“વાર્તા” હમ સફર

      આજે એક મારી લખેલી “વાર્તા” અહીં મુકું છું. અગાઉ ત્રણ-ચાર જગાએ વાર્તાઓ લખી છે, પણ વાર્તા લખવી એ આકરી પરિક્ષા છે. વાંચકોની કસોટીમાં કેટલો પાર ઉતરું છું, એ તો વાંચકો કહેશે ત્યારે જ મને જાણ થશે. તમારો અભિપ્રાય જરૂર આપજો. આભાર.

હમ સફર

     પેસેન્જરોથી ભરેલી એસ. ટી. બસ ગોધરાથી ઉપડીને વડોદરા તરફ દોડી રહી હતી. નયન પણ તેમાંનો એક પેસેન્જર હતો. ઉનાળાનો દિવસ હતો. સાંજના ચાર વાગ્યા હતા, છતાં ગરમી ઘટી ન હતી. પરસેવો નીતરતો હતો. એવામાં એક મોટું ગામ આવ્યું. કંડકટરે બૂમ પાડી, “બસ અહી પંદર મીનીટ ઉભી રહેશે, જેને ચા પાણી પીવાં હોય તે પીને પંદર મીનીટમાં પાછા આવી જજો.”

     નયન તો ક્યારનો ય નીચે ઉતરવા માટે તલસી રહ્યો હતો. ખુલ્લી હવામાં જવાથી થોડી રાહત તો મળે ! બધા પેસેન્જરોની સાથે નયન પણ નીચે ઉતરવા માટે સીટ પરથી ઉભો થયો. તેણે સહેજ પાછળ નજર કરી. પાછળની સીટમાંથી પણ એક યુવતિ ઉભી થઇ હતી. એ યુવતિ નહિ, પણ સ્વર્ગમાંથી ઉતરી આવેલી મેનકા હતી. નાજુક, નમણી અને જોતામાં જ ગમી જાય એવી. ચહેરા પરથી રૂપ નીતરતું હતું. રૂપ રૂપના અંબાર સમી આ કન્યા પર અત્યાર સુધી પોતાની નજર કેમ ના પાડી, તેની નયનને નવાઈ લાગી રહી હતી.

     બસના પેસેજમાંથી બહાર નીકળતાં, પેલી કન્યાના હાથમાં રહેલી વોટરબેગ નીચે પડી ગઈ. નયનના પગ નજીક જ તે પડી, એટલે નયને તે ઉઠાવીને, તેને પાછી આપી. રૂપમઢયા યૌવનના મુખમાંથી રણકાર જેવો અવાજ આવ્યો, “થેંક યુ “ નયન તે સાંભળીને પાણી પાણી થઇ ગયો. બધાની સાથે, તે બંને પણ બસમાંથી ઉતર્યા. નયને વિવેક કર્યો, “ લાવો, તમારી વોટરબેગ આપો, હુ પાણી ભરી લાવું.”

“ના, આપણે બંને સાથે જ જઈએ. પાણી પી લઈશું, વોટરબેગ ભરી લઈશું અને ક્યાંક બેસીને પંદર મીનીટ પસાર કરીશું.” નયન ખુશ થઇ ગયો. વગર માગ્યે જ આ રૂપાળીનો સાથ મળતો હતો !

પાણી અને ચા પીને બંને જણ એક બાંકડા પર ગોઠવાયાં. નયને વાતની શરૂઆત કરી, “મારી હમસફરનું નામ હુ જાણી શકું ?”

“હા, મારી ફોઈએ મારું નામ નીતા પડ્યું છે. તમારું ?”

“હુ નયન “

નયનને તો આ રૂપના પટારા વિષે ઘણું બધું જાણી લેવું હતું. એ બોલ્યો, “ હુ વડોદરા જઈ રહ્યો છું. તમે પણ વડોદરા જ જવાના ?”

નીતા બોલી, “ હા, હુ પણ વડોદરા જ જાઉં છું. હુ રહું છું જ વડોદરા, કારેલીબાગમાં. તમે ?”

નયન બોલ્યો, “હુ ગોધરા રહું છું. વડોદરા મારા માસી માંદા છે, એટલે એમની ખબર જોવા જાઉં છું. માસી નિઝામપુરામાં રહે છે. આવતી કાલે ગોધરા પાછા.”

નીતા બોલી, “ એટલે ઉડતી મુલાકાત, એમ જ ને ? બાકી વડોદરામાં રહેવાની મઝા આવે એવું છે.”

નયન બોલ્યો,”હા, મને ખબર છે. હુ ચાર વર્ષ વડોદરા રહીને ભણ્યો છું. આ વર્ષે જ મેં કોમ્પ્યુટર એન્જીનીયરીંગ પૂરું કર્યું છે. જોબ પણ વડોદરામાં જ લગભગ નક્કી છે. તમારો બાયોડેટા શું કહે છે ?”

નીતા બોલી, “બસ, આપણે તો બંદા લહેર કરતાં કરતાં આર્ટસમાં ભણ્યા છીએ. આ વખતે છેલ્લા વર્ષમાં છું. ગુજરાતી મારો પ્રિય વિષય છે. આ વર્ષ પૂરું થાય એટલે……..”

નયન બોલ્યો, “ હેં, એટલે…….એટલે પછી શું ?”

એટલામાં કંડકટરની બૂમ સંભળાઈ, “ચાલો, આપણી બસ ઉપડે છે.”

     બંને જણા, અન્ય મુસાફરોની સાથે બસમાં ચડી ગયા. બસ ઉપડી, બે હમઉમ્ર મુસાફરોને લઈને વડોદરા તરફ. નયનની બાજુની સીટનો પ્રવાસી અહીં ઉતરી ગયો હશે એટલે એ સીટ ખાલી હતી. નયને પાછળ જોઈને કહ્યું, “નીતા…” બાકીનું આમંત્રણ એની આંખોએ જ આપી દીધું. નીતા આગળ આવીને નયનની બાજુમાં બેસી ગઈ. હવે છેક વડોદરા સુધીનો સંગાથ હતો.

     નયનની અધૂરી વાત નીતાએ આગળ ચલાવી, “જુઓ નયન, છોકરી ભણી રહે એટલે માબાપ તેના લગ્નની તૈયારી કરે. મારા માટે ય મુરતિયાઓ જોવાઈ રહ્યા છે ખરા ! મમ્મીએ તો એક નબીરો મનમાં નક્કી યે કરી લીધો છે,પણ મને તે પસંદ નથી. હા, મને એન્જીનીયર થયેલ છોકરો ગમે ખરો !”

     નયનના મનમાં કલ્પનાના ઘોડાઓ દોડવા લાગ્યા. જો આ નીતાનો સાથ મળી જાય તો જીંદગીમાં જલસા પડી જાય. પણ હાય અફસોસ ! પેલી જલ્પાનું શું ? માએ લગભગ નક્કી કરી રાખેલ એ જલ્પા મને ભટકાડી દેશે તો ? હુ એનો કેટલો વિરોધ કરી શકીશ ? એ જલ્પાડી છે કાગડી જેવી અને પોતાને સમજે છે કોયલ ! છે હબસણ જેવી છે અને વહેમ રાખે છે હંસલીનો ! ના, ના, મમ્મીને કહેવું જ પડશે કે જલ્પા મને પસંદ નથી.

“શું દીવાસ્વપ્નમાં પડી ગયા, નયન ?” નીતાએ નયનને જાગૃત કર્યો.

“ઓહ ! ના, કઈ નહીં. એ તો હુ તમારા વિષે વિચારતો હતો.”

નીતા, “ મારા વિષે ? મારા વિષે શું વિચારવા જેવું છે ?”

નયન, “કંઈ નહિ. આ તો હુ એન્જીનીયર છું. તમને એન્જીનીયર છોકરો ગમે છે ને ? એટલે મનમાં કંઈક વિચાર આવી ગયો.”

નીતા, “ એમ ? તો વિચાર્યા કરો. ખાલી વિચારવાથી કંઈ નહિ વળે.”

વડોદરા નજીક આવી રહ્યું હતું. થોડી વારમાં બંને પ્રવાસી પોતપોતાના રસ્તે ચાલ્યા જવાના હતા.

નયન,” ચાલો તો, નીતા, તમારો સહવાસ સરસ રહ્યો. આપણે ફરી હવે મળવાના નથી. આજની સફર કાયમ માટે યાદ રહી જશે.”

     વડોદરા આવ્યું. બંને જણ એકબીજાથી વિદાય લઈને પોતાને રસ્તે પડ્યા.નયનના દિલમાં નીતા વસી ગઈ. પણ આ તો બે ઘડીનો સંગ.એમાં કંઈ કોઈ થોડું પોતાનું બની જાય ? પણ અરે ! મેં તેનું સરનામું કે ફોન નંબર કંઈ જ માગ્યું નહિ ! એણે પણ ના માગ્યું ? કમ સે કમ દોસ્તી તો રહેત. જેવી હરિઇચ્છા.

     નયન માસીને ત્યાં પહોંચ્યો. માસીની તબિયત સુધારા પર હતી. એટલે નિરાંત થઇ. મમ્મી સુધાનો સંદેશો માસીને કહ્યો. સાંજે જમીને માસી સાથે બેઠો હતો, ત્યારે માસીએ પૂછ્યું, “નયન, હવે તું ભણી રહ્યો, વિવાહ લગ્નનું શું વિચાર્યું ? સુધા કહેતી હતી કે એણે કોઈ જલ્પા તારા માટે પસંદ કરી છે.”

     નયનથી માસી આગળ સાચી વાત કર્યા વગર ના રહેવાયું, “માસી, સાચું કહું ? મને એ જલ્પા પસંદ નથી. તમે મારી મમ્મીને સમજાવો ને ? તમારી બેન તો તમારું સાંભળે ને  ?”

માસી બોલ્યાં, “સારું, હુ તારી મમ્મીને વાત કરી જોઇશ. પણ પછી તું કોની સાથે લગ્ન કરવા ઈચ્છે છે ? જો તારી ઇચ્છા હોય તો તને હું એક છોકરી બતાવું. મારી દૂરની ભત્રીજી છે. અહી વડોદરામાં કારેલીબાગમાં રહે છે. આ વર્ષે બી. એ. નું ભણી રહેશે. કદાચ કાલે અહીં તેના પપ્પા-મમ્મી સાથે મને મળવા આવવાની છે.”

નયનની આતુરતા વધી ગઈ, “માસી, એનું નામ શું છે ?”

“નીતા”

નયનને થયું, હમણાં તેનું હૃદય ઉછળીને બહાર આવી જશે. પણ તેણે ઉત્સાહ મનમાં દબાવી રાખ્યો. કાલે એને આવવા દો, પછી જોયું જશે.

     બીજે દિવસે નયન માટે સોનાનો સુરજ ઉગ્યો. નીતા એના પપ્પા-મમ્મી સાથે દસ વાગે આવી પહોંચી. એ જ નીતા હતી, બસની હમસફર ! નીતા તો નયનને અહીં જોઈને આભી જ બની ગઈ. શું, આ મારાં કાકી જ નયનનાં માસી હતાં ? જેને ફરી ક્યારેય મળવાની કલ્પના ન હતી, તે બીજા જ દિવસે મળી ગયો !

      બધી વ્યાવહારિક વાતો ચાલી. નયનનાં માસીએ નીતાના પપ્પા-મમ્મીને નીતાનું નયન સાથે ગોઠવવા માટે તૈયાર કરી લીધાં. પછી બોલ્યાં,”જાઓ છોકરાંઓ, તમે એકબીજાને મળી લો.”

     એક અલાયદા રૂમમાં નીતા-નયન બેઠાં.નયન બોલ્યો,”નીતા, હવે તો હું તમને ‘તું’ કહીને જ બોલાવીશ.  કાલે તો છુટા પડ્યા ત્યારે મેં તારું સરનામું કે ફોન નંબર માગ્યો નહીં, તેં પણ મારો નંબર ના માગ્યો ?”

નીતા બોલી,“નયન, તમે ના માગ્યું એટલે મને એમ કે તમને મારી જરૂર નથી. એટલે પછી મેં ય ના માગ્યું.”

નયન કહે,”નીતા, બોલ હવે, આ એન્જીનીયર તને પસંદ છે ને ?”

નીતા બોલી,”હવે એ કહેવાની જરૂર રહી છે ખરી ?”

નયન,”બસ તો, ચાલો હવે માસી પાસે.”

બંને બહાર આવ્યાં. બંનેની સંમતિ જાણ્યા પછી, માસીએ બહેન સુધાને ગોધરા ફોન કરીને મનાવી લીધી. ચાર મહિના પછી નીતા-નયન રંગેચંગે પરણી ગયાં.

     બે વર્ષ બાદ, એક બાબાને લઈને બંને જણ ફરી માસીને મળ્યાં ત્યારે બોલ્યાં,” તમે અમને સાથ આપ્યો તેનું આ ફળ છે.”

Advertisements

10 ટિપ્પણીઓ (+add yours?)

 1. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
  જાન્યુઆરી 15, 2011 @ 16:37:04

  Good start in literature… by an engineer!

  જવાબ આપો

 2. Bina
  જાન્યુઆરી 15, 2011 @ 20:00:21

  Nice ! I liked it.

  જવાબ આપો

 3. hiral
  જાન્યુઆરી 15, 2011 @ 22:28:42

  Nice story. Happy Ending. keep writing.
  You will like my first story on readgujarati. “ratna no case”.

  જવાબ આપો

 4. અતુલ જાની (આગંતુક)
  જાન્યુઆરી 16, 2011 @ 06:15:25

  બહુ સરસ વાર્તા છે – મને તો બહુ ગમી

  જવાબ આપો

 5. • » નટખટ સોહમ રાવલ « •
  જાન્યુઆરી 17, 2011 @ 15:32:48

  ખુબ સારો પ્રયાસ છે પ્રવિણભાઇ…લગે રહો…. 🙂

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: