ગામડાની એક સ્કુલમાં એક વાર ઇન્સ્પેક્ટર ઓચિંતા આવી ચડ્યા. દરેક વર્ગમાં શિક્ષણકાર્ય બરાબર ચાલી રહ્યું હતું. ઇન્સ્પેક્ટર સીધા જ એક ક્લાસમાં ગયા. એક વિદ્યાર્થીને ઉભો કરીને પૂછ્યું, ” બોલ, તાજમહાલ કોણે બંધાવ્યો?”
પેલો વિદ્યાર્થી કહે,” સાહેબ, ખબર નથી.”
ઇન્સ્પેક્ટરે તેને બીજો સવાલ પૂછ્યો,” સુરત શહેર કઈ નદીને કિનારે આવેલું છે?”
પેલા વિદ્યાર્થીનો જવાબ,” સાહેબ, મને ખબર નથી.”
ઇન્સ્પેક્ટરે ત્રીજો પ્રશ્ન પૂછ્યો પણ તેનો જવાબ એ જ હતો,,” સાહેબ, મને ખબર નથી.”
આથી ઇન્સ્પેક્ટર અકળાયા,” તને કશું જ આવડતું નથી, તો તું આ સ્કુલમાં ભણે છે શું?”
પેલો છોકરાએ ગભરાઈને જવાબ આપ્યો,” સાહેબ, સાચું કહું . હું આ સ્કૂલનો વિદ્યાર્થી જ નથી. મારો ભાઈ અહી ભણે છે. પણ આજે એને બહારગામ જવાનું થયું, એટલે એને બદલે હું આવ્યો છુ.”
ઇન્સ્પેક્ટર હવે ક્લાસટીચર પર ગુસ્સે થયા. બોલ્યા,” શું તમને શિક્ષક થઈને ખબર નથી પડતી કે એકને બદલે બીજો છોકરો ક્લાસમાં આવીને બેસી જાય છે ? ધ્યાન શું રાખો છો ?”
શિક્ષક ગભરાયા. તેમણે કહ્યું,” સાહેબ, સાચું કહું ? હું આ સ્કૂલનો શિક્ષક જ નથી. મારો ભાઈ અહી શિક્ષક છે. પણ આજે એને બહારગામ જવાનું થયું, એટલે એને બદલે હું આવ્યો છુ”
ઇન્સ્પેક્ટર હવે બરાબર અકળાયા. પેલા વિદ્યાર્થી અને શિક્ષક બંનેને કહે છે,” ચાલો, તમે બંને જણા, પ્રિન્સીપાલ પાસે ચાલો” એમ કહીને ઇન્સ્પેક્ટર બંનેને પ્રિન્સીપાલ પાસે લઈ ગયા, અને પ્રિન્સીપાલને કહેવા લાગ્યા,” તમારી સ્કુલમાં આ બધું શું ચાલી રહ્યું છે ? વિદ્યાર્થી અને શિક્ષક બંને જણ ખોટા ? ”
પ્રીન્સીપાલ ગભરાઈ ગયા, એ બોલ્યા,” સાહેબ, સાચું કહું ? હું આ સ્કૂલનો પ્રિન્સીપાલ છું જ નહિ. મારો ભાઈ અહી પ્રિન્સીપાલ છે. પણ આજે એને બહારગામ જવાનું થયું, એટલે એને બદલે હું આવ્યો છુ”
ઇન્સ્પેક્ટર હવે બહુ જ ગુસ્સે થયા અને બોલ્યા,” એ તો સારું થયું કે મારો ભાઈ, જે સાચો ઇન્સ્પેક્ટર છે, એને આજે બહારગામ જવાનું થયું, અને હું અહી આવ્યો છુ. જો એ આવ્યો હોત તો તમને બધાને નોકરીમાંથી કાઢી મુકત.”