વાંદરાની શાળા

એક રમૂજી બાળવાર્તા – વાંદરાની શાળા

     એક જંગલ હતું. તેમાં પ્રાણીઓ તથા પક્ષીઓ શાંતિથી રહેતાં હતાં અને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં.

જંગલમાં રહેતા વાંદરાને એક વાર શાળા ખોલવાનો તુક્કો સુઝ્યો. તેને લાગ્યું કે જંગલનાં પ્રાણીઓ અને પક્ષીઓને ભણાવીએ તો બધાં હોંશિયાર બને અને તેથી માણસની જેમ પ્રગતિ કરી શકાય. આમ વિચારી તેણે શાળા ખોલવાનું નક્કી કર્યું.

એક સરસ ઝાડ નીચે કચરો વાળી, ભણવા બેસી શકાય એવી સુંદર જગા તૈયાર કરી. ઝાડના થડને બ્લેક બોર્ડ બનાવ્યું. તથા ત્યાં બે પથ્થરો ગોઠવી, ખુરસી ટેબલ બનાવ્યાં. આમ બધું ગોઠવાઈ ગયા પછી, કોયલે ઝાડની ડાળ પર બેસી સ્કુલ ખુલ્યાની મોટા અવાજે જાહેરાત કરી.

સ્કુલમાં ઘણાં પ્રાણીઓ અને પંખીઓ જોડાયાં. વાંદરાએ પાંચ કેરીની ફી રાખી હતી. સ્કુલમાં દાખલ થનારામાં ઉંટ, હાથી, કૂતરો, જિરાફ, મગર, સમડી, બગલો, કાગડો અને ઘુવડ મુખ્ય વિદ્યાર્થીઓ હતાં. બધા વિદ્યાર્થીઓ આવી ગયા એટલે વાંદરો અનુભવી શિક્ષકની જેમ પથ્થરની ખુરસી પર બેઠો.

તેણે ભણાવવાની શરૂઆત એક સુવિચારથી કરી. તેણે એ સુવિચાર બોર્ડ પર લખ્યો, “ભીરુ ન બનો” એટલે કે કોઈથી ડરો નહિ. આથી બધાં પ્રાણીઓને ઉત્સાહ આવ્યો. એટલે પછી વાંદરાએ આગળ ભણાવવાનું શરુ કર્યું. તે બોલ્યો, ‘મારા વ્હાલા વિદ્યાર્થીઓ, જ્ઞાન મેળવવું એ કંઇ એકલા મનુષ્યનો ઈજારો નથી. આજે આપણે જ્ઞાન મેળવવા એકઠા થયા છીએ, તેથી આજનો દિવસ પ્રાણીઓના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય ચંદ્ર સુધી પહોંચ્યો છે, તો હું એક દિવસ ઉંટ, હાથી, જિરાફ, કાગડા અને સમડીની મદદથી સૂર્ય પર પહોંચી શકીશ.’ આ સાંભળી, બધાં પ્રાણીઓએ વાંદરાને તાળીઓથી વધાવી લીધો. વાંદરાએ આગળ ચલાવ્યું, ‘મિત્રો, દુનિયાના બધા શિક્ષકો મૂર્ખ છે. તેઓ સવાલો પૂછીને વિદ્યાર્થીઓને મૂઝવી નાખે છે. એ પધ્ધતિને હું સુધારીને જ જંપીશ. તો મિત્રો, સૌ પ્રથમ હું તમને થોડાં ઉખાણાં પૂછું છું, તેના બરાબર વિચાર કરીને જવાબ આપજો.’

આમ કહી વાંદરાએ પહેલો પ્રશ્ન ઉંટને પૂછ્યો, ‘ઉંટનાં અઢારે અંગ વાંકાં, આ ઉખાણાનો અર્થ શું ?’ ઉંટ આવા પ્રશ્નથી નારાજ થયું. કંઈ જવાબ આપ્યા વગર વીલા મોંએ બેસી રહ્યું.

વાંદરાએ બીજો પ્રશ્ન હાથીને પૂછ્યો, ‘હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા, એટલે શું ?’ હાથીને પણ આવો અપમાનજનક સવાલ ગમ્યો નહિ. તે નિરુત્તર રહ્યો.
હવે તો બધાં પ્રાણીઓ નારાજગી દેખાડવા લાગ્યાં, પણ વાંદરાએ તો પ્રશ્નો ચાલુ જ રાખ્યા. તેણે કૂતરાને પૂછ્યું, ‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, એ કહેવત શેના પરથી પડી ?’ કૂતરો ઉંહકારો કરીને ચૂપ થઇ ગયો. વાંદરાએ મગરને પૂછ્યું, ‘મગરનાં આંસુ સારવાં એટલે શું ?’ મગરની સ્થિતિ આંસુ સારવા જેવી થઇ ગઈ.

પછી વારો આવ્યો સમડીનો. વાંદરાએ તેને પૂછ્યું, ‘સમડીના માળામાં હંમેશાં માંસ કેમ પડ્યું હોય છે ?’ સમડી પણ ચૂપ થઇ ગઈ.

પછી વાંદરાએ બગલાને પૂછ્યું, ‘બગલાભગત એટલે શું ?’ આ પ્રશ્નથી બગલાનું એકધ્યાન તૂટી ગયું. પછી વાંદરાએ સવાલ પૂછ્યો કાગડાને, ‘કાગડાની જેમ કાંવ કાંવ કરવું – આ રૂઢિપ્રયોગ ક્યારે વપરાય છે ?’ કાગડો સમસમીને બેસી રહ્યો. પછી વાંદરાએ ઘુવડને પૂછ્યું, ‘ઘુવડની જેમ રાત્રે ન દેખાય તો શું કરવું ?’

આવાં ઉખાણાં સાંભળીને બધાં જ પ્રાણીઓ નિરાશ થઇ ગયાં. પણ કાગડો જરા ચતુર હતો. તેણે વાંદરાને પૂછ્યું, ‘સાહેબ, હું એક ઉખાણું પૂછું ? સમજાવશો ?’

વાંદરો સહેજ ગંભીર થઈને બોલ્યો, ‘પૂછ, જરૂર સમજાવીશ.’

કાગડો બોલ્યો, ‘સાહેબ, વાંદરાવેડા કરવા એટલે શું ?’ આ સાંભળી વાંદરો તો ગુસ્સાથી રાતોપીળો થઇ ગયો અને કાગડાને સજા કરવાનું વિચારવા લાગ્યો.

એટલામાં, જંગલમાંથી સિંહની ત્રાડ સંભળાઈ અને સિંહ આ બાજુ આવતો દેખાયો. વાંદરો ગભરાઈ ગયો. અને સૌથી પહેલાં ઝાડ પર ચડવા લાગ્યો. ઝાડ પર ચડવા જતાં તેનો પગ, થડ પર લખેલા “ભીરુ ન બનો” સુવિચારના “ન” પર પડ્યો. એટલે સુવિચારમાંથી “ન” ભુંસાઈ ગયો.

બધાં પ્રાણીઓ પણ જીવ બચાવવા ભાગી છૂટ્યાં અને પહેલા જ દિવસે વાંદરાની શાળા બંધ થઇ ગઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: