રિક્ષાવાળો

       મારી સાથે વડોદરામાં બનેલો એક પ્રસંગ અહી લખું છુ.

   એક સંબધીને ત્યાં કોઈક પ્રસંગે અમે બધા ભેગા થયા હતા. નાનાં છોકરાં પણ ઘણા હતા. મને થયું કે સાંજે છોકરાંને કમાટીબાગ ફરવા લઇ જાવું.

સાંજે હું સાત છોકરાંને લઈને કમાટીબાગ પહોંચ્યો. બધા મઝા કરતા હતા, એટલામાં ખબર પડી કે શહેરમાં ધમાલ થઇ છે. દુધના ભાવવધારા સામે પ્રજાએ અંદોલન શરુ કર્યું છે. લોકો તોફાને ચડ્યા છે. એક બે જગાએ તો સીટી બસ પણ સળગાવી છે, પોલીસ આવી છે., વિગેરે વિગેરે.

આ સાભળીને હવે અમારે ઘેર પહોંચી જવું ખુબ જરુરી હતું, કેમ કે ખાસ તો મારે સાત નાના છોકરાંને સાચવવાના હતા. અમે બાગની બહાર આવ્યા. બહાર તો દોડાદોડી અને નાસભાગ મચી હતી. મેં રિક્ષા  ઉભી રખાવવા પ્રયત્ન કર્યો. પણ કોઈ રિક્ષાવાળો ઉભો રહેતો ના હતો. છેવટે એક રિક્ષા ઉભી રહી. મેં નક્કી કર્યું કે જે ભાડું માગે તે આપી દેવું, પણ જલ્દી ઘેર પહોચી જવું. મેં રિક્ષાવાળાને કહ્યું,” મારી સાથે સાત બાળકો છે, બધાને બેસાડશો ને ?” કારણ કે મને શંકા હતી કે એક રિક્ષામાં એટલા બધાને તે નહિ બેસાડે. પણ રિક્ષાવાળાએ કહ્યું, ” હા, બધા જ અંદર આવી જાવ.”  હું ખુશ થઇ ગયો. મેં ઝડપથી ગમે તેમ કરીને બધા છોકરાને રિક્ષામાં ઘુસાડી દીધા. થોડા એકબીજાના ખોળામાં, થોડા એકબીજાને પકડીને ઉભા રહ્યા. અને રિક્ષાવાળાએ  રિક્ષા ભગાવી. મને હાશ થઇ. મેં આપેલા સરનામે રિક્ષા દોડવા લાગી. મને મનમાં થતું હતું કે,” રિક્ષાવાળો જરૂર ડબલ કે તેથી એ વધારે ભાડું માગશે.”

 છેવટે અમારું ઘર આવ્યું. બધા છોકરા રિક્ષામાંથી ઉતર્યા. બધા સહીસલામત ઘેર પહોંચ્યાની ખુશી હતી. ઘેર બધા ચિંતા કરતા હતા.

હવે મેં રિક્ષાવાળાને ભાડું પૂછ્યું. તે કહે,”સાહેબ, આમ તો ૩૦ રૂપિયા થાય, પણ……”

મને થયું કે ચોક્કસ તે વધારે માગવાનો છે. મેં કહું, બોલ, ભાઈ, મારે કેટલા આપવાના છે ? ”

તે કહે, “સાહેબ, તમે પચીસ જ આપો.”

સાંભળીને મને બહુ નવાઈ લાગી. આ તો મીટર કરતાય ૫ રૂપિયા ઓછા માગતો હતો ! મેં કહ્યું,” ભાઈ, કેમ તું ઓછા માગે છે ?”

ત્યારે તેણે કહ્યું , ” સાહેબ, માણસનો ખરો ટાઈમ તો આવા વખતે સાચવવાનો હોય છે. તમને એક રિક્ષામાં  આટલા બધા જણ ને બેસવામાં તકલીફ પડી, એટલે હું ૫ રૂપિયા ઓછા લઉં છુ. તમારી લાચારીનો ગેરલાભ ઉઠાવીએ તો ભગવાનના ગુનેગાર કહેવાઈએ. ”

છેવટે મેં એને ૩૦ રૂપિયા આપીને વિદાય કર્યો.

આજના જમાનામાં આવા સારા રિક્ષાવાળાઓ કેટલા ?