ભુજનું હમીરસર તળાવ

ભુજનું હમીરસર તળાવ

     આ સાથે મૂકેલા બે ફોટા જુઓ. બંને ફોટા ભુજના હમીરસર તળાવના છે. ભુજ એટલે કચ્છ જીલ્લો. સામાન્ય રીતે ભુજમાં વરસાદ બહુ જ ઓછો પડે છે, એટલે ભુજનું આ તળાવ બહુ ભરાય નહિ. બહુ બહુ તો ચોમાસામાં તળાવમાં પાણીની સપાટી વધે, પણ બાકીના સમયે તો પાણી ઓછું થઇ જાય. પહેલો ફોટો તળાવની સામાન્ય સ્થિતિનો છે. પણ ગઈ સાલ ૨૦૧૧માં કચ્છમાં વરસાદ બહુ જ પડ્યો, ભુજનું આ તળાવ છલકાઈ ગયું, અને તળાવ ફરતે બાંધેલા કોટમાંથી બહાર આવીને રોડ પર પણ વહેવા લાગ્યું. બીજા ફોટામાં ઓવરફલો થયેલું તળાવ, કોટ અને કોટની બહાર રસ્તા પર વહેતા પાણીનું દ્રશ્ય છે. બહાર પણ જાણે કે તળાવ જ હોય એવું લાગે છે. ભુજના લોકો માટે આ બહુ નવું દ્રશ્ય હતું. લોકોએ તે માણ્યું અને તકલીફો પણ ભોગવી.

થોળ તળાવ

                                                   થોળ તળાવ

અમદાવાદથી આશરે વીસેક કિલોમીટર દૂર આવેલું થોળ તળાવ એક જોવા જેવી જગા છે. તળાવની ઉંચી પાળ પર ઉભા રહીને તળાવ સામે નજર નાખો તો એમ જ લાગે કે જાણે પાણીનો એક સાગર લહેરાતો હોય. તળાવ એટલું બધું મોટું છે કે સામો કિનારો દેખાય જ નહિ. અને એટલું બધું ઉંડુ છે કે ક્યાંયથી તળાવમાં ઉતરાય નહિ. બીક જ લાગે. નળસરોવર મોટું છે, પણ તે છીછરું છે. નળસરોવરની જેમ અહીં પણ શિયાળામાં પક્ષીઓ ઉતરી આવે છે. તળાવની આસપાસ બાવળનાં પુષ્કળ ઝાડ છે. રંગબેરંગી પક્ષીઓ જયારે આ ઝાડોમાં બેસીને કલરવ કરતાં હોય ત્યારે એ દ્રશ્ય કેટલું અદભૂત લાગે ! એમ જ થાય કે તળાવની પાળે બેસી જ રહીએ. ક્યારેક આ તળાવનું સૌન્દર્ય માણવા જરૂર જજો. પ્રવેશ અને પાર્કિંગની ફી આપવાની હોય છે. ગાંધીનગર-સરખેજ હાઈ વે પર થલતેજ સર્કલથી રાંચરડા થઈને થોળ જવાય છે. સાણંદથી પણ થોળ જવાય છે. આ સાથે મૂકેલ થોળ તળાવનો ફોટો જુઓ.

કવિ દલપતરામનું સ્ટેચ્યુ

કવિ દલપતરામનું આ સ્ટેચ્યુ, તેમના ઘર આગળ, લંબેશ્વરની પોળમાં, (કાલુપુર સ્વામીનારાયણ મંદિરની નજીક) મૂકેલું છે.