આપણી મહેમાનગતિ

                                    આપણી મહેમાનગતિ

એક વાર અમે કાયાવરણથી માલસર જતા હતા. (આ બંને ગામ ગુજરાતમાં વડોદરાની નજીક આવેલાં છે.) રસ્તો ઘણો જ સારો અને ટ્રાફીક પણ ખૂબ જ ઓછો, એટલે મજા આવતી હતી. રોડની બંને બાજુ ઘટાદાર વૃક્ષો, શીતલ છાંયડો અને વૃક્ષોએ રોડ પર નમીને, રોડ પર બનાવેલી સરસ મજાની ગુફા. દ્રશ્ય બહુ જ સરસ હતું.

રોડની બંને બાજુ શેરડીનાં ખેતરો દેખાતાં હતાં. કોઈક ખેતરમાં શેરડી પીલવાના નાના સંચા પણ દેખાતા હતા. ખેતરોમાં ખેડૂતો પણ હતા. અમને થયું કે ‘ચાલો, એક ખેતરમાં જઈએ અને ખેડૂતને મળીએ. તેમના વિષે જાણીએ, શેરડીનો રસ પણ પીએ, મજા આવશે’

એક ખેતર આગળ ગાડી ઉભી રાખી, અમે ખેતરમાં ગયા. ત્યાં ત્રણ-ચાર માણસો હતા. અમને જોઈ, એમણે અમને પ્રેમથી આવકાર્યા. મેં કહ્યું, ‘ભાઈ, અમે તો તમારું ખેતર અને આ શેરડીનો પાક જોવા આવ્યા છીએ.’

તેમાંના એક ખેડૂતે કહ્યું, ‘આવો, આવો, તમારા જેવા સાહેબ લોકો અમારે આંગણે ક્યાંથી?’ એમ કહી, બાજુમાં ચાલતા શેરડીના કોલુમાંથી અમને બધાને એક એક ગ્લાસ તાજો રસ આપી દીધો. (શેરડી પીલીને તેનો રસ કાઢવાના સંચાને કોલુ કહે છે.)

પછી, તે ખેડૂતે અમને શેરડીનું ખેતર અને કોલુ બતાવ્યું. તેઓ શેરડીનો રસ કાઢી, ત્યાં ખેતરમાં જ તેનો ગોળ બનાવતા હતા. રસને મોટા ચૂલા પર તાવડામાં ગરમ કરતાં, તેમાંથી ગોળ બનતો હતો. તેમણે અમને આ બધું રસપૂર્વક બતાવ્યું. આ દરમ્યાન, એમણે અમને દરેકને શેરડીના રસનો બીજો ગ્લાસ પણ પીવડાવી દીધો.

પછી તેઓ કહે, ‘સાહેબ, હવે તમે બધા આ ખુરસીઓ પર બેસો, થોડો આરામ કરો.’ અમે ત્યાં બેઠા, તેમણે અમને ગોળ ભરેલા ડબ્બા બતાવ્યા, જેમાં અગાઉ બનાવેલો ગોળ ભર્યો હતો. થોડી વારમાં, એમણે અમને રસનો ત્રીજો ગ્લાસ પણ આગ્રહ કરીને પીવડાવી દીધો.

અમારા જેવા અજાણ્યા માણસોની આટલી સરસ સરભરાથી અમે બહુ જ ખુશ હતા. તેઓ કહે, ‘આંગણે આવેલા મહેમાનનું સ્વાગત કરવું એ તો અમારી ફરજ છે.’

અમને ઘણો જ સંતોષ થયો. છેલ્લે, અમે અહીંથી નીકળતી વખતે, તેમને રસના પૈસા આપવા માંડ્યા, તે પણ લેવાની તેમણે ના પાડી. છેવટે, અમે ત્યાં ઉભેલા તેમના નાના છોકરાના ખીસામાં થોડા રૂપિયા મૂકી, તેમની વિદાય લીધી.

આવી મહેમાનગતિ આપણા ભારત દેશમાં જ સંભવી શકે. ભારતનાં ગામડાંમાં હજુ આવી માનવતા અને મહેમાનગતિ સચવાઈ રહી છે. ગામડાનો માણસ પૈસાની કેવી લાલચ વગર અને માનવતાથી જીવે છે, એનું પ્રત્યક્ષ ઉદાહરણ અમે જોયું. એને એના જીવનમાં શાંતિથી જીવવાનો ઘણો જ આનંદ અને સંતોષ હશે, એ દેખાઈ આવે છે. એ હાયવોય અને લાલસાભરી જીંદગીથી ઘણો જ દૂર છે. એને ક્યારે ય બીપી અને ડાયાબીટીસ નહિ થતા હોય.

તમને પણ આવા માણસોના અનુભવ થયા હોય તો શેર કરજો.

     બાદલપરા ગામની વાત

                                             બાદલપરા ગામની વાત

આપણે એમ કહીએ છીએ કે ભારતમાં ચોખ્ખાઈ નથી, પ્રદુષણ ખૂબ છે, વગેરે વગેરે. આમ છતાં, અમુક ગામો કે શહેરોના લોકોએ સમજદારી કેળવી, સુધારા કરી, પોતાના ગામ કે શહેરને બહુ જ સુંદર બનાવ્યું છે, અને એ લોકો સારી રીતે જીવી રહ્યા છે.

આવી જ એક વાત છે ગુજરાતના બાદલપરા ગામની. આ ગામ સોમનાથ મંદિરથી પૂર્વમાં ૬ કી.મી. દૂર કપિલા નદીને કિનારે આવેલું છે. ગામના સરપંચે, ગામ લોકોના સહકારથી ગામને આદર્શ ગામ બનાવ્યું છે.

ગામની વસ્તી માત્ર ૧૬૦૦ માણસોની છે. ગામમાં બધે જ લીલોતરી જોવા મળે છે. ગામ એકદમ સ્વચ્છ છે. ક્યાંય ગંદકી થતી નથી. રસ્તા એકદમ સુઘડ છે. રસ્તાની બંને બાજુ હારબંધ ઝાડ વાવ્યાં છે. કોઈએ ગમે ત્યાં કચરો ફેંકવાનો નહિ, ગમે ત્યાં થૂંકવાનું નહિ. એંઠવાડ નાખવાનો નહિ, દરેક ઘરે ડસ્ટ બિન છે, રવિવારે યુવાનો ગામ સફાઈ કરે છે. દર મહિને શાળાના શિક્ષકો દરેક ઘેર જઈને સ્વચ્છતાની તપાસ કરે છે, દરેક વર્ષે સ્વચ્છ ઘરને ઇનામ આપવામાં આવે છે. દરેક ઘરમાં શૌચાલયની સુવિધા છે.

ગામની દરેક શેરી આગળ શેરીના નામનું બોર્ડ મારેલું છે, બોર્ડમાં એ શેરીમાં રહેતા સભ્યોનાં નામ લખેલાં છે. શેરીનાં નામ, કૃષ્ણ ભગવાનને લગતાં હોય એવાં રાખેલાં છે. ગામમાં પાન, માવા અને ગુટકા મળતા નથી. આખું ગામ લગભગ વ્યસનમુક્ત છે.

ગામમાં સુંદર બગીચો છે. ગામની ફરતે આશરે ૧૫૦૦૦ વૃક્ષો વાવ્યાં છે. ગામમાં પ્રદુષણ ના થાય એ માટે, દિવાળી પર કોઈ ફટાકડા ફોડતું નથી. માત્ર દીવડા અને રંગોળીથી જ દિવાળી ઉજવે છે.

ગામમાં રમતગમતનાં સાધનો, દવાખાનું અને લાયબ્રેરી છે. ગામમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ગોઠવેલા છે. આખા ગામમાં ઈન્ટરનેટ અને વાઈ ફાઈ છે. આખા ગામને સામૂહિક માહિતી આપવા માટે, દરેક શેરીમાં સાઉન્ડ સીસ્ટીમ ગોઠવેલી છે.

ચુંટણી વગર સરપંચ અને સભ્યોની નિમણુક થતી હોય એવા ગામને સમરસ ગામ કહેવાય છે. છેલ્લા પંદર વર્ષથી બાદલપરા એક સમરસ ગામ છે. સરપંચ એક મહિલા છે. આખું ગામ સહકાર અને ભાઈચારાથી જીવે છે. આ ગામને આદર્શ ગામનું બિરુદ મળ્યું છે. બાદલપરા જાતે જઈને ગામ જોવા જેવું ખરું.

બાદલપરા ગામ આવી સરસ રીતે જીવી શકતું હોય તો બીજાં ગામ પણ આ રીતે જીવી શકે છે. આમાં કશું જ અઘરું નથી. દરેક ગામમાં માત્ર એક સારા લીડરની જરૂર છે. લીડર, લોકોનો સહકાર લઈને ગામને એકદમ સુધારી શકે છે. જો આવું થાય તો આખા ગુજરાત અને ભારતનાં બધાં જ ગામ સુંદર બની શકે છે. બાદલપરા ઉપરાંત, બીજાં કોઈક કોઈક ગામ આદર્શ બન્યાં છે ખરાં, એમની વાત પછી ક્યારેક કરીશું.

આ સાથે બાદલપરાના ફોટા મૂક્યા છે. (માહિતી ગુગલ તથા ચિત્રલેખાના એક લેખ પરથી)

9_1541530926

maxresdefault

DzIRQ85UcAE1hXI

 

 

  નર્મદા મૈયાની પરિક્રમા

                                    નર્મદા મૈયાની પરિક્રમા

તમે ‘રેવા’ નામની ગુજરાતી ફિલ્મ જોઈ હશે. ‘રેવા’ એટલે નર્મદા નદી. ફિલ્મની વાર્તા કંઇક આવી છે, એક યુવાન પરદેશથી ભારત આવે છે. તેને તેના દાદાની, નર્મદા કિનારે આવેલી અઢળક સંપત્તિ લઈને પાછા પરદેશ જતા રહેવું છે. પણ અહીં મિત્રોની સમજાવટથી તે નર્મદા પરિક્રમા કરવા તૈયાર થાય છે. પરિક્રમા કરીને પાછો આવે છે, ત્યાં સુધીમાં તો તેના વિચારો બદલાઈ જાય છે. તેને નર્મદા માતાનાં દર્શન થાય છે. અને છેવટે તે અહીં જ રોકાઈ જાય છે. અહીંના લોકો સાથે હળીમળીને રહે છે. નર્મદા મૈયાની આ જ તો મહત્તા છે.

નર્મદા નદી મધ્ય પ્રદેશમાં અમરકંટક નામના સ્થળેથી નીકળે છે, અને આશરે ૧૩૦૦ કી.મી. જેટલું વહીને ભરૂચ આગળ અરબી સમુદ્રને મળે છે. તમે તેના બંને કિનારે ફરો એટલે કુલ ૨૬૦૦ કી.મી.નું અંતર થાય. આટલું ફરો, તો તમે નર્મદા પરિક્રમા કરી ગણાય. પરિક્રમા ચાલીને કે બસમાં બેસીને કરી શકાય. ઘણા લોકો નર્મદા પરિક્રમા કરે છે. કહે છે કે નર્મદા માતા ઘણા પરિક્રમાવાસીઓને સ્ત્રી સ્વરૂપે દર્શન પણ આપે છે. જેવી જેની શ્રધ્ધા.

અમારા એક વૃદ્ધ વડીલ છે, તેમનું નામ રાધાબેન પંડ્યા છે. તેમણે નર્મદા પરિક્રમા ચાલીને કરેલી છે. તેમને નર્મદા મૈયામાં જોરદાર શ્રધ્ધા છે. તેમને પરિક્રમા દરમ્યાન નર્મદા મૈયાનાં દર્શન થયેલાં છે. અમારે તેમને મળવાનું થયું ત્યારે તેમણે આ વાત કરી. મેં કહ્યું, ‘તમને નર્મદા મૈયાનાં દર્શન થયાં, તેની વિગતે વાત કરો.’ એમણે જે વાત કરી, તે એમના જ શબ્દોમાં અહીં લખું છું.

‘પરિક્રમા દરમ્યાન અમે જયારે બીજા પરિક્રમા કરનારાને મળીએ ત્યારે ‘નર્મદે હર’ કહેતા હોઈએ છીએ. નર્મદા માતા ક્યારેક કોઈક શ્રધ્ધાળુને દર્શન આપતાં હોય છે. મને મનમાં ઘણી વાર થતું કે નર્મદા મૈયા મને દર્શન આપે તો કેવું સારું. હું મનમાં વિચારતી કે મને મૈયાનાં દર્શન ક્યારે થશે. માતા દર્શન આપે તો હું તેમને ઓળખી શકીશ ખરી? કેટલાય દિવસો સુધી મને મનમાં માતાના દર્શનનું રટણ ચાલ્યું.

એક વાર અમે મધ્ય પ્રદેશના માંડુ નગરમાં હતા. અહીં અમે રાણી રૂપમતીનો મહેલ જોવા ગયા. માંડુ નગર નર્મદા નદીથી ખાસ્સુ દૂર છે. રાણી રૂપમતીની પ્રતિજ્ઞા હતી કે રોજ એક વાર તો નર્મદા નદીનાં દર્શન કરવાં જ. રાજા બાજબહાદુરે રાણી માટે ટેકરી પર ત્રણ માળ ઉંચો મહેલ બંધાવ્યો. કદાચ મહેલના ધાબા પરથી દૂર દૂર વહેતી નર્મદાનાં દર્શન થાય. પણ તો ય નર્મદા ના દેખાઈ. આ મહેલ અત્યારે હયાત છે. અમે પણ મહેલના ધાબે જઈ આવ્યાં. પછી, હું નીચે આવી, મહેલ આગળના ખુલ્લા મેદાનમાં બેઠી હતી. ત્યાં બે છોકરીઓ આવી. તેઓએ મને ‘નર્મદે હર’ કહ્યું. મેં પણ સામે તેમને ‘નર્મદે હર’ કહ્યું. મેં છોકરીઓને ફળ આપ્યાં. અને એ છોકરીઓ જતી રહી. થોડી વારમાં અમારા ગ્રુપના એક ભાઈ આવ્યા. મને કહે, ‘રાધાબેન, તમને નર્મદા મૈયાનાં દર્શન થયાં ને?’

મેં કહ્યું, ના, ભાઈ, મને તો હજુ નથી થયાં.’

તે ભાઈ બોલ્યા, ‘બહેન, પેલી જે બે છોકરીઓ હતી, તેમાંની એક, નર્મદા મૈયા હતી.’ મને થયું. હાય રે, માતાએ મને દર્શન આપ્યાં, પણ હું તેમને ઓળખી ના શકી. મને પારાવાર દુઃખ થયું.

અમારી પરિક્રમા આગળ ચાલી. અમે માહેશ્વર પહોંચ્યાં. અહીં અહલ્યાબાઈએ નર્મદાને કિનારે જ મહેલ બંધાવ્યો છે. મહેલમાંથી કેટલાં બધાં પગથિયાં ઉતરીએ, પછી નર્મદા કિનારે પહોંચાય છે. અમે પગથિયાં ઉતરી, નદી કિનારે પહોંચ્યાં. ત્યાં એક વૃધ્ધ સ્ત્રી બેઠી હતી. મારી અને એની નજર મળી. એટલે એ સ્ત્રીએ હસતા ચહેરે મને ‘નર્મદે હર’ કહ્યું. મેં પણ ખુશ થઇ તેને ‘નર્મદે હર’ કહ્યું. મેં તેને ફળ અને સીધુ આપ્યું, અને હું તે સ્ત્રીના કાંતિમાન દિવ્ય મુખને જોઈ રહી. પછી હું આગળ ચાલી. મને મનમાં ઝબકારો થયો કે આ સ્ત્રી નર્મદા મૈયા જ છે. મેં હજુ ત્રણ જ ડગલાં ભર્યાં હતાં, અને મારાથી પાછળ જોવાઈ ગયું. પેલી સ્ત્રી ત્યાં ન હતી ! આજુબાજુ પણ ક્યાંય ન હતી !! મારી બાજુમાં ઉભેલા ભાઈ મને કહે, ‘બહેન, નર્મદા મૈયાએ તમને દર્શન આપ્યાં. પેલી વૃધ્ધા એ નર્મદા માતા જ હતાં. તમને દર્શન આપીને તે અલોપ થઇ ગયાં.’ આનંદની મારી, મારી આંખમાં આંસુ આવી ગયાં. મને થયું, ‘હાશ, મારી શ્રધ્ધા ફળી. માતાએ મને દર્શન આપ્યાં. પછી, માતાને મળવાનો મારો વિરહ ઓછો થવા માંડ્યો. અને અમે નર્મદા યાત્રા પૂરી કરી.’

રાધાબહેનને નર્મદામાતાએ દર્શન આપ્યાં, તે વાત સાંભળીને અમને ઘણો આનંદ થયો. અમારા બીજા એક પરિચિત વડીલે પણ નર્મદા પરિક્રમા ચાલીને કરેલી, તેમની વાત ક્યારેક ફરી કરીશ.

આ વર્ષે વરસાદ સારો થયો છે, નર્મદા મૈયામાં સારું પાણી આવ્યું છે. બોલો ‘નર્મદે હર’

સારી માન્યતાઓ, સારા શુકન

                         સારી માન્યતાઓ, સારા શુકન

આપણા સમાજમાં સારી માન્યતાઓ પણ ઘણી છે. જેટલી યાદ આવી તેનું લીસ્ટ અહીં મૂકું છું. આ માન્યતાઓ પ્રમાણે બને જ એવું નક્કી નથી. આ આપણી શ્રધ્ધાનો વિષય છે.

(૧) ઘરમાંથી બહાર નીકળતી વખતે દહીં કે સાકર ખાઈને જવાથી સારા શુકન થાય છે.

(૨) બહાર જતી વખતે ગાય સામી મળે તો સારા શુકન ગણાય છે.

(૩) ઘરમાં છછુંદર રહેતું હોય તો ધનમાં વધારો થાય છે.

(૪) ઘર આગળ મની પ્લાન્ટ હોય તો ધન વધે.

(૫) મધમાખી ઘર આગળ મધપૂડો બનાવે, એ સારું ગણાય છે.

(૬) ઘરનું પ્રવેશદ્વાર ઉત્તમ કે પશ્ચિમ તરફનું હોય એ સારું ગણાય છે.

(૭) હાથમાં ચળ આવે તો પૈસા મળે, એવું કહેવાય છે.

(૮) ગેસ પર તપેલીમાં દૂધ ગરમ કરતા હોઈએ અને દૂધ ઉભરાય એ સારું ગણાય છે.

(૯) કાચનું વાસણ પછડાય અને કાચ તૂટે એ સારા શુકન ગણાય છે.

(૧૦) સ્વપ્નામાં સાપ કરડે એને લોકો સારું ગણે છે.

(૧૧) નવનો આંકડો સારો ગણાય છે.

તમને આવી વધુ માન્યતાઓ યાદ આવે તો લખજો.

આપણી માન્યતાઓ, શુકન-અપશુકન

                               આપણી માન્યતાઓ, શુકન-અપશુકન

અમે બધા સંબંધીઓ એક વાર ભેગા મળીને બેઠા હતા. એવામાં ઘરના બારણા આગળ કાગડો બોલ્યો, કા..કા..કા…એટલે મનુભાઈ કહે, ’નક્કી, આજે કોઈ મહેમાન આવશે.’

અમે કહ્યું, ‘એવું કેમ કહી શકાય?’

મનુભાઈ કહે, ‘બસ એવી માન્યતા છે કે ઘર આગળ કાગડો બોલે તો ઘેર મહેમાન આવે.’

પછી તો આવી સારી અને ખરાબ માન્યતાઓ વિષે વાતો નીકળી, કોઈએ કંઈક કીધું, બીજાએ બીજું કીધું, એમ કરીને તો ઓ હો હો, કેટલી બધી માન્યતાઓની વાતો થઇ. એ માન્યતાઓનું લીસ્ટ અહીં લખું છું. તમે જોજો, આ બધી જ માન્યતાઓ, શુકન-અપશુકનની તમને ખબર હશે. કઈ માન્યતા કેટલી સાચી માનવી, તે દરેકની પોતાની અંગત શ્રદ્ધાનો વિષય છે.

પહેલાં ખરાબ માન્યતાઓ લખું છું.

(૧) રસ્તે જતા હો અને બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય, કામ બગડે.

(૨) કોઈક સારા કામની શરૂઆત કરવા બેઠા હો અને તે જ વખતે એક છીંક આવે, તે ખરાબ કહેવાય.

(૩) ઘરમાંથી બહાર જવા નીકળો અને કોઈ પૂછે કે, ‘ક્યાં જાઓ છો?’ તે સારા શુકન નથી. ‘શીદ જાઓ છો?’ એમ પૂછવું જોઈએ.

(૪) ઘરમાંથી બહાર જવા નીકળીએ ત્યારે કોઈ કહે, ‘કંઇક ખાઈને જાઓ’ તે સારા શુકન નથી. તે વખતે કંઇક ખાઈ લેવું કે પાણી પી લેવું.

(૫) ઘરના બારણે લીંબુ-મરચાં બાંધવાથી કોઈની ખરાબ નજર ના લાગે.

(૬) ઘરમાં સારા પ્રસંગે ખીચડી ના બનાવાય.

(૭) ઘર આગળ કડવો લીમડો ના વવાય, એવું કરો તો તમારું ધન જતું રહે. તમે ગરીબ થઇ જાવ.

(૮) રાત્રે કચરો ના વળાય.

(૯) સાવરણી ઉભી ના મુકાય, દેવું થાય.

(૧૦) ચપ્પલ ઉંધુ ના મુકાય.

(૧૧) શનિવારે વાળ ના કપાવાય, દાઢી ના કરાય. નખ ના કપાય.

(૧૨) કોઈને હાથોહાથ મીઠું, ચપ્પુ કે કાતર ના અપાય, એવું કરો તો તેની સાથે ઝગડો થાય. આવી વસ્તુ આપવી હોય તો તે નીચે મૂકવી, અને પછી સામેવાળો તે લઇ લે.

(૧૩) ઘરનું પ્રવેશદ્વાર દક્ષિણ તરફ ના રખાય.

(૧૪) ઘરમાં, ઘરના પ્રવેશદ્વાર આગળ, માથું પ્રવેશ તરફ રહે એ રીતે ના સુવાય.

(૧૫) કોઈને ઘેર મૃત્યુ થયું હોય, અને તેને ત્યાં મળવા જઈએ, ત્યારે પાછા વળતાં તેને ‘આવજો’ ના કહેવાય, માત્ર ‘જય શ્રી કૃષ્ણ’ કહેવાય.

(૧૬) કોઈ સુતેલી વ્યક્તિને ઓળંગો કે બાળકને ઓળંગો તે સારું નહિ. એવું કરવાથી, તેનો વિકાસ અટકી જાય.

(૧૭) ઘરમાં તમે ખાવા બેઠા હો, અને બહારનો કોઈ ભૂખ્યો માણસ તમને ખાતા જુએ, એ સારું નહિ.

(૧૮) કોઈનાં વખાણ કરો, આપણી પ્રગતિની વાત બધે કહ્યા કરો, તો નજર લાગી જાય.

(૧૯) બુધવારે બેવડાય, એટલે કે કોઈ અણગમતું કામ બુધવારે ના થાય, એ બેવડાય, એટલે કે એ બીજી વાર પણ કરવું પડે.

(૨૦) હેડકી આવે ત્યારે, કોઈ આપણને પૂછે કે ‘તમે કોઈનું કંઈ ચોરી લીધું છે?’ તો હેડકી બંધ થઇ જાય.

(૨૧) તમારો પગ પૈસા કે ચોપડી કે ભગવાનના ફોટાને ના અડાડાય. બીજી કોઈ વ્યક્તિને પણ ના અડાડાય.

(૨૨) ‘કોઈ ખરાબ ઘટના બનશે તો?’ એવું ના બોલાય. એવું બોલો તો તે ખરાબ ઘટના બની પણ જાય.

(૨૩) ગ્રહણ વખતે બહાર ના જવાય, એનું વૈજ્ઞાનિક કારણ કદાચ એવું છે કે ગ્રહણને લીધે સૂર્ય ના હોય ત્યારે વાતાવરણમાં બેક્ટેરિયા વધી જાય.

(૨૪) બાધા લીધી હોય તે પૂરી ના કરો, તો તમારું ખરાબ થાય.

(૨૫) હીરાનાં ઘરેણાં બધાને સદતાં નથી.

(૨૬) કોઈ ગ્રહ નડતો હોય ત્યારે તે ગ્રહ કે ગ્રહોના નંગની વીંટીઓ પહેરવી.

(૨૭) સ્મશાન કે એવી ડરામણી જગાએ ‘ચાલો’ એવું બોલીએ, તો ભૂત તમારી જોડે જ ચાલવા માંડે અને તમારી જોડે આવે. આવી જગાએ ડરી જાવ તો પણ ભૂત તમારી જોડે આવી જાય.

(૨૮) આમલી/પીપળો એ ભૂતનો વાસ છે, ત્યાં ડરી જાવ તો ભૂત પેસી જાય.

(૨૯) તળાવ કિનારે એકલા ગયા હો, અને પાણીના છાંટા ઉડે અને તમે ચમકી જાવ, તો ભૂત પેસી જાય.

(૩૦) માતાજીના રથની સામે ના જવાય.

(૩૧) કૂતરાં રાત્રે રડે, ત્યારે યમરાજા કોઈનો જીવ લેવા આવ્યા હોય છે. એવું કહેવાય છે કે કૂતરાંને યમરાજા દેખાતા હોય છે, અને તેમને જોઇને તેઓ રડે છે.

(૩૨) મથુરા પાસે આવેલા ગિરિરાજ પર્વત પરથી કોઈ પત્થર ઘેર ના લવાય.

(૩૩) ગાંધીનગર પાસે આવેલા મહુડીના જૈન મંદિરનો પ્રસાદ બહાર ના લઇ જવાય. ત્યાં જ ખાઈ જવો પડે.

તમને હજુ કોઈ આવી માન્યતાઓ યાદ આવતી હોય તો જણાવજો. સારા શુકન વિષે લખવાનું હજુ બાકી રહ્યું, પણ આજનો લેખ બહુ લાંબો થઇ ગયો, એટલે હવે પછીના લેખમાં.

   દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ

                         દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ

“Happy Diwali”, “નવું વર્ષ આપને તથા આપના કુટુંબને શુભદાયી નીવડો”, “આપણા પર લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવીની કૃપા વરસતી રહો”……..આવા અનેક મેસેજ સગાસંબંધી અને મિત્રો તરફથી વોટ્સ અપ પર ઉતરી રહ્યા છે, કેટલાયે ફોરવર્ડ કરેલા મેસેજ આવી રહ્યા છે. હા, આપણી અત્યારની દિવાળી આ પ્રકારની છે.

પહેલાંની એટલે કે આજથી પચાસ-સાઈઠ વર્ષ પહેલાંની વાત કરું તો….ત્યારે અમે ગામમાં રહેતા હતા. ગામડાની દિવાળીનો માહોલ જ કોઈ ઓર હતો. સવારે વહેલા ઊઠવાનું, નાહીધોઈ સારાં સારાં કપડાં પહેરવાનાં, મીઠાઈ, ફરસાણ ખાવાનાં અને ખાસ તો કુટુંબના બધા સભ્યોની સાથે રહેવાનું. ગામમાં પણ બધાને હળવામળવાનું ખૂબ થાય. નવાં વર્ષની સાંજે તો ગામમાં બધા જ એકબીજાને ત્યાં જાય, ખભેખભા મિલાવીને હેતથી બધા મળે. સર્વત્ર આનંદ આનદ જ છવાઈ જાય. એ જે કુટુંબભાવના અને સમાજભાવના હતી, તે અદ્ભુત હતી.

આજે તો અમે પણ શહેરમાં રહેવા આવી ગયા છીએ. અને જોઈ રહ્યા છીએ કે દિવાળી તો આવે છે, પણ લોકો એકબીજાને મળવાનું ટાળે છે, સગાસંબંધીને ત્યાં જવાનું બંધ થઇ ગયું છે. ફક્ત ઔપચારિકતા રહી છે. ઘણા લોકો તો ખાસ દિવાળી વખતે જ ફરવા કે કોઈ રિસોર્ટમાં રહેવા ઉપડી જાય છે. પહેલાં દિવાળી કાર્ડ લખવાની પ્રથા હતી. આજે તે બિલકુલ વિસરાઈ ગઈ છે. એને બદલે વોટ્સ અપ મેસેજ કરી દેવાના, ફોરવર્ડ કરી દેવાના. આવા છાપેલા મેસેજ ફોરવર્ડ કરનારો ય ધ્યાનથી નહિ વાંચતો હોય અને રીસીવ કરનારો ય કેટલું વાંચતો હશે, કોણ જાણે?

તમે કહેશો કે આમાં ખોટું શું છે? ટપાલમાં દિવાળી કાર્ડ મોકલવાની કેટલી બધી જફા? કાર્ડ ખરીદો, લખો, ટીકીટ લગાડો, ટપાલના ડબ્બામાં નાખવા જાવ, એના કરતાં તો અત્યારે તો મેસેજ મૂકો અને તરત જ સામેવાળાના મોબાઈલમાં પહોંચી જાય. કેટલી બધી સગવડ !! પણ મારે કહેવું એ છે કે પહેલાં રૂબરૂ મળવામાં અને દિવાળી કાર્ડ લખવામાં જે આત્મીયતા હતી, જે આનંદ અને સંતોષ થતો હતો, તે આજની પ્રથામાં થાય છે ખરો? ત્યારે લોકો પાસે સમય જ સમય હતો, આજે આટઆટલી સગવડો હોવા છતાં લોકો પાસે સમય નથી.

મારું કહેવાનું એમ નથી કે પહેલાં જે હતું તે જ સારું હતું. પણ મારે એટલું કહેવું છે કે એ જૂની પ્રથાની દિવાળીમાં અમને જે કુટુંબ પ્રત્યે, કુટુંબના અને સમાજના સભ્યો વચ્ચે જે લગાવ હતો, તે આજે નથી રહ્યો. કુટુંબ પ્રત્યેની ભાવનાને લીધે, ગમે તેવા સંજોગોમાં પણ ટકી રહેવાનું બળ મળતું હતું. બધા બહુ જ હળીમળીને રહેતા હતા. આજની પેઢીએ તો આવી કુટુંબપ્રથા જોઈ જ ન હોય.

આજે હજુ યે કોઈ કોઈ કુટુંબોમાં જૂની પ્રથા જળવાઈ રહી છે. બધા જ કુટુંબીજનો ભેગા રહીને દિવાળી ઉજવે. વતનના ગામે જાય અને દિવાળી ઉજવે. તેઓને જે આનંદ મળતો હશે, તે તો અનુભવો તો જ જાણો.

તો આ દિવાળીએ આપણે એટલું વિચારીએ કે દિવાળી કુટુંબ સાથે ભેગા મળીને ઉજવવી છે. કુટુંબમાં એ વિચાર રજૂ કરજો અને શક્ય હોય તો આવતી દિવાળીએ એ અમલમાં મૂકજો, પછી જોજો દિવાળીની મજા !

આ સાથે તમને બધાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ આરોગ્યમય અને આનંદમાં પસાર થાય એવી શુભેચ્છાઓ. જીંદગીમાં બે જ બાબતો અગત્યની છે, એક આરોગ્ય સારું રહે તે અને બીજું જીંદગી આનંદમાં પસાર થાય તે. કોઈ પણ પરિસ્થિતિમાં આ બે બાબતો સાથમાં રહે તે જોજો.

કોલંબસ દિવસ (Columbus Day)

                                       કોલંબસ દિવસ (Columbus Day)

‘કોલંબસ દિવસ’નું નામ તો જરૂર સાંભળ્યું હશે. દુનિયામાં જેમ જુદા જુદા ‘દિવસો’ ઉજવાય છે, તેમ, અમેરીકામાં દર વર્ષે ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે ‘કોલંબસ દિવસ’ ઉજવાય છે. આ વર્ષે, આ દિવસ ૧૪ ઓક્ટોબરે છે. સામાન્ય રીતે, સ્કૂલોમાં આ દિવસે રજા હોય છે.

કોલંબસ દિવસનું મહત્વ એ છે કે ઈ.સ. ૧૪૯૨ની સાલના આ દિવસે કોલંબસે અમેરીકાની ધરતી પર પ્રથમ પગ મૂક્યો હતો. તેની યાદમાં આ દિવસ મનાવાય છે. આજે આ વાતનને ૫૨૭ વર્ષ થયાં. પણ ત્યાર પહેલાં એશિયા-યુરોપના દેશોને અમેરીકા વિષે કંઈ જ ખબર ન હતી. કોઈ નહોતું જાણતું કે અમેરીકા જેવી વિશાળ ધરતી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. કોલંબસે આ શોધ કરી, તેની જરા વિગતે વાત કરીએ.

કોલંબસ મૂળ ઇટાલીનો વતની હતો. તે સારો દરિયાખેડુ અને સાહસિક નાવિક હતો. યુવાન થયા પછી તે, પોર્ટુગલ અને ત્યાર બાદ સ્પેનમાં જઈને વસ્યો હતો. સ્પેનની પશ્ચિમમાં એટલાન્ટીક મહાસાગર છે. સ્પેનથી જમીનમાર્ગે પૂર્વ બાજુ જઈએ તો ઘણા બધા દેશો પસાર કર્યા પછી, ભારત અને ચીન પહોંચાય, એવું એ જમાનાના લોકો જાણતા હતા. ભારત, ચીન વગેરે એશિયાઈ દેશો ત્યારે બહુ સમૃદ્ધ હતા. સ્પેન અને યુરોપના બીજા દેશોને ભારત-ચીન વગેરે દેશોમાંનું સોનું, મસાલા વગેરે ચીજો મેળવવાનું જબરું આકર્ષણ હતું. પૃથ્વી ગોળ છે, એની પણ બધાને ખબર હતી.

સ્પેનમાં કોલંબસે વિચાર્યું કે જમીનમાર્ગે પૂર્વમાં થઈને ભારત જવા કરતાં, જો પશ્ચિમમાં એટલાન્ટીક મહાસાગરમાં થઈને જઈએ તો પણ ભારત પહોંચાય જ. એમ વિચારી તેણે આવી સફર ખેડવાનો નિર્ણય કરી જ નાખ્યો. વહાણો તથા અન્ય ખર્ચ માટે તેણે સ્પેનના રાજા ફર્ડીનાન્ડ અને રાણી ઈસાબેલાની મદદ માગી. થોડી રકઝક પછી, સોનાની લાલચે તેને મદદ મળી પણ ગઈ, અને કોલંબસ ૧૪૯૨ના ઓગસ્ટ માસના છેલ્લા દિવસોમાં ત્રણ વહાણો અને ખલાસીઓ લઈને, સ્પેનના પાલોસ બંદરેથી એટલાન્ટીક મહાસાગરમાં પશ્ચિમ દિશામાં સફરે નીકળી પડ્યો. તે જે વહાણમાં હતો, તે વહાણનું નામ સાન્તા મારીયા હતું, બાકીનાં બે વહાણોનાં નામ પીન્ટા અને નીના હતાં.

એ જમાનામાં કોઈ યાંત્રિક વહાણો ન હતાં, કોઈ જ સગવડ વગરનાં ફક્ત સઢવાળાં વહાણો હતાં. દોઢેક મહિનાની આશરે ૪૦૦૦ કી.મી.ની દરિયાઈ સફર પછી, કોલંબસને મધ્ય અમેરીકાની નજીકના બહામાસ ટાપુ નજરે પડ્યા. તે ખુશ થઇ ગયો. તેણે તથા તેના નાવિકોએ આ ટાપુ પર ૧૨મી ઓક્ટોબરે ઉતરાણ કર્યું. તેને લાગ્યું કે પોતે ભારત પહોંચી ગયો છે, તેને ક્યાં ખબર હતી કે આ તો કોઈ અજાણી જ ધરતી છે ! બહામાસ ટાપુ પર તેણે પોતાનો અધિકાર જાહેર કર્યો, અહીં જે સ્થાનિક લોકો હતા, તેઓ સાથે મણકા, રૂ, ભાલા વગેરેની આપલે કરી. તેઓ આજુબાજુના ટાપુઓ ક્યુબા, હૈતી, ડોમિનિકન વગેરે પર પણ પહોંચ્યા, તેઓ આ બધી જગાઓને ભારત, ચીન અને જાપાન જ માનતા હતા ! તેણે સ્થાનિક લોકોની મદદથી અહીં વસાહત પણ ઉભી કરી.

બે વહાણો લઈને કોલંબસ પાછો સ્પેન ઉપડ્યો. ૧૪૯૩માં ફરી આવ્યો. આમ તેણે અમેરીકા તરફની કુલ ચાર ટ્રીપ કરી. છેલ્લી ટ્રીપ ૧૫૦૨માં કરી. આ ટ્રીપો દરમ્યાન તે મધ્ય અમેરીકાના ટાપુઓની આસપાસ જ ફર્યો. તેણે અમેરીકાની મુખ્ય જમીન પર તો પગ મૂક્યો જ ન હતો. અને પોતે ભારત જવાનો દરિયાઈ માર્ગ શોધ્યો છે, એવું છેક મૃત્યુ સુધી માનતો રહ્યો.

ઈ.સ.૧૪૯૭-૯૮માં બીજો ઈટાલિયન સાહસિક માણસ અમેરીગો વેસ્પુસી અહીં આવ્યો, તેણે અમેરીકાની મૂળ જમીન પર પગ મૂક્યો, ત્યારે દુનિયાને આ વિશાળ ધરતી વિષે ખબર પડી. અમેરીગો વેસ્પુસીના નામ પરથી આ ખંડનું નામ અમેરીકા પડ્યું. પછીનો ઈતિહાસ તો બધાને ખબર છે. અમેરીગો વેસ્પુસી પછી તો ઇંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ફ્રાંસ વગેરે દેશોમાંથી લોકોનાં ધાડેધાડાં અમેરીકા આવવા નીકળી પડ્યાં, અહીંના સ્થાનિક લોકો ધીરેધીરે નામશેષ થતા ગયા. આમ જુઓ તો આજે અમેરીકામાં રહેતા બધા જ લોકો ઈમીગ્રાન્ટ છે. આ બધું થયું કોલંબસની શોધને લીધે. એટલે આ દિવસે બધા તેને યાદ કરે છે.

તમને આ વાર્તા ગમી?

Previous Older Entries