દુનિયાનું મશહૂર થીયેટર કોલોસીયમ

દુનિયાનું મશહૂર થીયેટર કોલોસીયમ(Colosseum) 

         દુનિયાની સાત અજાયબીઓ ખૂબ પ્રખ્યાત છે અને તેના વિષે બધા જ જાણે છે. એમાં મધ્ય યુગની સાત અજાયબીઓમાં રોમ શહેરના એક ભવ્ય મોટા થીયેટર કોલોસીયમને સ્થાન મળેલ છે. ઇ.સ. ૨૦૦૭માં નક્કી કરાયેલ આધુનિક યુગની સાત અજાયબીઓના લીસ્ટમાં પણ કોલોસીયમનો સમાવેશ થયેલો છે. ઈસ્વી સનની પહેલી સદીમાં બનેલું કોલોસીયમ, થોડીક તૂટેલી હાલતમાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે. અને દર વર્ષે લાખો લોકો એ જોવા માટે રોમ શહેરમાં આવે છે. અહીં આપેલી તેની તસ્વીરો જોઈને એમ થશે જ કે રોમન લોકોએ ભૂતકાળમાં કેવું ભવ્ય બાંધકામ કર્યું છે !

રોમ એ ઈટાલી દેશનું જૂનું અને પ્રખ્યાત ઐતિહાસિક નગર છે. ઈટાલી દેશ યુરોપ ખંડમાં આવેલો છે. રોમન સમ્રાટો જૂના જમાનામાં ઘણાં યુધ્ધો લડ્યા હતા, અને જીત્યા હતા. આજે તમે રોમ શહેરની પેનોરમિક મુલાકાતે નીકળો તો આખા શહેરમાં ઠેર ઠેર સમ્રાટો અને સૈનિકોનાં સ્મારકો, ખંડેર મહેલો અને એવું બધું ઘણુ જોવા મળશે.

આવા રોમ શહેરમાં વેસ્પાસીયન નામના સમ્રાટે ઇ.સ. ૭૨માં (એટલે કે આજથી ૧૯૪૦ વર્ષ પહેલાં) શહેરની મધ્યમાં કોલોસીયમ નામના થીયેટરનું બાંધકામ શરુ કરાવ્યું હતું, અને ૮ વર્ષ બાદ, ઇ.સ. ૮૦ની સાલમાં તેનું બાંધકામ પૂરું થયું હતું. આ થીયેટર, નીરો ધી કોલોસીસ નામના રાજાના ૩૫ મીટર ઉંચા પૂતળાની બાજુમાં જ બનાવાયું હતું, તે રાજાના નામ પરથી આ થીયેટરનું નામ કોલોસીયમ રાખવામાં આવ્યું હતું. આજે જો કે પેલા રાજાનું પૂતળું નાશ પામ્યું છે.

કોલોસીયમ એ એક પ્રકારનું થીયેટર છે. થીયેટર શબ્દથી તેને આપણાં આધુનિક સિનેમાઘરો જેવું નાનુ થીયેટર ના સમજતા. આ થીયેટર ૫૦,૦૦૦ પ્રેક્ષકોને સમાવે એટલું મોટું છે. કદાચ તેને આપણાં અત્યારનાં ક્રિકેટનાં સ્ટેડિયમ જોડે સરખાવી શકાય. રોમન સામ્રાજ્યનું આ સૌથી મોટું બાંધકામ છે. એ જમાનામાં તેનો ઉપયોગ જાહેર કાર્યક્રમો માટે થતો.

કોલોસીયમ કુલ ચાર માળનું છે, અને ગોળાકારમાં બનાવેલુ છે. જો કે તે સંપૂર્ણ ગોળાકાર નથી, પણ થોડું લંબગોળ છે. તેની લંબાઈ ૧૮૯ મીટર તથા પહોળાઈ ૧૫૬ મીટર છે. ચારે માળની થઇ કુલ ઉંચાઈ ૪૮ મીટર છે. (આશરે ૧૫ માળના મકાન જેટલી). તેનો પરિઘ એટલે કે ઘેરાવો ૫૪૫ મીટર છે. તેની ઉંચાઈ અને વિશાળ ઘેરાવાને લીધે, બહારથી જોતાં તે ખૂબ ભવ્ય લાગે છે. બહારથી જોઈને જ એમ લાગે કે આપણે દુનિયાની કોઈ અદભૂત ચીજ જોઈ રહ્યા છીએ. કોલોસીયમ કુલ ૬ એકર(૨૪૦૦૦ ચોરસ મીટર) જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. ઇ.સ. ૩૧૫ માં એક યુધ્ધ વિજયના માનમાં ૨૫ મી ઉંચી એક કમાન કોલોસીયમની બાજુમાં બનાવવામાં આવી છે.

તે જમાનામાં, કોલોસીયમના અંદરના વચલા ભાગમાં જાહેર કાર્યક્રમો અને રમતો યોજાતાં. વચલા આ ભાગને એરીના કહેવાય છે. એરીનાની ફરતે પાંચ મીટર ઉંચી દિવાલ અને પછી, તેની ઉપર પ્રેક્ષકો માટેની બેઠકો શરુ થતી. પ્રેક્ષકોમાં રાજા અને વીઆઈપી લોકો પહેલા માળની સગવડદાયક બેઠકો પર બેસતા. જાણે કે ફર્સ્ટ ક્લાસની સીટો ! અને પછી, ઉતરતી પાયરીના ક્રમમાં ઉપરના માળોમાં બેસવાનું, છેલ્લે સામાન્ય પ્રજાને છેક ઉપરના માળે બેસવાની પ્રથા હતી. સૈનિકો, ધર્મગુરુઓ અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ બેસવાની વ્યવસ્થા હતી. સ્ત્રીઓને પણ થીયેટરમાં પ્રવેશ મળતો. પ્રેક્ષકો પર વરસાદ કે તાપ ન પડે તે માટે ઉપર, દિવાલની ધારે કેનવાસનું મજબૂત કપડું બાંધવામાં આવતું.

માણસો ઝડપથી થીયેટરમાં અંદર જઈ શકે તથા બહાર આવી શકે એ હેતુથી થીયેટરની દિવાલમાં ફરતે ૮૦ પ્રવેશદ્વાર રાખેલાં હતાં. રાજા અને મહત્વના માણસો માટે ખાસ અલાયદું પ્રવેશદ્વાર હતું. ઉપરના માળે જવા માટે અંદર ઘણી સીડીઓ હતી. (એ જમાનામાં લિફ્ટ તો ક્યાંથી હોય ?) બીજા અને ત્રીજા માળનાં કમાનાકાર પ્રવેશદ્વારો પૂતળાંથી સજાવાયાં હતાં. કોલોસીયમમાં પ્રવેશ દરેકને મફત હતો.

ખાસ તો અંદર કેવી જાતની રમતો રમાતી અને કેવા કાર્યક્રમો થતા, એ જાણવા જેવું છે. પ્રોગ્રામ હોય એ દિવસે, શરૂઆતમાં તો સામાન્ય રમતો રમાય, નાટકો ભજવાય અને પછી ડરામણી, ભયાનક અને ક્રૂર રમતો શરુ થાય. રમતોમાં અંદર ચિત્તો, સિંહ, હાથી, રીંછ, વાઘ, મગર અને જિરાફ જેવાં પ્રાણીઓ પણ લાવવામાં આવે, પ્રાણીઓ વચ્ચે લડાઈ થાય, જોરાવર પ્રાણી નબળા પશુને પ્રેક્ષકોની સામે જાહેરમાં ફાડી ખાય, ક્યારેક જીવતા માણસને સિંહ જેવા શીકારી પ્રાણીની સામે ઊંચકીને ફેંકવામાં આવે અને સિંહ માણસને મારી નાખે, માણસો માણસો વચ્ચે પણ લડાઈ ખેલાય અને તેમાં પણ કોઈકનો જાન જાય-આવી ક્રૂર રમતો રમાતી. જાણે કે જિંદગીની કોઈ કિંમત જ નહિ ! પ્રેક્ષકગણ આવી ક્રૂરતાનો આનંદ માણે, ચીચીયારીઓ પાડે અને બૂમાબૂમ કરી મૂકે. વચ્ચેનું મેદાન લોહીથી રંગાઈ જાય તો તેના પર કોરી રેતી નાખી રમતો આગળ ચાલે. (આને રમતો કહેવાય ખરી ?) રમતો એક કે વધુ દિવસ સુધી પણ ચાલે.

રમતોમાં જે માણસો ભાગ લેતા તે ગ્લેડીયેટર કહેવાતા. આવા માણસોમાં સામાન્ય રીતે ગુલામો, લડાઈમાં પકડાયેલા કેદીઓ કે ગુનેગારોમાંથી હતા. ભાગ લેવામાં ક્યારેક સ્ત્રીઓ પણ હોય અને ક્યારેક સૈનિકો કે રાજા પણ હોય. ઇ.સ. ૮૦માં જયારે કોલોસીયમનું ઉદઘાટન થયું ત્યારે સતત સો દિવસો સુધી રમતો ચાલેલી અને તે દરમ્યાન ૯૦૦૦ જેટલાં જંગલી પ્રાણીઓનો ભોગ લેવાયેલો.

કોલોસીયમમાં બહારથી પ્રાણીઓ અને ભાગ લેનાર માણસોને અંદર મેદાનમાં લાવવા માટે નીચલા માળની અંદરની દિવાલમાં ઠેકઠેકાણે ટનલો બનાવેલી. અંદર રમતો માટે એલીવેટર, ગરગડીઓ, પાંજરાં અને થાંભલાઓ એવું ઘણું બધું જરૂર પડે ત્યારે ઉભુ કરી દેવાતું. કોલોસીયમની બહાર આજુબાજુ તેની સાથે જોડાયેલાં હોય એવાં મકાનો પણ બનાવાયેલાં, જેમાં પ્રાણીઓ અને લડવૈયાઓ રખાતા અને ટનલો મારફતે અંદર લવાતા. દવા અને પાટાપીંડીની સગવડ પણ અહીં ક્યારેક રખાતી.

કોલોસીયમમાં અંદર પાણી ભરી, તરવાના તથા પાણીમાં રમાતી રમતોના કાર્યક્રમો પણ થતા. જંગલ ઉભુ કરીને  શિકારના શો પણ થતા. કેદીને દેહાંતદંડની સજા પણ અહીં અપાતી. અન્ય જાહેર કાર્યક્રમો માટે પણ કોલોસીયમનો ઉપયોગ થતો. અહીં જે પ્રકારની રમત રમાતી તેના પરથી તે સમયના રાજાની સત્તા અને પ્રતિષ્ઠા નક્કી થતી.

કોલોસીયમમાં જે ક્રૂર રમતો રમાતી હતી, તે મધ્યયુગમાં બંધ થઇ. પાછળથી કોલોસીયમનો ઉપયોગ ધાર્મિક કાર્યક્રમો, વેપારઉદ્યોગ વગેરે માટે પણ થવા લાગ્યો. છઠ્ઠી સદીમાં તેમાં એક ચર્ચ બંધાયું. બેઠકોની નીચેનો વખાર જેવો ભાગ ભાડે પણ અપાતો.

ત્રીજી સદીમાં આગ લાગવાથી કોલોસીયમનો ઉપરના માળનો લાકડાનો ઘણો ભાગ બળી ગયો. ઇ.સ. ૧૩૪૯માં ભૂકંપ આવવાથી ઘણો ભાગ તૂટી ગયો. તૂટી પડેલા પથ્થરો અન્યત્ર મહેલ કે ચર્ચ બાંધવામાં વપરાયા. આમ છતાં, કોલોસીયમનું હાડપિંજર જેવું આખું માળખું લગભગ અકબંધ છે.

આજે દર વર્ષે દુનિયાના દેશોમાંથી લાખો પ્રવાસીઓ કોલોસીયમની મુલાકાતે આવે છે. પહેલાં તો બહારથી જ આવું ભવ્ય માળખું જોઈને અભિભૂત થઇ જાય છે. અંદરનો ભાગ જોવાની ફી ૧૫ યુરો(યુરોપનું ચલણ) છે. અંદર પ્રાણીઓ અને માણસોની હેરફેર માટેની ટનલો પણ તૂટીફૂટી હાલતમાં જોવા મળે છે. અંદર એક મ્યુઝીયમ પણ બનાવાયું છે.

૧૯૯૩ માં કોલોસીયમનું રીપેરીંગ હાથ ધરાયું હતું, અને તેનો ૧૯ મિલિયન ડોલર ખર્ચ થયો હતો. છતાં અંદરનો ઘણો ભાગ હજુ તૂટેલો હોવાથી હાલ તેમાં કોઈ કાર્યક્રમો યોજાતા નથી. બસ, જૂની યાદોને તાજી કરાવતું એક મજબૂત ખંડેર લોકોને આકર્ષવા માટે ઉભુ છે. કોલોસીયમને બેકઅપમાં રાખીને ક્યારેક બહાર સંગીત કોન્સર્ટ યોજાતી હોય છે. દર વર્ષે, ગુડ ફ્રાઈડેના દિવસે, પોપની આગેવાની હેઠળ એક ધાર્મિક સરઘસ અહીંથી નીકળે છે.

કોલોસીયમ એ રોમન સામ્રાજ્યની એક અદભૂત નિશાની છે. આશરે બે હાજર વર્ષથી તે ટકી રહ્યું છે, એ તેના બાંધકામની વિશેષતા છે. રોમનું એ ખાસ ટુરીસ્ટ આકર્ષણ છે. એક જમાનામાં એવું કહેવાતું કે “કોલોસીયમ ટકશે ત્યાં સુધી રોમ ટકશે, તે પડશે તો રોમ નાશ પામશે, અને રોમ પડશે તો આખી દુનિયા નાશ પામશે.” કોલોસીયમનું એટલું બધું મહત્વ હતું. ગમે તેમ હોય તો પણ તે એક અજાયબી છે.

રોમમાં એક બાજુ ક્રૂર રમતો માટે જાણીતું કોલોસીયમ છે, તો બીજી બાજુ રોમને અડીને જ આવેલા વેટીકન સીટીમાં ખ્રિસ્તી ધર્મનું સૌથી મોટું ચર્ચ તથા પોપનું નિવાસસ્થાન આવેલું છે. ધર્મનું કોઈ પણ સ્થળ સામાન્ય રીતે ક્રૂરતા અને હિંસામાં માનતુ ન હોય. આવા બે વિરોધાભાસ એક જ શહેરમાં અસ્તિત્વ ધરાવે છે એ નવાઈ લાગે છે. આપ જયારે યુરોપીય દેશોના પ્રવાસે જાવ ત્યારે રોમનાં આ બંને સ્થાન જરૂર જોજો, અને રોમન સમ્રાટોના તથા પોપના ઈતિહાસને યાદ કરજો. અમે અમારા યુરોપ પ્રવાસ દરમ્યાન કોલોસીયમ તથા વેટીકનનું ચર્ચ જોયાં હતાં, અને લોકોની ભારે ભીડ નિહાળી હતી. રોમ એક વાર જોવા જેવું તો ખરું.

લંડનની રમકડાં બનાવતી એક કંપનીએ રમકડાંની બે લાખ ઈંટોનો ઉપયોગ કરીને કોલોસીયમની એક પ્રતિકૃતિ તૈયાર કરી છે. કોલોસીયમ એવું પ્રખ્યાત નામ છે કે કોલેજના વિદ્યાર્થીઓ પોતે ઉજવતા ટેકનીકલ ઉત્સવનું નામ ક્યારેક ‘કોલોસીયમ’ રાખે છે, કોલોસીયમની ગાથા જાણતા હોય કે ન હોય તો પણ.