વાર્તા “ઇન્ટરવ્યૂ “

ઇન્ટરવ્યૂ

બધા પોતપોતાની સીટો પર ગોઠવાઈ ગયા હતા. પરીચારીકાઓએ સામાન રાખવાનાં કન્ટેઇનર્સ બંધ કર્યાં. વિવેક પણ બિઝનેસ ક્લાસમાં પોતાની સીટ પર આવીને બેસી ગયો. થોડી વારમાં વિમાન ઉપડવાની જાહેરાત થઇ અને વિમાને અમદાવાદથી હૈદ્રાબાદ તરફ ઉડાન ભરી.

વિવેક હૈદ્રાબાદમાં લાર્સન એન્ડ ટોબ્રો કંપનીમાં એન્જીનીયર તરીકેનો ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો હતો. છ મહિના પહેલાં જ તેણે ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગની ડીગ્રી હાંસલ કરી હતી. નોકરી માટે અત્યાર સુધીમાં ચારેક જગાએ ઇન્ટરવ્યૂ આપી ચૂક્યો હતો. પણ હજુ સુધી કોઈ સંતોષકારક નોકરી મળી ન હતી. ક્યાંક તેની ડીગ્રીને અનુરૂપ કામ ના મળે, ક્યાંક રહેવાનું કે જવા આવવાનું અનુકુળ ન હોય તો વળી ક્યાંક પગાર સાવ ઓછો હોય. તેના ઘરની સ્થિતિ સાવ સામાન્ય હતી. કોઈ મોટાં સ્વપ્નોને સિધ્ધ કરવાની તમન્નાઓ તો હાલ પૂરતી બાજુએ રાખી, તાત્કાલિક કોઈ નોકરી મેળવી લેવાની તાતી જરૂર હતી કે જેથી તે પોતાના કુટુંબને ભારરૂપ ના બને. લાર્સન એન્ડ ટોબ્રો જેવી મોટી કંપનીમાંથી ઇન્ટરવ્યૂ પત્ર આવતાં તે ખૂબ ખુશ હતો. ખૂબ મોટી આશા સાથે ઇન્ટરવ્યૂ આપવા નીકળ્યો હતો. કદાચ પોતે પસંદ ના થાય તો ? એવી આશંકાથી થોડો વ્યગ્ર પણ હતો. ઇન્ટરવ્યૂ માટે કંપની જવા આવવાનું બિઝનેસ ક્લાસનું વિમાનભાડું આપવાની હતી. એથી તો એ વિમાનમાં નીકળ્યો હતો. બાકી તો વિમાનમાં સફર કરવાની એની હેસિયત ક્યાં હતી ?

સૂટ અને ટાઈમાં એનું વ્યક્તિત્વ મોહક લાગતું હતું. ઇન્ટરવ્યૂ માટે સારી તૈયારી કરી હતી. અગાઉના ઇન્ટરવ્યૂમાં જવાબો આપવામાં થયેલી ભૂલો સુધારી લીધી હતી. આ ઉપરાંત, પોતે કંપની માટે જે કંઈ નવું કરવા માગે છે તે બધું બરાબર વિચારી લીધું હતું.

લગભગ બે કલાકનું ઉડ્ડયન હતું. વિવેકે સીટ આગળ પડેલું એક વ્યાપારિક મેગેઝીન ઉપાડ્યું અને વાંચવામાં વ્યસ્ત બન્યો. તેની બાજુની સીટ પર આધેડ વયના એક મહાશય બિરાજમાન હતા. તેઓ મી. જીતેન્દ્ર વર્મા  હતા. કિમતી સૂટમાં સજ્જ વર્માજી જમાનાના ખાધેલ લાગતા હોવા છતાં, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સૌમ્ય ચહેરો ધરાવતા હતા. તેમની નજર મેગેઝીન વાંચી રહેલા વિવેક પર પડી. વિવેક જે લેખ વાંચી રહ્યો હતો, તેનું મથાળું કંઇક આ પ્રકારનું હતું. કંપનીઓ પોતાનો નફો કેમ વધે તેના પ્રયત્નો કરતી રહે છે, પણ કંપનીમાં કામ કરતા કારીગરોને સંતોષ થાય એવું કંઈ કરે છે ખરી ? મોટા અક્ષરે છપાયેલા આ મથાળા પર મી. વર્માની પણ નજર પડી. તેમને પણ આવો બધો રસ ખરો, એટલે તેમણે વિવેકને પૂછ્યું, “મી……..”

વિવેકે જવાબ આપ્યો, “સર, હું છું વિવેક. વિવેક શાહ. આપની સાથે વાત કરવાનું મને ગમશે.”

મી. વર્મા વિવેકનો વિવેક્ભર્યો જવાબ સાંભળી ખુશ થયા. બોલ્યા, “મી. વિવેક, આ તમે જે વાંચી રહ્યા છો, તેમાં લખેલી કંપની વિષેની વાતો તમને ગમે ખરી ?”

વિવેક, “હા સર, મને આવું બધું વાંચવાની અને જાણવાની મઝા આવે.”

મી.વર્મા, “બાય ધ વે, વિવેક, તમે કઈ કંપનીમાં કામ કરો છો ?”

વિવેક, “સર, મને કંપનીઓમાં કામ કરવાનો કોઈ અનુભવ નથી. હું હમણાં છ મહિના પહેલાં જ ઈલેક્ટ્રીકલ એન્જીનીયર થયો છું. મને લાર્સન એન્ડ ટોબ્રો કંપનીની હૈદ્રાબાદ ઓફિસેથી ઇન્ટરવ્યૂ કોલ આવ્યો છે. એટલે હૈદ્રાબાદ જઈ રહ્યો છું. આશા છે કે આ વખતે નોકરી મળી જાય.”

વર્મા, “ઓહ, આ વખતે એટલે ? આની પહેલાં તમે નોકરી મેળવવામાં નિષ્ફળ રહેલા ? સોરી હોં, તમારા અંગત મામલામાં મારે ન પડવું જોઈએ. પણ તમારી વાત જાણવાનું મન થયું એટલે પુછું છું.”

વિવેક, “સર, કોઈ જ વાંધો નહિ. તમારા જેવા વડિલ મારામાં રસ લે એ તો મને ખરેખર ગમ્યું. એમાંથી મને કદાચ કંઇક માર્ગદર્શન પણ મળી રહે.”

મી. વર્મા, “હા, મી. વિવેક, નોકરી મેળવવાના તમારા અગાઉના પ્રયત્નો કેવા રહેલા ?”

વિવેક, “સર, ઇન્ટરવ્યૂ લેનારા સામાન્ય રીતે થોડા ટેકનીકલ સવાલો પૂછે, અને એક બે વસ્તુ ના આવડે તો એમને સંતોષ ના થાય. પણ કંપનીના અને કર્મચારીઓના વ્યાપક હિત, જરૂરી સુધારાઓ, ભાઈચારાની લાગણી – એવું બધું કોઈ ભાગ્યે જ પૂછે.”

મી. વર્મા, “તમને એ બાબતોમાં રુચિ ખરી ?”

વિવેક, “હા સર, કંપની જયારે કર્મચારીઓ પાસેથી કામ લે છે, ત્યારે દરેક કર્મચારી પોતાની નોકરીથી સંતુષ્ઠ છે કે નહિ, તે જોવું જોઈએ. જો કર્મચારીને સંતોષ થતો હશે તો તે કંપની માટે વધુ કામ કરશે અને કંપનીને વધુ ફાયદો થશે.”

મી. વર્મા, “તમારી વાતમાં તથ્ય છે ખરું.”

વિવેક, “સર, આપણે કર્મચારીના કુટુંબ પર ધ્યાન આપીએ, તેનાં બાળકોનું ભણતર, આરોગ્ય,   રહેવાની જગ્યા તથા તેના સુખદુઃખમાં ભાગીદાર થઈએ, તેના પ્રત્યે સહાનુભૂતિ રાખીએ તો તેને ઘણું જ ગમે.”

મી. વર્મા, “ વિવેક, આ બધી વાતો કરવી સરળ છે પણ અમલમાં મૂકવું અઘરું છે.”

વિવેક, “સર, કંપનીના સત્તાવાળાઓ જો ધારે તો આ બધું કરી શકે. તેમની ઇચ્છાશક્તિ પર એનો આધાર છે.”

મી. વર્મા, “પણ એ કામ કોણ કરે ? કોને સમય હોય ?”

વિવેક, “સર, આપણે એવો માહોલ ઉભો કરવો પડે. મેનેજરો કર્મચારી સાથે એક કુટુંબના સભ્યોની જેમ વર્તવાનો અભિગમ અપનાવે, તેમની સાથે હળીભળીને રહે એ બધું જરૂરી છે. આપણે વેંત નમીએ તો કર્મચારીઓ હાથ નમે એટલા સરળ હોય છે. પ્રેમ, લાગણી અને મહેનતથી બધાનાં દિલ જીતી શકાય છે. આપણે બસ એ જ કરવાનું છે. કર્મચારીઓ છે તો કંપની છે. કર્મચારીઓ પડખામાં હશે તો કંપની જરૂર સધ્ધર જ રહેશે.”

વિવેકની વાતોથી મી. વર્મા ખુશ હતા, સંતુષ્ઠ હતા. વિવેકને પણ પોતાના વિચારો કોઈકની આગળ રજુ કરવાની તક મળી એટલે ખુશ હતો. કાલે ઇન્ટરવ્યૂમાં પણ આવી વાતો કરવાની તક મળે તો મઝા આવી જાય. ઇન્ટરવ્યૂ લેવામાં મી. વર્મા જેવા માણસો બેસતા હોય તો કેટલું સરસ રહે !

એર હોસ્ટેસે ચા-કોફી અને નાસ્તો પીરસ્યાં, એટલામાં તો હૈદ્રાબાદ આવી ગયું. વિમાન જમીનને સ્પર્શ્યું. બધા મુસાફરોની સાથે વિવેક પણ એરપોર્ટની બહાર આવ્યો. રાતવાસા માટે એક સામાન્ય હોટેલમાં રૂમ રાખી લીધી. બીજે દિવસે તૈયાર થઇ, પ્રભુ સ્મરણ કરી, વિવેક લાર્સન એન્ડ ટોબ્રોની ઓફિસે પહોંચ્યો. ઓફીસ આગળ ઉમેદવારોની લાંબી લાઈન જોઈને થોડો નિરાશ થયો. એટલા બધામાં પોતાનો નંબર લાગશે કે કેમ એવી શંકાથી મન ઘેરાઈ ગયું. એનો વારો આવતાં તે અંદર ગયો. સાત મહાનુભાવોની ટીમ ઇન્ટરવ્યૂ લેવા બેઠી હતી. તેઓ પર નજર પડતાં જ વિવેક આભો બની ગયો ! આશ્ચર્ય અને આનંદ મિશ્રિત ભાવે તે તેઓને જોઈ રહ્યો. ટીમના સભ્યોમાં જે વચ્ચોવચ બેઠા હતા તે જ તેના સહપ્રવાસી મી. વર્માંસાહેબ હતા !!

મી. વર્માએ સ્મિતસહ શરૂઆત કરી, “આવો મી. વિવેક, તમારો ઇન્ટરવ્યૂ તો ગઈ કાલે જ પતી ગયો છે. તમે એન્જીનીયર તરીકે પસંદ થયા છો. એક વર્ષની ટ્રેઈનીંગ દરમ્યાન તમને માસિક વીસ હજાર રૂપિયાનું ભથ્થું મળશે. એક વર્ષ પછી, તમારો પગાર પાંત્રીસ હજાર રૂપિયા થશે. આજે તમને એપોઇન્ટમેન્ટ લેટર મળી જશે.”

વિવેક ખૂબ ખુશ થયો. આભારની લાગણીથી  એનું હૃદય ભરાઈ આવ્યું. “થેન્ક્યુ “ થી વધુ કંઈ ન બોલી શક્યો. શર્માસાહેબ સાથે કામ કરવા મળશે એ વાતથી એને અનહદ આનંદ હતો.

વર્મા સાહેબ બોલ્યા, “પણ મી. વિવેક, કંપની માટેના તમારા વિચારો તમારે અમલમાં મૂકવાના રહેશે.”

વિવેક, “ સર, આપ છો એટલે મને એ માટેની તક જરૂર મળશે. હું એ માટે દિલ દઈને કામ કરીશ.” અને એક અઠવાડિયામાં તો વિવેકે પોતાનું કામ શરુ પણ કરી દીધું.

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. Ramesh Patel
  ફેબ્રુવારી 10, 2011 @ 04:55:23

  આજની પરિસ્થિતિને અવલોકી આપે દર્શનાત્મક સાહિત્યિક કૃતિ ભેટ ધરી છે. અગાઉ ફેક્ટરીઓમાં
  કર્મચારીની મુશ્કેલીઓ સમજવામાં આવતી હતી, પછી યુનીઓની લડત શરુ થઈ ને જ્યાં
  આઈસીએસના વહિવટ શરુ થયા ,એક ને એક બે ની વાત..ફક્ત નફો ને શિસ્તના નામે
  શોષણ. આ વાર્તા સામાજિક સમસ્યા ઉકેલવા માટે પ્રેરણાદાયી છે.
  રમેશ પટેલ(આકાશદિપ)

  જવાબ આપો

 2. Hiral
  ફેબ્રુવારી 10, 2011 @ 14:11:26

  Very nice story. Nice message too.

  જવાબ આપો

 3. pravinshah47
  ફેબ્રુવારી 10, 2011 @ 14:17:45

  Thanks for the comments.

  જવાબ આપો

 4. Amit Patel
  ફેબ્રુવારી 10, 2011 @ 15:50:36

  પ્રવિણભાઈ ખરેખર, ખુબજ સુંદર પ્રેરક વાર્તા છે,
  વિવેક જેવા દિલથી કામ કરનારા માણસો છે પણ દરેક કંપનીમાં મી. વર્મા જેવા માણસો હોય તો તે કંપનીને બમણા નફા સાથે ઉચ્ચ સ્થાન પર જતા વાર ન લાગે…

  જવાબ આપો

 5. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
  ફેબ્રુવારી 12, 2011 @ 10:58:16

  nice… today lot of corporate companies have HR ( human resource) departments for such care and services to their employees.. but what kind of role they actually play … that makes a difference.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: