વાર્તા – ચોરીના ફેરા ચાર

                                                    ચોરીના ફેરા ચાર

     હર્ષ બોલ્યો, ‘હંસા, આજે મને બેહદ આનંદ છે તને પામ્યાનો’

‘મને પણ’ હંસાનો કોયલ જેવો સંગીતમય અવાજ સંભળાયો.

‘હંસા, આજે જિંદગીનું મારું એક સ્વપ્ન સાકાર બન્યું. મને મારી મનપસંદ હમસફર મળી ગઈ. એ ય હંસલી, તારું દિલ શું કહે છે ?’ હર્ષ હંસાને લાડમાં હંસલી કહીને બોલાવતો.

હંસા કહે, ‘બસ, મારું મન તલસી રહ્યું છે આબુ પર પહોંચવા અને મારા હંસમાં ખોવાઈ જવા.’

ગઈ કાલે જ હર્ષ-હંસા રંગેચંગે પરણ્યાં હતાં અને ‘મધુચંદ્ર’ માણવા આજે સવારે હિંમતનગરથી નીકળ્યાં હતાં. બપોરે અંબાજીમાં દર્શન કરી, અત્યારે સાંજે આબુ પર્વત પર પહોંચી જવા માગતાં હતાં. અંબાજીથી લક્ઝરી બસમાં બેઠા પછી, તેઓ વાસ્તવિક દુનિયાને ભૂલી, પોતાની દુનિયામાં ખોવાઈ ગયાં હતાં.

બસ પર્વત પર ચડી રહી હતી. સંધ્યા સમય થવા આવ્યો હતો. સૂર્યનાં તીવ્ર કિરણો મંદ પડી ગયાં હતાં. થોડી વાર પહેલાં દઝાડતી ગરમીને સ્થાને, પવનની ઠંડી લહેરખીઓ આવવા લાગી હતી. આમે ય પર્વત પર ઉંચે ચડતા જઈએ તેમ ગરમીનું પ્રમાણ ઓછું થતું જાય છે.

વાતોમાં ને વાતોમાં સાંજ ઢળવા આવી. આછું આછું અંધારું વૃક્ષો પર છવાવા લાગ્યું અને નવોઢા જેમ ઘુંઘટથી મુખડાને ઢાંકી દે તેમ અંધારું વૃક્ષોને ઢાંકી દેવા લાગ્યું. ઠંડકભર્યા વાતાવરણમાં હંસાને જરા ઝોકું આવી ગયું. તે હર્ષના ખભા પર મસ્તક ઢાળીને નીંદર માણવા લાગી. હર્ષ, રસ્તાની આજુબાજુ પથરાયેલી વનરાજી જોઇ રહ્યો હતો અને કુદરતી સૌંદર્યનો નિખાર માણી રહ્યો હતો. હંસાને નીંદર આવતાં, તે એકલો પડ્યો એટલે સિનેમાની પટ્ટીના ફાસ્ટ ફોરવર્ડની જેમ તેના મનચક્ષુ સમક્ષ અતીતની ડાયરીનાં પાનાં એક પછી એક ફરફરવા લાગ્યાં.

વીસ વર્ષની ઉંમરે હર્ષ બી.કોમ.માં પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થયો ત્યારે ઘરમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. માતાપિતા ખુશ થયાં હતાં અને તેના બંને નાના ભાઈઓએ પાસ થયાનો આનંદ આઈસક્રીમ સાથે માણ્યો હતો. પાંચ જણનું તેમનું કુટુંબ ખૂબ સુખી હતું. હિંમતનગર પાસે આવેલા એક ગામમાં હર્ષના પિતા અનાજનો ધંધો કરતા હતા. સૌથી મોટો પુત્ર હર્ષ, તેનાથી ચાર વર્ષ નાનો મયૂર અને સૌથી નાનો મયંક. માતાનું ધ્યાન પૂજાભક્તિમાં વધુ રહેતું.

હર્ષના એક દૂરના મામા મનુભાઈ મુંબઈમાં રહેતા હતા. મનુભાઈના ઓળખાણથી હર્ષને બી.કોમ. થયા પછી થોડા દિવસોમાં જ મલાડમાં ‘શ્રીજી કન્ટેઇનર્સ’ નામની એક કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી મળી ગઈ. હર્ષે વિલેપાર્લેમાં પોતાની એક જ્ઞાતિસંસ્થામાં રહેવાની વ્યવસ્થા પણ કરી લીધી. વિલેપાર્લેના સ્ટેશન આગળથી ઉપડતી ‘બેસ્ટ’ની એક બસ તેને મલાડમાં તેની કંપનીના દરવાજા સુધી લઇ જતી હતી.

હર્ષની એક નવી જિંદગી શરુ થઇ ગઈ. સાથે સાથે જિંદગીની કિતાબનું એક નવું પાનું પણ શરુ થયું. આ પાનાનું મુખ્ય પાત્ર હતી કેતકી. હર્ષ જે બસમાં જોબ પર જતો હતો તે જ બસમાં દરરોજ અંધેરીથી એક યુવતિ ચડતી હતી. ઓગણીસેક વર્ષની લાગતી આ નમણી, સોહામણી, નાજુક, કોમળ યુવતિને ભગવાને ખોબલા ભરીને રૂપ આપ્યું હતું. જાણે કે આરસમાં કંડારેલી પ્રતિમા ! તેના શરીરનો વાન ઉજળો હતો. તે પાતળી અને ઉંચી સુડોળ કાયા ધરાવતી હતી. ગોરા, ઘાટીલા વદન પર લીંબુની ફાળ જેવી મોટી અને સહેજ માંજરી આંખો  ચહેરાને ખૂબસુરત બનાવતી હતી. આ નયનો જેના પર ઠરે તે વગર બાણે પણ ઘાયલ થઇ જાય. તેના પરવાળાં જેવા નાજુક લાલ લાલ હોઠ જોઈને મનની પ્યાસ બુઝાવવાનું મન થઇ જાય. ટૂંકમાં, યુવતિ નખશીખ રૂપાળી હતી. બસના બધા મુસાફરોની તેના પર અચૂક નજર પડતી. હર્ષ પણ તેમાં અપવાદ ન હતો.

એક દિવસ બસમાં હર્ષની બાજુની સીટ ખાલી હતી. પેલી યુવતિ અંધેરીથી બસમાં ચડી અને હર્ષની બાજુની સીટ પર આવીને બેસી ગઈ. હર્ષને મનમાં ઘણો હર્ષ થયો. તેને તેની સાથે વાત કરવાનું ઘણું મન થયું, પણ એમ અજાણી યુવતિ સાથે વાત કેવી રીતે શરુ કરાય ? તે સ્વભાવે થોડો શરમાળ અને ઓછાબોલો હતો. પોતે હોંશિયાર અને ચપળ હતો, પણ સામી વ્યક્તિ પર પોતાની છાપ સારી જ પડે એની તે ચીવટ રાખતો. હર્ષને ઉતરવાનું આવ્યું ત્યાં સુધી તેણે કંઇ જ વાત ના કરી. બેચાર દિવસ પછી ફરી તે છોકરી તેની બાજુમાં ગોઠવાઈ. હર્ષે સ્વાભાવિકપણે જ તેની સામે જોયું. પેલી યુવતિ સહેલ મુશ્કુરાઈ. હર્ષે પણ સામું સ્મિત કર્યું. બસ, વાત શરુ કરવા માટે આટલું પૂરતું હતું. તેણે પૂછ્યું, ‘તમે રોજ આ જ બસમાં આવો છો એટલે ક્યાંક જોબ કરતા લાગો છો અથવા કદાચ છેલ્લા વર્ષમાં ભણતાં હશો.’

હર્ષની મીઠાશભરી વાત યુવતિને ગમી. તે બોલી, ‘હા, હું મલાડમાં જ સર્વીસ કરું છું. તમારું ઉતરવાનું સ્ટોપ આવે પછી મારું સ્ટોપ આવે છે. હું ‘મધુર ઇન્ડસ્ટ્રીઝ’ ની ઓફિસમાં ક્લાર્કનું કામ કરું છું.’ શું મધુર અવાજ હતો !

હર્ષે પૂછ્યું, ‘આપણે હમરાહી છીએ, એ નાતે તમારું નામ જાણી શકું ? મારું નામ હર્ષ છે’

તે બોલી, ‘મારું નામ કેતકી.’ પછી અભ્યાસને લગતી થોડી વાતો થઇ.

થોડા દિવસ પછી વળી બંને જણ એક જ સીટ પર ભેગાં થઇ ગયાં અને વાતોનો દોર આગળ લંબાતો ચાલ્યો. હર્ષે વાતવાતમાં પૂછ્યું, ‘કેતકી, તમે આટલાં સુંદર દેખાઓ છો, હોંશિયાર છો. કોઈ મનગમતા ફૂટડા યુવાન સાથે લગ્ન કરી સુખસમૃદ્ધિ ભોગવી શકો તેમ છો. તમારે આવી ક્લાર્કની નોકરી કરવાની કેમ જરૂર પડી ?’

કેતકીને પોતાની પ્રશંસા ગમી. તે બોલી, ‘આમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે.’

હર્ષ અને કેતકીનો પરિચય આ રીતે વધતો ગયો. હર્ષ પણ દેખાવડો યુવાન હતો. બંનેનો સ્વભાવ ઘણો મળતો આવતો હતો. પછી તો તેઓ રીસેસમાં પણ મળવા લાગ્યા. બંનેની ઓફિસ સાવ નજીક હતી, એટલે અનુકૂળતા રહેતી. કોઇક વાર બાજુની હોટેલમાં કોફી પીવા પણ જતાં. પરિચયમાંથી ધીરે ધીરે એકબીજાને સહાયરૂપ થવાની વૃત્તિ જાગી. લાગણીનો સંબંધ પણ શરુ થયો. હર્ષને હવે કેતકીની ગેરહાજરીમાં તેની યાદ આવવા લાગી. તેનું મોહક સ્મિત તેને ખૂબ ગમતું. કેતકી પણ હર્ષને યાદ કરી લેતી. સહવાસ વધ્યો અને કઈ ઘડીએ બંને એકબીજાને પ્યાર કરતાં થઇ ગયાં  તેની તેમને ખબર જ ના પડી. અનુકૂળ પાત્રો આમ જ પ્રેમમાં પડી જતાં હોય છે.

હર્ષ-કેતકી હવે એકબીજાથી, તેમનાં કુટુંબોથી અને સમાજથી પૂરેપૂરાં પરિચિત હતાં. બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. તેઓએ ચોક્કસ લગ્ન કર્યાં જ હોત, જો એક દિવસ……..

એ ગોઝારા દિવસે કેતકી શાકભાજી ખરીદવા બજારમાં ગઈ. ચાલતી જતી હતી અને બાજુમાંથી મ્યુનીસીપાલીટીની બસ ઝડપભેર પસાર થઇ ગઈ. શાકભાજીનો થેલો બસ જોડે અથડાયો, કેતકી ગબડી પડી અને પાછલા વ્હીલ નીચે આવી ગઈ. ત્યાં ને ત્યાં જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. એક ક્ષણમાં તો શું બની ગયું ! કેતકી હતી ન હતી થઇ ગઈ. તેનાં માતાપિતા ખૂબ રોયાં. હજુ કેતકીને પરણાવવાની હતી. કેતકીએ હજુ દુનિયા જોઇ જ ક્યાં હતી ? માબાપને મન તો તે એક ફૂલની માસુમ કળી જ હતી.

હર્ષને કેતકીના અકસ્માતની ખબર પડી, ત્યારે તેનું હૃદય ભાંગી પડ્યું. તેને કારમો આઘાત લાગ્યો. તેને લાગ્યું કે તે પોતે આ દુનિયામાં એકલો પડી ગયો છે. કેટકેટલાં અરમાન સેવ્યાં હતાં કેતકી સાથે ! ભવિષ્યની સુમધુર જિંદગીનાં કેટલાં બધાં સપનાં જોયાં હતાં ! આજે એ કેતકી નથી રહી. પાર્લેથી હવે બસમાં જતાં, બાજુની સીટ તેને ઘડીએ ઘડીએ કેતકીની યાદ અપાવે છે, તેની આંખોમાં પાણી ઉભરાઈ આવે છે. ઓફિસમાં રીસેસ સમયે હવે તેને કોફી પીવા જવાનું મન નથી થતું. બધે જ કેતકીની યાદ તેને વ્યથિત કરી મૂકે છે.

પરંતુ સમય પોતાનું કામ કર્યે જ જાય છે. તે કોઈનો રોક્યો રોકાતો નથી. અને ‘દુઃખનું ઓસડ દહાડા’. જેમ સમય પસાર થતો જાય તેમ દુઃખ વિસરાતું જાય છે. દુનિયામાં આજ સુધીમાં અબજો માણસો મૃત્યુ પામ્યાં હશે, તેમનાં સ્વજનો ઘણાં દુઃખી થયાં હશે, છતાં આજે આપણે હસતીખેલતી દુનિયા જોઈએ છીએ.

હર્ષ કેતકીને ભૂલી તો ન શક્યો, પણ તેના અવસાનનું દુઃખ ધીરે ધીરે વિસરવા લાગ્યો. રોજિંદા કામમાં મન પરોવવા લાગ્યો. આમ છતાં, હવે તેને મલાડની કંપનીમાંથી દિલ ઉઠી ગયું. તેને વતન યાદ આવવા લાગ્યું. કેતકી જતી રહેતાં અહીં મુંબઈમાં હવે રહ્યું યે શું હતું ? તેણે વતન તરફ આવી જવા નિશ્ચય કર્યો. સદનસીબે એક ઓળખાણથી તેને વતનની નજીકના એક ટાઉનમાં બેંકમાં નોકરી મળી પણ ગઈ.

હર્ષ મુંબઈ છોડીને ચાલી નીકળ્યો. મુંબઈ છોડતાં કેતકીની યાદે તેનું મન ભરાઈ આવ્યું. છતાં મન મનાવીને એણે મુંબઈને અલવિદા કહી. અહીં નવી નોકરી અને નવા વાતાવરણમાં ગોઠવાઈ ગયો. રહેવા માટે એક રૂમ ભાડે રાખી લીધી. વતન નજીક હતું એટલે વારતહેવારે જવાનું અનુકૂળ રહેતું હતું. બેંકના અન્ય કર્મચારીઓ સાથે સારું ફાવી ગયું. બેંકમાં પૂનમ કરીને એક યુવતિ જોબ કરતી હતી. હર્ષને પૂનમ સાથે પરિચય થયો. નામ ભલે પૂનમ હતું પણ તે પૂનમના ચાંદ જેવી રૂપાળી ને ઘાટીલી તો ન જ હતી. કેતકીના રૂપ આગળ તે કંઇ વિસાતમાં ન હતી. પણ પૂનમ બોલવામાં ચપળ હતી  તેને ચાંપલી અને ચિબાવલી કહીએ તો પણ ચાલે. હર્ષ સાથે વાતચીતમાં તે સહેલાઈથી ભળી ગઈ.

‘હર્ષભાઈ, તમને અહીં નવી સારી નોકરી મળી છે તેના માનમાં પાર્ટી તો તમારે આપવી જ પડે’

હર્ષ બોલ્યો, ‘મારી નોકરીને એકાદ મહિનો પૂરો થાય, પહેલો પગાર મળે પછી વિચારીશું.’

પૂનમ બોલી, ‘નક્કી, તમારા પહેલા પગારમાંથી પાર્ટી પાક્કી. અહીં બાજુમાં જ પૂનમ રેસ્ટોરન્ટ આવેલી છે તેમાં જઈશું.’

હર્ષ, ‘વાહ, શું સંજોગ છે ! તમારું નામ પૂનમ અને રેસ્ટોરન્ટનું નામ પણ પૂનમ !’

પૂનમ બોલી, ‘તમારી સરખામણી સાંભળીને મને ‘હર્ષ’ થયો.’ પૂનમ ‘હર્ષ’ શબ્દ પર ભાર મૂકીને આગળ બોલી, ‘પણ તમે હર્ષમાં એટલે કે આનંદમાં કેમ દેખાતા નથી ? જિંદગીમાં શું કોઈ મોટો દુઃખમય બનાવ બની ગયો છે ? તમારે ના કહેવું હોય તો ના કહેશો. આ તો મારી કેવળ કલ્પના જ છે.’

હર્ષને કેતકી યાદ આવી ગઈ. કેટલો બધો તફાવત હતો બંનેમાં ! કેતકી ઓછાબોલી, શરમાળ અને શાંત, જયારે પૂનમ બોલવામાં તડફડ. દુનિયામાં કેવા અલગ અલગ પ્રકારના માણસો ભગવાન સર્જે છે !

પૂનમ કુંવારી હતી. પૂનમને ખબર હતી કે હર્ષ પણ પરણ્યો નથી. પૂનમને હર્ષની પ્રકૃતિ ગમવા માંડી હતી. હર્ષને લાગ્યું કે પૂનમ ધીરે ધીરે તેના નીજી જીવનમાં પ્રવેશી રહી છે. પણ તેણે વાંધો લીધો નહિ. તેને લાગેલા ઘાને મલમપટ્ટો કરવાની જરૂર હતી જ. પૂનમનો પ્રવેશ તેને ગમવા માંડ્યો હતો. નોકરી સાથે હોવાથી પરિચય વધતો રહ્યો.

પૂનમની એક સહેલી હતી, કવિતા. શહેરના સોસાયટી વિસ્તારમાં તેનું મકાન હતું. એક વાર પૂનમે હર્ષને આમંત્રણ આપ્યું, ‘હર્ષ, બેંકમાં આપણે રોજેરોજ મળીએ છીએ, આજે હું છૂટીને મારી બહેનપણી કવિતાને ત્યાં જવાની છું, તમે પણ ત્યાં આવો, ચાપાણી કરીશું. મજા આવશે.’

હર્ષે આમંત્રણ સ્વીકાર્યું. બેંકનો સમય પૂરો થયા પછી બંને જણ કવિતાને ત્યાં ગયાં. ઘરમાં કવિતા એકલી જ હતી. તેનાં મમ્મી-પપ્પા બહારગામ ગયાં હતાં. કવિતાએ બંનેને સ્મિતથી આવકાર્યાં. ચાનાસ્તો, હંસીમજાક એમ કરીને કલાક વીતી ગયો. વાતવાતમાં પૂનમે પૂછ્યું, ‘હર્ષજી, હજુ ક્યાં સુધી કુંવારા રહેવાના છો ? કોઈ મનગમતી ચીડિયા શોધી કાઢો ને ?’

હર્ષ બોલ્યો, ‘પૂનમ, એવી કોઈ દિલમાં વસી જાય તો હું જરૂર પરણી જાઉં.’

પૂનમ કહે, ‘ઓહો ! એમાં શું મોટી વાત છે ? કહેતા હો તો ચપટી વગાડતામાં હું કન્યા શોધી આપું. અરે ! જો તમને મંજૂર હોય તો મને જ દિલની રાણી બનાવી લો.’

હર્ષને આ ફટફટ બોલતી છોકરી મજાક કરે છે કે ગંભીર રીતે બોલે છે તે સમજણ ના પડી. પછી કવિતાએ કહ્યું, ‘હર્ષભાઈ, આ મારી સહેલી ખરું જ કહે છે. તમે એને પસંદ છો. તમને એ પસંદ છે કે નહિ, એ જાણવા જ તમને અહીં બોલાવ્યા છે.’

પૂનમ પહેલી વાર શરમાઈ. હર્ષે તેની નોંધ લીધી. પણ તરત તો જવાબ ના આપ્યો. દિવસો પસાર થતા ગયા. પૂનમ હવે થોડી ગંભીર બની હતી. જવાબદારીપૂર્વક વાતો કરતી હતી. હર્ષને આ બધું ગમ્યું. તેને પૂનમ સારી લાગવા માંડી. એક દિવસ કવિતાને ઘેર તેણે પૂનમને કહ્યું, ‘પૂનમ, હું તારી સાથે લગ્ન કરવા ખુશી છું.’

પૂનમ તો આનંદની મારી ઉછળી પડી, ‘એ ય, મજાક તો નથી કરતો ને ? સાચું જ કહે છે ને ?’

‘હા, હા, પૂનમ,’ એમ કહીને તેણે આવેશમાં પૂનમનો હાથ પોતાના હાથમાં લીધો. પૂનમ પ્રસન્ન થઇ ગઈ.

હર્ષે માતાપિતાને પોતાની પસંદગી જણાવી. તેઓ તો ઇચ્છતાં જ હતાં કે હર્ષ હવે પરણીને ઠરીઠામ થાય. આથી પૂનમ અન્ય જ્ઞાતિની હોવા છતાં યે પુત્રનું મન રાખવા હા ભણી. પૂનમે પોતાનાં માતાપિતાને પૂછ્યું. બેંકમાં નોકરી કરતો છોકરો તેની મમ્મીને તો પસંદ પડી ગયો. પણ તેના પપ્પા નવનીતલાલને જ્ઞાતિબાધ નડ્યો. તેમણે ના પાડી.

પૂનમ અને હર્ષ કવિતાને ત્યાં અવારનવાર મળતાં રહ્યાં અને નવનીતલાલ ‘હા’ પાડશે, એ સધિયારે દિવસો પસાર કરતાં રહ્યાં. પૂનમે પપ્પાને સમજાવવાની કોશિષ જારી રાખી. પરંતુ અફસોસ ! હર્ષના નસીબમાં પૂનમ નહિ લખાયેલી હોય, તેથી પૂનમની તમામ કોશિષો માથે પડી.

આ બાજુ હર્ષના પિતા ઉતાવળ કરવા માંડ્યા, ‘બેટા હર્ષ, જો પૂનમ સાથે શક્ય ન હોય તો હવે તારા માટે જ્ઞાતિમાં બીજી કોઈ કન્યાની તપાસ કરીએ.’ એમ કહીને તેમણે તપાસ શરુ પણ કરી.

જોગાનુજોગ, જ્ઞાતિબંધુ જયંતિલાલ તરફથી હર્ષ માટે માગું આવ્યું. જયંતિલાલની પુત્રી હંસા, આ વર્ષે જ બી.કોમ. પાસ થઇ હતી. હર્ષ તો હજુ પૂનમ માટે રાહ જોવા તૈયાર હતો. તે પૂનમના પપ્પાને મનાવવા ઇચ્છતો હતો. પણ પિતાના આગ્રહથી, તે મનેકમને હંસા અંગે વિચારવા તૈયાર થયો. હર્ષ-હંસાની મુલાકાત ગોઠવાઈ. હંસા કેતકી જેટલી સુંદર ન હતી, પૂનમ જેવી પટપટ ન હતી, આમ છતાં, હંસામાં કંઇક એવું હતું કે સામેવાળાને જરૂર આકર્ષણ થાય. તેનામાં સંસ્કારિતા ભારોભાર હતી. ઘર ચલાવવામાં કુશળ હતી. સમાજ સાથે સંબંધ રાખવામાં વ્યવહારુ હતી. ઘર અને કુટુંબની આબરુ માટે ખૂબ સાવધ હતી. આ બધા ગુણો હર્ષને સ્પર્શી ગયા.

બીજી મુલાકાતમાં હંસાએ પૂછેલું , ‘કેમ, હું તમને ગમું એવી નથી ?’

હર્ષ આ પ્રશ્નનો જવાબ આપવામાં ગૂંચવાઈ ગયો અને બોલ્યો, ‘ના, ના, એવું નથી.’

હંસા, ‘તો કેવું છે ?’

હર્ષ, ‘બસ, તું મને પસંદ છો.’

હર્ષે હંસાને પસંદ કરી લીધી  કેતકી અને પૂનમ-એકેયની સાથે લગ્ન ના થઇ શક્યાં. કંઇક ને કંઇક કારણ તેમને એક ન કરી શક્યું. એટલે હવે હંસા માટે કોઈ કારણ ઉભુ થાય તે પહેલાં હર્ષે હંસા સાથે ઝટપટ ચોરીના ચાર ફેરા ફરી લીધા.

આબુના રસ્તે જતાં હર્ષના માનસપટ પર તેની જિંદગીની કિતાબ ઉકેલાઈ રહી હતી. હંસા હજુ તેના ખભા પર બેફિકરાઈથી નીંદ માણી રહી હતી. થોડી વારમાં તે સળવળી. હર્ષ બોલ્યો, ‘એય હંસલી, આબુ આવી ગયું. ઉઠ, જાગ, હોટેલની રૂમમાં નથી જવું ?’

હંસા સહેજ શરારતમાં બોલી, ‘જવું છે ને ? હવે તો મારો પતિ કહે તેમ મારે કરવું પડશે ને ?’

Advertisements

1 ટીકા (+add yours?)

  1. hitesh kubavat
    સપ્ટેમ્બર 18, 2012 @ 17:58:26

    sir aapeto ghana pravash karya chhe,..ane enu varnan pan khub sari rite aapo chho., pan koi ek evo pravash-anubhv varnvo ke je aapni smrutima saday annkit thay gayel hoy

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: