વાર્તા “નસીબદાર”

.

આજે એક વાર્તા “નસીબદાર” મૂકું છું. આપના પ્રતિભાવ જરૂર આપશો

નસીબદાર

“આકાશ, હું તને જોઉં છું ને તારી આંખોના ઊંડાણમાં ખોવાઈ જાઉં છું.”

“પાયલ, મારું પણ એવું જ છે. તારો હસતો ચહેરો જોઈને હું પાગલ બની જાઉં છું. દિવસે નજર સામે અને રાતે શમણામાં, બસ પાયલ જ દેખાય છે.”

કમાટીબાગમાં લોનના એક ખૂણાના બાંકડા પર બેસીને બે પ્રેમીપંખીડાં આકાશ અને પાયલ, પોતાની દુનિયામાં ખોવાઈ ગયાં હતાં. કોલેજથી છૂટીને બંને જણ રોજ કોઈક ને કોઈક જગાએ જઈ, કલાકેક પસાર કરતાં. ક્યારેક કોઈ રેસ્ટોરન્ટ તો ક્યારેક બગીચો તેમના પ્રેમનો સાક્ષી બનતો. બંને જણ વડોદરામાં સાયન્સ ફેકલ્ટીના છેલ્લા વર્ષમાં ભણતાં હતાં. લેક્ચરમાં પણ સાથે અને લેબોરેટરીમાં પણ સાથે.

એક વાર કેમિસ્ટ્રીની લેબમાં, બે રસાયણો ભેગાં કરી, આકાશે ગુલાબી રંગનું દ્રાવણ બનાવ્યું અને પાયલને બતાવીને  કહ્યું, “જો પાયલ, આ કેટલો સરસ રંગ છે, તારા ગુલાબી ગાલની ઝાંય જેવો.” બીજે દિવસે પાયલ એવા જ રંગનાં સલવાર-કમીજ પહેરીને કોલેજ આવી. આકાશ તો એને ટીકી ટીકીને જોઈ જ રહ્યો.

પછીના રવિવારે આકાશ અને મિત્રોએ ભેગા થઇ, વડોદરાની નજીક આવેલા વઢવાણા સરોવરનો પ્રવાસ ગોઠવ્યો. છોકરીઓએ રસોઈ બનાવી,  છોકરાઓએ તેમાં મદદ કરી અને વનભોજનનો આનંદ માણ્યો. પાયલ રસોઈ બનાવવામાં અગ્રેસર હતી, તો આકાશ અંતાક્ષરી રમવામાં મેદાન મારી ગયો. આકાશ અને પાયલે સરોવરની પાળે બેસીને સુખદ ક્ષણોનો આનંદ માણ્યો. મિત્રોએ પણ તેમના પ્રેમને સહર્ષ સ્વીકારી લીધો.

આકાશનું વતન ભરુચ અને વડોદરામાં હોસ્ટેલમાં રહીને ભણતો હતો. પાયલ દાહોદથી વડોદરા ભણવા આવી હતી અને બીજી બે છોકરીઓ સાથે એક ભાડાની રૂમમાં રહેતી હતી. આમ તો પાયલની મોટી બહેન સલોની વડોદરામાં જ રહેતી હતી. તેનું સાસરું વડોદરામાં જ હતું. પણ બહેનને ત્યાં રહેવાને બદલે, રૂમ રાખીને સહેલીઓ સાથે રહેવાનું વધુ ગમે.

જોતજોતામાં વર્ષ તો ક્યાંય પૂરું થઇ ગયું. વિદાયની ઘડી આવી ગઈ હતી. છેલ્લે એકબીજાને જીવનભરનો સાથ નિભાવવાનો કોલ આપી, એકબીજાનાં સરનામાં અને મોબાઈલ નંબરની આપલે કરી, આકાશ અને પાયલ પોતપોતાને વતન પહોંચ્યાં.

પાયલ દાહોદ પહોંચી ત્યારે પપ્પા મહેશભાઈએ તો તેને માટે જ્ઞાતિમાંથી મુરતિયો શોધીને તૈયાર રાખ્યો હતો. વિજય તેનું નામ. તે પણ
બી.એસ.સી. થયેલો હતો. મહેશભાઈ બહુ કડક સ્વભાવના. તેમની પત્ની માયાબેનનું પણ તેમની આગળ કશું ઉપજતું નહિ. પાયલ તો મુરતિયાની વાત સાંભળીને ગભરાઈ ગઈ. પપ્પાનો ડર પણ લાગ્યો. હવે આકાશને આપેલા વચનનું શું ? પાયલે શરમ અને સંકોચ સાથે મમ્મીને આકાશની વાત કરી. એક દિવસ મહેશભાઈ સાંજે શાંતિથી બેઠા હતા ત્યારે માયાબેને ધીરે રહીને વાત છેડી, “તમે પાયલનું લગ્ન વિજય જોડે કરવાનું
વિચારો છો, પણ પાયલને એ છોકરો ગમે છે કે નહિ, તે તેને પૂછ્યું ખરું ?”

મહેશભાઈ બોલ્યા, “એમાં પૂછવા જેવું શું છે ? વિજય ભણેલો છે. ધંધામાં સારું કમાય છે. તેના પિતા જ્ઞાતિમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. એથી વધુ પાયલને શું જોઈએ ? છતાંય તું પૂછી લેજે ને ?”

માયાબેન કહે, “જુઓ, પાયલ સાથે કોલેજમાં આકાશ નામનો એક છોકરો ભણતો હતો. પાયલને તે સારો લાગ્યો છે. સંસ્કારી છે. તમે કહો તો આપણે તેને અહીં બોલાવીએ.”

મહેશભાઈ તો આ સાંભળીને ઉશ્કેરાઈ ગયા, “માયા, એ છોરી સમજે છે શું એના મનમાં ? આજકાલની કીકલી કોલેજમાં જઈને સારાનરસાનું જાતે નક્કી કરતી થઇ ગઈ ? તેને કહી દેજે કે એવી બાલીશ વાતો ભૂલી જાય. કાલે વિજય અને તેનો પરિવાર આપણે ત્યાં નક્કી કરવા માટે આવવાના છે, ત્યારે પાયલે વિજયને જોઈ લેવાનો.”

પપ્પાની જીદ આગળ પાયલનું કંઈ ચાલ્યું નહિ. તેણે ખાનગીમાં આકાશને ફોન કરીને પોતાની હાલત વિષે વાત કરી. આકાશ પોતાના ધંધાર્થે કલકત્તામાં હતો. અહીં બીજે જ દિવસે મહેશભાઈએ ઘેર પધારેલા મહેમાનોની હાજરીમાં પાયલનું વિજય જોડે નક્કી કરી નાખ્યું. ગભરુ બાળા કંઈ જ કરી ના શકી. બહેન  સલોનીને આકાશ વિષે થોડીક ખબર હતી, પણ તે ય પપ્પાને સમજાવી ના શકી. પાયલને વિજય એકદમ સામાન્ય છોકરો લાગ્યો. ક્યાં તરવરાટભર્યો, આકાશમાં ઉડવાનાં શમણાં ધરાવતો આકાશ અને ક્યાં કશો વિજય ન મેળવી શકે એવો વિજય ! પાયલ કંઈ વિચારે તે પહેલાં તો એક અઠવાડિયામાં મહેશભાઈએ તેનાં વિજય સાથે લગ્ન પણ કરાવી દીધાં. આપણા સમાજમાં ઘણા પ્રેમીઓએ પ્રેમનું બલિદાન આપવું પડે એવા કિસ્સાઓ બનતા હોય છે. પાયલ એમાંની એક હતી.

આકાશ કલકત્તાથી આવ્યો અને પાયલની સહેલીઓ મારફતે જાણ્યું કે પાયલનાં તો લગ્ન પણ થઇ ગયાં. હવે શું ? તેની પાસે કોઈ સુઝાવ ન હતો. હવે તો શાદીશુદા માશુકાને ફોન કરવો કે મળવા જવું એ પણ વ્યવહારુ ન લાગે.

પાયલ નાછૂટકે વિજય સાથે સંસારમાં ગોઠવાઈ ગઈ. દિવસો અને મહિનાઓ પસાર થતા ગયા. તેને ક્યારેક આકાશ યાદ આવી જતો ત્યારે તેનાથી એક નિસાસો નંખાઈ જતો. વિજય આમ તો પ્રેમાળ પુરુષ હતો. એટલે પાયલને કોઈ તકલીફ ન હતી. પણ લગ્નનાં બે વર્ષ પસાર થઇ ગયાં તોયે તેમને ત્યાં પગલીના પાડનારનો કોઈ અણસાર દેખાયો નહિ. વિજયે પોતાનું અને પાયલનું મેડીકલ ચેક અપ કરાવ્યું. તો નિદાન આવ્યું કે પાયલને બાળક થઇ શકે તેમ નથી. વધુ ખાતરી કરવા, વિજયે બીજા ડોક્ટર પાસે પાયલની શારીરિક તપાસ કરાવી. પણ નિદાન એ જ હતું. વિજયને બાળકની ઝંખના બહુ જ હતી. જયારે પાયલને બાળક ન હોય તેનો બહુ વાંધો ન હતો. વિજય તો બાળક માટે જીદે ચડ્યો હતો.

એક દિવસ પાયલે કંઇક માર્ગ બતાવ્યો, “વિજય, આપણે એમ કરીએ. તમને બાળકની આટલી બધી ઇચ્છા છે તો આપણે અનાથાશ્રમમાંથી બાળક
દત્તક લઇ આવીએ.”

વિજયને આ પ્રસ્તાવ પસંદ ન પડ્યો, “ના પાયલ, મારે તો મારું જ બાળક જોઈએ છે.” અનાથ બાળકની વાત અહીં પૂરી થઇ ગઈ.

આમ ને આમ બીજાં ચારેક વર્ષ નીકળી ગયાં. વિજયની બાળક માટેની ઘેલછા વધુ ને વધુ બળવત્તર બનતી ગઈ. કોઈ સગાના બાળકને લેવાનું કે ટેસ્ટ ટ્યુબ બેબી જેવો માર્ગ પણ તેને પસંદ પડતો ન હતો.

વિજયને એક નવો તુક્કો સુઝ્યો. એક વાર તેણે પાયલને કહ્યું, “પાયલ, મને એક વિચાર આવે છે.”

પાયલ “બોલો, શું ?”

વિજય “જો તને વાંધો ના હોય તો હું બીજું લગ્ન કરું.”

પાયલ “પણ પછી મારું શું ?”

વિજય “તારે પણ અહીં જ રહેવાનું. અને તું જો છૂટી થવા માગે તો હું તને ડાયવોર્સ આપવા તૈયાર છું.”

પાયલ તો ગભરાઈ ગઈ, “પછી શું ? પછી હું ક્યાં જાઉં ?”

વિજય “તું છૂટી થઇ બીજાં લગ્ન કરી લે. તને બીજો છોકરો શોધી આપવામાં ય હું મદદ કરું.”

પાયલ તો સમસમી ગઈ. મારો પતિ થઈને, મારા માટે આવું બોલે છે ? તેને વિજય પર ગુસ્સો આવી ગયો. જે થોડો ઘણો પ્રેમ બચ્યો હતો તેનું પણ ધોવાણ થઇ ગયું. પાયલે તેની બહેન સલોનીને આ વાત કરી. સલોનીએ બહુ વિચારીને અંતે પાયલને કહ્યું, “બેન, હવે જો ડાયવોર્સ સુધી
વાત પહોંચી છે તો તું ડાયવોર્સ લઇ જ લે. પછી જે કોઈ પરિસ્થિતિ આવે તેને પહોંચી વળવામાં હું તારી સાથે છું. ડાયવોર્સ પછી તારે મારા ઘરે જ રહેવાનું.”

બહેનની સહાનુભૂતિથી પાયલમાં હિંમત આવી. આમે ય જો વિજય સાથે નિરર્થક ગાડુ ગબડાવવાનું હોય તો તેના કરતાં છૂટા થઇ જવું સારું. મગજ પરથી એક બોજ તો હળવો થાય. પછી આગળ  જોયું જશે.

વિજય અને પાયલના ડાયવોર્સ થઇ ગયા. દસ વર્ષના લગ્નજીવનનો કોઈ જ ફલશ્રુતિ વગર અંત આવ્યો. પાયલ બહેન સલોનીને ત્યાં રહેવા આવી ગઈ. દાહોદ પિયરમાં તો પપ્પામમ્મી ગુજરી ગયાં હતાં. અહીં બેન-બનેવીનો સ્વભાવ સારો હતો એટલે તેને ગમતું હતું. હવે તે હળવાશ અનુભવવા લાગી. જો કે એનું ભવિષ્ય શું ? એ પ્રશ્ન તો ઉભો જ હતો. હજુ તો તે બત્રીસ જ વર્ષની હતી.

આમ ને આમ એક વર્ષ પસાર થઇ ગયું. તેના મનને શાંતિ હતી. સલોનીની સાથે તે ઘરની બહાર જતી ત્યારે જૂની જગાઓ જોઈને, આકાશની યાદ આવી જતી. ક્યાં હશે અત્યારે આકાશ ? દસ વર્ષમાં તો કંઈ કેટલાં યે પાણી વિશ્વામિત્રીમાં વહી ગયાં હશે. તે બળપૂર્વક આકાશની યાદને મનમાંથી બહાર ધકેલી દેતી.

પાયલનું મન થાળે પડેલું લાગતાં, હવે સલોનીને વિચાર આવ્યો કે જો કોઈ સારો યુવક મળી જાય તો પાયલનું લગ્ન કરાવી દઈને તેનું ભાવિ સુધારી શકાય. તેણે એક દિવસ ધીરે રહીને પાયલને કહ્યું પણ ખરું, “બેના, હવે તો તારું મન હળવું થયું છે. તું આખી જિંદગી મારે ત્યાં રહે એ મને ગમે જ. આમ છતાં, તારું ભવિષ્ય પ્રેમભર્યું લાગણીસભર બને, એ માટે મને એક વિચાર આવે છે.”

પાયલ, “કહો ને બેન, તમે તો મને દુઃખમાંથી છોડાવીને સારા રસ્તે લાવ્યા છો. તમે જે કંઈ વિચારતા હશો તે મારા ભલા માટે જ હશે.”

સલોની, “સાંભળ પાયલ, તારે લાયક હોય એવો કોઈ પ્રેમાળ યુવક શોધી તને પરણાવીએ તો તને ગમશે ?”

પાયલ ચમકી ગઈ, “શું ફરી લગ્ન ? એક વિજયે પરણ્યા પછી તરછોડી દીધી અને બાળક ન થવાને કારણે બીજો ય મને છોડી દે તો શું ? કયા પુરુષનો ભરોસો કરવો ?”

સલોનીએ કહ્યું, “મોટી ઉંમરનો કુંવારો યુવક તો મળવો મુશ્કેલ છે. અને એમાં ય પાયલને બાળક ન થવાનો પ્રશ્ન આવે જ. પણ જો વિધુર કે ત્યકત હોય, ખાસ તો એક કે બે બાળકોવાળો હોય તો વાંધો ના આવે. અને આપણને ગમે તો જ કરવાનું છે ને ?”

પાયલ છેવટે તૈયાર થઇ. સલોનીએ છાપામાં લગ્નવિષયક જાહેરાતો જોવા માંડી. ચારેક દિવસ પછીના છાપામાં આવેલી એક જાહેરાત તેને પસંદ પડી. તેમાં લખ્યું હતું કે “ તેત્રીસ વર્ષના એક વિધુર પુરુષ માટે યુવતી જોઈએ છે. તેને સાત અને નવ વર્ષના એમ બે છોકરા છે. ખાસ તો છોકરાઓને માનો પ્રેમ મળે તે માટે ફરીથી લગ્ન કરવા માગે છે.”

સલોની અને પાયલને તે યુવકને મળવાનું યોગ્ય લાગ્યું. જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરી, સમય નક્કી કરી, તેને ઘેર બોલાવ્યો. પાયલ અંદર રસોડામાં જ બેઠી. સલોનીએ બહારના રૂમમાં તેની સાથે વાતોચીતો કરી. પછી ઠીક લાગ્યું એટલે બૂમ પાડી, “બેન, ચા લઈને બહાર આવ તો.“

પાયલ આગળના રૂમમાં આવી. આવેલા યુવક પર તેની નજર પડી. એ ચમકી ગઈ. એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આશ્ચર્ય અને આનંદના ઉછાળા સાથે બોલી પડી, “આકાશ તું ?”

આકાશ પણ પાયલને જોઈને નવાઈ પામી ગયો, “અરે પાયલ, તું ?”

સલોની પણ ઉછળી પડી, “આકાશ ? શું આ પાયલનો પ્રેમી આકાશ જ છે ?”

પાયલના મુખમાંથી પ્રશ્નો પર પ્રશ્નો ફૂટી નીકળ્યા, “આકાશ, તું ક્યાં હતો અત્યાર સુધી ? તેં શું કર્યું દસ વર્ષ? તારી પત્ની ? બે બાળકો ? બધું શું બની ગયું
જિંદગીમાં ?”

આકાશે પોતાની વાત કહી. તેનો સારાંશ કંઇક આવો હતો.

“પાયલનું લગ્ન થઇ ગયાના સમાચાર જાણ્યા પછી, આકાશે માબાપની મરજી મૂજબની કન્યા માધવી સાથે લગ્ન કરી લીધાં. સંસાર ઠીક ઠીક ચાલ્યો. બે બાળકો તરુણ અને તારકને જન્મ આપ્યા બાદ, માધવીની તબિયત સારી રહેતી ન હતી. ફેફસાંમાં ક્ષય રોગ લાગુ પડી ગયો હતો. ઘણી દવાઓ કરવા છતાં, તે એક વર્ષ પહેલાં, બે બાળકોને નોધારાં મૂકીને, આ દુનિયા છોડીને ચાલી ગઈ.”

પાયલે પણ પોતાની વિતકકથા કહી. હવે પાયલ અને આકાશને એક થતાં કોણ રોકી શકે તેમ હતું ? તેમણે લગ્ન કરી જ લીધાં. પાયલને આકાશ મળ્યો, આકાશને પાયલ મળી. તરુણ અને તારકને મા મળી. પાયલને બે ડાહ્યાડમરા છોકરા મળ્યા. બીજાં બાળકોની આકાશને જરૂર ન હતી. સોનામાં સુગંધનો દરિયો ભળી ગયો. સલોની અને બધાં જ ખૂબ ખુશ હતાં.

બધું થાળે પડ્યા પછી, એક દિવસ ચાર જણાનો પરિવાર બેનબનેવીને સાથે લઇ વઢવાણા સરોવરની પીકનીક પર ગયા. જૂનાં સંસ્મરણો તાજાં કર્યા. અહીં તેમને કેટલો આનંદ આવ્યો હશે, તેની કલ્પના કરી જુઓ !! પાયલ મોડે મોડે પણ નસીબદાર ખરી ને ?

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. shilpa
  ફેબ્રુવારી 04, 2011 @ 02:58:15

  ha masa kharekhar bau j nasibdar che payal….

  જવાબ આપો

 2. રૂપેન પટેલ
  ફેબ્રુવારી 04, 2011 @ 16:08:03

  શાહ સાહેબ પાયલ અને આકાશ ખરેખર નસીબદાર . જિંદગીમાં ક્યારે કયો વણાંક કેવી રીતે આવી જાય તેની ખબર જ નથી આવતી પણ સામે આવનાર દરેક પરિસ્થીતિનો આંનદ લેવો જોઈએ અને પ્રતિકુળ હોય તો શાંત ચિત્તે રસ્તો કાઢવો જોઈએ .
  શાહ સાહેબ વાર્તા , વાર્તાના વળાંક અને વાર્તાનો અંત પણ ખુબજ ગમ્યો .
  અમે વાચકો પણ નસીબદાર કે આવી સુંદર વાર્તા માણવા મળી .

  જવાબ આપો

  • pravinshah47
   ફેબ્રુવારી 04, 2011 @ 16:45:56

   રુપેનભાઈ, તમે રસ લઈને વાર્તા વાંચી અને તમને ગમી તેથી આનંદ થયો. તમારા અભિપ્રાયો જ મારો આગળ લખવાનો ઉત્સાહ વધારે છે. આભાર.
   પ્રવીણ શાહ

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: