રુદ્રમાતા ડેમ અને કાળો ડુંગર
ગુજરાતનો સૌથી મોટો જીલ્લો કચ્છ, ઘણી રીતે નિરાળો છે. અહીં વરસાદ ઘણો ઓછો પડે, રણવિસ્તાર પણ ખરો, ખેતી ઓછી થાય. આમ છતાં, અહીં ખાસ ખાસ બાબતો પણ ઘણી છે. માંડવીનો દરિયાકિનારો, પેલેસ અને ૭૨-જિનાલય, ગોધરા ગામમાં આવેલું અંબેધામ, ધોળાવીરામાં મળી આવેલા અવશેષો, નારાયણ સરોવર અને કોટેશ્વર, આશાપુરા માતાનો મઢ, દરિયાઈ ખાડી અને પાકિસ્તાનની સરહદ – આ બધી અહીંની જોવા જેવી જગાઓ છે. અહીંના લોકો ખોટું બોલીને બીજાને છેતરે એવું ઓછું બને છે. ‘કચ્છડો બારે માસ’ એ કહેવત તો સાંભળી જ હશે. આવા કચ્છ પ્રદેશમાં રુદ્રમાતા ડેમ અને કાળો ડુંગર પણ જાણીતી જગાઓ છે. કચ્છ જીલ્લાના મુખ્ય મથક ભૂજથી બન્ની, ખાવડા અને કચ્છના રણ બાજુનો આ વિસ્તાર છે. ભૂજથી ઉત્તર દિશામાં રુદ્રમાતા ડેમ ૨૦ કિ.મી. અને ત્યાંથી કાળો ડુંગર ૬૫ કી.મી. દૂર આવેલો છે.
અમે ભૂજથી આ સ્થળોએ ફરવાનો એક દિવસનો પ્રોગ્રામ બનાવી, એક ગાડી ભાડે કરીને, ભૂજથી સવારે નીકળી પડ્યા. પોલીટેકનીક, એરપોર્ટ અને પાલારા થઇ રુદ્રમાતા ડેમ પહોંચ્યા. અહીં એક નદી પર પથ્થરોનો બનાવેલો ઉંચો, લાંબો ડેમ બાંધેલો છે. આ ડેમ પર ચાલીને કે ગાડીમાં સામી બાજુ જઈ શકાય છે. ઉપરવાસમાં અત્યારે બહુ પાણી હતું નહિ, પણ જો ડેમ આખો ભરેલો હોય તો અહીં મહાસાગર જેવો વિશાળ જલરાશિ લાગે. ડેમ પર ઉભા રહીને, આજુબાજુનું દ્રશ્ય જોવાની મઝા આવે છે. ડેમના નીચવાસનો વિસ્તાર વૃક્ષોથી ઘેરાયેલો દેખાય છે. આ વૃક્ષોના ઝુંડ વચ્ચે એક મંદિર દેખાય છે, એ છે રુદ્રમાતાનું મંદિર. ડેમની નજીક ડેમની વિગતો દર્શાવતું બોર્ડ મૂકેલું છે. ડેમના પાણીથી આજુબાજુના સૂકા વિસ્તારમાં ખેતી કરવાનું શક્ય બન્યું છે. આ ડેમ ‘રુદ્રાણી ડેમ’ તરીકે પણ ઓળખાય છે.
ડેમ પરથી ઉતરી અમે નીચવાસના રુદ્રમાતાના મંદિરે દર્શન કરવા ગયા. મંદિરના પ્રવેશદ્વાર આગળ મૂકેલાં સ્ટેચ્યુ – ઘડામાંથી પાણી પીવડાવતી કન્યા, બે હાથ જોડી નમન કરતો ગોવાળ અને બે બાજુ મોઢાવાળો વાઘ – અહીંની સંસ્કૃતિના પ્રતિક સમાં લાગ્યાં. ફોટા પાડીને અમે મંદિરના પ્રાંગણમાં આવ્યા.
અહીં ઝાડપાન તો એટલાં બધાં છે કે મંદિર ઝાડોની વચ્ચે છુપાયેલું હોય એવું લાગે. રુદ્રાણી માતાનાં દર્શન કરીને મન પ્રસન્ન થઇ ગયું. અહીંનું એકાંત, શાંતિ અને કુદરતી વાતાવરણ ખૂબ ગમ્યું. અડધો કલાક અહીં બેસવાની મઝા આવી ગઈ. એક ઇધરઉધર ભાગતી બિલાડી નાનાં છોકરાંને મઝા કરાવી ગઈ. રુદ્રમાતા ડેમના પાછળના ભાગમાં ફિલ્મ ‘લગાન’ નું શૂટિંગ થયેલું, એવું જાણવા મળ્યું.
રુદ્રમાતાથી ચાલ્યા આગળ. થોડું ગયા પછી, ધોળી ફાટક જવાનો ફાંટો પડે છે. એ રસ્તે ધ્રંગ-મેકરણદાદાનું મંદિર આવે છે. મેકરણદાદા એ, આ વિસ્તારના એક જાણીતા સંતપૂરુષ હતા, જે ગરીબગુરબાઓ પ્રત્યે દાનનો પ્રવાહ વહેવડાવ્યા કરતા. અમે મૂળ રસ્તે આગળ ચાલ્યા. રુદ્રમાતાથી ૯ કી.મી. જેટલું ગયા પછી, રોડની બાજુમાં એક બોર્ડ મારેલું છે. ‘તમે ૨૩.૫ અંશ ઉત્તર અક્ષાંસ પરથી પસાર થઇ રહ્યા છો.’ એટલે કે અહીંથી કર્કવૃત પસાર થાય છે. આ ભૌગોલિક માહિતી ખૂબ ગમી અને કર્કવૃત ઓળંગ્યાનો મનમાં આનંદ થયો.
આગળ જતાં ભીરંડીયારા ગામ આગળથી ઘોરડો જવાનો રસ્તો પડે છે. ઘોરડો અહીંથી ૨૦ કી.મી. દૂર છે. આ નામ એટલા માટે જાણીતું છે કે અહીં ઘોરડોના રણમાં, મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તંબૂમાં રહીને રણોત્સવ ઉજવ્યો હતો. પછી ખાવડા ગામ આવ્યું. તમને ખબર હશે જ કે ખાવડાનો મેસૂબ ખૂબ વખણાય છે. અહીંથી હવે કાળો ડુંગર ૨૦ કી.મી. દૂર છે. ખાવડાથી ૭ કી.મી ગયા પછી જમણી બાજુ વળી જવાનું. અહીં દત્ત મંદિરનું બોર્ડ મારેલું છે. જો સીધા જઈએ તો કુંવરબેટ અને સીરક્રીક પરના ઇન્ડિયા બ્રીજ થઇ પાકિસ્તાનની સરહદે પહોંચી જવાય. અમે દત્ત મંદિર બાજુ વળી ગયા, અને ધ્રોબાણ થઇ કાળો ડુંગર પહોંચ્યા.
ડુંગરનું ચડાણ ધ્રોબાણ ગામ આગળથી જ શરુ થઇ જાય છે. ડુંગરની છેક ટોચ સુધી ગાડી જાય એવો રસ્તો છે. આજુબાજુનો પ્રદેશ વેરાન જ છે. ડુંગર ખડકાળ છે અને લગભગ કાળા રંગના ખડકોનો બનેલો છે. આજુબાજુ બધે થોડાંઘણાં કાંટાળાં નાનાં ઝાડ દેખાય છે. ડુંગરની ટોચે પહોંચવામાં થોડું બાકી હતું ત્યાં બાજુમાં ‘પર્વતશિખર વનકેડી’ લખેલું નજરે પડ્યું. એમ થયું કે ચાલો, આ કેડી જોઇ આવીએ. ગાડીમાંથી ઉતરી અમે પાંચેક જણ આ કેડી પર નીકળી પડ્યા. આ કેડી પાંચેક કી.મી. જેટલે જંગલમાં જતી હતી. જંગલમાં ભૂલા ના પડી જવાય એ માટે થોડા થોડા અંતરે કેડીની બંને બાજુના પથ્થરો પર સફેદ ચૂનો લગાવેલો હતો. અમે કેડી માર્ગે ચાલવા માંડ્યું. કેડી વાંકીચૂકી, ઉંચે ચડે, નીચે ઉતરે, દૂર દૂર ટેકરા અને ખીણો દેખાય, દૂર એક વિસામો પણ દેખાતો હતો. આજુબાજુનાં દ્રશ્યો મનને હરી લે તેવાં હતાં. ડુંગરાઓની વચ્ચે આ રીતે ઘુમવાનો કેવો આનંદ આવે ! આ એક પ્રકારનું ટ્રેકીંગ જ કહેવાય. બેએક કી.મી. જેટલું જઈ અમે પાછા વળી ગયા. અને પછી ડુંગરની ટોચે પહોંચ્યા.
અહીં ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. જીર્ણોદ્ધાર કરીને મંદિર નવું બનાવડાવેલું છે. બહુ જ સરસ જગા છે. અહીં દત્ત ભગવાનની પૂર્ણ સ્વરૂપની મૂર્તિ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસેના ગીરનાર પર્વત પર અડધે ચડ્યા પછી દત્ત મંદિર આવે છે, એનું મનમાં સ્મરણ થયું. અહીં દર્શન કરી, થોડાં પગથિયાં ચડી આગળ ગયા. હવે અમે બિલકુલ ટોચ પર હતા. અહીંથી ડુંગરનો પાછળનો ભાગ દેખાય છે. તે એકદમ સીધા ઢાળવાળો છે. અહીંથી નીચે ઉતરાય એવું નથી. અહીં જો ભૂલથી પડી ગયા તો ગયા સમજો. મોત નિશ્ચિત છે. અહીંથી દૂર દૂર સીરક્રીક એટલે કે ખાડી દેખાય છે. દરિયાના ખારા પાણીથી જામેલો સફેદ ક્ષાર પણ દેખાય છે. પછી રણ છે, પણ તે ધૂંધળું દેખાય છે. ધારી ધારીને જુઓ તો ઇન્ડિયા બ્રીજ પણ નજરે પડે. એ દિશામાં પાકિસ્તાનની સરહદ, અહીંથી આશરે ૮૦ કી.મી. દૂર છે. અહીં તમને લશ્કરના સિપાહીઓ પણ જોવા મળે છે. મનમાં એમ થાય કે આપણી રક્ષા માટે આ લોકો અહીં ડુંગરોમાં કેવી કપરી જિંદગી વિતાવે છે !
અહીં બપોરે બાર વાગે અને સાંજે છ વાગે એક શિયાળ ખાવા માટે નિયમિત આવે છે. બપોરના બાર વાગ્યા હતા, અમે એ શિયાળને જોયું. અહીં ભોજનગૃહ છે, તેમાં બધા પ્રવાસીઓને પ્રેમથી જમાડે છે. જમ્યા પછી, જે ઈચ્છા હોય તે ભેટ નોંધાવવાની. અમે અહીં જમી લીધું. ચોખ્ખાઈ સારી છે. રાત રહેવું હોય તો રૂમોની પણ સગવડ છે. સરકાર આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા ઈચ્છે છે, એવું એક બોર્ડ ‘કાળા ડુંગર પર્યટન સ્થળ વિકાસ’ જોવા મળ્યું. એ જોઈને બહુ આનંદ થયો. અહીંનો નઝારો માણીને, મનમાં સંતોષ ભરીને અમે કાળા ડુંગરની વિદાય લીધી.
અહીં ગામડાંઓમાં કચ્છી ઢબની નળાકાર અને માથે શંકુ આકારની ઝુંપડીઓ ઘણી જગાએ દેખાતી હતી. ગામડામાં લોકો આવી ઝુંપડીમાં કેવું જીવન વિતાવતા હશે તે જોવાની બહુ ઈચ્છા હતી. અમે, પાછા વળતાં, ધ્રોબાણ ગામ આગળ, આવી એક ઝુંપડી પાસે ગાડી ઉભી રાખી.
ઝુંપડી, બહારથી લીંપેલી અને સરસ રંગરોગાન કરેલી હતી. ઝુંપડીના માલિકને મળ્યા. તેઓ ઢોરોની રખવાળી અને ખેતીનું કામકાજ કરતા હતા તેઓએ અમને પ્રેમથી આવકાર આપ્યો, અને ઝુંપડીમાં લઇ ગયા. ઝુંપડીમાં ગોઠવેલી ઘરવખરી અને રસોડું જોયું. નાની ઝુંપડીમાં પણ બધું ગોઠવીને મૂકેલું સરસ લાગતું હતું. ઝુંપડીનું પ્રવેશદ્વાર, છાપરું, આંગણામાં પાથરેલા ખાટલા, ખુલ્લી જગા – આ બધું કેટલું મજેદાર હતું ! આવી જગાએ, કોઈ જાતના ટેન્શન વગર, કુદરતના ખોળે જીવવાનો કેવો આનંદ આવે ! પણ આજનો માનવી વધુ ને વધુ મેળવવાની લાલચમાં શાંતિથી જીવવાનું ભૂલી ગયો છે.
અહીં આજુબાજુના નેસડામાં રહેતી છોકરીઓ અને છોકરાંઓ અમને જોઈને ભેગાં થઇ ગયાં. એક પંદરેક વર્ષની, ચણીયાચોળી પહેરેલી છોકરી માથે દેગડો અને કાખમાં ઘડો લઈને પાણી ભરવા જતી હતી, તે પણ ઉભી રહી ગઈ. છોકરી કે સ્ત્રીનું આ સ્વરૂપ એ ભારતીય સંસ્કૃતિનું એક પ્રતિક છે. પણ તે ધીરે ધીરે ભૂલાતું જાય છે. શહેરમાં તો આવું દ્રશ્ય જોવા જ ના મળે. અમારી સાથેના સ્ત્રીવર્ગને આ ગમી ગયું, એટલે દરેકે પેલી છોકરી પાસેથી ઘડો-દેગડો લઇ, કેડે અને માથે મૂકવાનો લ્હાવો લીધો. અમે ચપોચપ બધાના ફોટા પાડી લીધા. અહીં હાજર હતાં તે બધાં જ ખુશ થઇ ગયાં. આવા પ્રસંગો તો અમને બધાને ખૂબ ગમે. અમે અલગ અલગ જગાએ અનુભવેલા પ્રસંગો જેવા કે કૂવામાંથી પાણી ખેંચવાના, આંબા પરથી કેરી તોડવાના, ખેતરમાંથી તુવેરો વીણવાના, ઝાડ પરથી સીતાફળ તોડવાના, શેરડીના કોલ્હુંમાંથી રસ પીવાના, સ્થાનિક લોકોએ કરેલી આગતાસ્વાગતા માણવાના-આવા બધા પ્રસંગો યાદ આવી ગયા.
બસ, પછી તો એ જ રસ્તે પાછા વળ્યા. પેલા ૨૩.૫ અંશ અક્ષાંસ આગળ ફોટા પડ્યા, અને પહોંચ્યા ભૂજ. એક દિવસનો પ્રવાસ ખૂબ આનંદ આપી ગયો.
ખાસ માહિતી :
(૧) કાળો ડુંગર ફરવા માટે નવે.-ડીસે. મહિના ઉત્તમ.
(૨) અહીં વનકેડીમાં રખડવાનો બહુ જ આનંદ આવે.
(૩) ગુરુ દત્તાત્રેય મંદિર જોવા જેવું છે.
(૪) ખાસ વાત એ કે અહીંથી ઇન્ડિયા બ્રીજ જોવા જવાનું સરળ છે.






