એક રમૂજી વાર્તા “સંબંધોનો ગૂંચવાડો”

                                                          

                                                         સંબંધોનો ગૂંચવાડો 

     સીમાની નોકરીનો આજે પહેલો દિવસ હતો. એક ખાનગી કંપનીમાં તેને નોકરી મળી હતી. સીમા ઓફિસે પહોંચી. બોસે તેનું ઓફિસના બીજા કર્મચારીઓ જોડે ઓળખાણ કરાવ્યું. ત્યાર બાદ સીમા પોતાની જગાએ જઈને બેઠી અને બોસે સોંપેલું, કોમ્પ્યુટર પર એક પત્ર તૈયાર કરવાનું કામ શરુ કર્યું. સીમા આમેય દેખાવડી હતી તથા સુડોળ અને સપ્રમાણ કાયા ધરાવતી હતી. વળી આજે ઓફિસમાં નવી નવી હતી. એટલે બીજા કર્મચારીઓ પોતાના કામકાજમાંથી સહેજ આંખ ઉંચી કરી તેની સામે જોઈ લેતા હતા. 
     સીમાની સામે પાર્થનું ટેબલ હતું. તેને પાર્થ પાસેની એક ફાઈલની જરૂર પડી. એટલે તે બોલી, ” ભાઈ, જરા પરચેઝની ફાઈલ આપો ને.”
     પાર્થ ફાઈલ આપતાં બોલ્યો, “સાલીજી, લો આ ફાઈલ.”                
     સીમા તો ‘સાલી’ શબ્દ સાંભળીને એકદમ ચમકી ગઈ. બોલી, ” ભાઈ, મને ‘સાલી’ કહીને કેમ બોલાવી ?”
     પાર્થ, “તો તમે મને ‘ભાઈ’ કહીને શું કામ બોલાવ્યો ?”
     સીમા, “આ તો સામાન્ય વ્યવહેવારની ભાષા છે. જ્યાં સુધી કોઈ નક્કી સંબંધ ઉભો ના થયો હોય ત્યાં સુધી આપણે બધા પુરુષોને ‘ભાઈ’ શબ્દથી બોલાવીએ છીએ. દા. ત. ‘રમેશભાઈ’, ‘મહેશભાઈ’ વિગેરે. બાકી તો ‘ભાઈ’ કહેવાથી તમે મારા ‘ભાઈ’ થોડા બની જાવ છો ?” 
     પાર્થ, “એ જ રીતે મેં તમને ‘સાલી’ કહ્યું, તો તમે મારા ‘સાલી’ તો નથી જ બની જતા ને ?  પછી શું કામ ચિંતા કરો છો ?”
     સીમાને શું બોલવું એ તાત્કાલિક તો સુઝ્યું નહિ. પણ પછી બોલી, “તમે મને ‘સાલી’ કહી, એટલે તમે મારી બહેનના પતિ એટલે કે મારા જીજાજી થયા. તમારા વિષે કશું ય જાણ્યા વગર તમને મારા જીજાજી કેવી રીતે બનાવી દેવાય ?”
     પાર્થ, “જો તમે મને ‘ભાઈ’ કહો તો તમે મારા બહેન થયા, અને જે કોઈને તમે પરણશો તે મારા જીજાજી થશે. હું પણ એ જીજાજી વિષે ક્યાં કશું જાણું છું ?”
     સીમા ગૂંચવાઈ ગઈ. પાર્થ કહે, “જુઓ, મારે પાંચ બહેનો છે. એટલે કે પાંચ જીજાજીઓનો હું સાળો છું. હવે વધુ વ્યક્તિઓનો સાળો બનવા હું નથી ઈચ્છતો.”
     બંને વચ્ચે દલીલો બહુ લાંબી ચાલી. પણ કોઈ ઉકેલ આવ્યો નહિ. બધા કર્મચારીઓ પોતાનું કામ થંભાવીને આ તમાશો જોવા લાગ્યા. તેમને સંબંધોના આ જોડકણાં પર હસવું આવી રહ્યું હતું. આ બધો કોલાહલ સાંભળી બોસ પણ કેબિનમાંથી બહાર આવ્યા. તેમણે બંનેની કેફિયત સાંભળી, પછી બોલ્યા, “પાર્થ, ઓફિસના કામનો સમય વેડફાઈ રહ્યો છે. હવે ફક્ત એક જ વાક્યમાં આ વાતનો અંત લાવી દો.”
     પાર્થ, “સર, એક વાક્યમાં નહિ, પણ તમે જો અનુમતિ આપો તો એક જોક કહીને વાત પૂરી કરું.” 
     બોસ કહે, “ભલે, એમ તો એમ, પણ વાત પૂરી કરો.”
     પાર્થે  જોક શરુ કરી, “એક વાર એક ઘરડી સ્ત્રી બસમાં જતી હતી. તેની બાજુની સીટ પર એક પ્રૌઢ માણસ આવીને બેઠો. થોડી વાર પછી પેલી સ્ત્રીએ પેલા માણસને પૂછ્યું, ‘કાકા, તમે ક્યાં જવાના ?’ પેલો માણસ ચિડાયો, કારણ કે એક બુઢ્ઢી સ્ત્રીએ એને ‘કાકા’ કહીને બોલાવ્યો હતો. એ ગુસ્સો ઠાલવવા જતો હતો, પણ પછી એણે વિચાર્યું કે ‘જવા દે ને, મારે આની સાથે શું લેવાદેવા છે ?’ તેણે જવાબ ન આપ્યો. પેલી ડોશીએ ફરી પૂછ્યું, ‘કાકા, તમે ક્યાં જવાના ?’ ફરી વાર પણ તે ચૂપ રહ્યો. ડોશીએ ત્રીજી વાર પૂછ્યું. હવે પેલા માણસથી ના રહેવાયું. તે બરાડ્યો, ‘હે ભત્રીજી, પહેલાં તો હું તારા માટે મૂરતિયો શોધવા જાઉં છું. પછી હું મારા કામે જઈશ.’ ડોશી ચૂપ થઇ ગઈ.”      
      ઓફિસમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. બોસ એમની કેબીનમાં જતા રહ્યા. પાર્થની વાત અટકી નહિ. તેણે સીમાની સામે જોઇને કહ્યું, “જોયું ને ? કોઈને ‘કાકા’ કહીને બોલાવીએ  એ નથી ગમતું. પોલીસને ખાનગીમાં બધા ‘મફતલાલ’ કહે છે, પણ જરા તેને સામે જઈને ‘મફતલાલ’ કહી જોજો !”
     સીમા, “પણ ‘ભાઈ’ કહેવામાં ક્યાં તકલીફ નડે એવી છે ?”
     પાર્થ, “રસ્તે જતા કોઈને ‘ભાઈ, સાઈડ પ્લીઝ’ કહેશો તો એને આત્મીયતા લાગશે અને તે સંબંધ વધારવા તલપાપડ થઇ જશે. એમાં તમારા જેવી રૂપાળી યુવતિ માટે ફસામણી થવાની  પૂરેપૂરી શક્યતા છે. એને બદલે ‘એ મીસ્ટર, આઘા ખાસો’ એમ કહેવાથી કોઈ મુસીબત ઉભી નહિ થાય.”
     સીમા, “પણ ‘ભાઈ’ કહીએ એટલે સંબંધ વધી જાય એવું કોને કહ્યું ?”
     પાર્થ, “તમે ‘ભાઈ’ કહીને બોલાવો, પછી એ ‘બહેન’ કહીને વાત આગળ વધારે. આમ ‘ભાઈ-ભાઈ, બહેન-બહેન’ ચાલ્યા કરે. માણસ સારો હોય ત્યાં સુધી ઠીક છે, નહિ તો મેલો માણસ વખત આવે પોતાનું પોત પ્રકાશે.”
     પાર્થે આગળ ચલાવ્યું, “અને આમ બધાને ‘ભાઈ ભાઈ’ કરશો તો આખા દેશના પુરુષો તમારા ભાઈ બની જશે. પછી તમારા પપ્પાને તમારા માટે દેશમાં કોઈ મૂરતિયો નહિ મળે. મૂરતિયો શોધવા પાકિસ્તાન જવું પડશે.”
     પાર્થની જીભ તો અટકતી ન હતી. આગળ બોલ્યો, “વળી, ‘ભાઈ’ કહીને બોલાવવામાં ગૂંચવાડો ઉભો થાય છે. જેમ કે કોઈ સ્ત્રી પોતાના દિયરની વાત કરતી હોય ત્યારે કહેશે કે ‘આમારા જયેશભાઈ તો બહુ આનંદી સ્વભાવના છે’ ત્યારે સાંભળનારાએ, જયેશભાઇને કોના ભાઈ સમજવા ? પેલી સ્ત્રીના કે પછી તેના પતિના ?”
     ‘ભાઈ’ સંબોધન પરથી જે વિવેચન શરુ થયું તે રીસેસ સુધી ચાલ્યું. રીસેસ પડી ત્યારે પાર્થે સીમાને કહ્યું, “ચાલો, લારી પર પાણીપૂરી ખાવા જઈએ.”
     સીમા કહે, “ચાલો”
     પાર્થ કહે, “પણ હા, સીમા, મને ‘ભાઈ’ નહિ કહો તો ચાલશે. પણ પાણીપૂરીવાળા ભૈયાજીને તો ‘ભાઈ’ કહેજો. કહેવાનું કે ‘ ભાઈ, જરા ચટણી વધારે આપો ને !’ એટલે ભૈયો કહેશે ‘અચ્છા બહનજી, લો યે જ્યાદા ચટની.’ પછી પાણીપૂરી ઝાપટીને પૈસા ચૂકવ્યા   વગર ચાલવા માંડીશું. આથી ભૈયો બૂમ પાડીને કહેશે, ‘અરે બહનજી, પૈસા તો દેતે જાઈએ !’ એટલે હું કહીશ, ‘ભૈયાજી, આ તમારી બહેન છે એટલે હું તમારો જીજાજી કહેવાઉં. જીજાજી પાસે પૈસા મંગાતા હશે ?’
     આ સાંભળીને સીમા શરમાઈ ગઈ. અને પાર્થનો ઈરાદો સમજી જતાં, ત્રાંસી આંખે તેની સામે જોઈ રહી.

Advertisements

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. Hiral
  માર્ચ 11, 2011 @ 15:33:40

  Hilarious starting 🙂 Lol!

  જવાબ આપો

 2. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
  માર્ચ 14, 2011 @ 13:22:25

  hmm…. that’s the point…. end says the real thing. ….. I could guess something fishy going on in Parth’s mind while reading !

  જવાબ આપો

 3. pravinshah47
  માર્ચ 15, 2011 @ 05:19:50

  paruben, you are right. but it is a story only.

  જવાબ આપો

 4. chandravadan
  માર્ચ 15, 2011 @ 20:14:24

  આ સાંભળીને સીમા શરમાઈ ગઈ. અને પાર્થનો ઈરાદો સમજી જતાં, ત્રાંસી આંખે તેની સામે જોઈ રહી.
  Nice Varta !
  Enjoyed.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visits/comments on Chandrapukar !

  જવાબ આપો

 5. • » નટખટ સોહમ રાવલ « •
  માર્ચ 22, 2011 @ 09:13:12

  વાહ સરજી વાહ…
  સંબંધોની માયાજાળ મસ્ત બનાવી છે.ખુબ સરસ હાસ્યલેખ…
  અને હા, મેં તમને જીમેઇલ પર એક મેઇલ પણ કર્યો છે એ પણ જોઇ લેશો.

  જવાબ આપો

 6. રૂપેન પટેલ
  માર્ચ 24, 2011 @ 15:06:48

  પ્રવીણભાઈ સાહેબ રમૂજી વાર્તા વાંચીને મજા આવી ગઈ .

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: