વાર્તા – ટેલિફોનિક પ્રેમી

                                                      ટેલિફોનિક પ્રેમી

મોબાઈલ ફોન નહોતા શોધાયા અને લેન્ડલાઈન ફોન પણ બહુ આધુનિક ન હતા, એ જમાનાની પ્રેમીની આ વાત છે.
ટેલિફોનની ઘંટડી રણકી, ટ્રીન…ટ્રીન…ટ્રીન… માધુરીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. કદાચ એ જ હશે તો ? ધડકતા દિલે તેણે રીસીવર ઉઠાવ્યું, અને કંપતા અવાજે બોલી, ‘હેલો..’

સામેથી સંભળાયું, ‘હેલો, હું ચેતન.’ માધુરી સમસમી ગઈ. એ જ ભારેખમ ઘોઘરો અવાજ. તેના હાથમાંથી રીસીવર પડતાં પડતાં રહી ગયું. ભયની મારી તે ધ્રુજી ઉઠી. એ જ હતો. પોતાને ચેતનના નામે ઓળખાવતો એક અજાણ્યો પૂરુષ અત્યારે ફોનમાં કહી રહ્યો હતો, ‘માધુરી, માય ડાર્લિંગ, માય સ્વીટ હાર્ટ.’ સાંભળીને માધુરીની ગભરામણ વધતી જતી હતી. આમ છતાં તેણે રીસીવર પકડી રાખ્યું. ચેતન બોલતો હતો, ‘હું તને ખૂબ ચાહું છું. જાને જીગર, હવે તો તને રૂબરૂ મળવાનું ઘણું મન થઇ ગયું છે. દૂરથી તો હું તને રોજ જોઉં છું. પણ ‘હું કોણ છું’ તે તને ખબર ન હોવાથી, તું મને કેવી રીતે ઓળખી શકે ? હવે નજીકથી નિરખવા ઈચ્છું છું તને. તું એમ કર. આજે સાંજે ચાર વાગે તારા ઘરની નજીક આવેલા ઓમકારેશ્વર મહાદેવ આગળ આવી જજે. હું ત્યાં લીલા રંગનું શર્ટ, કાળું પેન્ટ અને ગોગલ્સ પહેરીને બાંકડા પર બેઠો હોઈશ. લીલો રંગ તને બહુ ગમે છે ને ? અને હા, સાથે કોઈને લાવીશ નહિ. બસ તો, પ્રેમભરી પ્રથમ મુલાકાત હો જાય !… યાદ રહ્યું ને ? સાંજે ચાર વાગે, ઓમકારેશ્વર મહાદેવ, ઓકે ?’ અને ફોન કટ થઇ ગયો.

માધુરી રીસીવર પકડીને થર થર કાંપતી હતી. ચેતન, એક અજાણ્યો પૂરુષ, શું બકી ગયો ? કોઈ જાતની ઓળખાણ વગર રૂબરૂ મુલાકાતની વાત કરતો હતો. એ સમજે છે શું એના મનમાં ?

આજે રવિવાર હતો. છેલ્લા બે રવિવારથી આ ચેતનનો ફોન આવતો હતો. પહેલા રવિવારે સવારે નવ વાગે જ્યારે ફોનની રીંગ વાગી, ત્યારે માધુરી ફોનની બાજુમાં જ બેઠી બેઠી ટીવી જોતી હતી. તેણે સ્વાભાવિકપણે જ ફોન ઉપાડ્યો હતો, ‘હેલો’

‘હેલો માધુરી, હું ચેતન બોલું છું.’ જાણે માધુરીના નામ અને અવાજને પહેચાનતો હોય એમ અજાણ્યા ચેતને ઘોઘરા અવાજે વાતચીતની શરૂઆત કરી હતી. માધુરીએ કહ્યું હતું, ‘મેં આપને ઓળખ્યા નહિ.’

‘તું ભલે મને ના ઓળખે, પણ હું તને ઓળખું છું. બસ, તારી સાથે વાત કરવાનું મન થયું, એટલે ફોન જોડી દીધો. બાય ધ વે, તારી આજુબાજુ કોઈ બેઠું છે ?’ માધુરીએ ફોન કટ કરી નાખ્યો.

કોઈ પૂરુષ તેની સાથે ખાનગીમાં વાત કરવા ઈચ્છે, તેવો આ પહેલો પ્રસંગ હતો. તે જરા અસ્વસ્થ થઇ ગઈ. સારું હતું કે ઘરની કોઈ વ્યક્તિ આજુબાજુ બેઠેલી ન હતી. નહિ તો પૃચ્છા થતાં, કોઈ ખુલાસો કરવો પડત. ‘ચેતન કોણ હશે’ એ અંગે થોડું પોતાના મનમાં વિચારવું હતું.

માધુરીએ આ વર્ષે જ બી.કોમ. પૂરું કર્યું હતું. તે એકવીસ વર્ષની થઇ હતી. કોલેજમાં ચેતન નામનો તેનો કોઈ મિત્ર હતો નહિ. આમે ય તેણે કોઈ છોકરા સાથે મિત્રતા બાંધી ન હતી. હા, તેને બહેનપણીઓ હતી, પણ પૂરુષમિત્રો જોડે ગપ્પાં મારવાં, કેન્ટીનમાં ખાવુંપીવું, રખડવું, આ બધાથી તે દૂર રહી હતી. જો કે છોકરાઓ તેની મિત્રતા પામવા તલપાપડ રહેતા. હોય જ ને ? ચાંદ જેવી રૂપાળી માધુરીનું સાનિધ્ય મેળવવાનું કોને ન ગમે ? માધુરી નખશીખ સુંદર હતી. સાડા પાંચ ફૂટની ઉંચાઈ અને પાતળી ગૌરવર્ણી કાયા ધરાવતી માધુરી, લીલા રંગની ઝાંયવાળો ડ્રેસ અને દુપટ્ટો પહેરી, માથામાં સેવંતીનું ફૂલ નાખીને કાયનેટિક પર કોલેજમાં દાખલ થતી ત્યારે ઘણા છોકરા તેને ટીકીટીકીને જોઇ રહેતા અને નિષ્ફળ કલ્પનાઓમાં રાચતા. છોકરાઓ તેના મિત્ર બનવા પ્રયત્ન કરતા, પણ માધુરીએ કોઈને દાદ દીધી ન હતી.

આથી માધુરીને કોઈ ચેતન યાદ આવ્યો નહિ. કદાચ કોઈ અજાણ્યો ચેતન ટેલિફોનથી મિત્રતા બાંધવા માગતો હશે, એમ ધારી માધુરીએ ફોનવાળી વાત વિસારી દીધી. પણ અઠવાડિયા પછી, બીજા રવિવારે એ જ ટાઈમે નવ વાગે ફોન રણક્યો. માધુરીનો ભાઈ મધુકર ફોનની બાજુમાં બેઠો હતો, તેણે ફોન ઉપાડ્યો, ‘હેલો…’

સામેથી ઘોઘરો આવાજ, ‘માધુરીને આપો ને પ્લીઝ, હું તેનો મિત્ર ચેતન બોલું છું.’

મધુકરે માધુરીને બોલાવીને કહ્યું, ‘લે, કોઈ ચેતનનો ફોન છે.’

માધુરીને પહેલો રવિવાર એકાએક યાદ આવી ગયો. તે જરા ભય પામી ગઈ, છતાં બોલી, ‘હેલો…’

સામેથી ચેતનનો ભારેખમ અવાજ સંભળાયો, ‘હાય માધુરી, હું ચેતન. ઓળખ્યો ને ? તારી સાથે વાત કર્યે એક અઠવાડિયું થઇ ગયું. તારા વિરહમાં અઠવાડિયું બહુ લાંબુ લાગ્યું. પણ તને દૂરથી જોઈને સંતોષ માની લઉં છું. તું સાંભળે છે ને માધુરી ? તું મને રોજ સ્વપ્નામાં આવે છે. મારી સામે જોઈને મુસ્કુરાય છે, અને શરમાઈને નેત્રો ઢાળી દે છે. મધુ, કંઇ બોલ તો ખરી !’
માધુરીને થયું કે હવે વધુ સાંભળવાની તેનામાં હિંમત રહી નથી. તેણે રીસીવર મૂકી દીધું, અને લમણે હાથ દઈને બેઠી, ‘જરૂર કોઈ ટેલિફોન રોમિયો પાછળ પડી ગયો છે. મારું નામ, ઠામ, ફોન નંબર ગમે તે રીતે શોધી કાઢ્યું છે, અને ફાવે તેમ બકવાસ કરી રહ્યો છે.’

આજે ત્રીજો રવિવાર હતો. અને પાછલા બે રવિવારની જેમ જ સવારે બરાબર નવ વાગે ફોન આવ્યો હતો. છાપામાં અવારનવાર આવતા કિસ્સાઓ જેવી જ બીના માધુરીના જીવનમાં બની રહી હતી. આજે તો વળી તે રૂબરૂ મુલાકાત માગતો હતો ! માધુરી વિચારવા લાગી, ‘શું કરવું ? આ બાબતની ઘરમાં મમ્મીપપ્પાને વાત કરવી ? કે પછી કોઈ બહાનું કાઢી ચાર વાગે ચૂપચાપ ઓમકારેશ્વર પહોંચી જવું અને ચેતનને ‘સીધો’ કરવો ? કે પછી ત્યાં જવું જ નહિ. મમ્મીપપ્પાને જો જણાવી દઉં તો તેઓ ટેલિફોન ખાતા મારફતે, ‘ચેતન ક્યાંથી ફોન કરે છે’ તે જાણવા માટે ગુપ્ત યોજના ગોઠવે, કદાચ બીજા માણસોને પણ આની જાણ થાય, અને નકામી ‘હોહા’ થઇ જાય. એના કરતાં આજે ઓમકારેશ્વર જઈને વાતનો ફેંસલો લાવી દેવાનું ઠીક રહેશે.’ એમ વિચારી, તેણે કામમાં પરાણે મન પરોવીને ચાર વાગ્યા સુધીનો સમય પસાર કરી નાખ્યો.

બરાબર ચાર વાગે તૈયાર થઈને ‘મમ્મી, હું જરા મારી બહેનપણી મનસ્વીને ત્યાં જઈને આવું છું.’ એમ કહીને નીકળી પડી. ઓમકારેશ્વર પાંચ જ મિનિટના રસ્તે હતું. મનમાં મૂંઝાતી અને પોતાની જાતને હિંમત આપતી તે ઓમકારેશ્વર પહોંચી. તો ત્યાં લીલા રંગનું શર્ટ, કાળું પેન્ટ અને ગોગલ્સવાળું કોઈ ઉભુ ન હતું ! માધુરી સહેજ હરખાઈ, ‘ડરી ગયો લાગે છે. પોતાની ફજેતી થવાના ભયે આવ્યો જ નહિ. આવા માણસો ફોન પર બકવાસ કર્યા કરે, પણ સામે આવતાં ગભરાય.’ આમ વિચારતી ઉભી હતી, તેવામાં પાછળ નજીકથી જ અવાજ આવ્યો, ‘માધુરી’

માધુરી ચમકી, ‘હેં, આવ્યો કે શું ?’ પણ આવનારે લીલું શર્ટ, કાળુ પેન્ટ અને ગોગલ્સ નહોતાં પહેર્યાં. અરે, આ તો મનન હતો ! માધુરી મનનને ઓળખાતી હતી. તે તેની સોસાયટીમાં જ રહેતો હતો. માધુરીથી તે બેએક વર્ષ મોટો હતો. માધુરી ભણતી હતી ત્યારે, ક્યારેક તેની પાસે શીખવા પણ જતી હતી.

મનન બોલ્યો, ‘માધુરી, તું અહીં ક્યાંથી ? અહીં ઉભી ઉભી શું કરે છે ?’

માધુરી જરા થોથવાઈ. તેણે ગપ્પું માર્યું, ‘કંઇ નહિ, આ તો જરા બજારમાં ઉનનો ભાવ પૂછવા નીકળી હતી. પછી થયું કે મનસ્વીને ત્યાં જઈ આવું. જવું કે ના જવું એના વિચારમાં ઉભી હતી. હવે એમ થાય છે કે નથી જવું. પણ તું અહીં ક્યાંથી ?’

મનન બોલ્યો, ‘લે, તને ખબર નથી ? આપણે બંદાએ તો દર રવિવારે ઓમકારેશ્વરનાં દર્શને આવવાનું નક્કી કર્યું છે.’ પછી હસતાં હસતાં બોલ્યો, ‘ભગવાન રીઝે તો કોઈ છોકરી જલ્દી મળી જાય ને ? મારી મમ્મીને મને પરણાવી દેવાની હવે ઉતાવળ આવી ગઈ છે. ચાલ, ઘેર નથી આવવું ?’

દર્શન કરી બંને જણ ઘરે પહોંચ્યાં. માધુરી વિચારી રહી, ‘મનન કેવો સરસ નિર્દોષ છોકરો છે ! અને પેલો ટેલિફોનિયો ચેતન ! સામે મળે તો એક ચંપલ જ ફટકારી દઉં. આજે તો આવ્યો નહિ, ફોસી !’

માધુરીને હવે કોલેજ તો જવાનું હતું નહિ, બીજે દિવસે સોમવારે જમી પરવારીને માધુરી સોફામાં આડી પડીને ‘વુમન્સ એરા’નાં પાનાં ઉથલાવી રહી હતી, તેવામાં ફોન રણક્યો, ‘હેલો, કોણ ?’ પેલો ઘોઘરો અવાજ, ‘માધુરી, હું ચેતન.’

ચેતન ગઈ કાલે આવ્યો નહિ, એટલે માધુરી નિરાંત અનુભવતી હતી. પણ પાછી તેના ફોનથી ભય અનુભવવા લાગી. આ માણસ પીછો છોડતો ન હતો. ઘોઘરો આગળ બોલ્યો, ‘માધુરી, ગઈ કાલે હું લીલું શર્ટ, કાળુ પેન્ટ અને ગોગલ્સ પહેરીને જ આવ્યો હતો, અને અંદરના એક થાંભલા પાછળ છુપાઈને બેઠો હતો. કદાચ તું તારા ભાઈ, પપ્પામમ્મી કે અન્ય માણસોને લઈને આવે અને મારી ધોલાઈ કરી નાખે તો ? હું તારી ગતિવિધિ નિહાળતો હતો, એટલામાં પેલો મનન ટપકી પડ્યો, અને તું તેની જોડે જતી રહી. મારી મનની મનમાં રહી ગઈ. પણ એ મનનીયાને હું જોઈ લઈશ. બાય ધ વે, હવેનો પ્રોગ્રામ સાંભળી લે. આવતા રવિવારે ફરી આ જ જગાએ એ જ ટાઈમે આવી જજે. મારું ઓળખાણ એનું એ જ. સમજી ?’ ચેતને જ ફોન કાપી નાખ્યો.

ચેતન હદ કરતો હતો. હક જમાવતો હતો. માધુરી જાણે એની ગુલામડી હોય એ રીતે વર્તતો હતો. મનન વિષે પણ તેણે માહિતી મેળવી લીધી હતી. ‘કંઇ નહિ, હું પણ તેને જોઈ લઈશ.’ એમ વિચારી માધુરીએ અઠવાડિયું પસાર કરી નાખ્યું,

અને પછીના રવિવારે ચાર વાગે તે ઓમકારેશ્વર પહોંચી. તેણે તેનો મનપસંદ લાલ-લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો. જઇને બાંકડા આગળ ઉભી રહી. ચેતન ક્યાંય દેખાતો ન હતો. એટલામાં મનન આવી પહોંચ્યો. તે સફેદ શર્ટ અને એશ કલરનું પેન્ટ પહેરીને આવ્યો હતો. આ ડ્રેસમાં તે સોહામણો લાગતો હતો. માધુરી તેને જોઈને મુશ્કુરાઈ અને બોલી, ‘તારાં દર રવિવારનાં મહાદેવજીનાં દર્શન ચાલુ જ છે ? મહાદેવ રીઝ્યા કે નહિ ?’

મનન બોલ્યો, ‘મારું તો થતાં થશે, પણ તારી વાત કર. તેં દર રવિવારે અહીં આવવાનું ગોઠવ્યું લાગે છે. આજે ય મનસ્વીને ઘેર જવાની ગડમથલમાં પડી છે કે શું ? કે પછી…..અહીં કોઇકની રાહ જુએ છે ?’

માધુરીને ચેતન યાદ આવી ગયો. મનનની નિખાલસ વાતોથી તેને તેના પર ભરોસો પડ્યો. તેને થયું કે ‘આજે ય મનનની આગળ કોઇક ગપ્પું મારવું પડશે. પણ એને બદલે તેને સાચી વાત કહી દઉં તો કેવું ? કદાચ આ મામલામાં તે મને મદદરૂપ પણ થાય. આમે ય મનન સારો અને વિશ્વાસુ તો છે.’

માધુરીનું મન મનન પ્રત્યે અજાણ્યે ઢળતું જતું હતું. એણે જવાબ આપ્યો, ‘મનન, સાચે જ હું અહીં કોઇકની રાહ જોતી ઉભી છું.’

મનન ચમક્યો, હેં, ખરેખર ? કોણ છે એ ?’ પછી ધીમેથી બોલ્યો, ‘એ ય, છોકરી છે કે પછી છોકરો ?’

માધુરી બોલી, ‘છોકરો છે. નામ એનું ચેતન છે.’

મનન બોલ્યો, ‘એમ ? તો કહેતી કેમ નથી ? વાત ક્યાં સુધી પહોંચી ? લગ્નનું ક્યારે નક્કી કરો છો ?’

માધુરી બોલી, ‘મનન, તું ધારે છે એવું કંઇ નથી. હકીકતમાં મેં એ ચેતનને હજુ જોયો પણ નથી. પણ જો સામો મળી જાય તો મારી આ ચપ્પલ અને તેનું માથું. બરાબરનો ધીબી નાખું.’ એમ કહીને માધુરીએ મનનને છેલ્લા એક મહિનાથી શું બની રહ્યું છે તેની વિગતવાર વાત કહી દીધી. વાત કરતાં તેની આંખમાં આંસુ ધસી આવ્યાં.

મનન ગંભીર બની ગયો. તેણે માધુરીને આશ્વાસન આપ્યું, અને હિંમત રાખવા કહ્યું. તથા જરૂર પડ્યે પડખે ઉભા રહી મદદ કરવાનું વચન પણ આપ્યું. દર્શન કરી બંને ઘેર ગયાં. માધુરીને હવે એક ટેકેદાર મળ્યો હતો. તેનામાં હિંમત આવી ગઈ. સાથોસાથ મનન નામની એક વ્યક્તિ તેના હૃદયમાં ગોઠવાતી જતી હતી. તેને મનન માટે માન ઉપજ્યું, શ્રદ્ધા પ્રગટી. જાણેઅજાણ્યે પણ તેનું દિલ મનન તરફ ઢળી રહ્યું હતું. કદાચ એ મનનને પ્રેમ કરવા લાગી હતી.

બીજે દિવસે ચેતનનો ઘોઘરો ફોન આવ્યો, ‘માધુરી, ધીસ ઇઝ વેરી બેડ. આ વખતે પણ તું મનનને લઈને આવી, અને મારે છૂપાઈ રહેવું પડ્યું. પણ હું તને છોડવાનો નથી. હું તને ચાહું છું. તારે મારા પ્રેમનો સ્વીકાર કરવો જ પડશે.’ માધુરીએ રીસીવર મૂકી દીધું.

હવે શું કરવું ? તેણે તક મેળવીને મનનને વાત કરી. મનને કહ્યું, ‘તું ચેતનની ચિંતા છોડી દે. હું છું ને તારી સાથે. હું એ ચેતનને પાતાળમાંથી યે શોધી કાઢીને તારી સામે હાજર કરીશ. પછી છે કંઇ ?’

માધુરીને થોડી ટાઢક વળી. હવે તેની મનન સાથેની મુલાકાતો વધવા માંડી. બંને એકબીજાને ચાહતાં થઇ ગયાં. ચેતનનો કોઇક વાર ફોન આવતો હતો. પણ હવે માધુરીને તેની બહુ ચિંતા નહોતી થતી. મોજમસ્તીમાં દિવસો પસાર થતા હતા.

એક વાર મનન અને માધુરી બગીચામાં બેઠાં હતાં. મનને પૂછ્યું, ‘માધુરી, એ ચેતનનો અવાજ કેવો છે ?’ માધુરીએ કહ્યું, ‘ઘોઘરો અને ભારેખમ. જાણે આપણને ડરાવતો હોય એવો લાગે.’

મનને કહ્યું, ‘તું એના જેવો અવાજ કાઢી બતાવ ને ?’

માધુરીએ ઘોઘરા અવાજે બોલવા પ્રયત્ન કર્યો, પણ બરાબર ફાવ્યું નહિ.

મનન કહે, ‘ચાલ, હવે હું એવો ભારેખમ અવાજ કાઢવા પ્રયત્ન કરું. જોજે હોં, ડરી ના જતી.’ એમ કહી મનને ભારેખમ અવાજથી બોલવાનું શરુ કર્યું, ‘એ ય, માધુરી…’

માધુરીએ કહ્યું, ‘બરાબર ચેતન જેવો અવાજ નથી. મનને ફરી પ્રયત્ન કર્યો. માધુરીને લાગ્યું, ‘હા, હવે તારો અવાજ ચેતન જેવો લાગે છે ખરો.’

આવાં બધાં ટોળટપ્પામાં થોડા દિવસ પસાર થઇ ગયા. વળી પાછો એક દિવસ ફોન આવ્યો, માધુરીએ ઉપાડ્યો, ‘હેલો..’
સામેથી એ જ ઘોઘરો અવાજ, ‘હેલો, હું ચેતન. માધુરી, તું પેલા મનનીયા પાછળ પડી ગઈ છું. તેની મને ખબર છે.’

માધુરી સાંભળીને ડરી ગઈ, તથા ચૂપચાપ ફોનનું રીસીવર પકડીને ઉભી રહી. તરત જ સામેથી મનનનું ખડખડાટ હાસ્ય તથા સૌમ્ય અવાજ સંભળાયો, ‘કેમ, ડરી ગઈ ને ?’

માધુરી હસી પડી, ‘લુચ્ચા, ચેતન જેવો અવાજ કાઢીને મને ડરાવી દીધી. પણ મનન, હવે આવી મજાક ના કરતો. મને ચેતનનો ડર લાગે છે.’

મનન કહે, ‘ભલે બસ, હવેથી મજાક નહિ કરું. હવે, આજનો તારો શું પ્રોગ્રામ છે ? જો ફ્રી હોય તો સાંજે બગીચામાં આવ ને ?’
માધુરી કહે, ‘હા, સાંજે ચાર વાગે મળીએ. અને મનન, હવે એ ચેતનનો કાંટો કાઢી નાખવાનો પ્લાન પણ બનાવીએ.’

સાંજે તેઓ બગીચામાં મળ્યાં. માધુરી કહે, ‘મનન, હું તને ખૂબ ચાહું છું. તારા વગર રહી શકું તેમ નથી.’

મનન બોલ્યો, ‘ માધુરી, તને મારામાં એટલો બધો વિશ્વાસ છે ? હું સ્વાર્થી હોઉં, જુઠ્ઠો હોઉં તો પણ ?’

માધુરીએ મનનના હોઠ પર હાથ મૂકી દીધો, ‘બસ બસ, મનન, હવે કંઇ બોલીશ નહિ. તું જેવો છું, તેવો મારો જ છે. તને હું ક્યારે ય છોડીશ નહિ. બાકી રહી ચેતનની વાત. હવે જો ચેતનનો ફોન આવશે તો આપણે બંને સાથે તેને મળવા જઈશું. તું છુપાઈને રહેજે. હું એકલી જ ઉભી રહીશ. ચેતન આવે એટલે યોગ્ય સમયે તું પ્રગટ થજે.’

જોગાનુજોગ તે જ દિવસે માધુરી પર ચેતનનો ઘોઘરો ફોન આવ્યો, ‘માધુરી, તું મનનીયાને બગીચામાં પણ મળવા માંડી ? હવે જો તું મને એકલી નહિ મળે તો તને આખી ને આખી ઉપાડી જઈશ. આવતી કાલે રવિવાર છે. સાંજે ચાર વાગે ઓમકારેશ્વર આવી જજે.’

માધુરીને થયું, ‘બસ, આ વખતે ચેતનની વાર્તાનો અંત આવી જશે.’

બીજે દિવસે સાંજે ચાર વાગે માધુરી અને મનન બંને ઓમકારેશ્વર જવા નીકળ્યાં. મંદિર નજીક આવ્યું એટલે માધુરીએ કહ્યું, ‘મનન, તું ક્યાંક છુપાઈ જા. આજે હું એકલી ઉભી રહીને ચેતનની રાહ જોઇશ. આશા રાખું કે ચેતન મારી સામે આવીને ઉભો રહે.’     પણ મનન ત્યાંથી ખસ્યો નહિ. તથા છુપાઈ જવાની કોઈ ચેષ્ટા કરી નહિ.

માધુરીએ ફરીથી કહ્યું, ‘તું સંતાઈ જા ને ? તને જોઈને ચેતન મારી સામે આવશે નહિ. મને તેની રાહ જોવા દે.’

મનને કહ્યું, ‘માધુરી, હવે ચેતનની રાહ જોવાની જરૂર નથી. ચેતન તારી સામે જ ઉભો છે.’

માધુરીએ કહ્યું, ‘ક્યાં છે ? ક્યાં છે ? બતાવ જલ્દી.’

મનન બોલ્યો, ‘માધુરી, હું જ ચેતન છું. હું જ તને ચેતનના નામે ફોન કરતો હતો.’

માધુરી કહે, ‘ચાલ, મજાક છોડ, અને વાસ્તવિકતા પર આવ.’

મનન બોલ્યો, ‘હું સાચું કહું છું. માધુરી, હું જ ચેતન છું.’

હવે માધુરી ગંભીર બની ગઈ. તે દિગ્મૂઢ બની ગઈ. થોડી વાર તો અવાક થઇ ગઈ. પછી રોઈ પડી. અને મનનની છાતીમાં મૂઠ્ઠીઓ મારતાં બોલી, ‘મનન, તેં આ શું કર્યું ? તું મારો થઈને મારી લાગણીઓ પ્રત્યે આટલો કઠોર કેવી રીતે બની શક્યો ? કહી દે કે તું ચેતન નથી.’

મનન બોલ્યો, ‘મને માફ કરી દે, માધુરી, તને હું ઘણા વખતથી ચાહતો હતો. તને મારી બનાવવા ઇચ્છતો હતો. પણ તારી સમક્ષ મારી લાગણી રજૂ કરતાં ડરતો હતો. કદાચ તું ના પાડી દે તો ? જો એમ થાત તો મારું હૃદય ચૂરચૂર થઇ ગયું હોત. આથી મેં ખોટો રસ્તો અપનાવ્યો. એમ કરતાં હું તારા દિલને પામી શક્યો છું. હવે તારે મને અપનાવવો કે ઠુકરાવવો તે તારા હાથમાં છે.’

માધુરી થોડી શાંત થઇ. મનન પ્રત્યે ગુસ્સો આવતો હતો, પણ દિલ તેને છોડી દેવાની ના પાડતું હતું. થોડી વાર સુધી તે મૂગી થઇ ગઈ. અંતે, દુનિયામાં બધે બને છે તેમ, પ્રેમનો વિજય થયો. તે મનનનો હાથ હાથમાં લઇ બોલી, ‘મનન, તને આટલી વખત માફ કરું છું. પણ ફરી કોઈ વાર ચેતન બનીને આવતો નહિ.’ મનન હસ્યો, ‘અરે ગાંડી, તું મારી બની છો, પછી એ ઘોઘરાની શું જરૂર છે ?’ અને આગળ બોલ્યો, ‘બાય ધ વે, હવે આપણે ક્યારે મળીશું ?’

માધુરી બોલી, ‘લુચ્ચા, તારા આ ‘બાય ધ વે’ માં હું ફસાઈ ગઈ.’ અને બંને હસી પડ્યાં.

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. • » નટખટ સોહમ રાવલ « •
  જૂન 25, 2012 @ 08:57:07

  સરજી,

  આપે લખેલ વાર્તા સસ્પેન્સથી ભરેલી છે. જોકે અડધી વાર્તા વાંચ્યા પછી ભવિષ્યકાળનો થોડોક-થોડોક અંદાજો આવી ગયેલો, છતાં પણ સરસ નવલિકા. વાંચવાની મજા આવી.

  જવાબ આપો

 2. yuvrajjadeja
  સપ્ટેમ્બર 07, 2012 @ 09:07:03

  સરસ વાર્તા

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: