વાર્તા – ‘શીવાની વિક્રમને પરણી’

                                                શીવાની વિક્રમને પરણી
                                                 (શીવાની વેડ્સ વિક્રમ) 

     ગોવાનો સોહામણો દરિયાકિનારો. દેશવિદેશમાં જાણીતો આ દરિયાકિનારો દર વર્ષે હજારો સહેલાણીઓથી ઉભરાય છે. મુલાયમ રેતીનો વિશાળ પટ, ઉછળતાં મોજાંનું સંગીત, નાળિયેરીનાં વૃક્ષો, ખાણીપીણીની ભરમાર, ભરપૂર કુદરતી સૌંદર્ય – આ બધું માણસના મનને આનંદથી તરબતર કરી દે છે.

    આવા રેતાળ પટને એક એકાંત છેવાડે વિક્રમ અને શીવાની એક ઝાડ નીચે બેઠાં હતાં. સાંજના છ થવા આવ્યા હતા. પશ્ચિમમાં દૂર દરિયાની પેલે પાર સૂર્ય ડૂબવાની તૈયારીમાં હતો. વિક્રમ અને શીવાની સૂર્યાસ્તની લીલા જોઈને ખુશ થઇ ગયાં. શહેરમાં જીંદગી જીવનારને આવું દ્રશ્ય જોવાનો લ્હાવો મળતો નથી.

     શીવાની કહે, ‘વિક્રમ, આપણો પરિચય થયે આજે ચાર દિવસ થયા. આ ચાર દિવસમાં તો આપણે એકબીજાની કેટલા બધા નજીક આવી ગયા છીએ, નહિ ? જાણે કે યુગોથી ઓળખતા હોઈએ !’

     ‘હા શીવાની, તારું સાનિધ્ય મને ખૂબ ગમે છે. મારા હૃદયમંદિરમાં તારી મૂર્તિ અંકિત થઇ ગઈ છે.’

     ‘વિક્રમ, અહીંથી ગયા પછી મને ભૂલી તો નહિ જાય ને ? તારા સિવાય હવે આ દુનિયામાં મારું કોઈ નથી.’

     ‘શીવાની, વિક્રમ રાજા કેવો અડગ હતો, તે તો ઇતિહાસમાં ભણી છું ને ? હું પણ એવો જ વીર વિક્રમ છું. હું તારી સાથે જ લગ્ન કરીશ. આ મારું વચન છે.’

     શીવાની ભાવવિભોર થઇ ગઈ. વિક્રમના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. વિક્રમે વ્હાલથી તેના પર હાથ પસવાર્યો. બંને જણ ક્યાંય સુધી વાતો કરતાં રહ્યાં. છેવટે આઠ વાગે હોટલની પોતપોતાની રૂમો પર પહોંચ્યાં.

     વિક્રમના પપ્પા પરાશરભાઈ કુટુંબ સહિત અમદાવાદથી ગોવા ફરવા માટે આવ્યા હતા. કુટુંબમાં તેઓ ચાર જણ હતાં. પરાશરભાઈ પોતે, પત્ની કલ્યાણી અને  બે પુત્રો – મોટો પોરસ અને નાનો વિક્રમ. પોરસ પચીસ વર્ષનો અને વિક્રમ બાવીસનો. જ્ઞાતિએ તેઓ વણિક હતા. બંને પુત્રો રાજા પોરસ અને રાજા વિક્રમ જેવા બહાદુર અને બળવાન હતા. શરીરે ખડતલ, રૂપાળા અને ઉજળેવાન હતા. પોરસની સગાઇ આણંદમાં રહેતી સપના નામની છોકરી સાથે થયેલી હતી. ત્રણેક મહિના પછી તેમનાં લગ્ન લેવાનાં હતાં. પોરસ હાલ તો સપનાને સ્વપ્નમાં યાદ કરી લેતો. વિક્રમ હજુ કાચો કુંવારો હતો. બંને ભાઈઓએ ગ્રેજ્યુએટ સુધીનું ભણતર પૂરુ કરી, પપ્પા સાથે ધંધામાં ઝંપલાવ્યું હતું. કમાણી સારી હતી. તેઓ અમદાવાદમાં બંગલો ગાડી ધરાવતા હતા.

     વિક્રમને ગોવામાં શીવાની ભેટી ગઈ. શીવાની પણ આણંદની. તે પણ તેના પપ્પા-મમ્મી સાથે ગોવા ફરવા આવી હતી. જોગાનુજોગ તેઓ પણ વિક્રમવાળી હોટલમાં જ ઉતર્યા હતા. શીવાનીના પપ્પા ભારદ્વાજ આણંદમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા. ભારદ્વાજનું કુટુંબ તેમની બ્રાહ્મણ જ્ઞાતિમાં પ્રતિષ્ઠિત ગણાતું હતું. શીવાનીની મમ્મી કુંતી, ધર્મપરાયણ હતી. ભારદ્વાજ, પુત્રીને પણ સારું શિક્ષણ આપવાનો મત ધરાવતા હતા. તેમની પ્રેરણાથી શીવાની હોમીયોપોથી તબીબીશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થઇ હતી અને હાલ આણંદમાં એક નર્સીંગ હોમમાં સર્વિસ કરતી હતી

     આમ તો આ બંને કુટુંબો એકબીજાને બિલકુલ ઓળખતા ન હતા. પરાશરભાઈ જે દિવસે ગોવા આવ્યા તે દિવસે તેઓએ પ્રથમ તો હોટલમાં કલાકેક આરામ કર્યો. પછી તાજામાજા થઈને બધા બહાર ફરવા નીકળ્યા. ગોવાનું સૌંદર્ય અને ખાણીપીણીની લહેજત માણીને રાત્રે દસેક વાગે રૂમ પર પાછા ફર્યા ત્યારે તેઓએ જોયું કે બાજુની રૂમમાંથી લડવાનો અને ગાળાગાળીનો અવાજ આવતો હતો. શું બન્યું છે તે જોવા પરાશર, પોરસ અને વિક્રમ બાજુની રૂમમાં ગયા. તો ત્યાં ચાર પાંચ મવાલી જેવા માણસો દારૂ પીધેલી હાલતમાં તોફાન કરતા જણાયા. ભાષા પણ તોછડી અને અશ્લીલ. પરાશરે તેઓને સમજાવવાની કોશિશ કરી, તો તે બધા પરાશર, પોરસ અને વિક્રમ સાથે લડવા લાગ્યા. પોરસ-વિક્રમને તો ગુસ્સો આવી ગયો. આથી પેલા મવાલીઓ વધુ તાનમાં આવી ગયા. તેમાંના એકે પોરસને એક લાફો ઠોકી દીધો. પછી તો પોરસ-વિક્રમ શાના ઝાલ્યા રહે ? તેઓએ પેલાઓને મેથીપાક ચખાડ્યો. પણ એવામાં પેલાઓમાંનો એક ક્યાંકથી એક પાઈપ શોધી લાવ્યો અને ધડાધડ પરાશર અને પોરસના માથા પર ફટકારી દીધી. સદભાગ્યે વિક્રમ પાઈપના ફટકામાંથી બચી ગયો. હવે વધુ લડવામાં જોખમ હતું. તે જેમતેમ
કરીને ઝડપથી પપ્પાને તથા ભાઈને રૂમ પર ખેંચી લાવ્યો.

     આ બધી ધમાલ થઇ તે દરમિયાન હોટલની બીજી રૂમોના પ્રવાસીઓ પણ ઘટનાસ્થળે એકત્રિત થઇ ગયા. ઇન્સ્પેક્ટર ભારદ્વાજ, કુંતી અને શીવાની પણ સામેની રૂમમાંથી અહીં આવી પહોંચ્યાં. ઇન્સ્પેકટરના ડરથી પેલા મવાલીઓ ઠંડા પડ્યા. શીવાની તબીબીશાસ્ત્ર જાણતી હતી એટલે પોતાની આંતરસૂઝથી પોરસ અને પરાશરભાઈને માથામાં ઇમરજન્સી દવા લગાડી આપી. વિક્રમે તેમાં મદદ કરી. આ હતી વિક્રમ અને શીવાનીની પ્રથમ મુલાકાત.

     વિક્રમ ટેક્સી કરીને પપ્પા અને ભાઈને ગોવામાં એક ડોક્ટર પાસે લઇ ગયો. ડોક્ટરે ઘા પર ટાંકા લઈને દવા, ઇન્જેક્શન આપ્યાં. બીજે દિવસે શીવાની આવી. તેણે ડોક્ટરની સૂચના મૂજબ ડ્રેસીંગ વિગેરે કરી આપ્યું. વિક્રમ આ સેવાભાવી અને લાગણીશીલ છોકરીને જોઈ રહ્યો, બોલ્યો, ‘શીવાની, તમે મારા પપ્પા અને ભાઈની કેટલી બધી કાળજી લો છો ! તમારો આભાર કઈ રીતે માનું ?’

     ‘જુઓ વિક્રમ, ડોક્ટર અને નર્સની તો આ ફરજ છે. એમાં વળી મારે અહીં બીજું કામ પણ શું છે ? ફરવા જ આવ્યા છીએ. બાય ધ વે, હવે તમારા પપ્પા અને ભાઈને સારું છે. જો તમારી ઈચ્છા હોય તો આજે સાંજના આપણે થોડું ફરવા જઈએ. તમે ફ્રેશ થઇ જશો.’

     વિક્રમે હા પાડી. સાંજે બંને જણ ગોવામાં ઘુમવા નીકળી પડ્યા. અભ્યાસની, કુટુંબની, એકબીજાના શોખની એમ ઘણી વાતો કરી અને રખડીને મોડેથી પાછા આવ્યા. શીવાની, પરાશરભાઈ અને પોરસની સેવા કરતી હોવાથી, તેનું વિક્રમ સાથેનું ફરવાનું ભાસ્કરભાઈને અજુગતું લાગ્યું નહિ. પરાશરભાઈ, પોરસ અને કલ્યાણી તો રૂમ પર જ રહેતાં. ત્રીજે દિવસે પણ વિક્રમ અને શીવાની ફરવા નીકળ્યાં. વિક્રમ પપ્પા અને ભાઈની સંભાળ રાખતો. શીવાની ડ્રેસીંગ-દવાનું ધ્યાન રાખતી. શીવાનીને વિક્રમની કુટુંબભાવના ગમી ગઈ. વિક્રમને શીવાનીની લાગણી પસંદ પડી ગઈ.

     ચાર દિવસમાં તો વિક્રમ-શીવાની પ્રેમમાં પડી ગયાં. અને વિક્રમે તેને પરણવાનું વચન પણ આપી દીધું. બીજા બે દિવસ પછી પરાશરભાઈનું કુટુંબ અમદાવાદ પાછું આવવા નીકળ્યું ત્યારે શીવાનીએ વ્યથિત હૃદયે વિક્રમને વિદાય આપી. વિક્રમ પણ શીવાનીથી છૂટા પડતી વખતે ગંભીર બની ગયો.

     પરાશરભાઈ પુત્ર વિક્રમની શીવાની પ્રત્યેની લાગણી પામી ગયા હતા. તેમને પણ કુટુંબ સાથે હળીમળી ગયેલી શીવાની પુત્રવધુ તરીકે પસંદ હતી. અમદાવાદ આવ્યા પછી તેમણે વિક્રમની પસંદગીને લીલી ઝંડી આપી દીધી. આ બાજુ ભાસ્કરભાઈ પુત્રીના વિક્રમ સાથેના પ્રેમથી અજાણ હતા. શીવાની-વિક્રમે એકબીજાને લગ્નના કોલ આપી દીધા છે, એ બાબતની તો તેમને જરાય ગંધ આવી ન હતી. તેઓએ આણંદ પાછા આવ્યા પછી શીવાની માટે પોતાની બ્રાહ્મણ જ્ઞાતિમાં મૂરતિયાની તપાસ આદરી. શીવાનીને આની જાણ થતાં, ચિંતા થવા માંડી. એક વાર વાતવાતમાં તેણે પપ્પાને કહી દીધું, ‘પપ્પા, હું ભણેલીગણેલી છું. તમારા સંસ્કાર પામી છું. કદાચ કોઈ સારો છોકરો મારા ધ્યાનમાં આવી જાય, તો તમે મને સંમતિ આપશો ને ?’

     ‘એમાં મને વાંધો નથી. પણ છોકરો આપની જ્ઞાતિનો તો હોવો જ જોઈએ.’

     શીવાનીના પેટમાં તેલ રેડાયું. હવે શું ? વિક્રમ તો પરજ્ઞાતિનો હતો. ઘરમાં થતી વાતચીત પરથી તેને ચોક્કસ અંદાજ આવી ગયો કે પપ્પા વિક્રમ માટે ‘હા’ પાડશે જ નહિ. જો કે તેની મમ્મી કુંતીને આવો કોઈ વાંધો ન હતો. તે તો દીકરીના સુખે સુખી રહે તેવી હતી.

     આ બાજુ વિક્રમ થોડા થોડા દિવસે આણંદ આવતો અને શીવાનીને તેના નોકરીના સ્થળે મળતો. એક મુલાકાત પૂરી થયા પછી બીજી મુલાકાતનો દિવસ તેઓ નક્કી કરી લેતાં. દરેક મુલાકાતની શીવાની કાગની ડોળે રાહ જોતી. વિક્રમ મળતાં જ ખુશ થઇ જતી અને પછી વિયોગનો સમય આવતાં દુઃખી થઇ જતી. તેનું હૃદય રડી ઉઠતું. વિદાય વેળાએ આંખમાં ઝળઝળિયાં આવી જતાં.

     છેવટે શીવાનીએ નક્કી કર્યું કે પપ્પાની જાણ બહાર જ રજીસ્ટ્રારની કોર્ટમાં લગ્ન કરી લેવાં. વિક્રમ તથા તેનું કુટુંબ તો શીવાનીને અપનાવવા માટે તૈયાર જ હતું. શીવાનીને થયું કે લગ્ન થઇ ગયાની પપ્પાને જાણ થશે ત્યારે તેમને આઘાત લાગશે, તેઓ ગુસ્સો પણ કરશે, કદાચ મારા માટે ઘરના દરવાજા પણ બંધ કરી દેશે. તે પપ્પાનું દિલ દુભાવવા નહોતી ઈચ્છતી. પણ બીજી બાજુ તે વિક્રમને છોડવા પણ નહોતી માગતી.

     વિક્રમના મોટાભાઈ પોરસની સગાઇ આણંદમાં જ સપના સાથે કરેલી હતી, તેની શીવાનીને જાણ હતી. સપના વિક્રમની તો ભાભી થાય ને ? વિક્રમે શીવાનીનો પરિચય સપનાભાભીને અને તેનાં માતાપિતા પલ્લવભાઈ અને કલ્પનાબેન સાથે કરાવ્યો હતો. શીવાનીને સપનાભાભી સાથે સારું ફાવી ગયું. છેવટે તો તે તેની જેઠાણી થવાની હતી ને ? શીવાનીએ પોતાની વ્યથા તેમની આગળ વર્ણવી. સપના તથા પલ્લવ-કલ્પનાએ શીવાનીને સાથ આપવાની તૈયારી દર્શાવી. શીવાની ખુશ થઇ ગઈ. તેનો અડધો બોજ ઓછો થઇ ગયો.

     ત્યાર પછીની વિક્રમની આણંદની મુલાકાત પલ્લવભાઈને ત્યાં રાખવામાં આવી. શીવાની, વિક્રમ, સપના તથા વડીલ સરખાં પલ્લવ-કલ્પના – બધાએ ભેગા મળીને પ્લાન ઘડી કાઢ્યો. લગ્ન માટેનો દિવસ નક્કી કર્યો. આ નિર્ધારિત દિવસે અમદાવાદમાં રજીસ્ટ્રારની ઓફિસમાં બપોરે બાર વાગે લગ્ન નોંધાવી દેવાનું નક્કી કર્યું અને બધાં છૂટાં પડ્યાં. પરાશરભાઈ આ યોજનામાં પરોક્ષ રીતે સામેલ હતા જ.

     દિવસો વિતતાં વાર નથી લગતી. મુકરર કરેલો દિવસ આવી પહોંચ્યો. શીવાનીએ આણંદ સ્ટેશનેથી સવારે ૮-૩૫ વાગે ઉપડતી ટ્રેનમાં બેસી અમદાવાદ જવાનું હતું. તે દરરોજ સવારે ૮-૩૦ વાગે પોતાના લ્યુના પર નોકરી કરવા નીકળતી હતી. આજે તો ૮ વાગે નીકળી જવું જોઈએ. નહિ તો ટ્રેન ચૂકી જવાય. વળી લ્યુના લઈને નીકળે તો તે ઓફિસમાં અથવા કોઈકને ત્યાં મૂકવું પડે. આમ કરવાથી કોઈકને જાણ થઇ જાય. સપનાભાભીના ઘર આગળ લ્યુના મૂકે તો પણ આજુબાજુવાળા કોઈકને ખબર પડી જાય. આથી લ્યુના લીધા વગર જ નીકળવાનું હતું.

     શીવાનીએ આગલી રાતે સૂતા પહેલાં લ્યુનાના ટાયરમાં સોય ભોંકીને પંક્ચર પાડી દીધું. વળી રાત્રે તેણે ઘરમાં ટાંગેલાં બધાં ઘડિયાળોના કાંટા અડધો કલાક આગળ ગોઠવી દીધા. પોતાની પર્સમાં સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ પણ મૂકી દીધું. બીજા દિવસે રોજની જેમ પરવારી ૮-૩૦ વાગે ઘરમાંથી નીકળવા તૈયાર થઇ. (ખરેખર તો તે વખતે ૮ જ વાગ્યા હતા.) જોયું તો લ્યુનામાં પંક્ચર ! એટલે તેણે પપ્પાને કહ્યું, ‘પપ્પા, લ્યુનામાં પંક્ચર છે. મારો નોકરીનો ટાઈમ થઇ ગયો છે. એટલે હું આજે રિક્ષા કરીને પહોંચી જઈશ.’

     પપ્પાએ કહ્યું, ‘ભલે’ તેમણે તો કોઈ અણસાર જ ન હતો. શીવાની રિક્ષા કરીને સીધી સ્ટેશન પર પહોંચી. ત્યાં સપનાભાભી તથા પલ્લવ-કલ્પના, ટીકીટો લઈને તૈયાર જ ઉભાં હતાં. શીવાનીની જ રાહ જોતાં હતાં તથા ‘શીવાની આવી શકશે કે કેમ ?’ તેની શંકામાં આકળવિકળ થતાં હતાં. શીવાની આવતાં ‘હાશ’ થઇ. એટલામાં ટ્રેન આવી ગઈ. અગિયાર વાગે તો તેઓ અમદાવાદ કોર્ટમાં પહોંચી ગયાં. અહીં વિક્રમ, પોરસ, પરાશરભાઈ, કલ્યાણી, વિક્રમનાં માસામાસી અને બીજા બે ત્રણ મિત્રો બધા રાહ જોઈને ઉભા હતા. સુખરૂપે વિક્રમ-શીવાનીનાં કોર્ટ લગ્ન પતી ગયાં. તેઓ પુખ્ત ઉંમરનાં હતાં એટલે કાયદેસર પોતાની મરજીથી લગ્ન કરી શકે તેમ હતાં. સાક્ષીઓએ સહીઓ કરી. પછી બધા પરાશરભાઈને ત્યાં ગયા. શીવાની પોતાની સાસરીમાં આવી.તેના પ્રેમે તેની આકરી કસોટી  કરી. પણ અંતે તો તેના પ્રેમની જીત થઇ. શીવાની બધા વડીલોને પગે લાગી. તેઓએ આશીર્વાદ આપ્યા. શીવાનીના પપ્પાને જાણ થતાં તે આઘાત પામ્યા. પોલીસનો મિજાજી સ્વભાવ એટલે શીવાની પર ખૂબ અકળાયા. શીવાની માટે ઘરના દરવાજા બંધ કરી દીધા.

     પપ્પાના દુઃખનો શીવાનીને વસવસો રહી ગયો. છતાં તેને શ્રદ્ધા છે કે પપ્પાનો ગુસ્સો ભવિષ્યમાં જરૂર ઉતરી જશે અને એક દિવસ તેઓ પોતાની દીકરીને વ્હાલથી બોલાવશે.

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. chandravadan
  માર્ચ 27, 2011 @ 02:16:10

  પપ્પાના દુઃખનો શીવાનીને વસવસો રહી ગયો. છતાં તેને શ્રદ્ધા છે કે પપ્પાનો ગુસ્સો ભવિષ્યમાં જરૂર ઉતરી જશે અને એક દિવસ તેઓ પોતાની દીકરીને વ્હાલથી બોલાવશે.
  Today I watched a Movie”Kya Kehna”….A Girl getting pragnant by a Boy friend…the Boy Friend refuses to marry & Dad is angry..& drives the Girl out……But later on realises his mistake..& he is NOT angry & brings her home…..Shivani had the FAITH that one day her Father will shower his “love” on her !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you & your Readers on Chandrapukar !

  જવાબ આપો

 2. • » નટખટ સોહમ રાવલ « •
  માર્ચ 30, 2011 @ 05:43:11

  શ્રી પ્રવિણભાઇ,
  ખુબ સરસ વાર્તા.આખરે સાચ્ચા પ્રેમની જીત થઇ.જો તેના પપ્પા ઇન્સ્પેક્ટરની સાથે સાથે એક સમજુ અને વ્યવહારુ માણસ હશે તો તો તેણીને ચોક્કસ બોલાવશે જ.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: