વાર્તા ‘મોડે મોડે પણ………સમજાયું !’

                                              મોડે મોડે પણ………સમજાયું !

     ‘અરે ઓ, સાંભળે છે ? બે ગુલાબજાંબુ વધારે આપ ને ? આજે તો આખી જિંદગીની ભૂખ લાગી છે.’ પત્ની લીલાએ બે ગુલાબજાંબુ વધારે પીરસ્યાં. જીતુભાઈએ જમીને આનંદનો ઓડકાર ખાધો. મુખવાસ પણ ખાધો.

‘ચાલ ને થોડું બહાર ફરી આવીએ, મજા આવશે.’ પતિ-પત્ની થોડું ચાલી આવ્યાં. જીતુભાઈએ લીલાને શિંગોડા પાન પણ ખવડાવ્યું. જૈફ વયે પહોંચેલાં આધેડ દંપતિ આજે ખુશખુશાલ હતાં. જીવનમાં આવો પ્રેમ તેમણે વર્ષો પછી માણ્યો હતો.

બીજે દિવસે ઓફિસમાં જીતુભાઈ મને મળવા આવ્યા. ‘પ્રકાશભાઈ, મારી જિંદગીમાં ફરી વસંત આવી હોય એમ લાગે છે. લીલા હવે બિલકુલ સુધરી ગઈ છે. આશા રાખું કે ફરી તેનું ફટકે નહિ.’

મેં કહ્યું, ‘જીતુભાઈ, ધીરજ રાખો. સહુ સારાં વાનાં થશે. જિંદગીમાં સારાં કર્મો કરનારને તેનું સારું ફળ મળે જ છે.’

થોડી વાતો કરીને જીતુભાઈ ગયા. જીતુભાઈ મારી ઓફિસમાં મેનેજર જેવી જ પાયરી પર હતા. અમે સમવયસ્ક હોવાથી તેમને મારી સાથે ઘણું સારું ફાવતું. ધીરે ધીરે મિત્રતા વધતાં, તેમણે તેમની જિંદગીની કિતાબનાં પાનાં મારી સમક્ષ ખુલ્લાં કર્યાં હતાં. તેમાં રહેલું દુઃખ અને સહનશીલતા મેં તેમની વાતો પરથી જાણી હતી.

જીતુભાઈનાં લીલા સાથે લગ્ન થયાં ત્યારે તો તે દુનિયાનું સુખી જોડું હતું. પ્રેમભર્યા પ્રવાહમાં જિંદગી વહી રહી હતી. લીલાબેને એક પછી એક, એમ બે પુત્રીઓ સ્તુતિ અને સુહાનાને જન્મ આપ્યો. માતાપિતાના લાડકોડમાં બંને પુત્રીઓ મોટી થવા લાગી. મોટી પુત્રી સ્તુતિ, સ્કુલનું ભણતર પૂરું કરી, કોલેજના ઉંબરે ચઢી. લીલાબેન બહુ મહત્વાકાંક્ષી ન હતાં. સ્તુતિ એક ગ્રેજ્યુએશન પૂરું કરી, પોતાની જેમ ગૃહસ્થીમાં ગોઠવાઈ જાય એવી તેમની ઈચ્છા. તેમણે જીતુભાઈને ત્યારે કહ્યું યે ખરું, ‘આપણી સ્તુતિ બી.એ. સુધી ભણી એ ઓછું નથી. હવે આપણે તેનાં લગ્ન કરી નાખવાં જોઈએ.’

પણ જીતુભાઈ સારું ભણેલા હતા. તેમને મનમાં એવું ખરું કે ભલે મને પુત્ર નથી. પણ પુત્રીઓ ય પુત્રસમોવડી બની શકતી હોય છે. સ્તુતિ કોઈ સારી લાઈનમાં ભણી, આગળ જઈને નામ કાઢે, એવી તેમની ઈચ્છા હતી.

પણ સ્તુતિ માતા તરફ વધુ ઢળેલી હતી. માતાની મમતા જીતી ગઈ. સ્તુતિ બી.એ. થઈને, સમીર સાથે પરણીને પોતાના સંસારમાં ગોઠવાઈ ગઈ. જીતુભાઈએ મન મનાવ્યું, ‘કંઈ નહિ, મારી બીજી દિકરી સુહાનાને તો હું જરૂર સારું ઉચ્ચ શિક્ષણ આપીશ જ.’

સુહાના આમે ય વધુ ચપળ હતી. આધુનિક જમાનાની નવી નવી બાબતો, રીતરસમો, ફેશન અને નવા વિકસતા ધંધાઓની તેણે સારી જાણકારી મેળવી હતી. એ બધામાં એને ફેશનનો કોર્સ ગમી ગયો. ફેશનના કોર્સમાં એને એડમીશન પણ મળી ગયું. ‘દિકરી સારા ક્ષેત્રમાં આગળ આવશે’ એ વિચારે જીતુભાઈ ખુશ હતા.

ફેશનના અભ્યાસ દરમ્યાન, સુહાના ઘણું બધું નવું શીખી. આધુનિક ફેશનેબલ વસ્ત્રો કઈ રીતે બનાવવાં, તે માટેનું કાપડ, કટીંગ તથા તેના પરનું આકર્ષક સુશોભન કઈ રીતે કરવું – એ બધું તેને જાણવા, શીખવા મળ્યું. આકર્ષક અને મોહક વ્યક્તિત્વ ઉભુ કરવા માટે પૂરુષો અને સ્ત્રીઓએ કેવાં કપડાં પહેરવાં જોઈએ, એ બધું તેને જાણવા અને અનુભવવા મળ્યું. તેની ડીક્ષનરીમાં smart, dashing, hot, handsome જેવા શબ્દો ઉમેરાયા. ભારતનાં અને દુનિયાનાં ફેશન મેગેઝીનોથી તે પરિચિત થવા લાગી.

આજકાલ ફેશનની દુનિયા એ એક અલગ પ્રકારની દુનિયા છે. ફેશન ડીઝાઈનરો હીરોહીરોઈનો માટે નવી નવી જાતની ફેશનનાં મોંઘાંદાટ કપડાં તૈયાર કરતા હોય છે. પૈસાદાર કુટુંબના નબીરાઓ અને કન્યાઓ પણ નવી ડીઝાઈનોનાં કપડાંનો ક્રેઝ ધરાવે છે. સુહાના આવા વાતાવરણના સંપર્કમાં આવવા લાગી. એક વાર તેની સહેલી ઉર્વશીએ કહ્યું, ‘ચાલ ને સુહાના, આપણે વસ્ત્રહરિફાઈમાં ભાગ લઈએ. મુંબઈમાં નવી ડીઝાઈનોનાં વસ્ત્રોનો શો થવાનો છે, તેમાં આપણે પણ આપણી ડીઝાઈનનું વસ્ત્ર લોન્ચ કરીએ.’ સુહાનાને આ વિચાર ગમી ગયો. તે ‘શો’ અને ‘લોન્ચ’ શબ્દોથી પરિચિત હતી.

ફેશન કોર્સના અભ્યાસના છેલ્લા વર્ષની પરીક્ષા પણ પૂરી થઇ ગઈ હતી. તેની પાસે હરીફાઈમાં ભાગ લેવા માટે પૂરતો સમય હતો. ફેશનની દુનિયાની કલ્પનાઓમાં તે વિહરવા લાગી. તેણે જીતુભાઈને કહ્યું, ‘પપ્પા, મારું ભણવાનું હવે પૂરું થયું છે. મને આવતે મહિને મુંબઈમાં યોજાનારા ફેશન શોમાં ભાગ લેવાની ઈચ્છા છે.’

પપ્પાને તો આ ગમ્યું. પોતાની દીકરી કોઈ એક ક્ષેત્રમાં આગળ વધીને નામ કાઢે એ તેમને પસંદ હતું. પણ મમ્મીને સુહાનાનો વિચાર ગમ્યો નહિ. તે બોલી, ‘સુહાના, તું ફેશન શો સુધી પહોંચે એ મને તો પસંદ નથી. એ દુનિયા બહુ જ ખરાબ છે. બહારથી ચમકદમકવાળી દેખાતી એ દુનિયાનાં માણસોનાં મન કદાચ તું પારખી શકે તો તને સાચી સ્થિતિનું ભાન થશે.’

પણ સુહાના તો શોની તૈયારીમાં લાગી ગઈ. પપ્પાનો તેને સાથ હતો. પપ્પાએ તો ફેશન શો જોવા માટે મુંબઈ આવવાની પણ તૈયારી બતાવી. સુહાના ખુશ હતી. જયારે લીલાબેન નાખુશ હતાં. તેઓ જીતુભાઈ ઉપર બગડ્યાં, ‘તમે જ છોકરીને ચડાવી મારી છે. ‘બેટા, તું આગળ વધ’ કહીને ફટવી મારી છે. ફેશનની નખરાળી માયામાં છોકરી ફસાઈ જશે, ત્યારે તમને ભાન આવશે.’

લીલાબેનનો વાણીપ્રવાહ અટકતો ન હતો. છેવટે જીતુભાઈએ કહ્યું, ‘જો લીલા, તું કહે છે એવું ખરું, પણ આપણી સુહાના ડફોળ નથી. તેને સારાનરસાનું ભાન છે. તે જ્યાં જશે ત્યાં સાચવીને જ આગળ વધશે. એની પ્રગતિ થતી હોય એમાં તો આપણે ખુશ થવું જોઈએ.’

પણ લીલાબેનને આ પ્રગતિમાં અધોગતિ દેખાતી હતી. તે અવારનવાર આ બાબતે જીતુભાઈ જોડે દલીલમાં ઉતરી પડતાં. અંતે તો જીતુભાઈના મક્કમ નિર્ણયો આગળ તેમનું કંઈ ઉપજતું નહિ.

ધીરે ધીરે લીલાબેન અને જીતુભાઈ વચ્ચે, બીજી બાબતોમાં પણ વિચારભેદ ઉભા થવા લાગ્યા. જીતુભાઈ રોજ ઓફિસે ટીફીન લઈને જતા. લીલાબેન સવારે નાહીધોઈ પરવારી ઝડપથી ટીફીન તૈયાર કરી આપતાં. કોઈક દિવસ કંઇક ભૂલ થઇ જાય તો જીતુભાઈ ઉકળી ઉઠતા, ‘ આજે તેં શાકમાં મીઠું વધારે નાખી દીધું. કાલે દાળ સાવ પાણી જેવી હતી.’

આવી ઘણી નાની બાબતો માટે તેમની વચ્ચે કચકચ વધી ગઈ. લીલાબેને પણ જીતુભાઈની ઘણી ભૂલો શોધી કાઢી. એમ કરતાં તેમની વચ્ચે અંતર વધતું ચાલ્યું. એકબીજા સાથે બોલવાનું પણ ઓછું થઇ ગયું. દિવસે દિવસે પરિસ્થિતિ વધુ બગડતી ચાલી. ઘરમાં જાણે કે બે અલગ વ્યક્તિ પોતપોતાની રીતે રહેતી હોય એવી હાલત ઉભી થઇ ગઈ.

સુહાનાના ફેશન શોમાં જીતુભાઈ એકલા જ મુંબઈ જઈ આવ્યા. તેમણે લીલાબેનને શોની તારીખની જાણ પણ ના કરી. લીલાબેન અવારનવાર સ્તુતિ સાથે ફોનથી વાત કરતાં. સ્તુતિના વરને દિલ્હી નોકરી મળી અને દિલ્હી જવાનું થયું, પણ લીલાબેને જીતુભાઈને કંઈ જણાવ્યું નહિ.

ઘરમાં બે ભાગ પડી ગયા હતા. લીલાબેન અને સ્તુતિ એક બાજુ, જીતુભાઈ અને સુહાના બીજી બાજુ. પતિ-પત્નિ બંને પોતપોતાના તાનમાં મસ્ત હતા. બંનેને અહમ નડતો હતો, ‘એ વાત ન કરે તો હું શું કામ કરું ?’ એવી વણબોલાયેલી ચડસાચડસી પર બંને જણ આવી ગયાં હતાં. અબોલ રહીને એકબીજાની ભૂલો શોધ્યા કરતાં હતાં. આજુબાજુનાં પડોશીઓ પણ તેમને ઓળખી ગયાં હતાં.

જીતુભાઈએ મને આ બધી વાત કરી. મને દુઃખ થયું. એક કુટુંબની ગાડી અવળે પાટે ચડી ગઈ હતી. મને ઘણું મનમાં થતું કે આ દંપતિ અભિમાનના ડુંગરેથી હેઠે ઉતરે અને સાચી દિશા પકડે તો સારું.

એક વાર હું કોઈક બહાનાસર તેમને ઘેર પહોંચી ગયો. લીલાબેને ચા-બિસ્કીટ તૈયાર કરીને મૂક્યાં. મેં કહ્યું, ‘ભાભી, અમારી સંસ્થામાં અઠવાડિયા પછી ભજનસંધ્યાનો પ્રોગ્રામ છે, તેમાં તમે પણ આવો, મજા આવશે.’

‘એમ ? મને તો ખબર જ નથી. એ મને કહે તો ખબર પડે ને ?’

મેં પ્રોગ્રામમાં આવવા વધુ આગ્રહ કર્યો પણ તબિયતનું બહાનું બતાવી, તે ન આવ્યાં. જીતુભાઈ એકલા આવ્યા. મારા પ્રયત્નથી કંઈ ફેર પડ્યો નહિ.

આમ ને આમ છ મહિના પસાર થઇ ગયા.એક વાર જીતુભાઈ થોડી રજાઓ લઇ, દિકરી સુહાનાને ત્યાં મુંબઈ રહેવા ગયા. દસેક દિવસ પછી પાછા ફર્યા ત્યારે ઘેર તાળું હતું ! ‘લીલા ક્યાં ઉપડી ગઈ હશે ?’ એમ વિચારતાં પડોશીને પૂછ્યું. પડોશીએ કહ્યું, ‘તમારા ગયા પછી લીલાબેન એક વાર રસોડામાં લપસી પડ્યાં. અમે તેમને ડોક્ટરને ઘેર લઇ ગયા. ડોક્ટરે તપાસ કરીને કહ્યું, ‘પગે ફેકચર છે. ઓપરેશન કરવું પડશે.’ અમે લીલાબેનના ભાઈ કનુને ભાવનગરથી ફોન કરીને બોલાવી લીધો. ઓપરેશન થઇ ગયું. કનુ લીલાબેનને આરામ કરવા ભાવનગર લઇ ગયો છે.’

જીતુભાઈએ કહ્યું, ‘મને કોઈએ ફોન પણ ના કર્યો ?’

પડોશી કહે, ‘અમે તમને ફોન કરવાની વાત કરી, પણ લીલાબેને ના પાડી.’

જીતુભાઈ બોલ્યા, ‘ભાવનગર જતી વખતે કંઇ કહેતાં ગયાં છે ખરાં ?’

પડોશી, ‘ના, પણ રડતાં હતાં ખૂબ. પડી ગયાં ત્યારે નહોતાં રડ્યાં, એટલું ભાવનગર જતી વખતે રડતાં હતાં. એવું લાગતું હતું કે કદાચ તેમને તેમના અત્યાર સુધીના વર્તનનો પસ્તાવો થતો હોય.’

જીતુભાઈનું મન પીગળી ગયું. ‘વર્ષો સુધી અકળાઈ રાખ્યાનો તેને પશ્ચાતાપ થયો હોય એવું બને. પથારીવશ થવાથી કદાચ અહમ ઓગળ્યો હોય.’

જીતુભાઈ તાબડતોબ ભાવનગર જવા ઉપડ્યા. પત્નીના ખાટલે પહોંચ્યા. તેમને ઓચિંતા આવેલા જોઈને, લીલાબેન પળવાર તો મૂળ સ્વભાવ પર આવીને, તેમને તાકી રહ્યાં. પણ તરત જ ખ્યાલ આવ્યો કે ‘મારી ચિંતા કરતા દોડી આવ્યા છે.’ આ ખ્યાલથી તેમનું હૃદય ભરાઈ આવ્યું. નફરત અને ગુસ્સો ઓગળી ગયાં. ફક્ત પ્રેમની સરવાણી આંખોમાંથી ફૂટી નીકળી. જીતુભાઈ પણ તેના પ્રેમમાં ભીંજાઈ રહ્યા. થોડી વાર પછી બોલ્યા, ‘લીલા, હવે આપણે ઘેર અમદાવાદ ક્યારે આવવું છે ?’

‘બસ, તમે લઇ જાવ એટલે તરત જ.’

જીતુભાઈ, કનુભાઈની રજા લઇ, લીલાબેનને સાચવીને અમદાવાદ લઇ આવ્યા. જાણે કે તાજાં લગ્ન કરીને લીલાને પોતાને ઘેર લઇ ના જતા હોય ! ધીરે ધીરે લીલાબેન સાજાં થઇ ગયાં. જીતુભાઈએ તેમની ખડે પગે સેવા કરી. તેમના જીવનમાં નવેસરથી વસંત પાંગરી હતી. સહુથી વધુ ખુશ હતાં સ્તુતિ અને સુહાના.