વાર્તા – પ્રામાણિકતા નામની કોઈ ચીજ છે ખરી ?
‘કેમ છો શાહસાહેબ ?’ કહીને મારા પાડોશી શ્રીમનુભાઈએ, રવિવારે સવારે મારા ઘરમાં પગ મૂક્યો.
‘બસ, મજામાં’ કહીને મેં તેમને આવકાર આપ્યો. તેઓ હિંચકા પર ગોઠવાયા. હું સામે ખુરશીમાં બેઠો. રવિવાર હતો એટલે મારે નોકરી પર જવાનું હતું નહિ. આથી મનુભાઈ માટે થોડો સમય ફાળવવામાં મને વાંધો નહોતો. મનુભાઈ ‘વાત ક્યાંથી શરુ કરવી’ તેની મુંઝવણમાં હોય તેવું લાગ્યું.
હું પહેલાં મનુભાઈનો પરિચય આપી દઉં. હું એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર, અને સરકારી કોલેજ એટલે નિયમ મૂજબ બદલી તો થાય જ. લગભગ આઠ મહિના પહેલાં, મારી બદલી થતાં, હું સૌરાષ્ટ્રના આ શહેરમાં આવ્યો હતો. બહુ મોટું નહિ ને બહુ નાનું નહિ, એવા આ શહેરમાં હું સહેલાઈથી ગોઠવાઈ ગયો હતો. મકાન ભાડે લીધું હતું. મકાનમાલિક તથા પાડોશીઓ પણ સારા હતા. બાજુમાં રહેતા મનુભાઈએ મારી સાથે સારો ઘરોબો કેળવ્યો હતો. તેઓ બી.કોમ. સુધી ભણેલા હતા. અને અહીં એક સરકારી નિગમમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા. તેમનો પુત્ર પરાગ આ વર્ષે બારમા ધોરણમાં ભણતો હતો. કોમર્સમાં બહુ ભલીવાર નથી, એવું માનીને મનુભાઈએ પુત્રને સાયન્સ લાઈન લેવડાવી હતી. પણ પરાગને સાયન્સ પ્રવાહનું ભણવાની બહુ ઉત્કંઠા કે લગન હતી નહિ. જેમતેમ ગાડું ગબડતું હતું. ક્યારેક પરાગને તેના બાપા મારી પાસે શીખવા માટે ધકેલતા. પણ તેને સાયન્સ જેવા ગહન વિષયને, ભેજામાં ઉતારવાની બહુ ઈચ્છા થતી હોય એવું લાગતું નહિ.
મારે ત્યાં મનુભાઈનું આગમન કદાચ તેમના પુત્રના અનુસંધાનમાં જ હશે, એવું મેં ધાર્યું, અને ખરેખર એમ જ નીકળ્યું. મનુભાઈ બોલ્યા, ‘શાહસાહેબ, જુઓને, મારા પરાગને બોર્ડની વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે. આવતા અઠવાડિયે તો પરીક્ષા શરુ થશે. પણ તમે જાણો છો કે એની કશી જ તૈયારી નથી. એને કંઇ જ આવડતું નથી.’
મેં કહ્યું, ‘હા, પણ તેણે રસ લઈને મહેનત કરવી જોઈએ.’
મનુભાઈ કહે, ‘રસબસનું તો ઠીક છે હવે. પણ એ જો સારા માર્કે પાસ થઇ જાય તો તેને તમારી કોલેજમાં એડમીશન લેવડાવવું છે.’
મેં કહ્યું, ‘ એ માટે તો તેણે ઘણા સારા માર્ક લાવવા પડે.’
મનુભાઈ બોલ્યા, ‘શાહસાહેબ, સારા માર્ક લાવવામાં તમે તેને મદદ કરી શકો તેમ છો.’
હું તેમનો મર્મ સમજ્યો નહિ. મેં કહ્યું, ‘ભાઈ, આમાં હું શું કરી શકું ?’
મનુભાઈ બોલ્યા, ‘શાહસાહેબ, તમે પ્રોફેસર છો, એટલે તમને ગણિત તો સરસ જ આવડતું હોય.’
મેં કહ્યું, ‘હા પણ, તેનું શું ?’
મનુભાઈ હવે મૂળ મુદ્દા પર આવ્યા, ‘સાહેબ, જુઓ, તમારી મદદની ક્યાં જરૂર પડે તે કહું. પરીક્ષાનું પેપર શરુ થાય તે વખતે હું અને મારા બીજા ત્રણ વાલી મિત્રો તમને, એક જણના ઘરે લઇ જઈએ, ત્યાં તમારે એક અલાયદા રૂમમાં બેસવાનું, ચાનાસ્તો-મીઠાઈ આવી જશે. પરીક્ષા શરુ થાય એટલે થોડી જ વારમાં સ્કુલમાંથી એક માણસ, તમને ગણિતનું પેપર આપી જશે. તમારે ફટાફટ એ પેપરના દાખલા એક કાગળ પર ગણી કાઢવાના, ચોપડી, ગાઈડો તમારે જે જોઈએ તે તમારી પાસે અગાઉથી તૈયાર રાખવાનું, એ બધા માટેનો ખર્ચ તમને પહેલેથી જ આપી દઈશું. તમે ગણેલા જવાબના કાગળો અમે, સ્કુલમાં તુરંત પહોંચાડી દઈશું. તે પરાગ અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી જશે. તેઓ બધા, તેમાંથી પેપરમાં કોપી કરી લેશે. સાહેબ, તમે ના પાડશો નહિ. તમારી મહેનતના પૈસા પણ તમને મળી જશે. તમને પૂરા બે હજાર રૂપિયા આપીશું.’
મનુભાઈ જડબેસલાક પ્લાન બનાવીને આવ્યા હતા. હું એકચિત્તે તેમનો પ્લાન સાંભળી રહ્યો હતો, અને ઉંડા આઘાતમાં સરી રહ્યો હતો. મને તો તેમની વાત સાંભળીને ખૂબ નવાઈ લાગી કે લોકો આવું બધું પણ કરી શકે ? સ્કુલમાં સુપરવાઈઝર હોય, પ્રીન્સીપાલ હોય, સ્ક્વોડના સભ્યો પણ આવ્યા હોય, આ બધામાંથી પ્રશ્નપેપર લાવવાનું, તેને ગણવાનું અને ઝડપથી પાછું પહોંચાડવાનું તથા વિદ્યાર્થી પણ સમયમર્યાદામાં તે લખી નાખે-આ બધું કેવી રીતે બની શકે ? અને આમાં પ્રામાણિકતાનાં ધોરણોનું શું ? શું બધા જ આ ચેઈનમાં સામેલ ? મને તો આ ગમે જ નહિ. એટલું જ નહિ, બીજા કોઈ આવું કરતા હોય તો તેને પણ હું આવું કામ કરવા ના દઉં. મનુભાઈ શું ધારીને આવ્યા હશે ? તેમણે મારી સાથે કેળવેલો ઘરોબો હવે મને સમજાઈ રહ્યો હતો. શું દુનિયામાં પ્રામાણિકતા નામની કોઈ ચીજ છે જ નહિ ?
મનુભાઈ મારા ચહેરા પર દેખાતી મુંઝવણ પારખી ગયા. પણ એનો એમણે ઉંધો અર્થ કર્યો. બોલ્યા, ‘સાહેબ, તમને તમે ખુશ થાવ એટલા પૈસા આપીશું. એ બધું તમે મારા પર છોડી દો. સ્કુલમાં પટાવાળા, ચોકીદાર અને સુપરવાઈઝરો સાથે બધી જ ગોઠવણ થઇ ગઈ છે. ક્યાંયથી વાતની ખબર નહિ પડે કે તમે આમાં સંડોવાયેલા છો. બધા જ આપણા માણસો છે. તમારા પર કોઈ સંકટ નહિ આવે. અને આજે જો તમે આ કામ કરી આપશો તો આવાં બીજાં અનેક કામ તમને ભવિષ્યમાં મળશે. તમે ન્યાલ થઇ જશો.’
મનુભાઈ એમનું જ હાંકે રાખતા હતા. તેમને એવો તો વિચાર જ નથી આવતો કે હું આ કામમાં તેમને સાથ નહિ આપું. છેવટે મેં જ જવાબ આપ્યો, ‘સોરી મનુભાઈ, હું આ કામ નહિ કરી શકું.’
મનુભાઈ બોલ્યા, અરે, શું સાહેબ, તમે ય ભાવ ખાવ છો ? પૈસા ઓછા પડે છે એમ જ કહો ને ? વધારે પૈસા માગવાની તમારી રીત હું સમજી ગયો છું.’
મેં કહ્યું, ‘મનુભાઈ, પૈસા માગવાનો સવાલ જ ઉભો નથી થતો. હું આ કામ કરવા હરગિજ તૈયાર નથી.’
મનુભાઈ એમની સ્ટાઈલમાં હસ્યા. તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે હું આ કામ નહિ કરું. તે બોલ્યા, ‘સાહેબ, હવે મજાક જવા દો. ચાલો, તમે તૈયાર છો, એવું હું મારા બીજા વાલી મિત્રોને જણાવી દઉં, કે જેથી કામ આગળ વધે.’
મેં હવે મક્કમતાથી કહ્યું, ‘મનુભાઈ, તમે એમ માનતા હો કે આ કામ હું કરીશ, તો તમે ભૂલો છો. આવું કામ મેં ક્યારે ય કર્યું નથી અને કરીશ પણ નહિ. તમને આવી વાત કરતાં શરમ આવવી જોઈએ.’
મનુભાઈ હવે જરા ગંભીર થયા. બોલ્યા, ‘શરમની વાત છોડો સાહેબ, આ શહેરમાં આવા કામની કોઈ નવાઈ નથી. વિદ્યાર્થીનો વાલી આવું કામ કરાવી લાવે પછી છડેચોક ગર્વથી કહેતો હોય છે કે જુઓ, મારા દિકરા માટે હું આમ કરાવી લાવ્યો ને તેમ કરાવી લાવ્યો. તમે સાહેબ, સામેથી મળતા પૈસા જતા કરી રહ્યા છો, એ જ મને તો મગજમાં ઉતરતું નથી.’
મેં કહ્યું, ‘મનુભાઈ, જિંદગી જીવવાની તમારી રીતમાં મારી વાત ક્યારે ય બંધબેસતી નહિ આવે, જો તમારે સાંભળવું હોય તો એકબે વાત હું કરું.’
મનુભાઈ બોલ્યા, ‘ભલે કહો’
મેં કહ્યું, ‘તમે જે કામ માટે મારી પાસે આવ્યા છો, એમાં તમે છોકરાને ખોટા રસ્તે દોરી રહ્યા છો. તમે એનો ખોટો પક્ષ લેવાને બદલે, તેને ભણવામાં મહેનત કરીને પાસ થવાનું કહો. તેને ભણવામાં રસ પડે તે માટે તમે તેને પ્રેમથી તમારી પાસે બેસાડો, બેચાર સારી વાતો કહો, તેને માટે ટાઇમ આપો. એ જો મહેનત કરીને આગળ આવશે તો તે ઘણી સારી જિંદગી જીવશે.’
પણ મનુભાઈને મારી વાત ગળે ઉતરી નહિ. તેઓ નિરાશ થઈને મારા ઘરના દાદરનાં પગથિયાં ઉતરી ગયા. આખી જિંદગી જેણે સ્વાર્થી ટૂંકા રસ્તા જ શોધ્યા હોય તેને મારો બે મિનિટનો ઉપદેશ શું અસર કરે ?
આજે આ વાતને વીસ વર્ષ થયાં. વચ્ચે વચ્ચે પરાગના સમાચાર મળ્યા કરતા હતા. તે ત્રણેક વાર બોર્ડમાં નાપાસ થયો. પછી દસમા ધોરણના માર્ક પર ડીપ્લોમામાં ભણવાનો વિચાર કર્યો. તેમાં પણ ક્યાંક ગરબડ કરી એટલે એડમીશન ના મળ્યું. પછી ઇધરઉધર નોકરી કરી. છેવટે આજે તે તેના પપ્પાની ઓફિસમાં પટાવાળાની નોકરી કરે છે. પપ્પા મનુભાઈ રીટાયર થઇ ગયા છે. જિંદગીમાં પ્રામાણિકતા જેવું કંઇક હોય છે એવું એ સમજ્યા છે કે નહિ, તેની ખબર નથી.