દૂધસાગર ધોધ

                                                   દૂધસાગર ધોધ 

       દૂધ જેવા સફેદ પાણીનો વિશાળ જળરાશિ ખૂબ ઉંચાઈએથી ધોધરૂપે પડતો હોય, એ દ્રશ્ય કેટલુ બધુ સરસ લાગે ! જાણે કે દૂધનો સાગર જ જોઈ લો ! ગોવાની નજીક આવેલો દૂધસાગર ધોધ એટલે તો દૂધસાગરના નામે ઓળખાય છે. તે, ખડકોના ખાંચામાં વારંવાર અથડાઈને, ખૂબ ઉંચાઈએથી અને ઝડપથી પડતો હોવાથી તેનાં પાણી દૂધ જેવાં લાગે છે.

       આ ધોધ ગોવાના સંગુએમ જિલ્લામાં પણજી શહેરથી માત્ર ૬૦ કી.મી. દૂર, કર્ણાટક રાજ્યની સરહદ નજીક, ગાઢ જંગલોમાં આવેલો છે. માંડોવી નદી અહીં ધોધરૂપે પડી, આગળ વહીને ગોવા આગળ અરબી સમુદ્રને મળે છે. ધોધ ૬૦૬ મીટર (૨૦૦૦ ફૂટ) ઉંચાઈએથી પડે છે. નીચે ઉભા રહીને ઉપર નજર કરો તો એમ લાગે કે જાણે આકાશમાંથી ધોધ પડી રહ્યો છે ! દુનિયાના સો ઉંચા ધોધમાં દૂધસાગરની ગણતરી થાય છે. ધોધની લગભગ અડધી ઉંચાઈએ, પૂનાથી અર્નાકુલમ જતી રેલ્વે લાઈન પસાર થાય છે. ખડકો પર પીલરો ઉભા કરીને આ રેલ્વે લાઈન નાખેલી છે. અહીં ટ્રેનમાં બેસીને જતા હો ત્યારે ચાલુ ટ્રેને ધોધનો અદભૂત નજારો જોવા મળે છે. આવી એક ઝલકની તસ્વીર અહીં આપી છે. ધોધની સરેરાશ પહોળાઈ ૩૦ મીટર છે.

       અહીં ગાઢ જંગલોને લીધે ધોધની સુંદરતામાં ઓર વધારો થાય છે. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે તો ધોધ ખૂબ જ મનોહર લાગે છે. સવારમાં સૂર્યનાં સોનેરી કિરણો પડે ત્યારે ધોધ તારલાઓની જેમ ચમકે છે. ચોમાસામાં ધોધ જોવા ઢગલાબંધ લોકો અહીં ઉમટી પડે છે.

       દૂધસાગર ધોધ જવા માટે કોલેમ રેલ્વે સ્ટેશનથી જવાનું વધુ અનુકૂળ રહે છે. ગોવાના મડગાંવ સ્ટેશનથી ટ્રેનમાં ૪૫ મિનિટમાં કોલેમ પહોંચી જવાય છે. કોલેમથી ધોધ ૧૦ કી.મી. દૂર છે. અહીંથી ધોધ સુધી જવા માટે જીપો મળે છે. આ રસ્તો જંગલો, ઝરણાં અને નાની નદીઓમાં થઈને પસાર થાય છે. આ વિસ્તાર જોવાની બહુ જ મજા આવે છે. ગોવાનું વનવિભાગ ખાતુ આ રસ્તાની જાળવણી કરે છે. જો કે ચોમાસામાં નદીઓમાં પાણી વધવાને કારણે આ રસ્તો બંધ થઇ જાય છે. ફરી તે ઓક્ટોબરમાં ખુલે છે. જીપમાંથી ઉતરીને ૧ કી.મી. જેટલું ચાલીને ધોધના તળિયા આગળ પહોંચાય છે. ઉપરથી પડતો ધોધ અહીં એક મોટુ તળાવ સર્જે છે. અહીં તળાવમાં નહાવાની ભૂલ તો કરવી જ નહિ. ડૂબી જવાનું ભારોભાર જોખમ છે. કોલેમથી જીપ કરીને આવ્યા હોઈએ તો જીપનો ડ્રાઈવર બે કલાક જેટલું રોકાય, રાહ જુએ પછી એ જ જીપમાં કોલેમ પાછા.

       કોલેમથી આગળ જતાં ટ્રેન દૂધસાગર સ્ટેશને પણ સહેજ થોભે છે. અહીંથી ધોધ માત્ર ૧૦૦ મીટર જ દૂર છે. ખાવાપીવાનું લઈને આવવાનું, કારણ કે દૂધસાગર સ્ટેશને કે ધોધની નજીક કાંઈ મળતું નથી. અહીં રેલ્વે લાઈનની આજુબાજુના વિસ્તારમાં ફરીને, બે ત્રણ કલાકમાં તો બધુ જોઈ લઇ શકાય અને પછી સાંજની ટ્રેનમાં પાછા વળી શકાય. દૂધસાગર સ્ટેશનથી ટ્રેન, કેસલરોક, ટીનાઈઘાટ અને લોન્ડા થઈને બેલગામ કે હુબલી તરફ જાય છે. કેસલરોકથી પણ ધોધ જોવા આવી શકાય છે.

       પણજી કે મડગાંવથી બસ કે ટેક્સીમાં પણ દૂધસાગર જોવા જઈ શકાય છે. ગોવા ટુરિઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશન(GTDC)શનિ અને રવિવારે પણજી તથા કલનગૂટથી દૂધસાગરની ટૂરો ગોઠવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH4A પરથી બસમાં આવીએ તો મોલેમ નામના સ્થળે ઉતરી જવાનું. મોલેમથી કોલેમ ૬ કી.મી. દૂર છે અને એ માટે લોકલ બસો મળી રહે છે.

       આ ધોધની ઉત્પત્તિને લગતી એક સરસ પ્રાચીન દંતકથા છે. એ જમાનામાં અહીંના રાજાને એક ખૂબસુરત રાજકુંવરી હતી. તે દરરોજ સવારે દાસીઓને લઈને બાજુના સરોવરમાં સ્નાન કરવા જતી. સરોવરમાં નાહ્યા પછી તે, એક સોનેરી જગમાંથી ગળ્યું મધુર દૂધ પીતી. એક વાર તે આ રીતે જગમાંથી દૂધ પીતી હતી ત્યારે ઝાડીમાં સંતાઈને એક સુંદર રાજકુમાર તેના સૌંદર્યને નીરખી રહ્યો હતો. કુંવરીએ તેને જોયો અને શરમની મારી લાલચોળ થઇ ગઈ. તેની નજરોથી બચવા કુંવરીએ જગમાંથી પડતા દૂધના આવરણનો પડદો, તેની અને રાજકુમારની વચ્ચે રચી દીધો. જગમાંનું દૂધ સરોવરમાં પડવા લાગ્યું. એક દાસી કુંવરીને વસ્ત્રોથી ઢાંકવા લાગી. આ કુંવરીના માનમાં, મધુર દૂધ જેવો ધોધ આજે

પણ પર્વતના ઢોળાવ પરથી, નીચે સરોવરમાં પડી રહ્યો છે. છે ને મજાની વાર્તા !

       કોઈકને એવો વિચાર આવે કે અહીંથી ખડકો પર પગ ગોઠવતા ગોઠવતા ધોધની ટોચ સુધી ચડી જઈએ. પણ ચડવાનું બહુ જ ખતરનાક છે. ધોધની ટોચ એટલે ડુંગરની ટોચ, ઢાળ એકદમ સીધો, ખડકોમાં ક્યાંક ઘાસ તો ક્યાંક લીલ અને ઉંચાઇ તો કેટલી બધી ! વળી, ખડકોની બખોલોમાં પક્ષીઓ રહે છે, તે આમતેમ ઉડાઉડ કરતાં હોય છે. વાંદરાઓ પણ ખડકો પર કૂદાકૂદ કરતા હોય છે. પતંગિયાં અને મધમાખીઓનો ગુંજારવ અને પક્ષીઓનો કલબલાટ વાતાવરણને અવાજોથી ભરી દે છે. આમ છતાં, લોકો ટ્રેકીંગ માટે આવતા હોય છે. તેઓ ધોધની બાજુમાં તંબૂ બાંધીને પડાવ નાખે છે. અને ખડકો પર ચડવાનો રોમાંચ પણ માણે છે. પણ લપસી જવાની શક્યતા ખરી. ઉપર પહોંચવામાં ત્રણચાર કલાક તો લાગે જ. પક્ષી નિરીક્ષકો માટે આ વિસ્તાર ઉત્તમ છે.

       દૂધસાગર ધોધ, ભગવાન મહાવીર વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુરીમાં આવેલો છે. અહીં જંગલોમાં ઘણી જાતનાં પ્રાણીઓ વસે છે. આ જંગલ કિંગ કોબ્રાના વસવાટ માટે જાણીતું છે. ધોધ તરફ જતી કેડીઓ પર માનવ અવરજવરને લીધે, પ્રાણીઓ ઓછાં જોવા મળે છે. ખાસ તો વાંદરાઓ ઢોળાવ પરથી ઉતરીને માણસો જોડે હાથ મિલાવે છે. જો કે પ્રાણીઓને ખાવાનું આપવા પર પ્રતિબંધ છે.

       ધોધની નજીક તામડી સુરલા નામનું એક મંદિર છે. આ મંદિર અહીના કદમ્બ લોકોએ બાંધેલું છે.

       ટૂંકમાં કહીએ તો દૂધસાગર ધોધ એક અદ્વિતીય ધોધ છે. એને માટે બેજોડ, અતિસુંદર, મનોહર, ઉત્કૃષ્ટ, આકર્ષક, મોહક, અદભૂત – ગમે એટલા શબ્દો શોધો, પણ ઓછા પડે. તેની સુંદરતા જાદુભરી છે. અહીં આવો પછી, અહીંથી ખસવાનું મન ન થાય એવું એનું આકર્ષણ છે. ચોમાસા પછી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમ્યાન અહીનું વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. ગોવા બાજુ જાવ ત્યારે સમય કાઢીને આ ધોધ જોવા જરૂર જજો.

ગોકાક ધોધ

                                                           ગોકાક ધોધ 

       તમે ગોકાક મીલનું નામ સાંભળ્યું છે ? કર્ણાટક રાજ્યના બેલગામ જીલ્લાના ગોકાક ગામમાં આવેલી આ મીલનું કાપડ એક જમાનામાં ખૂબ જ વખણાતું હતું. આજે આપણે અહીં ગોકાક મીલની વાત નથી કરવી, પણ ગોકાક ગામથી ૬ કી.મી. દૂર આવેલા ગોકાક ધોધની વાત કરવી છે.

       અહીં ગોકાક ગામ પાસે ખડકાળ વિસ્તારમાં ઘટપ્રભા નામની વિશાળ નદી ધોધ રૂપે પડે છે. એને જ ગોકાક ધોધ કહે છે. આ ધોધનાં પાણી ૫૨ મીટર(૧૭૧ ફૂટ)ની ઉંચાઇએથી મોટી ગર્જના સાથે પડે છે અને એક અનુપમ કુદરતી દ્રશ્ય સર્જે છે. પડતા પાણીનો જથ્થો જોઈને મોંઢામાંથી ‘વાહ’ શબ્દ નીકળી જાય છે. ચોમાસામાં નદીનું પાણી લાલાશભર્યું, ડહોળું અને ઘૂઘવતુ હોય ત્યારે ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. ત્યારે તેનો અવાજ પણ ઘણે દૂરથી સંભળાય છે. નદીની પહોળાઈ ૧૭૭ મીટર છે. ધોધના ઉપરવાસમાં નદી પર ઝૂલતો પૂલ બાંધેલો છે. પૂલની ઊંચાઈ નદીના પાણીની સપાટીથી આશરે ૧૪ મીટર જેટલી છે. આટલા ઊંચા પૂલ પરથી નદી કેવી ભવ્ય લાગે ! તે તો ત્યાં જઈને નજરે જોઈએ ત્યારે જ ખબર પડે ! આ પૂલ પર એકી સાથે ૩૦ થી વધુ માણસોને જવા દેતા નથી.

       ગોકાક ધોધનો આકાર ઘોડાની નાળ(Horse shoe)જેવો છે. અમેરિકાના વિખ્યાત ધોધ નાયગરાનો આકાર પણ ઘોડાની નાળ જેવો છે. એટલે ગોકાક ધોધ નાયગરાની મીની આવૃત્તિ જેવો લાગે છે. ધોધનો આકાર, ઊંચાઈ અને ઝડપ – એ બધું જ નાયગરા ધોધને મળતું આવે છે.

       ઘટપ્રભા નદી બેલગામની ટેકરીઓ આગળ વહીને ગોકાક આગળ આવે છે. અહીં નદીના કિનારે ચાલુક્ય યુગના ઘણા અવશેષો મળી આવ્યા છે. એ જમાનાનું એક શીવમંદિર હાલ અહીં મોજુદ છે. તે મહાલીન્ગેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. ઘણા લોકો અહીં દર્શને આવે છે.

       ગોકાક ધોધ આગળ એક જૂનું પાવર સ્ટેશન છે. ૧૮૮૭ માં એશિયામાં પ્રથમ વીજળી ઉત્પાદન આ પાવર સ્ટેશનમાં થયું હતું.

       ગોકાકની નજીક ગોડાચીનામલ્કી નામનો એક બીજો ધોધ પણ આવેલો છે. ગોકાક મીઠાઈઓ માટે જાણીતું છે. આ મીઠાઈઓને Gokak Kardant કહે છે.

       ગોકાક ધોધ બેલગામથી ૬૫ કી.મી. દૂર છે. બેલગામથી ગોકાક જવા માટે કર્ણાટક રાજ્યની એસ.ટી. બસો મળી રહે છે. આ ધોધ પણજી(ગોવા)થી આશરે ૧૦૦ કી.મી. દૂર, ગોવા અને કર્ણાટકની સરહદ નજીક કર્ણાટકમાં આવેલો છે. પૂનાથી ૪ નંબરના નેશનલ હાઈવે પર થઈને પણ બેલગામ જવાય છે. ગોકાક પાસે ઘટપ્રભા રેલ્વે સ્ટેશન પણ છે. ચોમાસાની ઋતુમાં જુલાઈથી ઓક્ટોબર દરમ્યાન, આ ધોધ જોવાની બહુ જ મઝા આવે. અહીં આપેલા ફોટા જોઈને ગોકાક ધોધ જોવાનું જરૂર મન થઇ જશે.

એબી ધોધ

                                                                                            

                                                                                            એબી ધોધ 

       આપણા દેશમાં કર્ણાટક રાજ્યમાં એટલા બધા ધોધ આવેલા છે કે આપણને એ જાણીને નવાઈ લાગે. એબી ધોધ પણ એમાંનો એક છે. એ બહુ જાણીતો ન હોવા છતાં જોવાલાયક તો છે જ. આ ધોધ કર્ણાટક રાજ્યના કૂર્ગ (કોડાગુ) જીલ્લાના મુખ્ય મથક મેડિકેરી શહેરથી માત્ર ૧૦ કી.મી. દૂર પશ્ચિમઘાટમાં આવેલો છે. અહીંની સ્થાનિક ભાષામાં એબી(Abbey, Abbi)નો અર્થ જ થાય છે ‘જળધોધ’.

       અહીં આજુબાજુનાં જંગલોમાં વહેતાં ઝરણાં ભેગાં થઇ, એક નાની નદી સર્જે છે. આ નદી એક મોટા ખડક પરથી અત્યંત ઝડપે ધોધ રૂપે નીચે પડે છે. ધોધની ઉંચાઇ ૨૧ મીટર(૭૦ ફૂટ) છે. વરસાદી ઋતુમાં ધોધમાં પુષ્કળ પાણી હોય છે. ધોધના પડવાની ગર્જના દૂર રોડ પર પણ સંભળાતી હોય છે. ધોધનું પડતું પાણી ફોરાં રૂપે ઉડીને સખત ધુમ્મસભર્યું વાતાવરણ સર્જે છે. આ દ્રશ્ય ખૂબ જ સરસ લાગે છે.

       ધોધ પડ્યા પછી વહેતી નદીના કિનારે વાડ બનાવેલી છે. ત્યાં આગળ ઉભા રહીને ધોધ જોઈ શકાય છે. આ ઉપરાંત, એ વહેતી નદી પર ઝૂલતો પૂલ બનાવેલો છે. આ પૂલ પરથી, ધોધ બિલકુલ સામેથી જોવા મળે છે. સામેથી દેખાતા ધોધનું આ દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે. અહીંથી ધોધને ક્યાંય સુધી ધરાઈને જોયા કરવાની મજા આવી જાય. ધોધ પડ્યા પછી, નદીનું વહેણ આગળ જઈને કાવેરી નદીને મળે છે.

       ધોધના પાણીમાં ઉતરીને નાહી શકાય એવું નથી. તથા પછી વહેતી નદીમાં પણ ઉતરાય એવું નથી. ખૂબ જ જોખમી છે.

       બ્રિટીશ લોકો આ ધોધને જેસી ધોધ તરીકે પણ ઓળખે છે. મેડિકેરી શહેરના પ્રથમ કેપ્ટનની દિકરી જેસીના નામ પરથી, આ ધોધ જેસી ધોધ તરીકે ઓળખાય છે.

       મેડિકેરીથી આ ધોધ સુધીનો રસ્તો સાંકડો, વાંકોચૂકો અને ચડાવઉતાર વાળો છે પણ ગાડી છેક ધોધ સુધી જઈ શકે એવો છે. રસ્તાની આજુબાજુનો કુદરતી નઝારો પ્રવાસીઓને આકર્ષે એવો છે. આ રસ્તો ખાનગી માલિકીના કોફી તથા તેજાનાના બગીચાઓમાં થઈને પસાર થાય છે. એટલે આજુબાજુ ઈલાઈચી, લવિંગ, મરી, તજ, સોપારી વગેરેનાં ઝાડ જોવા મળે છે. ધોધ નજીક પહોંચ્યા પછી ગાડી પાર્ક કરીને આશરે ૫૦૦ મીટર નીચે ઉતરો એટલે ધોધનાં દર્શન થાય. ઉતરવા માટે પગથિયાં બનાવેલાં છે.

       આ ધોધ ટુરિસ્ટોનું માનીતું એક સરસ પીકનીક સ્થળ છે. અહીં મિત્રો અને સ્નેહીઓ સાથે પીકનીક મનાવવાનો બહુ જ આનંદ આવે. એમાં ય ચોમાસામાં પાણી પુષ્કળ હોય ત્યારે તો અહીંની મજા કોઈ ઓર જ છે. આ ધોધ જોવા ચોમાસામાં કે ચોમાસા પછી તરત જ (જુલાઈથી ડીસેમ્બર) જવું જોઈએ. ઉનાળામાં ધોધમાં પાણી ઓછું થઇ જાય.

       એબી ધોધ મેંગ્લોરથી ૧૩૬ કી.મી., માયસોરથી ૧૩૦ કી.મી. અને બેંગલોરથી ૨૭૦ કી.મી. દૂર આવેલો છે. મેંગ્લોરથી માયસોરનો રસ્તો મેડિકેરી થઈને જ પસાર થાય છે. ગુજરાતમાંથી એબી ધોધ જોવા ગોવા, કારવાર, ઉડુપી અને મેંગ્લોર થઈને મેડિકેરી પહોંચવું જોઈએ. 

જોગનો ધોધ

જોગનો ધોધ 

       કુદરતનાં વિવિધ સ્વરૂપો જેવાં કે નદી, પર્વતો, ખીણો, સાગર, ધોધ, જંગલો, આકાશ, તારા – આ બધામાં સૌથી વધુ આકર્ષક સ્વરૂપ કદાચ ધોધ છે. ધોધ જોવાનું કોને ના ગમે ? ઊંચેથી પડતું અને સંગીતમય અવાજ કરતું પાણી જોવાની કેટલી બધી મજા આવે ! સામાન્ય રીતે નદીના વહેણમાં સખત ખડકો આવે અને આગળનો ભાગ ધોવાઈ જાય ત્યારે ધોધ રચાઈ જતો હોય છે. નદીના પાણીનો જથ્થો, ખડકોની ઊંચાઈ અને આકાર તથા નદીની પહોળાઈ પ્રમાણે જાતજાતના ધોધ બનતા હોય છે. ભારતમાં અને દુનિયામાં એટલા બધા ધોધ આવેલા છે કે બધે તો ભાગ્યે જ જોવા જઈ શકાય.

       જોગનો ધોધ ભારતના ઊંચા ધોધમાંનો એક છે. તે કર્ણાટક રાજ્યમાં શરાવતી નદી પર આવેલો છે. નોનાબાર પાસે આવેલા અંબુતીર્થમાંથી શરાવતી નદી નીકળે છે અને પશ્ચિમ દિશામાં વહે છે. આ નદી ગેરસપ્પા ગામની નજીક ધોધરૂપે પડે છે. આ ધોધને જ જોગનો ધોધ કહે છે. તે ગેરસપ્પા ગામની નજીક આવેલો હોવાથી તેને ગેરસપ્પાનો ધોધ પણ કહે છે. શરાવતી નદી અહીં ધોધરૂપે પડ્યા પછી, ૬૦ કી.મી. દૂર હોનાવર ગામ આગળ અરબી સમુદ્રને મળે છે.

       જોગના ધોધનું પાણી ૮૨૯ ફૂટ એટલે કે ૨૫૩ મીટર ઊંચાઈએથી પડે છે. તેની અ ધ ધ ધ.. લાગતી ઊંચાઈને લીધે તે માત્ર ભારતમાં જ નહિ, દુનિયામાં પણ ખૂબ જાણીતો છે. દેશવિદેશના અસંખ્ય પ્રવાસીઓ આ ધોધની મુલાકાતે આવે છે. ધોધની ટોચ આગળ તેની પહોળાઈ આશરે ૧૨૦૦ ફૂટ છે.

       જોગનો ધોધ ગોવાથી ૨૬૧ કી.મી., પૂનાથી ૫૯૫ કી.મી., બેંગલોરથી ૩૭૯ કી.મી., શીમોગાથી ૧૦૪ કી.મી. અને સાગરથી ૩૦ કી.મી. દૂર આવેલો છે. નેશનલ હાઈવે નં ૨૦૬ પર શીમોગાથી સાગર થઈને ધોધ તરફ જવાય છે. વચ્ચે રસ્તો થોડો ખરાબ ખરો, પણ વાહનો જરૂર જઈ શકે. હાઈવેથી ૨ કી.મી. અંદર જાવ એટલે ધોધનાં દર્શન થાય. ધોધ જોઈને મોઢામાંથી ‘વાહ’, ‘અદભૂત’ એના શબ્દો અનાયાસે નીકળી જાય. બેંગલોર, શિમોગા, સાગર તથા ગોવાથી પણ જોગનો ધોધ જવાની બસો મળી રહે છે. ગુજરાતમાંથી જવું હોય તો ગોવાથી બસમાં કારવાર થઈને જવાય છે. જોગના ધોધથી નજીકનું રેલ્વે સ્ટેશન શિમોગા છે.

       ધોધની સામે એકાદ કી.મી. દૂર વ્યૂ પોઈન્ટ એટલે કે પ્રેક્ષકો માટેની ગેલેરી બનાવેલી છે. અહીં ઉભા રહીને ધોધ જોઈ શકાય છે. ધોધનો દેખાવ જોઈને એમ થાય કે ધોધને બસ જોયા જ કરીએ. વ્યૂ પોઈન્ટ આગળ પાર્કીંગ, ખાણીપીણી, ગેસ્ટ હાઉસ, બસ સ્ટેન્ડ – એવી બધી વ્યવસ્થા છે. થોડાં પગથિયાં નીચે ઉતર્યા પછી બીજું વ્યૂ પોઈન્ટ છે. અહીંથી વાંકાચૂકા માર્ગે વધુ નીચે ઉતરીને, છેક નીચે જ્યાં ધોધનું પાણી પડે છે, તેની નજીક જઈ શકાય. પણ આમાં જોખમ ખરું. ખડકો પર થઈને ઉતરવાનું અને નીચે પાણીમાં તો ઉતરાય જ નહિ, પડ્યા તો ગયા જ સમજો. એટલે મોટા ભાગના પ્રવાસીઓ તો છેક નીચે ઉતરે જ નહિ. પહેલા વ્યૂ પોઈન્ટથી ઉતરીને લગભગ અડધા કલાકમાં નીચે પહોંચી શકાય.

      ધોધ મુખ્ય ચાર ધારાઓ રૂપે પડે છે. આ ચાર ધારાઓનાં નામ ડાબેથી જમણે અનુક્રમે રાજા, રોર (Roar,ગર્જના), રોકેટ અને રાણી છે. પહેલી ધારા ખૂબ જ ભવ્ય દેખાવવાળી છે, એટલે એને રાજા નામ આપ્યું છે. બીજો પ્રવાહ ખૂબ મોટી રૌદ્ર ગર્જના સાથે પડે છે, એટલે એ ‘રોર’ના નામે ઓળખાય છે. ત્રીજી ધારા, એક સાંકડા ભાગમાંથી, રોકેટની જેમ ખૂબ જ ઝડપે મોટા જથ્થામાં પડે છે, એટલે એને રોકેટ કહે છે. અને છેલ્લી ધારા, નૃત્ય કરતી ઠસ્સાદાર યુવતિની જેમ પડતી હોવાથી તેનું નામ રાણી રાખ્યું છે. ખૂબી એ છે કે આ ચારેય નામની શરૂઆત ‘ર’થી થાય છે. ધોધની બીજી બાજુએ ઉપર જઈ, ધોધની નજીક જઈ શકાય છે.

       ધોધના ઉપરવાસમાં ૬ કી.મી. દૂર લીંગનમક્કી આગળ, શરાવતી નદીમાં બંધ બાંધેલો છે અને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે હાઈડ્રો પાવર સ્ટેશન ઉભુ કરેલ છે. શરૂઆતમાં આ પાવર સ્ટેશન ૧૨૦ મેગાવોટ વીજળી પેદા કરતું હતું, હાલ તેની ક્ષમતા વધારવામાં આવી છે.

       ધોધમાં જયારે પુષ્કળ પાણી હોય ત્યારે ધોધ ખૂબ જ જાજરમાન લાગે છે, અને તેનો અવાજ પણ ભયંકર હોય છે. ચોમાસામાં કે ચોમાસા પછી તરત જ (ઓગસ્ટથી ડીસેમ્બર) જાવ તો ધોધમાં પાણી ઘણું હોય અને ધોધ જોવાની મજા આવી જાય. ધોધ પડે ત્યારે, પડતા પાણીમાંથી ઉડતાં કણો અને ફોરાંથી ધોધ આગળનો દેખાવ ધુમ્મસમય લાગે છે. ધોધનું આ દ્રશ્ય એટલું સરસ દેખાય છે કે તેના વર્ણન માટે શબ્દો જડતા નથી. જયારે આગળના ડેમમાંથી પાણી ઓવરફ્લો થાય કે ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે પણ ધોધમાં પુષ્કળ પાણી હોય છે.

       ધોધની સુંદરતાથી આકર્ષાઈને અહીં ફિલ્મોનાં શુટીંગ પણ થયેલાં છે. એવી એક ફિલ્મનું નામ કહું. ‘આદમી ઔર ઇન્સાન’ ફિલ્મના ગીત ‘નીલે પર્બતોકી ધારા…..’ ના દ્રશ્યમાં પશ્ચાદભૂમાં જોગનો ધોધ દેખાય છે.

       જોગનો ધોધ એ કર્ણાટકનું જાણીતું જોવાલાયક સ્થળ છે. કર્ણાટકમાં આ ઉપરાંત બીજા ઘણા ધોધ આવેલા છે પણ તે બહુ જાણીતા નથી. અમ છતાં જોવાલાયક તો છે જ. એ બધાની વાત પછી કરીશું. ક્યારેક તો જોગનો ધોધ જોવા જજો.