મંદિર એ એક એવું પવિત્ર સ્થાન છે જ્યાં જનાર દરેકને મનમાં શાંતિ મળે છે, સારા વિચારો આવે છે અને દુષ્ટ વિચારોનો નાશ થાય છે. આપણી હિન્દુ પ્રજા ધર્મપ્રિય પ્રજા છે. હિન્દુઓમાં ધર્મની વિવિધતા પણ ઘણી છે. એટલે જેટલા ધર્મ એટલા ભગવાન એ ન્યાયે હિન્દુઓનાં મંદિરો પણ ઘણાં છે. હિન્દુઓ દુનિયામાં જ્યાં જ્યાં જઈને વસ્યા છે, ત્યાં બધે તેમણે મંદિરો સ્થાપ્યાં છે. અમેરિકામાં હિન્દુઓ મુખ્યત્ત્વે ન્યુ યોર્ક, જર્સી સીટી અને શિકાગોમાં વસ્યા છે. જો કે આ સિવાય પણ સાનફ્રાંસિસ્કો, ડલ્લાસ, હ્યુસ્ટન, એટલાન્ટા, સીએટલ, લોસ એન્જીલસ વગેરે શહેરોમાં પણ હિન્દુઓની વસ્તી છે. અહીં બધે હિન્દુઓએ મંદિરો ઉભાં કર્યાં છે.
અહીં આપણે ડલ્લાસ શહેરનાં મંદિરોની વાત કરીશું. ટેક્સાસ રાજ્યમાં આવેલા આ શહેરમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરાલા, આન્ધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, રાજસ્થાન એમ લગભગ બધા પ્રાંતના લોકો વસે છે. એટલે બધા ધર્મના લોકોને એક જ જગાએ દર્શન કરવાની તક મળે એ હેતુથી અહીં એક મોટું હિન્દુ ટેમ્પલ બનાવવામાં આવ્યું છે. ડલ્લાસના અરવિંગ વિસ્તારમાં આવેલા આ મંદિરનું બાંધકામ ભવ્ય છે, વિશાળ પાર્કિંગ છે, કોઈ ધાર્મિક પસંગ ઉજવવાનો હોય કે સભા કે વ્યાખ્યાન ગોઠવવાનાં હોય તો તે માટે અલાયદો મોટો હોલ છે તથા ખુલ્લામાં બેસવું હોય તો સરસ લોન પણ છે.
નિજ મંદિરમાં કુલ અગિયાર મંદિર છે. શ્રીશિવજી(સોમનાથ), શ્રીમહાલક્ષ્મીજી, શ્રીવેંકટેશ્વર (બાલાજી), શ્રી ગણેશજી, શ્રીમુરુગન(કાર્તિકેય), શ્રીરાધાકૃષ્ણ, શ્રી શ્રીનાથજી, શ્રીઅય્યપા, શ્રીરામ-લક્ષ્મણ-સીતા-હનુમાન, શ્રીજગદંબા અને શ્રી વિઠ્ઠલ-રુખુમાઈજી એમ બધા ધર્મનાં મંદિરો છે. નિજ મંદિરના વિશાળ હોલમાં દર્શન કરીને બેસવાની સરસ સગવડ છે. મંદિરમાં સમય પ્રમાણે દર્શન આરતી થતાં હોય છે. પૂજારીઓ અને સેવાભાવી લોકો સારી સેવા આપે છે. મંદિરમાં પૂજાવિધિ પણ કરાવી શકાય છે. નિજ મંદિરની બાજુના રૂમમાં નવગ્રહ મંદિર, હનુમાનજી, દત્તાત્રેય અને ગાયત્રી મંદિર છે. બાજુમાં અન્ય પ્રવૃત્તિ માટે એક હોલ છે.
સામાન્ય રીતે દર રવિવારે દર્શનાર્થીઓની ભીડ વધુ હોય છે. રવિવારે બપોરે દર્શન પછી મંદિર તરફથી જમવાની વ્યવસ્થા પણ હોય છે. મંદિરમાં જન્માષ્ટમી, હોળી, દિવાળી જેવા તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ તહેવારો પ્રસંગે હજારો હિન્દુઓ ઉમટી પડે છે, તે વખતે તો એમ જ લાગે કે આપણે આપણા ભારતમાં જ છીએ. અહીં રહેતા લોકોને વતનની યાદ તો સતાવતી હોય છે જ.
હિન્દુ ટેમ્પલમાં ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ વગેરે ભાષાઓ શીખવાના કલાસીસ પણ ચાલે છે. જેને ઇચ્છા હોય તે શીખવા તેમ જ શીખવવા જઈ શકે છે.
ડલ્લાસમાં હિન્દુ ટેમ્પલ ઉપરાંત સ્વામીનારાયણ મંદિર, સાંઈમંદિર, ગણેશ મંદિર, હનુમાનજી મંદિર, રામજી મંદિર અને કાલાચંદજી મંદિર આવેલાં છે. અહીં જૈન અને બૌદ્ધ મંદિરો પણ છે. હનુમાનજી મંદિરમાં ભાષાઓના કલાસીસ ઉપરાંત નવરાત્રી પ્રસંગે ગરબા અને દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાના કાર્યક્રમો પણ યોજાય છે.
હાલ અમે ડલ્લાસમાં છીએ. અમને હિન્દુ ટેમ્પલ, સાંઈમંદિર, ગણેશજી મંદિર અને હનુમાનજી મંદિરમાં દર્શન કરવા જવાની તક મળી. હિન્દુ સંસ્કૃતિનાં પ્રતિક સમાં મંદિરો જોઈને ખૂબ આનંદ આવ્યો. ભારતીયો દુનિયાને છેડે વસે તો પણ ભગવાનમાં એવી ને એવી જ આસ્થા ધરાવે છે, એની અહીં પ્રતીતિ થઇ.
