આકર્ષણમાં ઓર વધારો કરે છે. એમ થાય કે આ જગાએ બસ, બેસી જ રહીએ. મનને અપૂર્વ શાંતિ મળે છે અને ચારે બાજુનો નઝારો એટલો સરસ કે બસ જોયા જ કરો. દૂર દૂર શેત્રુંજયની ટોચ પણ દેખાય છે.
છેવટે હસ્તગિરિથી પાલિતણા પાછા વળી, જમીને અમદાવાદ તરફ વળ્યા. રસ્તામાં અયોધ્યાપુરમ, તગડી અને બગોદરાના નવકારતીર્થમાં વિરામ કર્યો. સાંજે તો અમદાવાદમાં. પ્રવાસમાં ખૂબ જ આનંદ આવ્યો. સારા વિચારો અને ભગવાન પ્રત્યેની શ્રધ્ધાને થોડું બળ મળ્યું. એક વાર તો પાલિતણા જોવા જેવું ખરું જ. કોઈક શ્રદ્ધાળુ લોકો તો બે મહિનાના ગાળામાં શેત્રુંજય ડુંગરની ૯૯ વખત યાત્રા કરે છે.
પાલિતણાથી સૌથી નજીકનું મોટું શહેર ભાવનગર અહીંથી ૫૧ કી.મી. દૂર છે. અમદાવાદ, ભાવનગર, ગારિયાધાર વગેરે સ્થળોએથી પાલિતણા જવા માટે એસ.ટી. બસો મળી રહે છે. ભાવનગરથી પાલિતણા રેલ્વે રસ્તે પણ જવાય છે. પાલિતણાથી આગળ બગદાણામાં સીતારામ બાપનો આશ્રમ, તળાજા પાસે ગોપનાથ મહાદેવ, ભાવનગર પાસે ખોડિયાર માતાનું મંદિર, નિષ્કલંક મહાદેવ વગેરે જોવાલાયક સ્થળો છે. અમદાવાદથી બગોદરા પહોંચતા પહેલાં, ધોળકા પાસે ગણેશપુરામાં ગણેશ મંદિર અને અરણેજમાં બૂટભવાની માતાનું મંદિર પણ જાણીતાં છે. ત્યાંથી નજીકમાં જ લોથલમાં પુરાના જમાનાના અવશેષો મળી આવ્યા છે. બરવાળાથી ૩ કી.મી. દૂર કુંડળમાં સ્વામીનારાયણ મંદિર, દરબારગઢ અને શનિદેવ તથા ત્યાંથી ૧૧ કી.મી. દૂર સાળંગપુરમાં હનુમાન મંદિર પણ પ્રખ્યાત છે.
શીવસમુદ્રમ ધોધ
27 Jan 2012 Leave a Comment
શીવસમુદ્રમ ધોધ
કર્ણાટક રાજ્ય એટલે ધોધભર્યો પ્રદેશ. ભારતના કોઈ પણ રાજ્યની સરખામણીમાં કર્ણાટકમાં સૌથી વધુ ધોધ આવેલા છે. આવો જ એક ધોધ છે શીવસમુદ્રમ. કર્ણાટકના માંડ્યા જીલ્લામાં વહેતી કાવેરી નદી શીવસમુદ્રમ ગામ આગળ ધોધરૂપે પડે છે. એ જ શીવસમુદ્રમ ધોધ. પહેલાં આ ધોધ કાવેરી ધોધના નામે ઓળખાતો હતો. કાવેરી નદીને દક્ષિણની ગંગા પણ કહે છે. જાણે કે ગંગા શીવજીની જટામાંથી જોરદાર રીતે પછડાઈને નીચે સમુદ્ર રચતી હોય એવી કલ્પના કરી શકાય. ધોધની ઉંચાઇ ૯૦ મીટર એટલે કે ૩૦૦ ફૂટ છે. બારે માસ આ ધોધ જોવા મળે છે. સામાન્ય રીતે દર સેકંડે ૯૩૪૦૦૦ લીટર પાણી ધોધરૂપે પડે છે. ચોમાસામાં જયારે પૂર આવે ત્યારે તો પાણીનો જથ્થો આનાથી દસ ગણો પણ થઇ જાય.
કાવેરી, ધોધરૂપે પડતા પહેલાં, ઉપરવાસમાં બે ફાંટામાં વહેંચાઈ જાય છે. એટલે આખી નદી બે જુદા જુદા ધોધરૂપે પડે છે. પશ્ચિમ બાજુના ધોધને ગગનાચુક્કી અને પૂર્વ બાજુના ધોધને ભારાચુક્કી કહે છે. બંને વચ્ચે આશરે ૧ કી.મી. જેટલું અંતર છે. જો કે નીચે પડ્યા પછી તો બંનેનાં પાણી ભેગાં જ થઇ જાય છે. બંને ફાંટા વચ્ચે ઉપરવાસમાં ટાપુ રચાય છે. પહેલાં અહીં કોઈ ગામ પણ વસેલું હતું. હાલ અહીં જૂનાં મંદિરોનાં ખંડેરો જોવા મળે છે. ભારાચુક્કીમાં ખડકો ઓછા છે એટલે એ ધોધ વધુ શાંત, નિર્મળ અને ગંભીર લાગે. ધોધરૂપે પડ્યા પછી કાવેરી નદી ખીણમાં પૂર્વ તરફ આગળ વહે છે. ધોધનો આકાર નાયગરાની જેમ થોડોક ‘U’ જેવો લાગે છે.
ધોધ જોવા માટે, ધોધની સામે વોચટાવર ઉભો કરેલો છે. અહીં ઉભા રહીને જોતાં ધોધ ખૂબ જ ભવ્ય અને મનોહર લાગે છે. જોઈને એમ લાગે કે કુદરતની લીલા કેવી અપરંપાર છે. મનને મોહી લે એવો કેવો સુંદર નઝારો કુદરતે સર્જ્યો છે ! વોચટાવર પરથી, ધોધ જ્યાં નીચે ખાબકે છે તે જગા દેખાતી હોય છે. અહીં ધુમ્મસ અને પાણીનાં ફોરાંનાં જોરદાર વાદળો ઉડે છે. એ જોઈને હૃદય એક ધબકારો ચૂકી જાય એવો અદભૂત દેખાવ સર્જાય છે. એમાં ય વળી, કાવેરીને મળતી હેમાવતી, હરંગી, કપિલા વગેરે નદીઓમાં ચોમાસામાં પૂર આવ્યાં હોય ત્યારે તો પૂછવું જ શું ? ‘સમુદ્ર’ નામ સાર્થક થઇ જાય. ધોધના ફોટા પાડવા માટે વોચટાવર સારામાં સારી જગા છે.
કાવેરીની બાજુમાં કબિની નદી પણ ધોધરૂપે પડીને કાવેરીમાં વિલીન થઇ જાય છે, અને એમાં પણ ઘોડાપૂર આવતાં હોય છે. સામાન્ય રીતે, જુલાઈ-ઓગસ્ટની વરસાદી ઋતુમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે. ઘણા ટૂરિસ્ટો ખડકો વીંધીને ધોધના ઉપરવાસમાં જવાનું સાહસ ખેડે છે, પણ તે જોખમી છે.
કાવેરી નદી કર્ણાટકમાં વહ્યા પછી તમિલનાડુમાં પ્રવેશે છે, તે દરમ્યાન તેમાં બીજા ધોધ પણ આવે છે. પણ તે બધામાં ખાસ અગત્યનો છે શીવસમુદ્રમ.
૧૯૦૨માં આ ધોધ પર હાયડ્રો પાવર સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું હતું. માયસોર સ્ટેટના દીવાન શેષાદ્રી અય્યરે તે શરુ કરાવેલું. એશિયાનું એ પહેલું વિદ્યુત સ્ટેશન હતું. અહીં પેદા થતી વીજળી પહેલવહેલી બેંગલોર શહેરને પૂરી પાડવામાં આવી હતી. ત્યાર બાદ અહીંથી કોલારની સોનાની ખાણ અને માયસોરને વીજળી આપવામાં આવી હતી. તે વખતે ધોધ અને વીજળીઘર જોવા જવા માટે, રોપવે પર ટ્રોલી શરુ કરવામાં આવી હતી. પણ પછી આતંકવાદીઓનો ભય વધતાં, ટ્રોલી બંધ કરવામાં આવી છે. જો પૂરતી સલામતી સાથે રોપવે ટ્રોલી ફરી શરુ થાય તો અહીં મુલાકાતીઓની સંખ્યા જરૂર વધે. વીજળીઘર તરફથી કે દરગાહ બાજુથી પણ ધોધ જોઈ શકાય છે.
શીવસમુદ્રમ ધોધની આજુબાજુ ગાઢ જંગલો છે. ધોધ આગળ દુકાનો કે રેસ્ટોરન્ટ નથી. રહેવાની સગવડ પણ નથી. એટલે પ્રવાસીઓએ પાણી, નાસ્તો વગેરે લઈને જ જવું. ધોધ આગળની જગા બિલકુલ પ્રદૂષણરહિત છે.
શીવસમુદ્રમ ધોધ, માયસોરથી ૮૦ કી.મી., બેંગ્લોરથી ૧૩૯ કી.મી., સોમનાથપુરમથી ૨૭ કી.મી. અને માંડ્યા શહેરથી ૬૦ કી.મી. દૂર આવેલો છે.મદુર નામનું નજીકનું રેલ્વે સ્ટેશન ધોધથી ૪૦ કી.મી. દૂર છે. માંડ્યા અને માયસોરથી શીવસમુદ્રમ જવા માટે બસો મળી રહે છે. બસમાંથી ઉતર્યા પછી, ધોધ સુધી પહોંચવા માટે કાવેરીના કિનારે કિનારે બેએક કી.મી. જેટલું ચાલવું પડે છે.
ફિલ્મોવાળા, સારા ધોધને તો ફિલ્મોમાં ચમકાવવાનું ચૂકતા નથી. ‘દિલ એ નાદાન’ ફિલ્મનું ગીત ‘ચાંદની રાત મેં એક બાર તુઝે દેખા હૈ’ જોજો. એ જોઈને તથા અહીં આપેલા ફોટા જોઈને, શીવસમુદ્રમ ધોધ જોવા જવાનું મન જરૂર થઇ જશે. બોલો, ક્યારે જાઓ છો ?
વાર્તા ‘મોડે મોડે પણ………સમજાયું !’
12 Jan 2012 Leave a Comment
મોડે મોડે પણ………સમજાયું !
‘અરે ઓ, સાંભળે છે ? બે ગુલાબજાંબુ વધારે આપ ને ? આજે તો આખી જિંદગીની ભૂખ લાગી છે.’ પત્ની લીલાએ બે ગુલાબજાંબુ વધારે પીરસ્યાં. જીતુભાઈએ જમીને આનંદનો ઓડકાર ખાધો. મુખવાસ પણ ખાધો.
‘ચાલ ને થોડું બહાર ફરી આવીએ, મજા આવશે.’ પતિ-પત્ની થોડું ચાલી આવ્યાં. જીતુભાઈએ લીલાને શિંગોડા પાન પણ ખવડાવ્યું. જૈફ વયે પહોંચેલાં આધેડ દંપતિ આજે ખુશખુશાલ હતાં. જીવનમાં આવો પ્રેમ તેમણે વર્ષો પછી માણ્યો હતો.
બીજે દિવસે ઓફિસમાં જીતુભાઈ મને મળવા આવ્યા. ‘પ્રકાશભાઈ, મારી જિંદગીમાં ફરી વસંત આવી હોય એમ લાગે છે. લીલા હવે બિલકુલ સુધરી ગઈ છે. આશા રાખું કે ફરી તેનું ફટકે નહિ.’
મેં કહ્યું, ‘જીતુભાઈ, ધીરજ રાખો. સહુ સારાં વાનાં થશે. જિંદગીમાં સારાં કર્મો કરનારને તેનું સારું ફળ મળે જ છે.’
થોડી વાતો કરીને જીતુભાઈ ગયા. જીતુભાઈ મારી ઓફિસમાં મેનેજર જેવી જ પાયરી પર હતા. અમે સમવયસ્ક હોવાથી તેમને મારી સાથે ઘણું સારું ફાવતું. ધીરે ધીરે મિત્રતા વધતાં, તેમણે તેમની જિંદગીની કિતાબનાં પાનાં મારી સમક્ષ ખુલ્લાં કર્યાં હતાં. તેમાં રહેલું દુઃખ અને સહનશીલતા મેં તેમની વાતો પરથી જાણી હતી.
જીતુભાઈનાં લીલા સાથે લગ્ન થયાં ત્યારે તો તે દુનિયાનું સુખી જોડું હતું. પ્રેમભર્યા પ્રવાહમાં જિંદગી વહી રહી હતી. લીલાબેને એક પછી એક, એમ બે પુત્રીઓ સ્તુતિ અને સુહાનાને જન્મ આપ્યો. માતાપિતાના લાડકોડમાં બંને પુત્રીઓ મોટી થવા લાગી. મોટી પુત્રી સ્તુતિ, સ્કુલનું ભણતર પૂરું કરી, કોલેજના ઉંબરે ચઢી. લીલાબેન બહુ મહત્વાકાંક્ષી ન હતાં. સ્તુતિ એક ગ્રેજ્યુએશન પૂરું કરી, પોતાની જેમ ગૃહસ્થીમાં ગોઠવાઈ જાય એવી તેમની ઈચ્છા. તેમણે જીતુભાઈને ત્યારે કહ્યું યે ખરું, ‘આપણી સ્તુતિ બી.એ. સુધી ભણી એ ઓછું નથી. હવે આપણે તેનાં લગ્ન કરી નાખવાં જોઈએ.’
પણ જીતુભાઈ સારું ભણેલા હતા. તેમને મનમાં એવું ખરું કે ભલે મને પુત્ર નથી. પણ પુત્રીઓ ય પુત્રસમોવડી બની શકતી હોય છે. સ્તુતિ કોઈ સારી લાઈનમાં ભણી, આગળ જઈને નામ કાઢે, એવી તેમની ઈચ્છા હતી.
પણ સ્તુતિ માતા તરફ વધુ ઢળેલી હતી. માતાની મમતા જીતી ગઈ. સ્તુતિ બી.એ. થઈને, સમીર સાથે પરણીને પોતાના સંસારમાં ગોઠવાઈ ગઈ. જીતુભાઈએ મન મનાવ્યું, ‘કંઈ નહિ, મારી બીજી દિકરી સુહાનાને તો હું જરૂર સારું ઉચ્ચ શિક્ષણ આપીશ જ.’
સુહાના આમે ય વધુ ચપળ હતી. આધુનિક જમાનાની નવી નવી બાબતો, રીતરસમો, ફેશન અને નવા વિકસતા ધંધાઓની તેણે સારી જાણકારી મેળવી હતી. એ બધામાં એને ફેશનનો કોર્સ ગમી ગયો. ફેશનના કોર્સમાં એને એડમીશન પણ મળી ગયું. ‘દિકરી સારા ક્ષેત્રમાં આગળ આવશે’ એ વિચારે જીતુભાઈ ખુશ હતા.
ફેશનના અભ્યાસ દરમ્યાન, સુહાના ઘણું બધું નવું શીખી. આધુનિક ફેશનેબલ વસ્ત્રો કઈ રીતે બનાવવાં, તે માટેનું કાપડ, કટીંગ તથા તેના પરનું આકર્ષક સુશોભન કઈ રીતે કરવું – એ બધું તેને જાણવા, શીખવા મળ્યું. આકર્ષક અને મોહક વ્યક્તિત્વ ઉભુ કરવા માટે પૂરુષો અને સ્ત્રીઓએ કેવાં કપડાં પહેરવાં જોઈએ, એ બધું તેને જાણવા અને અનુભવવા મળ્યું. તેની ડીક્ષનરીમાં smart, dashing, hot, handsome જેવા શબ્દો ઉમેરાયા. ભારતનાં અને દુનિયાનાં ફેશન મેગેઝીનોથી તે પરિચિત થવા લાગી.
આજકાલ ફેશનની દુનિયા એ એક અલગ પ્રકારની દુનિયા છે. ફેશન ડીઝાઈનરો હીરોહીરોઈનો માટે નવી નવી જાતની ફેશનનાં મોંઘાંદાટ કપડાં તૈયાર કરતા હોય છે. પૈસાદાર કુટુંબના નબીરાઓ અને કન્યાઓ પણ નવી ડીઝાઈનોનાં કપડાંનો ક્રેઝ ધરાવે છે. સુહાના આવા વાતાવરણના સંપર્કમાં આવવા લાગી. એક વાર તેની સહેલી ઉર્વશીએ કહ્યું, ‘ચાલ ને સુહાના, આપણે વસ્ત્રહરિફાઈમાં ભાગ લઈએ. મુંબઈમાં નવી ડીઝાઈનોનાં વસ્ત્રોનો શો થવાનો છે, તેમાં આપણે પણ આપણી ડીઝાઈનનું વસ્ત્ર લોન્ચ કરીએ.’ સુહાનાને આ વિચાર ગમી ગયો. તે ‘શો’ અને ‘લોન્ચ’ શબ્દોથી પરિચિત હતી.
ફેશન કોર્સના અભ્યાસના છેલ્લા વર્ષની પરીક્ષા પણ પૂરી થઇ ગઈ હતી. તેની પાસે હરીફાઈમાં ભાગ લેવા માટે પૂરતો સમય હતો. ફેશનની દુનિયાની કલ્પનાઓમાં તે વિહરવા લાગી. તેણે જીતુભાઈને કહ્યું, ‘પપ્પા, મારું ભણવાનું હવે પૂરું થયું છે. મને આવતે મહિને મુંબઈમાં યોજાનારા ફેશન શોમાં ભાગ લેવાની ઈચ્છા છે.’
પપ્પાને તો આ ગમ્યું. પોતાની દીકરી કોઈ એક ક્ષેત્રમાં આગળ વધીને નામ કાઢે એ તેમને પસંદ હતું. પણ મમ્મીને સુહાનાનો વિચાર ગમ્યો નહિ. તે બોલી, ‘સુહાના, તું ફેશન શો સુધી પહોંચે એ મને તો પસંદ નથી. એ દુનિયા બહુ જ ખરાબ છે. બહારથી ચમકદમકવાળી દેખાતી એ દુનિયાનાં માણસોનાં મન કદાચ તું પારખી શકે તો તને સાચી સ્થિતિનું ભાન થશે.’
પણ સુહાના તો શોની તૈયારીમાં લાગી ગઈ. પપ્પાનો તેને સાથ હતો. પપ્પાએ તો ફેશન શો જોવા માટે મુંબઈ આવવાની પણ તૈયારી બતાવી. સુહાના ખુશ હતી. જયારે લીલાબેન નાખુશ હતાં. તેઓ જીતુભાઈ ઉપર બગડ્યાં, ‘તમે જ છોકરીને ચડાવી મારી છે. ‘બેટા, તું આગળ વધ’ કહીને ફટવી મારી છે. ફેશનની નખરાળી માયામાં છોકરી ફસાઈ જશે, ત્યારે તમને ભાન આવશે.’
લીલાબેનનો વાણીપ્રવાહ અટકતો ન હતો. છેવટે જીતુભાઈએ કહ્યું, ‘જો લીલા, તું કહે છે એવું ખરું, પણ આપણી સુહાના ડફોળ નથી. તેને સારાનરસાનું ભાન છે. તે જ્યાં જશે ત્યાં સાચવીને જ આગળ વધશે. એની પ્રગતિ થતી હોય એમાં તો આપણે ખુશ થવું જોઈએ.’
પણ લીલાબેનને આ પ્રગતિમાં અધોગતિ દેખાતી હતી. તે અવારનવાર આ બાબતે જીતુભાઈ જોડે દલીલમાં ઉતરી પડતાં. અંતે તો જીતુભાઈના મક્કમ નિર્ણયો આગળ તેમનું કંઈ ઉપજતું નહિ.
ધીરે ધીરે લીલાબેન અને જીતુભાઈ વચ્ચે, બીજી બાબતોમાં પણ વિચારભેદ ઉભા થવા લાગ્યા. જીતુભાઈ રોજ ઓફિસે ટીફીન લઈને જતા. લીલાબેન સવારે નાહીધોઈ પરવારી ઝડપથી ટીફીન તૈયાર કરી આપતાં. કોઈક દિવસ કંઇક ભૂલ થઇ જાય તો જીતુભાઈ ઉકળી ઉઠતા, ‘ આજે તેં શાકમાં મીઠું વધારે નાખી દીધું. કાલે દાળ સાવ પાણી જેવી હતી.’
આવી ઘણી નાની બાબતો માટે તેમની વચ્ચે કચકચ વધી ગઈ. લીલાબેને પણ જીતુભાઈની ઘણી ભૂલો શોધી કાઢી. એમ કરતાં તેમની વચ્ચે અંતર વધતું ચાલ્યું. એકબીજા સાથે બોલવાનું પણ ઓછું થઇ ગયું. દિવસે દિવસે પરિસ્થિતિ વધુ બગડતી ચાલી. ઘરમાં જાણે કે બે અલગ વ્યક્તિ પોતપોતાની રીતે રહેતી હોય એવી હાલત ઉભી થઇ ગઈ.
સુહાનાના ફેશન શોમાં જીતુભાઈ એકલા જ મુંબઈ જઈ આવ્યા. તેમણે લીલાબેનને શોની તારીખની જાણ પણ ના કરી. લીલાબેન અવારનવાર સ્તુતિ સાથે ફોનથી વાત કરતાં. સ્તુતિના વરને દિલ્હી નોકરી મળી અને દિલ્હી જવાનું થયું, પણ લીલાબેને જીતુભાઈને કંઈ જણાવ્યું નહિ.
ઘરમાં બે ભાગ પડી ગયા હતા. લીલાબેન અને સ્તુતિ એક બાજુ, જીતુભાઈ અને સુહાના બીજી બાજુ. પતિ-પત્નિ બંને પોતપોતાના તાનમાં મસ્ત હતા. બંનેને અહમ નડતો હતો, ‘એ વાત ન કરે તો હું શું કામ કરું ?’ એવી વણબોલાયેલી ચડસાચડસી પર બંને જણ આવી ગયાં હતાં. અબોલ રહીને એકબીજાની ભૂલો શોધ્યા કરતાં હતાં. આજુબાજુનાં પડોશીઓ પણ તેમને ઓળખી ગયાં હતાં.
જીતુભાઈએ મને આ બધી વાત કરી. મને દુઃખ થયું. એક કુટુંબની ગાડી અવળે પાટે ચડી ગઈ હતી. મને ઘણું મનમાં થતું કે આ દંપતિ અભિમાનના ડુંગરેથી હેઠે ઉતરે અને સાચી દિશા પકડે તો સારું.
એક વાર હું કોઈક બહાનાસર તેમને ઘેર પહોંચી ગયો. લીલાબેને ચા-બિસ્કીટ તૈયાર કરીને મૂક્યાં. મેં કહ્યું, ‘ભાભી, અમારી સંસ્થામાં અઠવાડિયા પછી ભજનસંધ્યાનો પ્રોગ્રામ છે, તેમાં તમે પણ આવો, મજા આવશે.’
‘એમ ? મને તો ખબર જ નથી. એ મને કહે તો ખબર પડે ને ?’
મેં પ્રોગ્રામમાં આવવા વધુ આગ્રહ કર્યો પણ તબિયતનું બહાનું બતાવી, તે ન આવ્યાં. જીતુભાઈ એકલા આવ્યા. મારા પ્રયત્નથી કંઈ ફેર પડ્યો નહિ.
આમ ને આમ છ મહિના પસાર થઇ ગયા.એક વાર જીતુભાઈ થોડી રજાઓ લઇ, દિકરી સુહાનાને ત્યાં મુંબઈ રહેવા ગયા. દસેક દિવસ પછી પાછા ફર્યા ત્યારે ઘેર તાળું હતું ! ‘લીલા ક્યાં ઉપડી ગઈ હશે ?’ એમ વિચારતાં પડોશીને પૂછ્યું. પડોશીએ કહ્યું, ‘તમારા ગયા પછી લીલાબેન એક વાર રસોડામાં લપસી પડ્યાં. અમે તેમને ડોક્ટરને ઘેર લઇ ગયા. ડોક્ટરે તપાસ કરીને કહ્યું, ‘પગે ફેકચર છે. ઓપરેશન કરવું પડશે.’ અમે લીલાબેનના ભાઈ કનુને ભાવનગરથી ફોન કરીને બોલાવી લીધો. ઓપરેશન થઇ ગયું. કનુ લીલાબેનને આરામ કરવા ભાવનગર લઇ ગયો છે.’
જીતુભાઈએ કહ્યું, ‘મને કોઈએ ફોન પણ ના કર્યો ?’
પડોશી કહે, ‘અમે તમને ફોન કરવાની વાત કરી, પણ લીલાબેને ના પાડી.’
જીતુભાઈ બોલ્યા, ‘ભાવનગર જતી વખતે કંઇ કહેતાં ગયાં છે ખરાં ?’
પડોશી, ‘ના, પણ રડતાં હતાં ખૂબ. પડી ગયાં ત્યારે નહોતાં રડ્યાં, એટલું ભાવનગર જતી વખતે રડતાં હતાં. એવું લાગતું હતું કે કદાચ તેમને તેમના અત્યાર સુધીના વર્તનનો પસ્તાવો થતો હોય.’
જીતુભાઈનું મન પીગળી ગયું. ‘વર્ષો સુધી અકળાઈ રાખ્યાનો તેને પશ્ચાતાપ થયો હોય એવું બને. પથારીવશ થવાથી કદાચ અહમ ઓગળ્યો હોય.’
જીતુભાઈ તાબડતોબ ભાવનગર જવા ઉપડ્યા. પત્નીના ખાટલે પહોંચ્યા. તેમને ઓચિંતા આવેલા જોઈને, લીલાબેન પળવાર તો મૂળ સ્વભાવ પર આવીને, તેમને તાકી રહ્યાં. પણ તરત જ ખ્યાલ આવ્યો કે ‘મારી ચિંતા કરતા દોડી આવ્યા છે.’ આ ખ્યાલથી તેમનું હૃદય ભરાઈ આવ્યું. નફરત અને ગુસ્સો ઓગળી ગયાં. ફક્ત પ્રેમની સરવાણી આંખોમાંથી ફૂટી નીકળી. જીતુભાઈ પણ તેના પ્રેમમાં ભીંજાઈ રહ્યા. થોડી વાર પછી બોલ્યા, ‘લીલા, હવે આપણે ઘેર અમદાવાદ ક્યારે આવવું છે ?’
‘બસ, તમે લઇ જાવ એટલે તરત જ.’
જીતુભાઈ, કનુભાઈની રજા લઇ, લીલાબેનને સાચવીને અમદાવાદ લઇ આવ્યા. જાણે કે તાજાં લગ્ન કરીને લીલાને પોતાને ઘેર લઇ ના જતા હોય ! ધીરે ધીરે લીલાબેન સાજાં થઇ ગયાં. જીતુભાઈએ તેમની ખડે પગે સેવા કરી. તેમના જીવનમાં નવેસરથી વસંત પાંગરી હતી. સહુથી વધુ ખુશ હતાં સ્તુતિ અને સુહાના.






![10_Hogennakkal ]](http://pravinshah47.files.wordpress.com/2012/02/10_hogennakkal1.jpg?w=535&h=401)
![11_Talakad, MM Hills, Hogennakkal 149[1]](http://pravinshah47.files.wordpress.com/2012/02/11_talakad-mm-hills-hogennakkal-1491.jpg?w=535&h=300)

![11_185india[2]](http://pravinshah47.files.wordpress.com/2012/02/11_185india2.jpg?w=535&h=401)








Recent Comments