ભરોસો અને ઉદારતા

   મારા રહેઠાણની નજીક આવેલી બેંકમાં મારું ખાતું ચાલતું હતું. બેન્કનો સ્ટાફ ઘણો જ  સરસ અને માયાળુ હતો. મારી પત્ની માધુરીને અવારનવાર બેંકમાં જવાનું થાય,એટલે એને ખાસ તો સ્ત્રી કર્મચારીઓ જોડે સારી મિત્રતા થઇ ગઈ હતી. રમાબેન, ઉર્વશીબેન, નયનાબેન એની સારી મિત્રો હતી.

    એમાં જયારે મારા પુત્રને ભણવા માટે અમેરિકા જવાનું થયું ત્યારે સારા એવા રૂપિયાની જરૂર ઉભી થઇ. સગા વહાલા  પાસે થી ભેગા કર્યા તો પણ હજુ ૮ લાખ રૂપિયા ખુટતા હતા. માધુરીને આની ચર્ચા બેંકમાં એની મિત્રો સાથે પણ થઇ. બીજે દિવસે રમાબેને કહ્યું,” માધુરીબેન, તમારે જરૂર હોય તો હું તમને રૂપિયા આપું. મારા મમ્મીની એફ. ડી. છે, તે તોડાવીને આપું.”

   અમે રમાબેન પાસેથી ૮ લાખ રૂપિયા લીધા, અને અમારું કામ ઉકલી ગયું. પંદર દિવસમાં તો સગવડ કરીને અમે રમાબેનને પૈસા વ્યાજ સહીત પાછા પણ આપી દીધા.

   અગત્યનું એ છે કે ફક્ત બેંકમાં થયેલા ઓળખાણથી રમાબેને અમારા પર ભરોસો મૂકી આટલી  મોટી રકમ ઉછીની આપી.  ભરોસો અને ઉદારતાનું આ ઉદાહરણ અમને કાયમ યાદ રહેશે.