વાર્તા – ઘર વિનાનું ઘર

ઘર વિનાનું ઘર 

     સવારના દસ વાગ્યા હતા. રોજની જેમ ત્રણે જણ ડાયનીંગ ટેબલ આગળ ગોઠવાઈ ગયાં અને મોહિનીએ ત્રણેને ઝડપથી યંત્રવત રોટલી, શાક, દાળભાત પીરસી દીધાં. ત્રણે મૂંગા મૂંગા જમવા લાગ્યા. એટલામાં મોહિની  બોલી, “જુઓ અક્ષય, આજે સાંજે  છ વાગે મારે ‘મધ્યમ વર્ગ ગૃહિણી મંડળ’ની મીટીંગ છે. ઉપપ્રમુખ તરીકે  મારે ‘ઘરને સ્વર્ગ  કઈ રીતે બનાવવું’ તે વિષય પર મધ્યમ વર્ગની ગૃહિણીઓ સમક્ષ ભાષણ આપવાનું છે. એ પૂરું થયા પછી અધ્યક્ષ મૃદુલાબેન તરફથી હળવું જમણ, મનોરંજન કાર્યક્રમ વગેરે છે, એ બધું પતાવતાં સહેજે અગિયાર વાગી જશે. તમારી અને પૂનમ-માસુમની સાંજની જમવાની રસોઈ બનાવીને ફ્રીઝમાં મૂકી રાખી છે, તે જમી લેજો.”

     મોહિનીની વાત પૂરી થઇ એટલે પતિ અક્ષયકુમાર બોલ્યા,”મોહિની, મારે સાંજે ઓફિસેથી નીકળી રોયલ ક્લબમાં ગયા વગર ચાલે તેમ નથી. ધીરુભાઈ શેઠ સાંજે ક્લબમાં મળશે. તેમના ફાર્મહાઉસના પ્લાનની ચર્ચા કરવાની છે. ઘેર આવતાં મોડું થઇ જશે. જમવાનું તો સ્વાભાવિક છે કે ક્લબમાં જ થશે.”

મોહિની બોલી,”ભલે, તો બીજું શું થાય ? છોકરાં આજની સાંજે એકલાં પડશે. આવતી કાલે ઘેર રહેવા જરૂર પ્રયત્ન કરીશું.”

     બીજા દિવસે પણ આવી જ કંઇક ગોઠવણ ચાલી. મહિનામાં કો’ક જ દિવસ એવો આવતો કે જયારે અક્ષય-મોહિની, પાયલ-માસુમની સાથે રહી શકતાં. બાળકોને ઘણું મન થતું કે પપ્પા-મમ્મી તેમની સાથે શાંતિથી બેસે, વાતો કરે, રમે, મનગમતી ચીજો યાદ રાખીને લાવી આપે, સાંજે બગીચામાં ફરવા લઇ જાય. બાજુમાં રહેતા મનોજકાકા અને સ્વાતિકાકી કેટલાં સરસ છે ! જયારે જુઓ ત્યારે ઘેરનાં ઘેર જ હોય. તેમની બેટી નમ્રતા જોડે કલાકો પસાર કરે. પાયલ-માસુમને કોઈ વાર નમ્રતાના સુખની ઈર્ષ્યા થઇ આવતી.

     અક્ષયે સીવીલ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવી લીધા પછી થોડો ટાઈમ નોકરી કરી અને અનુભવ પ્રાપ્ત થયા બાદ, કંસ્ટ્રક્શનનો પોતાનો ધંધો શરુ કર્યો હતો. ધંધો વધતો ગયો, જામતો ગયો, સાથે સાથે તેનું મિત્રમંડળ પણ વધતું ગયું. દરમ્યાન તેણે મોહિની સાથે લગ્ન કર્યાં. મોહિની સુખી ઘરાનાની એમ. એ. સુધી ભણેલી સ્માર્ટ યુવતિ હતી. પાતળી અને ઉંચી દેહાકૃતિ ધરાવતી રૂપાળી મોહિની અક્ષયને ગમી ગઈ. મોહિનીને પણ ધંધાદારી અક્ષય પસંદ પડી ગયો.

     લગ્ન પછી પણ અક્ષયનો બિઝનેસ વિકસતો જ ગયો. હવે તેને મોટા આસામીઓનો પરિચય થતો ગયો. પૈસો પણ વધતો ગયો. મોટો બંગલો, એસી ગાડી અને ઘણું બધું તેણે વસાવી લીધું. પાર્ટી અને કલબોમાં તે જતો આવતો થઇ ગયો.

     મોહિની શરૂઆતમાં તો ઘરકુકડી જેવી હતી. પણ તે ય અક્ષય સાથે રહીને તેની જેમ ઘડાતી ગઈ અને મહિલા પ્રવૃતિઓમાં જોડાતી ગઈ. આ ઉંમરે હરવા-ફરવાનું, મોજમઝા અને સારું વર્તુળ કોને ન આકર્ષે ?

     આ વર્ષોમાં તેમને ઘેર બે બાળકો-પાયલ અને માસુમનો જન્મ થયો. બાળકો સમજણાં થયાં તેમ તેમને લાગવા માંડ્યું કે ઘરમાં કંઇક ખૂટે છે, પ્રેમની હુંફ ખૂંટે છે. રોજે રોજ કંઇક ને કંઇક કારણસર પપ્પા-મમ્મી બહાર રહે છે, અમારી જોડે તો હસી-ખુશીથી વાત કરવાનો તેમને ટાઈમ જ મળતો નથી.

     થોડા દિવસો પછી બાળકોની સ્કુલમાં એક પ્રોગ્રામ હતો. પાયલ-માસુમે પણ તેમાં ભાગ લીધો હતો. માસુમ એક ગીત ગાવાનો હતો અને પાયલ ડાન્સ કરવાની હતી. બંનેએ સારી પ્રેક્ટીસ કરી હતી. વાલીઓને પણ પ્રોગ્રામ જોવા આવવાનું આમંત્રણ હતું. પાયલે મમ્મીને કહ્યું, “મમ્મી, મારો ડાન્સ જોવા અને ભાઇનું ગીત સાંભળવા, તું અને પપ્પા સ્કુલમાં આવજો. મઝા આવશે.”

મમ્મીએ કહ્યું, “હા બેટા, આ વખતે તો અમે સ્કુલમાં આવીશું જ. મારી દીકરીની કળા મારે જરૂર જોવી છે. તારા પપ્પાને પણ યાદ કરાવતી રહીશ કે આવતા રવિવારે આપણે બાળકોનો પ્રોગ્રામ જોવા જવાનું છે.”

     પાયલ-માસુમ ખુશ હતાં. પણ પ્રોગ્રામના આગલા દિવસે જ અક્ષયે કહ્યું, “મોહિની, આપણાથી સ્કુલમાં નહિ જઈ શકાય. મુંબઈ મારા ક્લાયન્ટની નવી સ્કીમના ઉદઘાટનમાં આપણે બંનેએ જવું પડશે. જો નહિ જઈએ તો તેની અસર આપણા ધંધા પર પડશે અને આપણને સારું એવું નુકશાન જશે. મુંબઈ વિમાનમાં જઈને પાછા આવીએ તો પણ બાળકોના પ્રોગ્રામમાં નહિ પહોંચી શકીએ.”

     પાયલ-માસુમે પપ્પા-મમ્મીની ગેરહાજરીમાં જ પ્રોગ્રામ કર્યો. તેમના ચહેરા પરથી નૂર ઉડી ગયું. બીજાં બાળકોનાં માબાપને સ્કુલમાં જોઈને તેમને પોતાની સ્થિતિ પર અપાર દુઃખ થયું. ભાઈબહેને, કોઈ જુએ નહિ તેમ, ખાનગીમાં રડી લીધું.

     સમય તો પોતાનું કામ કર્યે જ જાય છે. વર્ષો વીતતાં થોડી વાર લાગે છે ? પાયલ-માસુમ પણ પપ્પા-મમ્મીના પ્રેમની આશામાં તડપતાં તડપતાં યુવાન થઇ ગયાં. માસુમ ભણી રહ્યો પછી તેને બહારગામ નોકરી મળી. પપ્પા-મમ્મીએ તેને બહારગામ જતી વખતે વિદાય આપવાની ફરજ નિભાવી. તેને બહેનનો વિયોગ સાલ્યો. પણ પપ્પા-મમ્મીથી છૂટા પડવામાં ખાસ દુઃખ અનુભવ્યું નહિ. પાયલનું પણ લગ્ન ગોઠવાયું. માબાપે દીકરીને સાસરે વિદાય કરવાની બીજી ફરજ નિભાવી. દીકરી બિચારી માબાપની હુંફ મેળવ્યા વગર જ સાસરે સિધાવી. બે વર્ષ બાદ માસુમનું લગ્ન પણ થઇ ગયું. તે તેના સંસારમાં ગોઠવાઈ ગયો.

     અક્ષય-મોહિની હવે પ્રૌઢ થયાં હતાં. જીન્દગીમાં થોડોક થાક વર્તાતો હતો. બજારમાં નવા યુવાનો ધંધામાં આવતા હતા. તેમની આગળ અક્ષય હવે પહેલાં જેટલો તરવરિયો લાગતો ન હતો. આથી તેની બહારની દોડધામમાં થોડી રુકાવટ આવી ગઈ હતી. મોહિનીનું પણ એવું જ હતું. હવે ઘણી સાંજ તેમણે ઘેર જ વિતાવવાની થતી હતી. પણ ઘરમાં હતાં માત્ર બે જ જણ. બહાર લોકોના સમૂહમાં રહેવાની જે આદત પડી હતી, તેને લીધે ઘેર રહેવાનું આકરું લાગતું હતું. ઘર સૂનું લાગતું હતું.  

    એક દિવસ ઓટલે હિંચકા પર બંને જણ બેઠાં હતાં. અક્ષયે કહ્યું, “મોહિની”

મોહિની, “બોલો, અક્ષય”

અક્ષય, “મોહિની………”

     અક્ષયને શું બોલવું તે સૂઝ્યું નહિ. મોહિનીને પણ સૂઝ્યું નહિ. એટલે “અક્ષય”, “મોહિની” કરતાં રહ્યાં. તેમને વાત કરવાની ટેવ જ ક્યાં હતી ? હા, બંનેને મનમાં તેમનાં બાળકો યાદ આવી રહ્યાં હતાં. પણ વાતની શરૂઆત ક્યાંથી કરવી ? બંનેને અહમ નડતો હતો. પોતાની ભૂલ સ્વીકારવાની આદત તો હતી નહિ ને ?

    તેઓ, થોડા થોડા દિવસે, પાયલ અને માસુમ સાથે ફોનથી વાત તો કરતાં જ હતાં. પણ તેમાં માબાપની લાગણી અને છત્રછાયાનો અભાવ રહેતો હતો. હવે આ એકાંત અને ખાવા ધાતા મોટા ઘરમાં તેઓ એકલા પડ્યા હતા એટલે બાળકો યાદ આવી રહ્યાં હતાં. બંને જણ પસ્તાઈ રહ્યાં હતાં. છેવટે એક દિવસ મોહિનીએ વાત કાઢી, “અક્ષય, પાયલ મઝામાં તો હશે ને ? માસુમ અત્યારે શું કરતો હશે ?”

અક્ષય, “મોહિની, બંને બાળકો તેમના સંસારમાં ગોઠવાઈ ગયાં છે, તેમને ઘર છે, કુટુંબ છે, કામધંધો છે. પણ આપણો પ્રેમ પામ્યા નથી, એટલે આપણે તો તેમને ક્યાંથી યાદ આવીએ ?” 

મોહિની, “અક્ષય, તમારી વાત સાચી છે. બાળકોને આપણે બાળપણમાં જ પોતીકાં બનાવ્યાં હોત તો અત્યારે તેમની હુંફમાં આપણી જીન્દગી કેટલી ભરીભરી અને સુમધુર લાગતી હોત !”

અક્ષય, “હા, એવું થયું હોત તો અત્યારે માસુમ-પાયલ અવારનવાર આપણી પાસે આવીને રહેતાં હોત. તેમને આપણું આકર્ષણ રહ્યું હોત. પણ હવે શું કરીએ ? વહી ગયેલો સમય થોડો પાછો આવે છે ?”

મોહિની, “હા, અક્ષય, હવે મને લાગે છે કે આપણે બહારની પ્રવૃત્તિઓ ભલે કરીએ, પણ ઘર અને બાળકોને તો ન જ ભૂલવાં જોઈએ. ઘર એ ઈંટો અને સિમેન્ટ-કોન્ક્રીટની દીવાલોથી બનેલું મકાન માત્ર નથી, પણ તેમાં જીવતા માનવીઓ વચ્ચે લાગણી, હુંફ, સ્નેહ અને પોતીકાપણાનું બંધન છે. જો આવું ન હોય તો તે ‘ઘર વિનાનું ઘર’ છે. અરે ! ભણવા માટે મકાન ભાડે રાખીને સાથે રહેતા ચાર અજાણ્યા વિદ્યાર્થીઓ પણ ધીરે ધીરે મિત્રો બની જાય છે. જયારે આપણે તો આપણાં છોકરાંનાં માબાપ હતાં , તો પણ એવો લાગણીનો તંતુ ઉભો ન કરી શક્યાં.”

અક્ષય, “હા, આપણે બહુ મોટી ભૂલ કરી છે. મારે હવે એ ભૂલ સુધારવી છે. મોહિની, તું અત્યારે જ પાયલને ફોન જોડ.”

     મોહિનીએ પાયલને ફોન લગાડ્યો, “હેલો બેટા પાયલ, મઝામાં ને ? જમાઈરાજ પણ ખુશીમઝામાં ને ?”

પાયલ, ” હા મમ્મી, અમે બંને કુશળ છીએ. તું કેમ છે ? અને પપ્પા ?”

મોહિની, “બસ દીકરા, અમે બંને તમને ખૂબ યાદ કરીએ છીએ. અઠવાડિયા પછી તારા પપ્પાની પચાસમી જન્મતિથિ છે. તું અને કુમાર એ વખતે જરૂર અહીં આવો. આપણે સાથે મળીને ઉજવીશું. માસુમને પણ બોલાવીશું.”

     પાયલને પહેલી વાર મમ્મીના અવાજમાં લાગણીનો રણકાર સંભળાયો. તે ખુશ થઇ ગઈ. તેણે મમ્મીને ઘેર આવવાની ‘હા’ પાડી દીધી. બાળકો પ્રેમના એક જ એકરારમાં, માબાપની વર્ષોની ભૂલો, કેટલી સરળતાથી માફ કરી દે છે !

    મોહિની અને અક્ષયે માસુમને પણ ફોન કર્યો, “બેટા, અમે અત્યાર સુધી તને તરછોડ્યો છે, પણ અમે તને ખૂબ ચાહીએ છીએ. આવતા અઠવાડિયે તું અને તારી પત્ની અહીં ચોક્કસ આવો. પપ્પાની જન્મતિથિ છે. પાયલ પણ આવવાની છે.” માબાપના વહાલથી માસુમનું હૃદય પીગળી ગયું.

     અઠવાડિયા પછી આખો પરિવાર ભેગો થયો. મોહિની અને અક્ષયે બાળકોને ભાવભર્યો આવકાર આપ્યો. પપ્પાની જન્મજયંતિ ઉજવીને બધાં થોડા દિવસ સાથે રહ્યાં. ઘર સાચા અર્થમાં ‘ઘર’ બનીને રહ્યું. અક્ષય-મોહિની અને માસુમ-પાયલ કેટલાં ખુશ હશે, એ કહેવાની જરૂર ખરી ?

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. પ્રીતિ
  જૂન 09, 2011 @ 04:38:54

  Nice story.

  જવાબ આપો

 2. Bina
  જૂન 13, 2011 @ 17:06:41

  I liked the story. Many times parents forget spending quality time with their children and then one day when they realize that, its too late. The children are grown up!

  જવાબ આપો

 3. • » નટખટ સોહમ રાવલ « •
  સપ્ટેમ્બર 20, 2011 @ 05:06:06

  મજાની વાર્તા પ્રવિણભાઇ,,,ખાસ તો આજના જમાનામાં લાગુ પડે એવી…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: