વીરભદ્ર મંદિર, લેપાક્ષી
વીરભદ્ર મંદિર, લેપાક્ષી
આપણા દેશમાં પૌરાણિક તથા મધ્યકાલીન જમાનાનાં ઘણાં મંદિરો છે. એ મંદિરો મોટે ભાગે પત્થરોનાં બનાવતા, એટલે એવાં ઘણાં મંદિરો આજ સુધી ટકી રહ્યાં છે. આ મંદિરો એ આપણો સાંસ્કૃતિક વારસો છે. હેરીટેજ દ્રષ્ટિએ પણ આવાં મંદિરોનું મૂલ્ય ઘણું છે. આવાં મંદિરો જોવાની એક ઓર મજા છે. લેપાક્ષીમાં આવેલા આવા એક મંદિરની અહીં વાત કરીએ. આ મંદિર વીરભદ્ર ભગવાનને સમર્પિત છે.
સ્થાન: આ મંદિર આંધ્ર પ્રદેશમાં લેપાક્ષી ગામમાં આવેલું છે. આ ગામ બેંગ્લોરથી ઉત્તરમાં ૧૨૦ કી.મી.દૂર આંધ્ર-કર્ણાટકની બોર્ડર પર છે. મંદિર કાચબા આકારની નાની ટેકરી પર આવેલું છે. કહે છે કે રાવણ દ્વારા ઘવાયેલ જટાયુ પક્ષી ઘાયલ થઈને આ જગાએ પડ્યો હતો.
બાંધકામ: આ મંદિર આશરે ૧૫૩૦ની સાલમાં બંધાયેલું છે. વિજયનગર સામ્રાજ્યના સુબા એવા બે ભાઈઓ વિરુપન્ના અને વીરન્ના નાયકે તે બાંધ્યું છે. તેનું સ્થાપત્ય વિજયનગર સ્ટાઈલનું છે. દીવાલો, થાંભલા અને છત પર કોતરણી અને પેઈન્ટીંગ કરેલાં છે. તેમાં રામાયણ અને મહાભારતના પ્રસંગોનું નિરૂપણ છે. મંદિરમાં ૧૦૦ થાંભલાવાળો રંગ મંડપ (ડાન્સ હોલ) છે, એમાં એક થાંભલો લટકતો છે, એટલે કે તે જમીનને અડતો નથી, જમીન અને થાંભલા વચ્ચેની જગામાં કાગળ પસાર થઇ શકે એટલી જગા છે. કેટલાક થાંભલા પર સાડીની બોર્ડરની ડીઝાઈન કંડારેલી છે. વીરભદ્ર મંદિર હમ્પીની યાદ અપાવી જાય. મંદિરમાં કેટલાક ભાગનું બાંધકામ અધૂરું છોડી દીધેલું છે.
અહીં મુખ્ય મંદિર વીરભદ્ર સ્વામીનું છે. મંદિરની જોડે લીંગ પર ફેણધારી નાગની મોટી મૂર્તિ છે. ભગવાનનો નંદી મુખ્ય મંદિરથી ૨૦૦ મીટર દૂર છે. તે ૧૫ ફૂટ ઉંચો અને ૨૭ ફૂટ લાંબો તથા એક જ પત્થરમાંથી કોતરેલો છે. આ ઉપરાંત અહીં ગણેશ,શિવ, ભદ્રકાલી, વિષ્ણુ અને લક્ષ્મીની મૂર્તિઓ છે.
કેવી રીતે જવું?: બેંગ્લોરથી NH44 પર ૧૦૭ કી.મી. જાવ, પછી કોડીકોન્ડા જંકશન આગળ ડાબી બાજુ વળો, પછી ૧૬ કી.મી. જાવ એટલે આ મંદિરે પહોંચી જવાય. બેંગ્લોરથી એક દિવસની ટ્રીપ કરી શકાય, સવાર જઈને સાંજે પાછા. આંધ્ર-કર્ણાટકની બોર્ડેર આગળ, સફેદ કલરવાળી નંબર પ્લેટ ધરાવતી કાર (ટેક્સી)ને ચાર્જ ના લાગે, પીળી પ્લેટવાળીને લાગે. વચ્ચે બે ટોલટેક્સ (૧૩૦/- અને ૧૩૫/-) આવે છે. બીજો રસ્તો હિન્દુપુર થઈને છે, તેમાં ટોલ નથી.
મંદિર જોવાનું: ફ્રી
દર્શન: સવારના ૫ થી સાંજના ૯ સુધી દરરોજ. મંદિરમાં ચંપલ કાઢીને જવાનું, આથી પગે દઝાવાય, સવારમાં વધુ સારું રહે,
ફોટોગ્રાફી: મંદિરમાં બધે છૂટ છે.
જમવાનું: કોડીકોન્ડા જંકશન આગળ આંધ્ર ટુરીઝમ બોર્ડનું રેસ્ટોરન્ટ સારું છે.
પાર્કીંગ: છે.
અનુકૂળ સમય: સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી, ચોમાસામાં જુલાઈ-ઓગસ્ટમાં પણ જવાય, ઉનાળામાં ખૂબ ગરમી લાગે.
નજીકમાં બીજાં સ્થળ: પુટ્ટાપરથી (સત્ય સાઈબાબાવાળું), લેપાક્ષીથી ઉત્તરમાં ૬૩ કી.મી. દૂર છે.
તસ્વીરો: (૧) મંદિરનો આગળનો ભાગ (૨) મંદિરનું શિખર (૩) થાંભલા પરની કોતરણી (૪) રંગમંડપમાં એક લટકતો થાંભલો (૫) ફેણધારી લીંગ (૬) નંદી
નોંધ: તસ્વીરો તથા માહિતી ગુગલનાં સૌજન્યથી.