વાર્તા “ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી”

                                                     

                                            ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી   

     ‘આવો આવો અંકલ, કેમ છો મઝામાં ?’ મયૂરે મને આવકાર આપ્યો.
     ‘હા, બેટા, એકદમ મઝામાં છું. તારે બધું કેમ ચાલે છે ? ક્યાં છે તારા પપ્પા ?’
     મયૂરે આંગળી ચીંધીને કહ્યું, ‘અંકલ, મારા પપ્પા ત્યાં સામે બેઠા છે.’
     હું મયૂરના પપ્પા પાસે પહોંચ્યો અને તેમની બાજુની ખુરશીમાં બેઠક જમાવી. મયૂર અને તેની પત્ની કાજલે પુત્રજન્મની વધામણીમાં આજે નાનકડી પાર્ટી યોજી હતી. મયૂર છેલ્લાં દસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો. તેના પપ્પા પ્રકાશભાઈ અને હું અમદાવાદમાં સાથે નોકરી કરતા હતા એટલે તેના કુટુંબ સાથે મારે ઘણો જૂનો સંબંધ હતો. અત્યારે હું અમેરિકા આવેલ હતો એટલે મયૂરે મને પણ પાર્ટીમાં આમંત્રણ પાઠવેલ હતું. પ્રકાશભાઈ બહુ જ ખુશીમાં હતા. મેં કહ્યું, ‘પ્રકાશ, તારા મયૂરને ત્યાં પુત્રની પધરામણીથી હું પણ ખૂબ ખુશ છું. શું નામ પાડ્યું પૌત્રનું ?’
     ‘ધવલ’
     ‘અરે વાહ ! બહુ જ સરસ નામ છે ! ધવલ એટલે સફેદ. તારો પૌત્ર અહીંના અમેરિકનો જેવો ઉજળો હશે, નહીં ?’
     એટલામાં મયૂર અને કાજલ, ધવલને લઈને મારી નજીક આવ્યાં. ટેણિયો ઉજળો અને સરસ હતો.  મયૂર અને કાજલ પણ રૂપેરંગે સરસ જ હતાં ને ? પ્રકાશ મારી સાથે વાતે વળગ્યો, ‘દોસ્ત પ્રવીણ, મારો મયૂર તેત્રીસ વર્ષનો થયો. સામાન્ય રીતે તો પ્રથમ બાળકના જન્મ માટે આ ઉંમર થોડી વધુ કહેવાય. પણ મોડે મોડે ય અમે બધા ખુશ છીએ. ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી’
     પ્રકાશની વાત સાચી હતી. તેના મુખે કહેવત સાંભળીને મને મયૂરનો ભૂતકાળ યાદ આવી ગયો. મયૂરના બાળપણથી જ હું તેના પરિચયમાં હતો. તેના જીવનમાં બનેલા બધા પ્રસંગોનો હું સાક્ષી હતો. મયૂર ભણવામાં ઘણો જ હોંશિયાર હતો. સ્વભાવે પણ નમ્ર અને ઉદાર. બોલવામાં ખૂબ વિવેકી. બીજાને મદદ કરવા હંમેશાં તૈયાર.
     એણે બોર્ડની ધોરણ બારની પરિક્ષા આપી ત્યારની વાત કરું. તેનાં પેપર ઘણાં જ સારાં ગયાં હતાં. પણ પરિણામ થોડું નિરાશાજનક આવ્યું. માર્ક્સ ઓછા આવ્યા હતા. તેને મિકેનિકલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરવાની ઈચ્છા હતી. તેની ધારણા હતી કે પરિણામ સારું આવશે અને અમદાવાદની એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન મળી જશે. પણ તેને પ્રવેશ મળ્યો મોડાસાની એન્જીનીયરીંગ કોલેજમાં, અને તે પણ સિવિલ શાખામાં. ‘જેવી પ્રભુની ઈચ્છા’ કહીને તેણે મન મનાવ્યું.
     સિવિલ શાખામાં તેનું એક વર્ષનું ભણવાનું પૂરું થયું. સામાન્ય રીતે, એક વર્ષ પછી, બીજી કોઈ શાખામાં જગા હોય તો શાખા બદલી મળે છે ખરી. મયૂરે મને કહ્યું, ‘અંકલ, મને સિવિલમાંથી મિકેનિકલમાં જવાની ઈચ્છા છે.’
     મેં તેને એ માટેનું માર્ગદર્શન આપ્યું. તેણે પ્રયત્ન કર્યો પણ શાખા બદલી મળી નહિ. ‘જે થાય તે સારા માટે’ કહીને ફરીથી તેણે મન સાથે સમાધાન કર્યું. સીવીલ શાખામાં બીજું વર્ષ પણ ભણી નાખ્યું. બીજા વર્ષને અંતે, મારી સલાહ માનીને, તેણે શાખા બદલી માટે ફરી પ્રયત્ન કર્યો. અને આ વખતે શાખા બદલી મળી !! મળી પણ કેવી ? તેને સિવિલમાંથી મિકેનિકલમાં જવું હતું, જયારે પ્રવેશ મળ્યો ઈલેક્ટ્રીકલમાં. અને તેમાંય તેણે સિવિલનું જે બીજું વર્ષ ભણી કાઢ્યું હતું તે નકામું જતું હતું ! છતાંય તેણે આ બધું સ્વીકારી લીધું.
     મયૂર મહેનતકશ વિદ્યાર્થી હતો. ભણવામાં સારી મહેનત કરતો હતો. પ્રામાણિકપણે મહેનત કરનાર જિંદગીમાં ક્યારેય પાછો પડતો નથી. મહેનતનાં ફળ અંતે તો મળે જ છે. મયૂર ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગના છેલ્લા વર્ષમાં આવ્યો. વાર્ષિક પરિક્ષાના ફક્ત પંદર દિવસ બાકી હતા ત્યારે તેને અછબડા પધાર્યા. આખા શરીર પર પ્રવાહીયુક્ત ફોલ્લા ફૂટી નીકળ્યા હતા. સુવાનું પણ ફાવે નહિ. તેના પપ્પા-મમ્મીએ તેને બહુ જ હિંમત આપી. આ સ્થિતિમાં વાંચવામાં તો બહુ વાંધો આવ્યો નહિ. તેણે ઘણી સારી મહેનત કરી. ઘરમાં બધાને એવો ડર હતો કે કદાચ પરિક્ષા આપવા નહિ જવાય તો ? પણ પરિક્ષાના બે દિવસ પહેલાં તેને સારું થવા માંડ્યું. તે પરિક્ષા આપી શક્યો. સારી મહેનતનું સારું પરિણામ આવ્યું. તે ઘણા સારા માર્કે, યુનિવર્સીટીમાં બીજા નંબરે પાસ થયો !
     પ્રકાશે મને કહ્યું, ‘પ્રવીણ, જો મયૂરને અમદાવાદમાં એડમિશન મળ્યું હોત તો ત્યાંની મોટી યુનિવર્સીટીમાં, મયૂરનો બીજો નંબર ન આવી શક્યો હોત. જયારે અહીંની મોડાસાની યુનિવર્સીટીમાં એ શક્ય બન્યું. ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી.’
     મયૂરનો મોટો ભાઈ વરુણ તો બે વર્ષ પહેલાં અમેરિકા જઇ, ત્યાંની માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી ચૂક્યો હતો અને સારી કંપનીમાં લાગી ગયો હતો. મયૂરને પણ અમેરિકા જવાનાં સ્વપ્નાં આવી રહ્યાં હતાં. તેણે માસ્ટર ડીગ્રી માટે અમેરિકાની યુનિવર્સીટીમાં અરજી કરી. અહીં મોડાસામાં, તે યુનિવર્સીટીમાં બીજા નંબરે આવેલ હોઈ, અમેરિકાની યુનિવર્સીટીમાં સહેલાઈથી પ્રવેશ મળી ગયો. તથા ફીમાં પણ ૭૦% માફી મળી. ફક્ત ૩૦% જેટલી જ ફી ભરવાની ! વળી, અમેરિકામાં તેને કોમ્પ્યુટર શાખામાં પ્રવેશ લેવો હતો. મોડાસામાં ઈલેક્ટ્રીકલ કરેલ હોવાથી, કોમ્પ્યુટરમાં પ્રવેશ સરળતાથી મળ્યો. જો તે મીકેનીકલ હોત તો કોમ્પ્યુટરમાં પ્રવેશ મુશ્કેલ ગણાત. પ્રકાશ બહુ જ ખુશ હતો. મને કહે, ‘…..દેર હૈ, અંધેર નહિ હૈ…..’
     મયૂરને, માસ્ટર ડીગ્રી મેળવ્યા પછી, અમેરિકામાં સારી જોબ જલ્દી ના મળી. કોન્ટ્રાક્ટ પર કામ કર્યું. છેવટે જે જોબ મળી તે ઘણા સારા હોદ્દાવાળી અને સારા પગારની મળી. વધુ એક વાર તેના પપ્પાના મુખે પેલી કહેવત આવી ગઈ, ‘….દેર હૈ…..’
     મયૂર હવે છબ્બીસ વર્ષનો થયો હતો. તેના પપ્પા-મમ્મીએ તેના માટે કન્યાઓ જોવા માંડી. જ્ઞાતિના મુખપત્રમાં જાહેરાત આપી. કન્યાઓની લાઈન લાગી ગઈ. અમેરિકામાં રહીને સારું કમાતા મુરતિયા માટે કોનું મન ન લલચાય ? મયૂર એક મહિનાની રજા લઈને લગ્ન કરવા માટે ભારત આવ્યો. ઘણી બધી છોકરીઓ જોયા પછી એણે કામિનીને પસંદ કરી. કામિની મુંબઈમાં ઉછરી હતી. સારું ભણેલી હતી અને જોબ કરતી હતી. કુટુંબ પણ સારું હતું. એટલે કોઈ વાતે વાંધાજનક ન હતું. એક અઠવાડિયા સુધી તેમની મુલાકાતો ચાલી. તેમણે એકબીજાને પસંદ કર્યાં. વડીલોએ મંજૂરીની મહોર મારી. પંદર દિવસ બાદ, ધામધૂમથી લગ્ન પણ લેવાઈ ગયાં. લગ્ન દરમ્યાન, મયૂરના એક સંબંધીએ, કામિનીના ચહેરા પર વિષાદ છવાયેલો જોયો. લગ્ન પ્રસંગે કોડભરી કન્યાનો ચહેરો તો કેટલો પ્રસન્ન હોય ! પણ કામિનીના ચહેરા પર આ પ્રસન્નતા દેખાતી ન હતી. લગ્નની ધમાલમાં બીજા કોઈને તો આવું અવલોકન કરવાની ફુરસદ જ ક્યાંથી  હોય? અરે, પેલા સંબંધીએ નોંધેલી કામિનીની કરમાયેલી સૂરતની વાત બીજા લોકોએ ક્ષુલ્લક ગણીને અવગણી કાઢી !
     પણ …એ સંબંધીનું અવલોકન સાચું નીકળ્યું ! લગ્ન બાદ મયૂર અને કામિની અમેરિકા પહોંચી ગયાં. કામિનીના વર્તન પરથી મયૂરને ધીરે ધીરે લાગવા માંડ્યું કે કામિની આ લગ્નથી ખુશ નથી. મયૂરે કામિનીને ઘણું સમજાવી. વારંવાર તેણે કામિનીને પૂછ્યું કે તે કેમ ખુશ નથી. પણ કામિની કોઈ જવાબ આપતી ન હતી. અંતે તેણે એવો જવાબ આપ્યો કે ‘મારે લગ્ન કરવાં જ ન હતાં. મારા પપ્પાએ મને બળજબરીથી પરણાવી છે.’
     ‘તો પછી લગ્ન પહેલાં જ ના પાડી દેવી હતી ને ?’ મયૂરનો જવાબ.
     ‘પપ્પાની સમજાવટ આગળ મારી એ વખતે હિંમત ના ચાલી.’
     ‘આ કારણ બહુ સાચું લાગતું નથી. તને બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો કહે.’
     ‘ના, મારે બીજો કોઈ પ્રોબ્લેમ નથી.’
     મયૂરે કામિનીના પપ્પાને ફોનથી બધી વાત જણાવી. કામિનીના પપ્પાએ કહ્યું, ‘હા, કામિનીને લગ્ન કરવું ન હતું, પણ મને એમ કે લગ્ન પછી બધું થાળે પડી જશે.’
     પણ કામિની થાળે પડી નહિ. ‘સમય બધા પ્રશ્નોનો ઉકેલ છે. સમય જતાં કદાચ કામિનીનો વિચાર બદલાય’ એમ માની મયૂરે આમ ને આમ એક વર્ષ ખેંચી કાઢ્યું. પણ વ્યર્થ ! મયૂર આ લગ્ન તૂટવા દેવા નહોતો ઇચ્છતો. બંને પક્ષના વડીલોથી પણ કંઇ થઇ શક્યું નહિ અને પરિણામ ડાયવોર્સમાં આવ્યું. મયૂર જેવો ડાહ્યો છોકરો પણ લગ્નની બાબતમાં છેતરાયો. તેને કામિની પસંદ હતી, તો પણ કશા કારણ વગર કામિની ચાલી ગઈ !
     મયૂરના પપ્પા-મમ્મી દુઃખી થઇ ગયાં. તેમણે નક્કી કર્યું કે કોઈ સારી છોકરી શોધીને મયૂરને ફરી પરણાવવો કે જેથી તેના સ્નેહમાં તે જૂનું દુઃખ ભૂલી જાય. અને એવી એક પ્રેમાળ છોકરી મળી પણ ગઈ, તે હતી કાજલ. કાજલે પણ તેના પતિની દહેજની સતામણીથી ડાયવોર્સ લીધેલ હતા.
     મયૂર અને કાજલ બંને પ્રેમનાં તરસ્યાં સરખાં દુઃખી હતાં. મયૂર અમેરિકામાં અને કાજલ હતી ભારતમાં. તેઓ ફોનથી અને મેલથી એકબીજાને મળતાં રહ્યાં, સમજતાં રહ્યાં, એકબીજા માટે લાગણી અને હુંફ અનુભવતાં રહ્યાં. છ મહિના પછી તેમણે લગ્ન કર્યાં ત્યારે કાજલના ચહેરા પર કોઈ વિષાદ ન હતો, બલ્કે મયૂર માટે પ્રેમ હતો. પ્રકાશે ફરી મને કહ્યું, ‘પ્રવીણ, ભગવાન કે ઘર દેર હૈ…..’
     વાક્ય મેં પૂરું કર્યું, ‘અંધેર નહિ હૈ’
     મયૂર અને કાજલ અમેરિકામાં ખુશ હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ અત્યારે તેમને ત્યાં રાજાના કુંવર જેવો ધવલ જન્મ્યો હતો. મને મયૂરની જિંદગીના બધા પ્રસંગો ચિત્રપટની પટ્ટીની જેમ યાદ આવી ગયા. મેં પ્રકાશને તેની પેલી કહેવતના સંદર્ભમાં કહ્યું, ‘દોસ્ત, તારા મયૂરને ત્યાં હજુ ભવિષ્યમાં ઘણા પ્રસંગો આવવાના છે. અમેરિકન ગ્રીન કાર્ડ, નોકરીમાં પ્રમોશન, ધવલનો અભ્યાસ અને એવા બધા. આ બધા પ્રસંગોમાં ‘અંધેર’ તો નહિ જ હોય, પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે ‘દેર’ પણ ના થાય.’
     મેં મયૂર-કાજલ અને ધવલને હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવી, ત્યાંથી વિદાય લીધી.

Advertisements

10 ટિપ્પણીઓ (+add yours?)

 1. રૂપેન પટેલ
  ફેબ્રુવારી 25, 2011 @ 04:40:53

  પ્રવીણભાઈ સાહેબ “ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી” સાચી વાત છે . આપણે ખરાબ સમયમાંથી ઘણું શીખવા મળે છે અને તે સારા સમયમાં કામે લાગે છે . મનુષ્ય તકલીફોમાં ઘડાય છે અને તેની સાચી કિમંત થાય છે . મયૂરભાઈ જેવા માણસો જીવનમાં તકલીફોમાં ઘણું શીખ્યા હોવાથી તેમનું જીવન યોગ્ય રીતે જીવી જાણે છે . પેલું કહેવાય છે ને ઉતાવળો કે અનઆવડતવાળા કરતા હોંશિયાર અને અનુભવી ડ્રાયવર યોગ્ય ગાડી ચલાવી જાણે છે . અનુભવીઓને પણ મુશ્કેલી કે એકસીડન્ટ સામે મળે છે તેમાં તેઓ કદાચ સરળતાથી પાર ઉતરી શકે છે .જીવનમાં આવું ક કંઇક હોય છે તેવું મારું માનવું છે .

  જવાબ આપો

 2. Milan Shah
  ફેબ્રુવારી 25, 2011 @ 14:36:21

  સરસ વાર્તા. સાચી દિશામાં કરેલી સાચી મહેનત ક્યારેય નકામી નથી જતી, આજે નહિ તો કાલે એ ફળ જરૂર આપશે. ફક્ત શરત એટલી કે રાહ જોવા માં થાકી નહિ જવાનું.

  જવાબ આપો

 3. Hiral
  ફેબ્રુવારી 25, 2011 @ 17:09:34

  “ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી” સાચી વાત છે.

  જવાબ આપો

 4. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!
  ફેબ્રુવારી 25, 2011 @ 20:25:32

  પ્રવીણભાઈ, એકદમ સાચું કહું?….ભગવાન ને ઘરે અંધેર તો ચાલો સમજ્યા કે જરાય નથી…પણ દેર પણ જરાય નથી એના પ્રોગ્રામ પ્રમાણે બધું વખત પર જ થાય છે. દેર તો આપણને લાગે કે અનુભવાય છે. એના કોડમાં મિલી સેકંડનો પણ ફરક નથી સાહેબ!

  જવાબ આપો

  • pravinshah47
   ફેબ્રુવારી 25, 2011 @ 23:50:25

   હા, ખરું છે, પણ પ્રોગ્રામ પ્રમાણે વખત પર થાય, તરત ના થાય, એટલે બધાને એવું લાગે કે “દેર હૈ”,
   તેથી તો કહેવત બની કે “દેર હૈ, અંધેર નહિ હૈ “. ઘણા લોકો આ કહેવતનો પ્રયોગ કરતા હોય છે, એટલે મેં વાર્તામાં
   એનો ઉપયોગ કર્યો. તમારા અભિપ્રાય બદલ ધન્યવાદ.
   પ્રવીણ શાહ

   જવાબ આપો

 5. hema patel
  ફેબ્રુવારી 28, 2011 @ 23:48:37

  અત્યારના સમયને અનુલક્ષીને લખેલ સરસ વાર્તા .
  તદન સાચી વાત છે , ભગવાન જે કરે તે સારા માટે કરે.

  જવાબ આપો

 6. ડો. કિશોરભાઈ એમ. પટેલ
  માર્ચ 05, 2011 @ 16:20:41

  ” સાચી દિશામાં કરેલી સાચી મહેનત ક્યારેય નકામી નથી જતી.”

  જવાબ આપો

 7. ડો. કિશોરભાઈ એમ. પટેલ
  માર્ચ 05, 2011 @ 16:21:04

  ” સાચી દિશામાં કરેલી સાચી મહેનત નકામી નથી જતી.”

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: