ક્યારેક રવિવારે અથવા તો એકાદ દિવસ ની રજા મળી હોય ત્યરે મનમાં એમ થાય કે એક દિવસમાં ક્યાંક નજીકના સ્થળે ફેમીલી સાથે ફરી આવીએ કે જેથી રોજીંદા કામમાંથી તાજામાજા થઇ જવાય અને ઘરના સભ્યો પણ ખુશ ખુશ થઇ જાય. ઘરમાં બાળકો પણ કહેતા હોય છે કે “પપ્પા, ચાલો ને ક્યાંક ફરી આવીએ.”
આવું લગભગ દરેક ઘરમાં બનતું હોય છે.તો મિત્રો ચાલો, આવા એક દિવસના અમે કરેલા એક પ્રવાસની તમને વાત કરું.
અમે પાલનપુરની આસપાસ આવેલા હાથીદરા, બાલારામ, ઇકબાલગઢ અને સિધ્ધપુર ફરવાનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો. અમે ચાર ફેમીલીના મળીને કુલ આઠ જણ હતા. તવેરા ગાડી ભાડે કરી લીધી.
સવારે સાત વાગે અમે અમદાવાદથી નીકળ્યા. અને આશરે ૧૨૫ કી.મી. કાપી મહેસાણા, ઊંઝા અને સિધ્ધપુર થઈને પાલનપુર પહોંચ્યા. ચોમાસાની સીઝન હતી. વાદળછાયું વાતાવરણ હતું. આવા સરસ વાતાવરણમાં રસ્તામાં એક જગાએ ચા અને ભજીયા ઝાપટ્યા. આમેય સવારનો પહેલો નાસ્તો કરવામાં તો ખુબ જ મઝા આવે. પાલનપુરથી હાથીદરા ૨૦ કી.મી. દુર છે. હાથીદરા નજીક આવ્યુ તેમ દુરથી જ લોકો પથ્થરોના ઉંચા ટેકરા પર ચડતા દેખાયા. દ્રશ્ય ખુબ જ સરસ હતું.
હાથીદરામાં એક નદી વહે છે, તેમાં ચેક ડેમ બાંધેલો છે. ચેક ડેમ ઓવરફ્લો થતો હોય તો જોવાનો ઘણો જ આનંદ આવે. નદીના કિનારે એક મંદિર છે. તેમાં એક નાની ગુફામાં શંકર ભગવાન બિરાજમાન છે. બાજુમાં એક વાવ છે પણ તેમાં ઉતરાય એવું નથી. એક પ્રાર્થના હોલ છે અને બાજુમાં જમવાની વ્યવસ્થા છે. અહી આવનાર દરેક જણને મફત જમવાની સગવડ છે. મંદિરની બાજુમાં જ પથ્થરોનો બનેલો ટેકરો છે. ૨૦૦ પગથીયા ચડીને ઉપર પહોંચો, ત્યાંથી આજુબાજુનું અને નીચેનું દ્રશ્ય અદ્ભુત લાગે છે. અહી લોકો બેસે, ફોટા પાડે અને કુદરતી સૌંદર્યની મઝા માણે. પગથીયા ચડ્યાનો થાક તો ક્યાય ઉતારી જાય. નીચે આવીને લાડુ, ફૂલવડી, બટાકાનું શાક, વાલ, દાળભાત જમ્યા. મઝા આવી ગઈ. પ્રાર્થના હોલમાં થોડી વાર બેસી પ્રભુસ્મરણ કર્યું.
હવે અહીંથી નીકળ્યા બાલારામ તરફ. ગામડાના સાંકડા રસ્તા વીંધીને આશરે દસેક કી. મી. પછી ચિત્રાસણી પહોંચ્યા. ચિત્રાસણીમાં જ નદીકિનારે બાલારામનું મંદિર છે. અહી શંકર ભગવાનના લિંગ પર, આજુબાજુના ડુંગરોમાંથી આવતા પાણીનો કુદરતી રીતે જ અભિષેક થાય છે. ડુંગરોના સાનિધ્યમાં મંદિર ઘણું જ શોભે છે. બાજુમાં વહેતી નદી છે. નદી ઓળંગીને સામે કાંઠે ગયા અને પાછા આવ્યા આજે અહી મેંળો ભરાયેલો હતો. ઘણા લોકો નદીમાં સ્નાન કરતા હતા. અમે નદીમાં નહાવાનો પ્રોગ્રામ આગળ ઉપર રાખ્યો હતો.
બાલારામ પ્રભુના દર્શન કરી અમે ગાડી દોડાવી ઇકબાલગઢ તરફ. બાલારામમાં જ બાલારામ રિસોર્ટ આવેલો છે. આ એક ભવ્ય હોટેલ છે.સૂર્ય વંશમ ફિલ્મનું ઘણું શુટીંગ આ રિસોર્ટમાં થયેલું છે. રિસોર્ટ, બહારથી જ ગાડીમાં બેઠા બેઠા જોઈ લીધો. બાલારામથી આશરે ૧૬ કી.મી. પછી ઇકબાલગઢ આવ્યું. અહીંથી ત્રણેક કી.મી. જેટલું જઈને વિશ્વેશ્વર ભગવાનના મંદિરે પહોંચ્યા. આ મંદિર બનાસ નદીના કિનારે આવેલું છે. આ વિસ્તારમાં આ મંદિર ઘણું પ્રખ્યાત છે. પુષ્કળ લોકો અહી આવેલ હતા. મંદિરથી નદીના વહેતા પાણીમાં ઉતર્યા. પાણી ખુબ જ ચોખ્ખું અને વહેતું હતું. સામે કિનારે જંગલો દેખાતા હતા.વરસાદ વરસી રહ્યો હતો. આવા માહોલમાં નદીમાં નહાવાની કેટલી બધી મઝા આવે ! અમે બે કલાક સુધી નાહ્યા, તો પણ નદીમાંથી નીકળવાનું મન થતું ન હતું. આ નદી પર આગળ દાંતીવાડા પાસે બંધ બાંધેલો છે.
છેવટે નાહીને નીકળ્યા પાલનપુર તરફ. પાલનપુર ગામમાં પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં શિવજીના દર્શન કર્યા. આ મંદિર ત્રણેક માળ જેટલું ઊંડું ભોંયરામાં છે, અને તેનો ઘુમ્મટ જમીનથી પાંચેક માળ જેટલો ઉંચો છે. શિવ ભગવાન બધાની માનતા પૂરી કરે છે , એવી માન્યતા છે.
હવે અમે અમદાવાદ તરફ પાછા વળ્યા. વચમાં સિધ્ધપુર આવ્યું.. સિદ્ધપુરનો રુદ્ર મહાલય ખુબ જ જાણીતો છે. ગામમાં જઈ તે સ્થળ શોધી કાઢ્યું.. ઈતિહાસપ્રસિદ્ધ આ મહાલય અત્યારે ખંડેર હાલતમાં છે. બે માળના થોડા ખંડિત થાંભલાઓ દેખાય છે. સિદ્ધરાજ જયસિંહના વખતમાં આ મહાલયની કેવી જાહોજલાલી હશે તેની કલ્પના મનમાં આવી ગઈ. આ જગા અત્યારે બાબરી મસ્જિદની જેમ વિવાદાસ્પદ બની ગઈ છે. રુદ્ર મહાલયના પ્રાંગણમાં આશરે ૧૦૦૦ વર્ષ જુનું શંકર ભગવાનનું મંદિર ખંડેર હાલતમાં દેખાય છે. આગળ પોઠીયો છે અને ગર્ભ ગૃહમાં અંધારું જ છે. રીનોવેશન થાય તો ઘણા લોકો જોવા આવે. ઈતિહાસને વાગોળતા અમે પાછા વળ્યા.
રસ્તામાં ચા–પાણી પીધા. અંધારું થવા આવ્યું હતું. નવેક વાગે અમે અમદાવાદ પહોંચી ગયા. આજે જોયેલા પાંચેય સ્થળોમાં દરેક જગાએ શંકર ભગવાનના જ મંદિર હતા, એ એક અગત્યની વાત હતી.


