થોડા કિસ્સાઓ – એક રૂપિયાનું સેટીંગ

એક રૂપિયાનું  સેટીંગ

ઘણા દિવસથી હું પ્રવાસના સ્થળોનું વર્ણન કરી રહ્યો છું. આપે આ બધા સ્થળો ખુબ પ્રેમથી માણ્યા છે. બ્લોગ પર આવવા બદલ હું આપનો આભારી છુ. હવે મને એમ થાય છે કે થોડો ચેઈન્જ કરું.  થોડા પ્રસંગો, જાતે અનુભવેલા બનાવોની વાત કરવાની ઈચ્છા છે. આશા છે કે આપને એ ગમશે.

એક કિસ્સાથી શરૂઆત કરું. એક વાર હું અમદાવાદથી નડિયાદ આપણી ગુજરાતની એસ. ટી. બસમાં બેસીને જતો હતો. ટીકીટ ૧૯ રૂપિયા હતી. મેં ૨૦ રૂપિયાની નોટ આપી. કંડક્ટર કહે, ” છુટા નથી”  એમ કહીને ૧ રૂપિયો પાછો ના આપ્યો. મેં કાઈ કહ્યું નહિ. સાંજે નડિયાદથી પાછા વળતા ફરીથી બસમાં ૧૯ રૂપિયાની ટીકીટ લેવાની હતી.કંડક્ટર કહે,”છુટા આપો” મારે દિવસ દરમ્યાન થોડા છુંટા ભેગા થયા હતા. મેં ગણ્યા તો ૧૮ રૂપિયા મારા ખીસામાંથી નીકળ્યા. કંડક્ટર કહે, “લાવો, ચાલશે ૧૮ રૂપિયા”

તમે જુઓ કે સવારે મારો ૧ રૂપિયો વધારે ગયો, અને સાંજે ૧ રૂપિયો એસ. ટી. બસમાંથી જ પાછો મળી ગયો. આવા સેટીન્ગને શું કહીશું ?

કાલે નવા કિસ્સા સાથે ફરી મળીએ.

હાથીદરા – પાલનપુર

પાલનપુરથી ૨૦ કી.મી. દુર હાથીદરા નામનું એક ગામ છે. અહી શંકર ભગવાનનું મંદિર છે, અને મંદિરની બાજુમાં એક ઉંચા ટેકરો છે. ૨૦૦ પગથીયા ચડીને આ ટેકરા પર પહોંચી શકાય છે. ચિત્ર જુઓ. અહીંથી આજુબાજુનું દ્રશ્ય ખુબ જ સરસ દેખાય છે. અહી બેસવાની જગા અને પવનની લહેરો એવી સરસ આવે છે કે અહીંથી ખસવાનું મન ના થાય. નીચેનું મંદિર નાનકડી ગુફામાં છે. મંદિરની બાજુમાં પ્રાર્થના હોલ તથા જમવાની વ્યવસ્થા છે. મંદિર એક નદીના કિનારે છે અને નદી પર ચેક ડેમ બાંધેલો છે. ઘણા પ્રવાસીઓ આ સ્થળે ફરવા આવે છે.

વડ – કંથારપુરા

    કબીરવડ જેવો એક બીજો મોટો વડ ગુજરાતમાં છે , એ તમે જાણો છો ? કંથારપુરા ગામમા આ વડ આવેલો છે. ફોટો જુઓ. કંથારપુરા ગામ અમદાવાદ થી આશરે ૫૦ કી.મી. દુર આવેલું છે. અમદાવાદથી હિંમતનગરના રસ્તે ચિલોડા પછી છાલા ગામ આવે છે, ત્યાંથી સાઈડમાં ૭ કી.મી. જાવ એટલે કંથારપુરા પહોચી જવાય. અહી વડ નીચે રાજ રાજેશ્વરી મહાકાળી માતાનું મંદિર છે.  વડ નીચે એસી જેવી આહલાદક ઠંડક છે. વડનો ફેલાવો એટલો બધો છે કે વડ નીચે માણસો આરામથી બેસે, છોકરાઓ રમે, એક બાજુ ગાય-ભેંસો બેઠેલી હોય, દુકાનો હોય, રસ્તો પણ ખરો, એમ માહોલ બરાબર જામેલો લાગે. ક્યારેક આ વડ જોવા જજો.

ત્રિનેત્રેશ્વર મહાદેવ

  સુરેન્દ્રનગર જીલ્લાના થાન ગામથી ૧૦ કી.મી. દુર ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહી દર વર્ષે ભાદરવા મહિનામાં તરણેતર નો મેળો ભરાય છે. આ મેળો ભારત તેમ જ ભારતની બહાર પણ ખુબ જ પ્રખ્યાત છે. મહાદેવ ના મંદિર ના પ્રાંગણ માં કુંડ આવેલો છે. મેળાના દિવસોમાં લાખો લોકો મહાદેવના દર્શન કરે છે. 

જરવાણીનો ધોધ

એવી કલ્પના આવે ખરી કે હિમાલયમાં હોય એવા ધોધ ગુજરાતમાં પણ હોય?  અરે ! કલ્પના નહિ, એવા ઘણા ધોધ ગુજરાતમાં છે. એવો એક ધોધ- જરવાણીનો ધોધ અહી દર્શાવ્યો છે. રાજપીપળાથી આશરે ૧૨ કી.મી. દુર આવેલો આ ધોધ ખરેખર જોવા જેવો છે. છેલ્લા ૪ કી.મી. કાચા અને ઊંચાનીચા રસ્તે જંગલમાં થઈને જવાનું છે, પણ ગાડી જઈ શકે. અહી એક ઉંચી ટેકરી પર કોટેજોમાં રહેવા-જમવાની પણ સગવડ છે. અહીનું  સૌન્દર્ય માણવા તો જાતે જ જવું પડે. 

ગરમ પાણીના કુંડ-ટુવા

             ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ઘણી જગાએ આવેલા છે. ટુવા (Tuva) તેમાંનું એક છે.  તે ગોધરાથી આશરે ૧૫ કી.મી. દુર આવેલુ છે. ડાકોર-ગલતેશ્વર થી આ સ્થળ નજીક છે. પાણી કેટલું ગરમ છે, તે લોકો, હાથમાં લઈને જોઈ રહ્યા છે. નહાવાની ઈચ્છા થાય તો કુંડની પાળી પર બેસીને નાહી લેવાય. હા, ચોખ્ખાઈ જોઈએ તેવી નથી. 

રાધાનગર બીચ – આંદામાન-નિકોબાર

            મને ફરવાનો શોખ ખુબ રહ્યો છે.  બધાને ફરવાના સ્થળોની માહિતી મળે એ હેતુથી રોજ એક સ્થળની વિગતો અહી મુકવાનો મારો પ્રયાસ છે. મેં જાતે જોયેલ સ્થળની માહિતી હું અહી એક ફોટા સાથે મુકું છુ. આશા છે કે આપને આ ગમશે. 

            આજે આંદામાન-નિકોબારના એક સ્થળનો ફોટો મુકું છુ. અહી આશરે ૫૦૦થી એ વધુ નાના-મોટા ટાપુઓ આવેલા છે. એમાં આશરે ૩૭ જેટલા ટાપુ પર વસ્તી છે, બાકી બધા નિર્જન છે. પણ અહી અફાટ કુદરતી સૌન્દર્ય વેરાયેલું પડ્યું છે.  અહીના હેવલોક નામના ટાપુનો દરિયાકિનારો અને બીચ ખુબ જ સુંદર છે. આ બીચનું નામ રાધાનગર બીચ છે. અહીની મુલાયમ રેતી, બ્લુ રંગના પાણી, એક બાજુ દેખાતી ગીચ ઝાડી, સામે છેક દુર દેખાતા વરસાદી વાદળો, ચોખ્ખી રેતી અને ચોખ્ખું પાણી, દરિયાના મોજાની મસ્તી — આ બધું જોઈને મન ઝાલ્યું રહે ખરું ? અહી એમ થાય કે બસ મોજામાં નાહ્યા જ કરીએ, નાહ્યા જ કરીએ….. સેલ્યુલર જેલની વાત કરીશું ફરી કોઈ વાર …..

Previous Older Entries