અમેરિકાનો સુપરબોલ

છઠ્ઠી ફેબ્રુઆરી,રવીવારે અમેરિકાએ એક મહાઉત્સવ મનાવ્યો.  એ હતો ફૂટબોલની ફાઈનલનો ઉત્સવ સુપરબોલ(super bowl).  આ વખતે આ ફાઈનલ ટેક્સાસ રાજ્યના ડલ્લાસ શહેરમાં આર્લિંગટન નામના વિસ્તારમાં યોજાઈ. આપણે ત્યાં જેમ ક્રિકેટનું આકર્ષણ હોય છે અને ફાઈનલ હોય ત્યારે તો સ્ટેડીયમમાં,ટીવી પર અને ઓફિસોમાં ક્રિકેટનો જાદુ છવાઈ જતો હોય છે,એવો  જ ઉન્માદ અહી અમેરિકાના લોકોને સુપર બોલ માટે છે.
આ રમતને ફૂટબોલ એટલા માટે કહે છે કે તેમાં વપરાતો નાળીયેર આકારનો બોલ એક ફૂટ લાંબો હોય છે. આપણે જેને ફૂટબોલ (પગથી લાત મારીને રમાતી રમત) કહીએ છીએ , એના કરતાં આ જુદી રમત છે. સ્ટેડીયમમાં રમત રમાતી હોય ત્યારે વરસાદ પડે કે બરફવર્ષા થાય તો પણ રમત ચાલુ રહે છે.
સુપરબોલ યોજાવાનો હતો તેના લગભગ વીસ દિવસ અગાઉથી આર્લિંગટન અને આખા ડલ્લાસની હોટલોનું બુકિંગ થઇ ગયું હતું.  છેક  ન્યુયોર્ક અને શિકાગોથી લોકો ખાસ આ સુપરબોલની મેચ જોવા માટે હોટલો બુક કરાવતા હતા.  હોટલો બુક થઇ જતાં, જે લોકોનાં ઘર ખાલી હતાં કે અમુક રૂમ ખાલી હતા, એ પણ એમણે ભાડે આપવા માંડ્યા હતા.  ભાડું કેટલું ધારો છો? મેચનાં એક દિવસ પૂરતા રોકાણ માટે ૫૦૦૦ ડોલર સુધીનાં ભાડાં મકાનમાલિકોએ પડાવ્યાં અને આવાં ભાડાં ખર્ચનારા લોકો પણ હતા !

આ વખતની ફાઈનલ ગ્રીનબે પેકર્સ અને પીટ્સબર્ગ સ્ટીલાર્સની ટીમો વચ્ચે હતી. ફાઈનલ સુધી પહોંચેલી બંને ટીમો બહુ જોરદાર હતી. બંને ટીમોના બધા જ ૧૧ -૧૧ ખેલાડીઓ, વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ હતા. તેમને રમતા જોવા એક લ્હાવો  હતો.  જે લોકો નજરોનજરનો નઝારો જોવા સ્ટેડીયમમાં ગયા ના હતા, એ બધા પોતાનાં ઘરોમાં ટીવી આગળ ગોઠવાઈ ગયા હતા.  આપણા ભારતીય લોકો,જે અહી અમેરિકામાં રહે છે તેમને પણ એટલી જ ઉત્તેજના હતી. તમે રોડ પર જુઓ તો ટ્રાફિક નહીવત લાગે. આપણે  ત્યાં ઉત્તરાયણ પર જેમ રોડ પર ટ્રાફિક બહુ જ ઓછો દેખાય એવું અહી હતું. સ્ટેડીયમમાં ન ગયા હોય એવા ઘણા રસિકો અને શોખીનો તો પોતાના મિત્રોનું ગ્રુપ બનાવી બીયર અને ચીપ્સ ખાતાં ખાતાં ટીવી પર મેચની મઝા માણે અને ડીનરપાર્ટી  યોજે. અહી સ્પોર્ટ્સ બાર અને રેસ્ટોરન્ટસ પણ ભરચક હોય. લોકો નાચે,કુદે અને મુક્તમને પ્રસંગને માણે.આમ આ એક મોટો સામાજિક ઉત્સવ જેવું લાગે.
સ્ટેડીયમની ટીકીટોના ભાવ આઠસો ડોલર તો સામાન્ય કહેવાય. વીઆઈપી ટીકીટોના ભાવ તો ૫૦૦૦ ડોલર સુધીના હતા. આટલા ઉંચા ભાવ હોવા છતાં, સ્ટેડીયમની ક્ષમતા લાખો લોકોને સમાવાય તેટલી હોવા છતાં  છેલ્લે ટીકીટો મળતી ન હતી. અમેરિકાના એક વખતના પ્રેસીડન્ટ જ્યોર્જ બુશ મૂળ ટેક્સાસ રાજ્યના વતની છે, તેમના વતનમાં આ મેચ રમાતી હતી એટલે તેઓ પણ સ્ટેડીયમમાં મેચ જોવા પધાર્યા હતા. આ ઉપરાંત ઘણી સેલેબ્રિટીઝ પણ હાજર હતી.  આ વખતે કંઈક ભૂલ થઇ જતાં, સ્ટેડીયમમાં જેટલી જગા હતી એના કરતાં ૧૨૦૦ ટીકીટો વધુ વેચાઈ ગઈ હતી.  આ ૧૨૦૦ લોકોને પ્રવેશ ના મળ્યો એટલે તેઓ ખૂબ જ ઉશ્કેરાટમાં હતા. સત્તાવાળાઓએ છેવટે નિર્ણય લીધો કે તેમને દરેકને ૮૦૦ ડોલરની ટીકીટના બદલામાં ૨૪૦૦ ડોલર પાછા આપવા ત્યારે  મામલો થોડો થાળે પડ્યો, પણ છાપાં અને મીડિયાએ તો આ બાબતને પ્રસિદ્ધિ આપી જ.
મેચમાં પળે પળે લોકોની ઉત્તેજના વધતી જતી હતી. છેલ્લી ઘડી સુધી કોણ જીતશે એ નક્કી ન હતું. ઘડીકમાં પલ્લું પેકર્સની બાજુ તો ઘડીકમાં સ્ટીલર્સ તરફી નમતું દેખાતું હતું. પરાકાષ્ઠાની ક્ષણો પછી છેલ્લે પેકર્સની ટીમ વિજયી થઇ ત્યારે લોકોએ જે આનંદ મનાવ્યો છે, તેના વર્ણન માટે શબ્દો ઓછા પડે. હાજરાહજુર રહીને કે ટીવી પર જ એ દ્રશ્યોને માણી શકાય. લોકોએ ફટાકડા ફોડીને,જાતજાતના ગુબ્બારા આકાશમાં ચડાવીને,રંગબેરંગી પતાકાઓની વર્ષા કરીને મોટા મોટા અવાજોથી સ્ટેડીયમને ગજવી મૂક્યું. એ પળો માણવાનો આનંદ જ કંઈક અદભૂત હતો.
દર વર્ષે  ફેબ્રુઆરીના પહેલા રવિવારે યોજાતી આ મેચના પ્રસંગે આ વખતે અમે નસીબજોગે ડલ્લાસમાં હતા એટલે સ્ટેડીયમમાં ભલે નહોતા ગયા પણ બાકીનો માહોલ માણવાની તક તો મળી. ફોકસ ૪ ટીવીનું પ્રસારણ ઘણું જ સરસ હતું,ટીવીના પ્રસારણમાં વચ્ચે વચ્ચે જે જાહેરાતો આવે એ ખાસ પ્રકારની  હોય છે, એ જાહેરાતો તમે ક્યારેય ના જોઈ હોય એવી યુનિક હોય છે, તે ફરીથી રીપીટ નથી થતી. એ જાહેરાતોના દામ તો આપણે કલ્પના ના કરી શકીએ એટલા બધા હશે જ. (એક જાણકારી પ્રમાણે આ વર્ષે એક કંપનીએ ૩૦ સેકંડની જાહેરાતના ૩ મિલિયન ડોલર આપ્યા હતા.)
આપણને ભારતમાં આ રમતનું મહત્વ કદાચ બહુ નહિ હોય પણ અહી અમેરિકા તો એની પાછળ ઘેલું છે. તક મળે તો આવતા ફેબ્રુઆરીમાં સુપર બોલ ફાઈનલ ને જરૂર જોજો.

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. satish
  ફેબ્રુવારી 08, 2011 @ 04:36:56

  very informative article.Thank you

  જવાબ આપો

 2. અમિત પટેલ
  ફેબ્રુવારી 08, 2011 @ 15:18:02

  પ્રવિણભાઈ આભાર, અમને ઘેરબેઠા બેઠા જ અમેરિકામાં યોજાયેલા ફૂટબોલની ફાઈનલનો ઉત્સવ માણવા મળ્યો, ભલે થોડોક પણ કંઈક જાણવા મળ્યું,
  તમે અમેરીકામાં છો? કોઈ કામે ગયા છો કે બસ ફરવા જ.

  જવાબ આપો

 3. Bina
  ફેબ્રુવારી 08, 2011 @ 21:55:41

  We enjoyed watching the game too. You have written a nice article describing the game. Thanks!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: