નર્મદા ડેમના પ્રવાસે

નર્મદા ડેમના પ્રવાસે 

       ગુજરાત પાસે ગૌરવ લેવા જેવી અનેક બાબતો છે. તેમાંની એક છે નર્મદા નદી પરનો ડેમ(બંધ). નર્મદા ડેમના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ડેમની ઉંચાઇ, સરોવરની લંબાઈ, તેમાંથી કાઢેલી નહેરની લંબાઈ, વીજ ઉત્પાદન – એમ અનેક રીતે નર્મદા ડેમ અજોડ છે. આ બધું જાણીને નર્મદા ડેમ જોવા અને માણવા અમે સૌ આતુર હતા. એટલે એક દિવસ અમે આ પ્રવાસ ગોઠવી કાઢ્યો. અમે એટલે અમારી કોલેજના સહુ પ્રોફેસર મિત્રો. અમે બધા પરિવાર સહિત નર્મદા ડેમ જોવા નીકળી પડ્યા.

       પહેલાં ડેમ વિષે થોડી વાતો કરીએ. નર્મદા નદી મધ્ય પ્રદેશમાં અમરકંટક નામના સ્થળેથી નીકળે છે અને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહીને, કુલ ૧૩૦૦ કી.મી.નું અંતર કાપીને અરબી સમુદ્રને મળે છે. તેની ૧૨૦૦ કિમી.ની લંબાઈ પછી, ગુજરાતમાં નવાગામની નજીક ‘સરદાર સરોવર યોજના’ ના નામે આ બંધ બાંધ્યો છે. આ બંધની ઉંચાઇ હાલ ૧૨૨ મીટર છે. હજુ આ ઉંચાઇ વધારીને ૧૩૮ મીટર કરવાની યોજના છે. આ ઉંચાઇ વધશે ત્યારે તેમાં ૩૦ દરવાજા મૂકાશે. હાલ ડેમમાં દરવાજા નથી એટલે ઉપરવાસમાં વધુ પાણી આવે ત્યારે બંધની ઉપર થઈને પાણી વહે છે.૧૨૨ મીટરની ઉંચાઇ પરથી પાણી પડતું હોય એ દ્રશ્ય કેટલું બધુ સુંદર દેખાય ! આ ઓવરફ્લો જોવા કેટલાય લોકો ઉમટી પડે છે. જાણે મોટો મેળો ભરાયો હોય એવું લાગે ! 

       નદીના બે કાંઠાને જોડતા બંધની લંબાઈ ૧૨૧૦ મીટર છે. પાછળ ભરાતા સરોવરની લંબાઈ ૧૧૦ કી.મી. છે. બંધની ઉંચાઇ ૧૩૮ મીટર થશે ત્યારે પાછળના સરોવરની લંબાઈ ૨૧૪ કી.મી. થશે. કેટલું મોટું સરોવર ! આ બંધ બાંધવામાં જે લોખંડ અને સિમેન્ટ વપરાયા છે, તેનો જથ્થો, દુનિયામાં બંધો બાંધવા માટે વપરાતા જથ્થાની દ્રષ્ટિએ, બીજા નંબરે આવે છે.(પહેલો નંબર USAમાં કોલોરાડો નદી પરના હૂવર ડેમ માટે વપરાયેલા લોખંડ અને સિમેન્ટના જથ્થાનો છે.) નર્મદા ડેમમાંથી કાઢેલી મુખ્ય નહેરની લંબાઈ ૫૩૨ કી.મી. છે અને તે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ સુધી તથા રાજસ્થાનના થોડા વિસ્તારને પણ પાણી પહોંચાડે છે. ડેમના ભોંયતળિયાના પાવરહાઉસમાં ગોઠવેલાં ૬ ટર્બાઈનો પૈકી દરેક ૨૦૦ મેગાવોટના હિસાબે કુલ ૧૨૦૦ મેગાવોટ વીજળી પેદા કરી આપે છે. આ ઉપરાંત, જે જગાએ નહેર કાઢેલી છે, ત્યાં બીજાં ૫ ટર્બાઈનો ગોઠવેલાં છે, જે કુલ ૨૫૦ મેગાવોટ વીજળી પેદા કરે છે. ત્યાર બાદ, એ પાણી નહેરમાં ઠલવાય છે. ખરેખર તો, આ પાણી એક પછી એક એમ ચાર સરોવરોમાં પસાર થયા પછી જ મુખ્ય નહેરમાં જાય છે.

       અમે એક લક્ઝરી બસ ભાડે કરી લીધી, રસોઈ કરનારા પણ સાથે લીધા અને રાત્રે એક વાગે ઉપડીને સવારે પાંચ વાગે કેવડિયા કોલોની પહોંચી ગયા. અહીંથી બંધનું સ્થળ ૮ કી.મી. દૂર છે. કેવડિયા કોલોનીમાં રહેવા માટે ઘણા બધા રીસોર્ટ અને ગેસ્ટ હાઉસ છે. અમે એક રીસોર્ટમાં બુકીંગ કરાવેલું, ત્યાં નાહીધોઈ પરવારી, નાસ્તો કરી, અમારી બસમાં નીકળ્યા. સ્વાગત કક્ષ આગળ થઈને, પ્રથમ તો, પૂલ પર થઈને, ડેમના નીચવાસમાં સામે કિનારે બનાવેલા શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગયા. શૂલપાણેશ્વરનું મૂળ મંદિર તો બંધના ઉપરવાસમાં હતું. તે ડૂબમાં ગયું, એટલે અહીં નવું મંદિર બનાવેલું છે. બહુ સરસ મંદિર છે. દર્શન કરીને પ્રાંગણમાં થોડી વાર બેઠા. અમારા એક મિત્ર અહીં આવનાર હતા, તે આવ્યા. આ મિત્ર સરદાર સરોવર યોજનાના અચ્છા જાણકાર હતા. તેઓ અહીંથી અમારા આગળના પ્રવાસમાં સાથે જ રહ્યા.

       મંદિરથી બ્રીજ પર થઈને મૂળ રસ્તે પાછા આવ્યા. બ્રીજ પર થોડી વાર નદીના પ્રવાહને જોવા માટે ઉભા રહ્યા. પાણી વધુ હોવાને લીધે નર્મદા, નીચવાસમાં પણ રૌદ્ર લાગતી હતી. જો પડ્યા તો ગયા જ સમજો. કિનારા આગળ પણ નદીમાં સહેજ પગ બોળીને નહાવાની હિંમત ના કરી શકાય.

       અહીંથી બંધ તરફ આગળ ચાલ્યા. નવાગામ આગળ વ્યૂ પોઈન્ટ નંબર ૧ છે. પહેલાં, બંધ, આ જગાએ બાંધવાની યોજના હતી. પણ અહીં પૂરતી ઉંચાઇ મળે તેમ ન હતી, એટલે અહીંથી પાંચેક કી.મી. દૂર હાલની જગાએ બંધ બાંધવામાં આવ્યો.

       આગળ વ્યૂ પોઈન્ટ ૨ પર ગયા. આ જગાએ બંધનાં સામેથી દર્શન થાય છે. શું સુંદર દ્રશ્ય છે ! બંધના પ્રથમ દર્શનથી મનમાં એક જાતનો રોમાંચ થયો. થોડી વાર સુધી તો ઓવરફલો થતા પાણીને જોયા જ કર્યું. ધોધના સંગીતમય ધ્વનિને માણ્યા કર્યું.

       આગળ જતાં કિનારે, ટેકરી કોતરીને એક ટનલ(બોગદું) બનાવી છે. તેમાં દાખલ થઇ, બંધના તળિયે રાખેલા પાવરહાઉસ સુધી જવાય છે. ટનલમાં સરદાર સરોવર નિગમની સીટી રાઈડ બસમાં બેસીને જવાનું હોય છે. અહીં અમે વીજળી પેદા કરતાં ટર્બાઈનો જોયાં. સાવ નજીક જવાની મંજૂરી નથી. ૬.૮ મીટર ઘેરાવાવાળા પેનસ્ટ્રોક દ્વારા મળતા પાણીથી ચાલતું અને ૨૦૦ મેગાવોટ વીજળી પેદા કરતું દરેક ટર્બાઈન દેખાવમાં કેટલું બધું રાક્ષસી હશે, તેની કલ્પના કરી જુઓ. તેના શાફ્ટનો વ્યાસ આશરે પોણા મીટર જેટલો છે !

       ટનલમાંથી બહાર આવી, આગળ વ્યૂ પોઈન્ટ ૩ પર પહોંચ્યા. આ જગા બંધની સામે તેની સાવ નજીક છે એટલે બંધ પરથી પડતું પાણી ખૂબ નજીકથી જોવાનો લ્હાવો મળ્યો. પડતા પાણીનો અવાજ પણ વાદળોની ગર્જના જેવો જોરદાર સંભળાય છે. બંધ જોવાની ખરી મઝા આ પોઈન્ટ પરથી જ મળે. અહીં સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકેલુ છે. ભવિષ્યમાં, તેમનુ બહુ જ મોટુ સ્ટેચ્યુ બંધની સામે નીચવાસમાં નદીની વચ્ચે મૂકવાની યોજના છે.

       અહીંથી આગળ મોટી બસને લઇ જવાની મનાઈ છે. એટલે અમને સીટી રાઈડમાં બેસાડી બંધના આ બાજુના છેડા સુધી લઇ ગયા. અહીંથી ઉપરવાસના સરોવરનું દ્રશ્ય પણ દેખાય છે તથા બંધ, ઉપરથી જોઈ શકાય છે. ઉપર બે મોટાં દોરડાં જોયાં, જે નદીના સામસામેના કિનારાને જોડતાં હતાં. બંધ બનતો હોય ત્યારે આ દોરડાં મારફતે સીમેન્ટની ટ્રોલી આગળ વધે અને બંધ પર સીમેન્ટ ઠલવાય. ટર્બાઈનો દ્વારા પેદા થતી વીજળી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને પહોંચાડવા માટે ઉભુ કરેલું યાર્ડ તથા ટાવર પણ જોયા.

       અહીંથી અમે એક ઉંચી ટેકરી પર ગયા. અહીં ઉભા ઉભા ઉપરવાસનું આખુ સરોવર દેખાતું હતું. કેટલું ભવ્ય અને વિશાળ સરોવર બન્યું છે ! અમે કેટલી બધી ઉંચાઈએ આવી ગયા હતા ! અમે આ સરોવરમાં મશીન બોટમાં બેસીને બોટીંગ કર્યું. આટલા ઊંડા સરોવરમાં બોટીંગ એ એક ગજબનો અનુભવ હતો. સરોવરમાંથી જે જગાએથી નહેર કાઢેલી છે, તે જગા પણ બોટમાં બેઠા બેઠા જ જોઈ. છેવટે નીચે આવી, અમારી બસમાં બેસી, એક પછી એક એમ પેલાં ચાર સરોવરોને કિનારે કિનારે ૮ થી ૧૦ કી.મી. જેટલું ગયા. બંધમાંથી કાઢેલી નહેરનું પાણી આ સરોવરોમાં થઈને છેલ્લે ગેટ દ્વારા મુખ્ય નહેરમાં જાય છે, તે જોઈને પાછા વળ્યા.

       ગરમી અને બાફ પુષ્કળ હતાં. બધા થાક્યા હતા. પણ દરેક જગા ઝીણવટપૂર્વક જોવા મળી, તેનો આનંદ અને સંતોષ દરેકના ચહેરા પર દેખાતો હતો. ભૂખ બરાબર લાગી હતી. જમ્યા. જમીને બેઠા બેઠા જ થોડો વિશ્રામ કરી, આગળ ચાલ્યા. ફરીથી નીચવાસના પેલા બ્રીજ પર થઇ સામે પહોંચ્યા અને મોખરી નામની જગાએ બંધના સામેના છેડે જઈ, આ છેડો પણ જોયો. જો કે સાવ નજીક જવામાં જોખમ ખરું જ.

       હવે નર્મદા ડેમ જોવાનું પૂરું થયું હતું. અમારી ગાડી ચાલી રાજપીપળા તરફ. અહીંથી રાજપીપળા ૨૦ કી.મી. દૂર છે. રાજપીપળામાં રાજાનો મહેલ જોવા જેવો છે, એવું સાંભળ્યું હતું. મહેલ જોવા ગયા, પણ ખાસ જોવા જેવું કંઇ લાગ્યું નહિ.

       રાજપીપળાથી ૨૦ કી.મી. દૂર જંગલોની વચ્ચે, વીસલખાડી નામનું અદભૂત કુદરતી સૌન્દર્ય ધરાવતું એક સ્થળ આવેલું છે, તે જોવા માટે ચાલ્યા. નેત્રંગના રસ્તે જવાનું. છેલ્લા દોઢ કી.મી.નું અંતર સાઈડનાં જંગલોમાં થઈને જવાનું. આ દોઢ કી.મી.નો રસ્તો સાંકડો, ઉંચોનીચો અને ખરાબ છે. તેમાં મોટી ગાડી જઈ શકે એવું લાગ્યું નહિ. એટલે બધા ચાલતા જઈને વીસલખાડી જોઈ તો આવ્યા જ. ખૂબ જ આકર્ષક અને કુદરતના સાનિધ્યમાં એક દિવસ રહેવાનું મન થઇ જાય એવી સરસ જગા છે. ટેકરીઓ, ખીણો, જંગલ, તેમાં કરજણ નદીના બંધના ઉપરવાસનું ભરાયેલું પાણી, કોટેજો, બોટીંગ – બહુ જ અદભૂત જગા છે.

       હવે અમારો પ્રવાસ પૂરો થયો હતો. અંધારું થઇ ગયું હતું. અહીંથી પાછા વળ્યા અને રસ્તામાં એક અનુકૂળ જગાએ જમવાનું બનાવીને ખાધું. રાત્રે બે વાગે અમદાવાદ પહોંચ્યા.

       એકંદરે પ્રવાસ ખૂબ જ સરસ રહ્યો. નર્મદા ડેમનાં દ્રશ્યો સ્મરણપટ પર અંકાઈ ગયાં છે. બધા મિત્રોને ખૂબ આનંદ આવ્યો. આવા પ્રવાસો દરમ્યાન એકબીજાની નજીક આવવાનો અવસર મળે છે. અમને પણ એ તક મળી.

એક મહિલા કર્મચારીની ખાનગી ડાયરી

આજે એક વ્યંગ વાર્તા મૂકુ છું. કોઈ વાંચકે બંધબેસતી પાઘડી પહેરી લેવી નહિ. આ વાર્તા, એ ફક્ત ‘વાર્તા’ જ છે. 

એક મહિલા કર્મચારીની ખાનગી ડાયરી 

       આમ તો મને ડાયરી લખવાની ટેવ નથી. એવી મહેનત કોણ કરે ? પણ આમે ય મારે મહેનતનું બીજુ કામ જ ક્યાં છે ? અરે, સાચુ પૂછો તો મારે કશું ય કામ જ ક્યાં છે ? સરકારી કર્મચારી છું, એટલે મારે ઓફિસમાં કામ કરવાની બાબતમાં તો ખૂબ જ ‘શાંતિ’ છે, એટલે કે નવરી જ છું. તો પછી થયું કે લાવ, મારી આ સુનહરી જિંદગી વિષે મારી ડાયરીમાં નોંધ લખવાની રાખું. ભવિષ્યમાં કો’ક દિવસ વાંચીએ તો મજા પણ આવે કે વાહ ! શું સુંદર જિંદગી જીવ્યા’તા !

       ગઈ કાલની જ વાત કરું. ગઈ કાલે જાન્યુઆરીની પહેલી તારીખ હતી. આમ તો નવું વર્ષ દર વર્ષે બેસે છે. પણ આ વખતનું નવું વર્ષ કંઇક ખાસ હતું. આજે સરકાર પગારપંચનો અહેવાલ બહાર પાડવાની હતી, એટલે અમને એ જાણવાની બહુ જ ઈંતેજારી હતી. હું અને મારી બહેનપણીઓ બસમાંથી ઉતરીને રોજની જેમ ઓફિસે પહોંચ્યાં. આજે તો અમે રોજ કરતાં વહેલાં ઓફિસે આવી ગયાં હતાં. ઓફિસ ખુલવાના સમયથી ફક્ત અડધો કલાક જ મોડું થયું હતું. ઓફિસમાં પહોંચીને હાથ મોં ધોવાનું, માથાના વાળ, બિંદી, પીનો, સાડી એ બધુ સરખું કરવાનું, પાવડર લગાવવાનો, બાજુની કેન્ટીનમાં ચા પીવાની, છાપુ વાંચવાનું – આ બધું કામ હું રોજ એક કલાકમાં જ પતાવી દઉં છું. મારી ઓફિસના કામનો કિંમતી સમય વધુ બગાડતી નથી. પણ આજે તો આ બધુ કામ બાજુએ મૂકી પેલો અહેવાલ જાણવા તલપાપડ બની હતી. સરકારી કર્મચારીઓ માટે પગારપંચનો અહેવાલ આજે બહાર પડવાનો હતો. બપોરે બાર વાગે ધારાસભામાં આ અહેવાલ જાહેર થવાનો હતો. પણ અમારે એક ધારાસભ્ય સાથે ઓળખાણ હતું. તેથી સાડા અગિયાર વાગે તો અહેવાલની મુખ્ય મુખ્ય વિગતો અમારી પાસે આવી ગઈ. ધારાસભ્યનું ઓળખાણ આવે વખતે બહુ કામ આવે છે. અમે એ ધારાસભ્યની પત્ની સાથે હરવાફરવાનું, તેને કોઈક વાર ચાપાણી કરાવવાનું કે તેની બર્થડેના દિવસે તેને ફૂલગુચ્છો અને મીઠાઈપેકેટ આપવાનું અચૂક યાદ રાખીએ છીએ. આવાં અગત્યનાં કામ અમે ઓફિસસમય દરમ્યાન જ પતાવી દઈએ છીએ. એનો અર્થ એવો નથી કે અમે ઓફિસના કામને રઝળતું મૂકતા હોઈશું. ઓફીસના કામને પણ અમે આ બીજાં કામ જેટલું જ મહત્વનું સમજીએ છીએ.

       હા, તો હું શાની વાત કરતી હતી ? યાદ આવ્યું. પગારપંચની. પગારનો અહેવાલ જોયો. મારા પગારમાં લગભગ બે હજાર રૂપિયા જેટલો વધારો થશે, એવી મેં અહેવાલ પરથી ગણતરી કરી. પણ આટલા મોંઘવારીના જમાનામાં આટલા વધારાથી શું થાય ? અહેવાલ આવતા પહેલાં મેં તો કેટકેટલાં શમણાં જોયાં હતાં !…..પગાર વધશે એટલે દર મહિને એકાદ સાડી કે સારામાંનું એક ઇન્ટીમેન્ટ ખરીદશું. પેલી આરતીના જેવી સેન્ડલ ખરીદવી છે. પેલી બિંદુડી હમણાં જ ૨૦૦૦૦ રૂપિયાનો સેટ લાવી છે. સેટમાં તે કેવી સરસ લાગે છે ! ના, ના, પણ હું શું તેનાથી કમ છું ? ના, નથી જ. મારે ય એવો સેટ લેવો છે. મારા ‘એ’ બિંદુડીને દૂરથી જ જોઈને તેના રૂપનાં વખાણ કરવા બેસી ગયા હતા. મારે એમને ધમકાવીને કાબૂમાં રાખવા પડશે.

       પણ આટલો જ પગારવધારો ? ના, આમ નહિ ચાલે. કંઇક કરવું પડશે. હું, મારી બહેનપણીઓ અને બીજા કર્મચારીઓ – અમે બધાએ મીટીંગ ભરીને અહેવાલની કડક આલોચના કરી અને તેમાં સુધારા માટે આંદોલન કરવાનું નક્કી કર્યું. એટલામાં તો ઓફિસનો ટાઇમ પૂરો થવા આવ્યો. આજે ઘણું કામ કર્યું. બપોરે અડધા કલાકની રીસેશમાં પણ ઝડપથી ચાનાસ્તો કરીને કલાકમાં તો પાછી આવી ગઈ. બોસે આજે એક પત્ર ટાઈપ કરવા આપ્યો હતો, તે કામ બાકી રહી ગયું. પણ બેચાર દિવસમાં તો હું તે પતાવી દઈશ. સરકારી ઓફિસ છે. કામ તો કરવું જ જોઈએ ને ?

       સાંજે આઠ વાગે આ ડાયરી લખી રહી છું. મારા ‘એ’ છોકરાંને લઈને થોડી ખરીદી કરવા ગયા છે. આવે એટલે જમી લઈએ. આજે તો થાક લાગ્યો છે. ઉંઘ પણ આવે છે……..