ઘુસરનું ગુપ્તેશ્વર મહાદેવ

કામની વ્યસ્તતાને લીધે, ઘણા લાંબા સમય પછી હું આજે બ્લોગમાં લખાણ મૂકું છું. આશા છે કે વાંચકો તે આવકારશે.

આજે એક ઓછી જાણીતી જગાનું પ્રવાસ વર્ણન લખું છું. એ જગા ગમી જાય એવી તો છે જ.

ઘુસરનું ગુપ્તેશ્વર મહાદેવ

       પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરાથી ૧૬ કી.મી. દૂર ઘુસર ગામમાં, ગોમા નદીને કિનારે ડુંગરો વચ્ચે ગુપ્તેશ્વર મહાદેવ આવેલું છે. આ સ્થળ ખાસ જાણીતું છે નહિ, પણ એક અદભૂત કુદરતી વાતાવરણ ધરાવતા આ મંદિરે જવાનું ગમે એવું છે. ગોધરાથી ૧૧ કી.મી. દૂર વેજલપુર ગામ અને ત્યાંથી ૪ કી.મી. દૂર સુરેલીથી ગોમા નદીને કિનારે કિનારે ૧ કી.મી. જાવ એટલે ઘુસર પહોંચી જવાય. અહીં નદીકિનારે પથરાળ ડુંગરાઓ છે, તેમાંના એક ડુંગર પર પથ્થરોની બનેલી ગુફામાં ગુપ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરના પ્રવેશદ્વારથી થોડાંક જ પગથિયાં ચડીને ગુફામાં પહોંચાય છે.

અમે શિયાળાની એક બપોરે ગોધરાથી ગાડીમાં નીકળ્યા. વચમાં ગોધરાથી સાતેક કી.મી.ના અંતરે ગૌણ ગણેશ નામનું એક મંદિર આવે છે, ત્યાં દર્શન કર્યાં. અહીં વૃક્ષોની ઘટા વચ્ચે ગણેશજી બિરાજે છે. સરસ જગા છે.

અહીંથી ઘુસર પહોંચ્યા. ઘુસર આગળ જંગલો અને ડુંગરો જોઈને ખુશ થઇ ગયા. મંદિર આગળ પહોંચી, ગુફામાં જઈને શિવજીના દર્શન કર્યાં. ગુફા સાંકડી છે. માથું ઉપર પથ્થરની છતને અડી જાય છે. પણ સુંદર, શાંત વાતાવરણમાં થોડી વાર બેસી શિવજીનું ધ્યાન ધરવાનું મન જરૂર થઇ જાય એવું છે. દર્શન કરી થોડી વાર ગુફામાં બેઠા. પછી નીચે આવ્યા. ચોગાનમાં બાંકડાઓ પર બેસી અહીંના કુદરતી સૌન્દર્યનો આનંદ માણ્યો. ડુંગરની ટોચ પર પણ ચડાય એવું છે. મંદિરના પાછળના ભાગેથી ઢાળ ઉતરીને ગોમા નદીમાં ઉતર્યા અને પાછા આવ્યા. પથ્થરોના ડુંગરોમાં થોડું ફર્યા અને આગળથી ગોમા નદીમાં ગયા. ગોમાનો પટ ખૂબ વિશાળ છે. હાલ તો નદીમાં પાણી ન હતું. પણ ચોમાસામાં બંને કાંઠે ભરેલી નદી વહેતી હોય ત્યારે તે સાગર જેવી વિશાળ લાગે.

કિનારે મકાઈનું ખેતર હતું. લીલીકચ મકાઈના ડોડા લાગેલા હતા. તે જોઈને મોઢામાં પાણી આવી ગયું. એટલામાં ખેતરવાળો માણસ પણ દેખાયો. મેં વિનંતી કરી, ‘ભાઈ, અમને થોડી મકાઈ તોડીને આપો ને ?’

તેણે અમને મકાઈ તોડીને આપી, એટલું જ નહિ, આજુબાજુથી ઘાસ અને ડાળખાં ભેગાં કરી મકાઈ શેકી પણ આપી. અમે ખુશ થઇ ગયા. અમે તેને બક્ષિસ આપી. મકાઈ ખાધા પછી, નદીમાં વહેળો ખોદી (ખાડો કરી) પાણી કાઢ્યું અને ખોબામાં લઈને પીધું. આ બધા ગ્રામ્ય અનુભવો માણવાની કેટલી બધી મઝા આવે !

અહીં પથ્થરો પર બેસવાની હજુ ઈચ્છા હતી પણ હવે અંધારું થવા આવ્યું હતું. એટલે ગાડીમાં પાછા વળી, વેજલપુરમાં એક સંબંધીને ઘેર ગયા. તેમણે કહ્યું, “તમે ગોમા નદીમાંથી અંધારું થતા પહેલાં નીકળી ગયા એ સારું કર્યું. અંધારું થયા પછી ત્યાં નદીમાં વાઘ પાણી પીવા આવે છે.” બાપ રે ! થોડોક ડર લાગ્યો. વાઘ આવતો હોય કે ના આવતો હોય, પણ અમે તો અંધારું થતા પહેલાં ત્યાંથી નીકળી ગયા હતા.

અડધા દિવસના પ્રવાસમાં ખૂબ મઝા આવી. ગુપ્તેશ્વર મહાદેવ દર્શનીય સ્થળ છે. એક દિવસની પીકનીક પર જવું હોય તો પણ ગમે એવું સ્થળ છે. હા, ખાવાપીવાનું સાથે લઈને જવું. ત્યાં કશું મળે એવી દુકાનો નથી.