જાંબુઘોડા અભ્યારણ્યનાપ્રવાસે

                                                         જાંબુઘોડા અભ્યારણ્યનાપ્રવાસે

જંગલો, ઝરણાં, નદીનાળાં, ધોધ, તળાવો, જૂના જમાનાના અવશેષો, મંદિરો – આ બધે ફરવાનો, રખડવાનો કેટલો બધો આનંદ આવે ! તેમાં ય વળી ચોમાસાની ઋતુ હોય, આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, ધીમો ધીમો વરસાદ પડતો હોય એવે સમયે આવાં સ્થળોએ ફરવાની મઝા કંઇ ઓર જ છે.

આવી એક ભીની ભીની સવારે અમે પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા વિસ્તારમાં વડોદરાથી ગાડી લઈને નીકળી પડ્યા. અમે કુલ છ જણ હતા. ધાબાડુંગરી, જાંબુઘોડા અભયારણ્ય, કડા ડેમ, ઝંડ હનુમાન, હાથણીમાતાનો ધોધ વગેરે સ્થળોએ જવાનો અમારો પ્લાન હતો.

સૌ પ્રથમ અમે હાલોલ થઈને ધાબાડુંગરી પહોંચ્યા. વડોદરાથી હાલોલ ૪૦ કી.મી. અને હાલોલથી પાવાગઢ તરફ ૩ કી.મી. જઈએ એટલે ધાબાડુંગરી આવે. અહીં એક ટેકરી પર હોસ્પિટલ, મંદિર તથા એક સુંદર મઝાનું પીકનીક સ્થળ ઉભુ કરેલું છે. ૬૭ પગથિયાં ઉપર ચડો એટલે પહેલાં તો હોસ્પિટલ દેખાય. અહીં રાહત દરે તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે. આજુબાજુના ગામડાંના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે. હોસ્પિટલનાં પગથિયાં આગળ સિમેન્ટ કોન્ક્રીટની એક મોટી આંખ બનાવેલી છે, એ તરત જ આપણું ધ્યાન ખેંચે છે. હોસ્પિટલની આગળ માતાજીનું મંદિર છે, બાગબગીચા છે. બાજુમાં એક સાધુ મહારાજની સમાધિ છે. આ મહારાજે સૌ પ્રથમ આ જગાએ મુકામ કરી આ સ્થળ વિકસાવ્યું છે. પાછળના ભાગમાં બદરીનાથની ગુફા છે. એની બાજુમાં સહેજ નીચે દુર્ગામાતાનું મંદિર છે. હોસ્પિટલની બાજુમાં ટ્રસ્ટની ઓફિસ તથા વિશાળ ખુલ્લી જગા છે. ઝાડો વચ્ચે આવેલું આ આખું સંકુલ બહુ જ સુંદર લાગે છે. અહીં ટેકરી પરથી આખું હાલોલ ગામ દેખાય છે. બીજી બાજુ આખો પાવાગઢ પર્વત પણ અહીંથી દેખાય છે. પાવાગઢનું આવું સુંદરતમ દર્શન તો અહીંથી જ થઇ શકે.

અહીં રસોડાની પણ વ્યવસ્થા છે. અગાઉથી નક્કી કરીને આવો તો જમવાની સગવડ પણ થઇ શકે. ગૃપમાં પીકનીક મનાવવા પણ આવી શકાય. આ જગા એટલી સરસ છે કે કલાકો સુધી અહીં બેસી રહેવાનું મન થાય. અમે લગભગ દોઢેક કલાક જેટલું અહીં રોકાયા, પછી ચાલ્યા ચાંપાનેર-પાવાગઢ તરફ. ધાબાડુંગરીથી ચાંપાનેર માત્ર ૪ કી.મી. દૂર છે.

ચાંપાનેર ગામમાં પેસતા પહેલાં એક દરવાજો આવે છે. બાજુમાં જ પાતાળ તળાવ છે. ચાંપાનેર ગામ આગળથી જ પાવાગઢ પહાડનું ચડાણ શરુ થાય છે. કાલિકામાતાનું પ્રખ્યાત મંદિર પાવાગઢની ટોચ પર આવેલું છે. તમને નવરાત્રિનો પેલો ગરબો યાદ હશે જ. ” મા પાવા તે ગઢથી ઉતર્યાં મા કાળી રે, વસાવ્યું ચાંપાનેર, પાવા વાળી રે” ચાંપાનેર ગામમાં ગુજરાતના મુસ્લીમ રાજાઓના અઢળક અવશેષો પડેલા છે. આ બધા અવશેષો ફરી ફરીને જોવા જેવા છે. યુનેસ્કોએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂક્યું છે. પણ અમે અત્યારે આ બધું જોવા રોકાયા વગર આગળ વધ્યા.

ચાંપાનેરથી ૧૩ કી.મી. જેટલું ગયા પછી શીવરાજપુર આવ્યું. અહીં મેંગેનીઝની ખાણો છે તે જોવા જેવી છે. બીજા ૧૩ કી.મી. પછી જાંબુઘોડા આવ્યું. જાંબુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જંગલો શરુ થઇ જાય છે. આ જંગલો ‘જાંબુઘોડા અભયારણ્ય’ તરીકે ઓળખાય છે. અહીં તેનું બોર્ડ મારેલું છે. આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગાએ ઝંડ હનુમાન વસેલા છે. જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે.

જાંબુઘોડા અભયારણ્યમાં દીપડો, રીંછ, શિયાળ, વરુ, હરણ વગેરે પ્રાણીઓનો વસવાટ છે. અહીં સાપ અને પાયથોન પણ જોવા મળી જાય છે. આ જંગલમાં મુખ્યત્વે ટીક, મહુડો અને વાંસનાં ઝાડ છે.

કડા ડેમ જાંબુઘોડાથી ફક્ત ૩ કી.મી. દૂર છે. રસ્તો સાંકડો અને ઠીકઠીક છે પણ ગાડી જઈ શકે એવો છે. અહીં બાંધેલા ડેમથી પાણીનું બહુ જ મોટું વિશાળ સરોવર રચાયું છે. સરોવરની બધી બાજુ જંગલો જ જંગલો છે. નિઃશબ્દ વાતાવરણ છે. ડેમ આગળ ઉભા રહીને કુદરતનો આ નઝારો જોવાનું ગમે એવું છે. ટેકરા પર વનવિભાગની ઓફિસ છે. નીચે કર્મચારીઓનાં રહેઠાણનાં થોડાં મકાનો છે. ડેમ જોવા માટે ટીકીટ રાખેલી છે પણ અહીં કોઈ પ્રવાસી ફરવા આવતા હોય એવું લાગતું નથી. ટીકીટ આપનાર પણ કોઈ હતું નહિ. એટલે અમે તો વગર ટીકીટે ડેમ જોઇ આવ્યા. ખાવાનું અમે ઘેરથી લઈને જ આવ્યા હતા, એટલે આ જગાએ વનભોજન કરી લીધું.

કડા ડેમથી પાછા આવીને અમે ઝંડ હનુમાનના રસ્તે વળ્યા. જાંબુઘોડાથી ઝંડહનુમાન ૧૧ કી.મી. દૂર છે. આ રસ્તો બહુ સારો નથી. થોડેક સુધી પાકો રસ્તો છે, પણ પછી મેટલવાળો કાચો રસ્તો અને તે પણ ખાડાટેકરાવાળો છે. આમ છતાં ગાડી જઈ શકે તેવો છે. હા, ટાયર થોડાં ઘસાય અને ગાડીના સાંધા સહેજ હચમચી જાય. ઉપરનાં જંગલોમાંથી એક નાની નદી નીકળીને ઝંડ હનુમાન તરફ વહે છે, તેને સમાંતર આ રસ્તો છે. એક જગાએ તો આ નદી, પાણીમાં થઈને ઓળંગવી પડે છે. પણ પાણી સાવ છીછરું હોવાથી, ગાડીને વાંધો નથી આવતો. આગળનો રસ્તો કાચો છે. એક જગાએ એક વિન્ડ મિલ ઉભી કરેલી જોવા મળી. તેની તાકાતથી પાણીનો પંપ ચાલતો હતો. છેવટે ઝંડ હનુમાન પહોંચ્યા.

અહીં જંગલોની મધ્યમાં, પેલી નદીના કિનારે ઝંડ હનુમાનની સ્થાપના કરેલી છે. પચાસેક પગથિયાં ચડી, હનુમાનજીની વીસ ફૂટ ઉંચી પ્રતિમાનાં દર્શન કર્યાં. ખડક પર ઉપસાવેલી સિંદૂરી રંગની આ મૂર્તિ ખૂબ જ ભવ્ય લાગે છે. ચારે બાજુ પહાડો અને જંગલો તથા વચ્ચે નદી અને આ મૂર્તિ – આ માહોલ ઘણો જ મનોહર લાગે છે. નદીના વહેણમાં ઉભા રહેવાનું ગમે એવું છે. અહીં ફળ, ફૂલ પ્રસાદ અને નાસ્તાની થોડી દુકાનો પણ છે. અમે એ લોકોને પૂછ્યું, ‘રાત્રે પણ તમે અહીં જ રહો છો ?’

તેઓ કહે, ‘ના, રાત્રે તો અમે જાંબુઘોડા જતા રહીએ છીએ.’ રોજ જાંબુઘોડાથી અહીં આવવું અને પાછા જવું કઠીન તો છે જ. રાત્રે આ બિહામણું જંગલ કેવું લાગતું હશે ? એ તો અહીં રહીએ તો જ જાણવા મળે. અમને દર્શન કરીને ખૂબ ખુશી થઇ કેમ કે હનુમાનજીની કૃપા હોય તો જ અહીં સુધી પહોંચી  શકાય અને હનુમાનજી દર્શન આપે.

આ જંગલમાં ઝંડ હનુમાનથી ૧ કી.મી. દૂર, થોડું ચડ્યા પછી ‘ભીમની ઘંટી’ તરીકે ઓળખાતી એક મોટી ઘંટી પડેલી છે. એ જોઈ આવ્યા. બે મોટા પડવાળી આ ઘંટી અહીં કેવી રીતે આવી હશે ? ભીમ પોતે લાવ્યા હશે ? આ જંગલ એ જ હિડિંબા વન છે. પાંડવો આ વનમાં ફર્યા હતા. આ વનમાં હિડિંબા નામની રાક્ષસી રહેતી હતી. ભીમ હિડિંબાને પરણ્યા હતાં, એવી કથા છે. આ ઘંટી ભીમના જમાનાની હોય એવું બને પણ ખરું. એમ પણ જાણવા મળ્યું કે વર્ષો પહેલાં આ વિસ્તારમાંથી ચૂનો મળતો હતો. તે વખતે ચૂનાની ખાણના માલિકો ચૂનો પીસવા માટે આ મોટી ઘંટી અહીં લાવ્યા હતા. પછી ચૂનો મળતો બંધ થઇ ગયો. પણ આ ઘંટી કોઈ પાછી લઇ ગયું નહિ.

ઘંટી જોઈને પાછા આવ્યા. ઝંડ હનુમાનની મૂર્તિની નજીક એક કૂવો છે. એમ કહેવાય છે કે અર્જુને દ્રૌપદીની તરસ છીપાવવા માટે આ કૂવો ખોદ્યો હતો. નદી કિનારે એક જૂનું પુરાણું શિવમંદિર છે.પણ તે બંધ હાલતમાં છે. કોઈ પૂજા કરતુ નથી. અહીં આજુબાજુના જંગલમાં ટ્રેકિંગ કરી શકાય. જંગલમાં ઘુમવાની મઝા આવે એવું છે. ઝંડ હનુમાન આગળ ઘણા પ્રવાસીઓ આવે છે. રસ્તા સારા બનાવ્યા હોય તો આ સ્થળ એક પર્યટક સ્થળ તરીકે સરસ વિકાસ પામે તેમ  છે.

પછી તો એ જ ખડખડપંચમ રસ્તે જાંબુઘોડા પાછા આવ્યા. હવે હાથણીમાતાનો ધોધ જોવા જવાનું હતું. જાંબુઘોડાથી ઘોઘંબાના રસ્તે ૧૬ કી.મી. જાવ એટલે બાકરોલ ચાર રસ્તા આવે, અહીંથી ૩ કી.મી. જાવ એટલે હાથણીમાતા ધોધ આગળ પહોંચી જવાય. પેલો ૧૬ કી.મી.નો રસ્તો એવા ગાઢ જંગલમાંથી પસાર થાય છે કે ના પૂછો વાત ! એમાં ચડાવઉતાર ઘણા આવે. રસ્તો સાંકડો, ક્યાંક તો કોતરમાં થઈને જતા હોઈએ એવું લાગે. આવી જગાએ સામેથી કોઈ વાહન આવે તો શું કરવું, એ તો કલ્પના જ કરવાની રહી. આમ છતાં, રસ્તો ગાડી જઈ શકે એવો તો છે જ. એકબે જગાએ તો ખૂબ ખાડા હતા. બાકરોલ ચાર રસ્તાથી આગળનો ૩ કી.મી.નો રસ્તો મેટલવાળો હતો એટલે અમે ગાડી અહીં મૂકી દીધી અને છકડો ભાડે કરી લીધો. હાથણીમાતાના ધોધ આગળ પહોંચ્યા.

આ ધોધમાં પાણી ભલે ઓછું હતું, પણ ધોધ ખૂબ ઉંચાઈએથી પડે છે. ધોધની ઉપર તથા પાણી જ્યાં નીચે પડે છે ત્યાં સુધી જવા માટેના રસ્તા છે, પણ તે જોખમી છે. અમે બીજા પ્રવાસીઓને છેક ઉપર સુધી ચડેલા જોયા પણ ખરા. જો કે અમે ઉપર ગયા નહિ. ફોટા પાડીને સંતોષ માન્યો. નીચવાસમાં ગુફા જેવી જગામાં જ્યાં ધોધનું પાણી પડે છે, ત્યાં આગળ ખડકનો આકાર, બેઠેલા હાથી જેવો છે તથા ત્યાં મંદિર પણ છે, એટલે આ ધોધને હાથણી માતાનો ધોધ કહે છે. અહીં હનુમાનની એક નાની મૂર્તિ પણ છે. નીચે ઉતારીને આ બધું જોવા જઈ શકાય, પણ પાણી ઓછું હોય તો જ જવાય. આ ધોધમાં ચોમાસામાં પુષ્કળ પાણી હોય ત્યારે તો અહીનું દ્રશ્ય જોવાની બહુ જ મઝા આવી જાય.

પછી અહીંથી બાકરોલ પાછા વળી, શીવરાજપુર અને હાલોલ થઇ સાંજે વડોદરા પાછા પહોંચ્યા. આજે એક જ દિવસમાં ચાર સ્થળ જોયાં, દરેક જગા જોવાલાયક છે. દરેકને પોતાની આગવી વિશિષ્ટતા છે.

જાંબુઘોડા અભયારણ્યમાં રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજોની વ્યવસ્થા છે. ચાંપાનેર અને પાવાગઢ સારી રીતે જોવું હોય તો બે દિવસ ફાળવવા જોઈએ. પાવાગઢ પર ચડતાં અડધે રસ્તે માંચી નામના સ્થળે રોકાણ માટે સરસ સગવડ છે તથા અહીંથી ઉડનખટોલા (રોપ વે) માં બેસી પાવાગઢની ટોચ સુધી જઈ શકાય છે.

7_zand hanuman4_Kada dam6_To zand hanuman5_To zand hanuman

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. gujaratisampradayo
  નવેમ્બર 26, 2012 @ 02:45:44

  જવાબ આપો

 2. • » નટખટ સોહમ રાવલ « •
  ડીસેમ્બર 01, 2012 @ 06:58:47

  અરે સાહેબ,
  લાગે છે એવા બહુ ઓછાં સ્થળો છે જે આપે જોયેલા નથી 🙂

  આ ઉંમરે આટલી શક્તિ અને ફરવાનો શોખ- જુસ્સો જોઇ આપને સલામ…

  જવાબ આપો

 3. pankaj patel
  ઓક્ટોબર 13, 2013 @ 16:31:26

  goog.

  જવાબ આપો

 4. pankaj patel
  નવેમ્બર 30, 2013 @ 14:46:26

  અરે આ લેખ વાચીને જાવ તો પણ તમે આરામ થી જઈ શકો.
  પંકજ પટેલ
  કરંજ ઓલપાડ

  જવાબ આપો

 5. Dinesh Gohel
  ડીસેમ્બર 16, 2016 @ 04:28:56

  ઝંડ હનુમાન ખુબજ રોમાંચક અને યાદગાર પ્રવાસ હતોો

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: