“તમને શું લાગે છે ?”

  અમે બધા મિત્રો એન્જીનીયરીન્ગનું ભણી રહ્યા પછી પોતપોતાના નોકરી ધંધે ગોઠવાઈ ગયા, ત્યાર બાદ મારા એક મિત્ર રાજેશ સાથે બનેલા પ્રસંગની વાત  કરું. તેને વિવાહ માટે એક છોકરી જોવા જવાનું હતું. એટલે નક્કી કરેલા સમયે તે છોકરીને ઘેર પહોચ્યો. છોકરીના પપ્પા-મમ્મી સાથે થોડી ઔપચારિક વાતો પત્યાં પછી એક અલાયદા રૂમમાં તેનો છોકરી સાથે ઇન્ટરવ્યું ગોઠવાયો. છોકરીનું નામ  હેતલ હતું.

ત્યાં રાજેશે વાતચીતની શરૂઆત કરી,” તમે કેટલું ભણેલા છો  ? ”

હેતલે  જવાબ આપ્યો, ” તમને શું લાગે છે ?”

રાજેશે આગળ પૂછ્યું, ” હેતલ,  તમને રસોઈ બનાવતા આવડે છે ?  સમોસા બનાવતા આવડે ?”

હેતલનો જવાબ, “તમને શું લાગે છે ?”

રાજેશ તો ગુચવાયો. આમાં શું સમજવું  ? બધા પ્રશ્નોના જવાબમાં તે “તમને શું લાગે છે ?” કહેતી હતી !!

છતાય તેને આગળ પૂછ્યું, “તમને કેવી જાતની બૂક વાંચવાની ગમે ?”

એ જ જવાબ. “તમને શું લાગે છે ?”

રાજેશને હવે વધુ પૂછવાનું ઠીક ના લાગ્યું. ઉઠીને બહાર આવી ગયો. બહાર હેતલના પપ્પા સોફા પર બેઠા હતા. ત્યાં સામે આવીને બેસી ગયો. હેતલ પણ બહાર આવીને બારણા આગળ ઉભી રહી. હેતલના પપ્પાએ પૂછ્યું, “બોલો, રાજેશભાઈ, મારી હેતલ તમને પસંદ પડી ?”

  રાજેશે જવાબ આપ્યો ,”તમને શું લાગે છે ?”

આ જવાબ બારણા  આગળ ઉભેલી હેતલે પણ સાભળ્યો. રાજેશે હેતલને પસંદ કરી કે નહિ, તે વિષે આગળ કઈ કહેવાની જરૂર ખરી ?