દાહોદ પાસે આવેલું શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર

દાહોદ પાસે આવેલું શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર 

       આપણા ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારમાં એવાં ઘણાં સ્થળો આવેલાં છે કે જે જોતામાં જ ગમી જાય. જોયા પછી એમ થાય કે અરે ! આવી સરસ જગ્યાએ અત્યાર સુધી આપણે કેમ આવ્યા નહિ. પણ આવી જગ્યાઓ બહુ જાણીતી ના હોય, એટલે એના વિષે ખબર પડી ના હોય. પંચમહાલ જિલ્લામાં દાહોદથી માત્ર ૯ કી.મી.ના અંતરે ચોસાલા ગામ નજીક આવું જ એક સરસ મંદિર આવેલું છે. શીવજીના આ મંદિરનું નામ છે શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર.

       અમે ગોધરાથી આ બાજુ ફરવાનો એક પ્રોગ્રામ બનાવી કાઢ્યો. ગોધરાથી દાહોદ ૭૦ કી.મી. દૂર છે. દાહોદથી ચોસાલા જતાં, આજુબાજુ ખુલ્લો વિસ્તાર અને ચોતરફ ફેલાયેલી હરિયાળી મનને મોહી લે છે. વચ્ચે પાંડવવન નામે એક સ્થળ આવે છે. અહીં ઉંચા, નીચા, ઢોળાવવાળા પ્રદેશમાં જાતજાતનાં ઝાડ ઉગાડેલાં છે અને તેને પાંડવોનાં નામ આપેલાં છે. જેમ કે “યુધિષ્ઠિર બોરસલ્લી”, “અર્જુન રાયણ” વગેરે. અહીં બેસવા માટે છત્રીઓ બનાવેલી છે. અહીં બેસીને આજુબાજુનો દૂર દૂર સુધીનો ટેકરીઓવાળો લીલોછમ વિસ્તાર અને ધીમો ધીમો વરસતો વરસાદ જોવાની કેટલી બધી મઝા આવે ! આ વનમાં અર્જુનનું ગાંડીવ ધનુષ્ય અને ભીમની ગુફા બનાવેલાં છે. અમને આ બધું જોવાની મઝા આવી. મહાભારતની વાર્તા મનમાં તાજી થઇ.

       પાંડવવનથી મૂળ રસ્તે થોડા આગળ જઈએ એટલે કેદારેશ્વર મહાદેવ આવે. મંદિરની બહાર બગીચો, લોન, બેસવાના બાંકડા એવું બધું છે. બહારથી જરાય ખ્યાલ ના આવે કે આ બગીચાની નીચે ગુફા છે અને તેમાં શ્રી કેદારેશ્વર મહાદેવ બિરાજે છે ! પ્રવેશદ્વાર આગળથી તો આ મંદિર, એક સામાન્ય મંદિરથી ખાસ વિશેષ કંઇ ના લાગે. પણ અંદર પેસીને થોડાં પગથિયાં ઉતર્યા પછી જ અંદરની ભવ્યતાનો ખ્યાલ આવે છે. અહીં એક મોટી વિશાળ ગુફા છે. આમ તો, એને ગુફા પણ ના કહેવાય, કેમ કે તે એક બાજુથી ખુલ્લી છે.

       ગુફાની બીજી બાજુ તથા છત પથ્થરોની બનેલી છે. વિશાળ જગામાં કુદરતી રીતે જ પથ્થરની ગુફાનું સર્જન થયેલું છે. છત જ્યાં પૂરી થાય ત્યાં છત પરથી સતત પાણી પડ્યા કરે છે. વરસાદ પડતો હોય એવું જ લાગે. આને લીધે અહીં સરસ ઠંડક રહે છે. બારે માસ આ પાણી આ રીતે પડે છે. અમે આ વરસાદમાં ઉભા રહીને નહાવાનો આનંદ માણ્યો.

       ગુફામાં શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિર બહુ જ સરસ છે. ઘણા લોકો અહીં દર્શને આવે છે અને કેદારેશ્વર મહાદેવની પૂજા કરે છે, બિલીપત્ર ચડાવે છે, પાણીનો અભિષેક કરે છે અને શ્રીફળ વધેરે છે. વાતાવરણ એટલું સરસ અને પવિત્ર લાગે છે કે અહીં કલાકો સુધી બેસી રહેવાનું મન થાય.

       બાજુમાં શ્રીમહાકાલેશ્વર મહાદેવની મૂર્તિ છે. તેની બાજુમાંથી એક ભોંયરામાં ભૂગર્ભમાર્ગ શરુ થાય છે. કહે છે કે આ ભોંયરું છેક ઉજ્જૈનમાં ખુલે છે.

       અહીં છત પરથી પડતું પાણી એકઠું થઈને ગુફાના ખુલ્લા ભાગ બાજુથી કોતરમાં વહે છે અને નજીકમાં આવેલી માછણ નદીમાં જાય છે. કોતર તરફની આ જગામાં ગીચ ઝાડી જંગલ છે. આ બધાં કુદરતી દ્રશ્યો એવું સરસ વાતાવરણ ઉભું કરે છે કે અહીં રોકાવાનું મન થઇ જાય.

       લોકો અહીં આવીને પીકનીક મનાવે છે. સમાધિરૂમમાં ધ્યાન ધરવા માટે પણ બેસે છે. મંદિર સંકુલમાં કાલભૈરવબાબા મંદિર, શ્રીનાથબાબાની સમાધિ અને શ્રીમહાકાળીમાતાનું મંદિર આવેલાં છે. આ બધું જોઈ, પગથિયાં ચડીને મંદિરની બહાર આવ્યા. બગીચામાં બેસીને નાસ્તો કર્યો. અહીં બહાર થોડી દુકાનો પણ લાગેલી છે. પણ ચોખ્ખાઈનો અભાવ છે. આ સ્થળને ચોખ્ખું કરી, વિકસાવવામાં આવે તો અહીં કેટલા બધા પ્રવાસીઓ આવે ! અને મંદિર કેટલું બધું જાણીતું થાય !

       અહીંથી અમે ૨ કી.મી. દૂર આવેલો માછણ નદી પર બાંધેલો ડેમ જોવા ગયા. એ જોઈને દાહોદ તરફ પાછા વળ્યા. દાહોદમાં એન્જીનીયરીંગ કોલેજથી ૮ કી.મી. દૂર ભેંસાસુર નામની જગાએ એક નાનો ધોધ છે, પણ છેલ્લા ૨ કી.મી. નો રસ્તો સારો નથી, એવી જાણ થતાં, ત્યાં જવાનું મુલતવી રાખ્યું.  આમ, અડધો દિવસ ફરવાનો આનંદ માણી ગોધરા પાછા પહોંચ્યા.

પદ્મશ્રી વિજેતા શ્રી પ્રવીણ દરજી સાથેનાં સંસ્મરણો

પદ્મશ્રી વિજેતા શ્રી પ્રવીણ દરજી સાથેનાં સંસ્મરણો 

     “ભાઈ, પ્રવીણ દરજીનું મકાન ક્યાં આગળ આવ્યું, તે બતાવશો ?”

      લુણાવાડા શહેરમાં હું એક દુકાનવાળાને પૂછી રહ્યો હતો. આશરે એક લાખની વસ્તી ધરાવતા લુણાવાડામાં સરનામા વગર કોઈનું મકાન જડે નહિ. મારી પાસે ‘પ્રવીણ દરજી’ના નામ સિવાય, સરનામાની કોઈ માહિતી ન હતી, છતાં હું પ્રવીણ દરજીનું ઘર શોધવા, ફક્ત તેમના ‘નામ’ના સહારે, લુણાવાડામાં એક દુકાનવાળાને તેમના ઘર વિષે પૂછી રહ્યો હતો. મારા આશ્ચર્ય વચ્ચે, દુકાનવાળાએ પ્રવીણ દરજીના ઘેર કયા રસ્તે, ક્યાં થઈને જવું, તે સમજાવ્યું. તેમનું ઘર અહીંથી આશરે ૨ કી.મી. દૂર હતું તો પણ દુકાનદારને તેમના ઘરની ખબર હતી. તેના બતાવ્યા પ્રમાણે, અમે ચાલ્યા. થોડે ગયા પછી, બીજી એક સ્થાનિક વ્યક્તિને પૂછ્યું, તો તેણે પણ પ્રવીણ દરજીના ઘર તરફ જવાનો રસ્તો સમજાવ્યો. આમ કરી કરીને અમે પ્રવીણ દરજીના ઘર આગળ પહોંચી ગયા. ત્યાં ફળિયામાં ઉભેલા એક ભાઈએ તો પ્રવીણ દરજીના ઘરનો દરવાજો પણ ખોલી આપ્યો.

       અમને થયું કે આવડા મોટા શહેરમાં પ્રવીણ દરજીને બધા ઓળખે છે અને લોકો તેમના માટે વિશિષ્ટ માન અને લાગણી ધરાવે છે. એટલું જ નહિ, અમારા જેવા તેમને મળવા આવનારા પ્રત્યે પણ એટલો જ અહોભાવ બતાવે છે.

       આનું કારણ શું ? કારણ એ કે વર્ષોથી લુણાવાડામાં રહીને તેઓ લોકોની નજીક આવ્યા છે, લોકચાહના મેળવી છે. તેઓએ ૨૦૧૦ના ડીસેમ્બરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે. પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વ્યક્તિ જરૂર જાણીતી હોય, પણ તેમણે પદ્મશ્રીની સાથે સાથે લોકોનાં દિલ પણ જીત્યાં છે.

       અમે ચાર મિત્રો આજે કોઈક કામસર લુણાવાડા આવ્યા હતા. અમારા ચારેયનું મૂળ વતન ગોધરા પાસે આવેલું નાનકડું ગામ મહેલોલ. અને ખાસ વાત એ કે પ્રવીણ દરજી પણ મહેલોલના વતની. એટલે છેક બાળપણનું ઓળખાણ. બધા જ સાથે રમેલા અને સાથે ભણેલા. જો કે પ્રવીણ દરજી અમારા બધાથી બેત્રણ વર્ષ મોટા. તેઓ ભણવામાં ખૂબ હોંશિયાર. પ્રામાણિક અને પ્રેમાળ પહેલેથી જ. તેઓ બી.એ., એમ.એ. થયા અને પછી પી.એચ.ડી.ની પદવી મેળવી. તેઓ લુણાવાડા કોલેજમાં પ્રિન્સીપાલ થયા અને વર્ષો સુધી આ પદ શોભાવ્યું. સાથે સાથે લેખન પ્રવૃત્તિ તો ચાલુ જ. તેમનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં. છાપાં, મેગેઝીનોમાં પણ તેમણે ઘણું લખ્યું અને હજુ યે તેમની સાહિત્ય સેવા ચાલુ છે. પદ્મશ્રી વિજેતા બન્યા પહેલાં અને પછી ઘણાં માન સન્માન મેળવ્યાં. ગુજરાતી સાહિત્ય જગતમાં તેઓ અગ્રસ્થાને બિરાજે છે.

       ઘણાં વર્ષોથી અમે એકબીજાને મળ્યા ન હતા. એટલે આજે અનાયાસે તક ઉભી થતાં, અમે એમના ઘેર પહોંચ્યા. તેઓ ઘેર જ હતા. અગાઉથી કોઈ એપોઈન્ટમેન્ટ લીધી ન હોવા છતાં, તેમણે અમને પ્રેમથી આવકાર્યા. વર્ષો પછી તેમને જોઈને મનમાં એક પ્રકારનો ઉમળકો અનુભવ્યો. એ જ મુખમુદ્રા, એ જ દેખાવ, એવો જ પહેરવેશ, વાત કરવાની રીત પણ એવી જ. જાણે કે વર્ષોનાં પડ શરીર અને મન પર ચડ્યાં જ ન હોય.

       તેમને મળીને ખૂબ આનંદ આવ્યો. ઘણી જૂની નવી વાતો નીકળી. મહેલોલ ગામની, બાળપણમાં ત્યાં રહેતા હતા તેની, બીજા મિત્રોની, વડીલોની, શિક્ષકોની – એમ ઘણી ઘણી વાતો અમે વાગોળી. તેઓએ પદ્મશ્રી મળ્યાની કે તેમની પ્રિન્સીપાલ પદ વિશેની કોઈ વાત ન ઉખેડી. બિલકુલ નિરાભિમાની અને સામાન્ય માણસ જેવું તેમનું વર્તન જોઈ, અમે એક જૂના દોસ્તને મળ્યાની લાગણી અનુભવી. વર્તમાન પરિસ્થિતિ, રાજકારણ, ભ્રષ્ટાચાર વિગેરે વિષે પણ ચર્ચાઓ ચાલી. તેમણે કહ્યું, “આજે દેશમાં ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપી ગયો છે કે તેને દૂર કરવો શક્ય નથી લાગતો. અન્ના હજારેનો પ્રયત્ન સારો છે, પણ આજે નેતાઓ અને લોકો એટલા બધા સ્વાર્થી અને અપ્રામાણિક બની ગયા છે કે ભ્રષ્ટાચાર હટાવવો દુષ્કર છે.”

મેં કહ્યું, “તમારી દ્રષ્ટિએ આનો બીજો કોઈ ઉપાય ખરો ?”

પ્રવીણ દરજી, “હા, એક લાંબો રસ્તો છે. આ દેશમાં બાળકોને નાનપણથી જ, ધર્મ અને સ્કુલના શિક્ષણ દરમ્યાન પ્રામાણિક બનવાનું શીખવવામાં આવે, નીતિથી જીવવાનું માર્ગદર્શન આપવામાં આવે તો લાંબા ગાળે, નીતિના પાઠો શીખેલી પ્રજા, કદાચ ભ્રષ્ટાચારથી દૂર રહે.”

       અમે તેમની વાતોથી પ્રભાવિત થયા. ધર્મ અને શિક્ષણમાં શું શીખવવાનું જરૂરી છે, તે વાત ખાસ યાદ રહી ગઈ. છેવટે ચાપાણીને ન્યાય આપી, અમે તેમની વિદાય લીધી. આજે પણ તેમની મુલાકાતનાં સ્મરણો માનસપટ પર તાજાં છે.

       અમે બધા પ્રવીણ દરજીના ગામની ધરતી પર જન્મ્યા છીએ, તે વાતનું અમને ખૂબ જ ગૌરવ છે.