આવા શિક્ષકો અત્યારે જોવા મળે ખરા ?

      હું મૂળ ગુજરાતના એક ગામડાનો વતની. મારું બાળપણ ગામડામાં જ  વીત્યું છે. એસ. એસ. સી. એટલે કે ધોરણ ૧૧ સુધી હું ગામડાની હાઈ સ્કુલમાં ભણ્યો છુ.

  મારા સ્કુલના એક અનુભવની વાત કરું. સ્કુલના અમારા શિક્ષકો ખુબ જ સારા. મન દઈને ભણાવે. વિદ્યાર્થી સારું ભણે એની ખુબ કાળજી રાખે. ત્યારે અત્યારના જેવી ટ્યુશન પ્રથા નહિ.  શિક્ષકો પણ ટ્યુશનલક્ષી નહિ.

     આમ છતાં પૈસાદાર માબાપના બેચાર છોકરા એવા ખરા કે જે, કોઈ શિક્ષક્નુ ટ્યુશન રાખે. અમારા ગુજરાતી અને સંસ્કૃત વિષયના શિક્ષક શ્રી અરવિંદભાઈને ત્યાં આવા ત્રણેક છોકરાઓએ ટ્યુશન રાખેલું.

    અરવિંદભાઈ બહુ જ સારા અને પ્રેમાળ શિક્ષક. સ્કુલમાં હું હોશિયાર વિદ્યાર્થી ગણાતો હતો. મારે ટ્યુશનની જરૂર હતી પણ નહિ. આમે ય હું ગરીબ ઘરનો દીકરો. ટ્યુશન રાખવાનું વિચારી પણ ના શકાય. અરવિંદભાઈ સાહેબને મારા માટે અપાર લાગણી. એટલે એ મને કહે કે,” તું મારે ત્યાં શીખવા માટે દરરોજ આવ”

    મેં કયુ, “સાહેબ, મારી પાસે તો ટ્યુશન રાખવાના પૈસા નથી. હું તમારે ત્યાં કેવી રીતે શીખવા માટે આવું ?”

   અરવિંદભાઈ સાહેબ કહે, ” મેં તારી પાસે પૈસા ક્યાં માગ્યા છે ? તારે તો મારા બીજા ટ્યુશન વાળા છોકરાઓ જોડે જ બેસી જવાનું”.

     આમ મારું અરવિંદભાઈ સાહેબના બીજા ટ્યુશનવાળા છોકરાઓ જોડે ભણવાનું શરુ થયું. મારી પાસે પૈસા લીધા વગર પણ અરવિંદભાઈ સાહેબે મારા પર ઘણું ધ્યાન આપ્યું. એટલું જ નહિ, અરવિંદભાઈ સાહેબના પિતા, જે એક જમાનામાં અમારી ગામની પ્રાથમિક શાળાના હેડ માસ્તર હતા,તેમણે પણ મને સાથે સાથે ગણિત શીખવાડ્યું. અરવિંદભાઈ સાહેબની એટલી કાળજી કે રાતના ૧૧ વાગે ભણાવવાનું પૂરું થાય પછી મને ઘેર જતા બીક ના લાગે તે માટે ફાનસ લઈને મારા ઘર સુધી મૂકવા આવે.

     એસ.એસ.સી. ના રીઝલ્ટમાં હું મારી સ્કુલમાં પ્રથમ આવ્યો, એટલું જ નહિ, સંસ્કૃત અને ગણિતના વિષયોમાં હું જિલ્લાકક્ષાએ પણ પ્રથમ આવ્યો, મને ઇનામો પણ મળ્યા, અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સાયન્સ પ્રવાહમાં એડમિશન પણ મળ્યું. ગુજરાતના એક નાના ગામડાના વિદ્યાર્થીએ અમદાવાદની આટલી  સરસ કોલેજમા  એડમિશન મળવાની કલ્પના પણ કરી હોય ખરી ?

    આ બધો પ્રતાપ મારા અરવિંદભાઈ સાહેબનો છે. આવા શિક્ષકો અત્યારે જોવા મળે ખરા ?