મહી નદીમાં નહાવાની મજા !

મહી નદીમાં નહાવાની મજા !

     મહી નદીના વહેતા પાણીમાં નહાવાની કેટલી બધી મજા આવે ! અમે લાંછનપુર નામના ગામે આવી એક સરસ જગા શોધી કાઢી અને એક સવારે વડોદરાથી નીકળી પડ્યા. વડોદરાથી પહેલાં સાવલી જવાનું અને ત્યાંથી રસુલપુર થઈને લાંછનપુર ગામે જવાય. વડોદરાથી સાવલી ૨૯ કી.મી. અને ત્યાંથી લાંછનપુર ૭ કી.મી. દૂર છે. ગામમાં ગાડી પાર્ક કરીને અમે ચાલતા નદી તરફ નીકળ્યા. કોતરમાં થઈને જવાનું છે. નદીનું શુદ્ધ, પારદર્શક, વહેતું પાણી જોઈને ખુશ થઇ ગયા. પાણીમાં બેસીને ખૂબ નાહ્યા, બીજાઓને પાણી ઉડાડીને પલાળી દીધા. મજાકમસ્તી ચાલી. આંગળીથી ક્ષણ બેક્ષણ શ્વાસ રોકી, માથું પણ પાણીમાં ઝબોળ્યું. કુદરતના ખોળે, નદીમાં નહાવાની મજા આવી ગઈ. છેવટે પાણીમાંથી નીકળી ગાડીઓ તરફ પહોંચ્યા.

પાછા વળતાં, એક કી.મી. પછી શત્રુઘ્ની માતાનું મંદિર આવ્યું. અહીં દર્શન કરવા ઉભા રહ્યા. જંગલની વચ્ચે ટેકરી પર આવેલા આ મંદિરને ઓટલે બેસવાનું ખૂબ ગમે એવું છે. અહીંથી મહી નદી દેખાય છે, તેનું દર્શન બહુ જ મનોહર લાગે છે. અહીં બાજુમાં એક શીવમંદિર પણ છે.

સાવલી તરફ પાછા આવતાં, રસ્તામાં એક તળાવ આવ્યું, તેના કિનારે વડનું એક મોટું ઝાડ હતું. અહીં વડની ઘટા નીચે બેસીને અમે જમવાનું પતાવ્યું. બધું ઘેરથી લઈને જ આવ્યા હતા. બેચાર જણ તો ઝાડ પર ચડી ગયા અને ઝાડની ડાળી પર બેસીને ખાધું ! આવી સગવડ શહેરમાં ક્યાંથી મળે ? વનભોજન અને મનોરંજન બંને માણ્યાં.

સાવલી પહોંચ્યા. અહીં ભીમનાથ મહાદેવનાં દર્શન કર્યાં. મંદિર બહુ જ સરસ છે. અહીંના વિશાળ પ્રાંગણમાં બેસવાનું ગમ્યું. આશરે ૩૫૦ વર્ષ પહેલાં શ્રીગેબીનાથ દાદા નામના સિદ્ધપુરુષે આ સ્થળે જીવંત સમાધિ લીધી હતી, તેવી વાયકા છે. ત્યારથી આ સ્થળ ભાવિકો માટે એક અનેરી ઉર્જાનો સ્ત્રોત બન્યું છે. ૧૯૫૯માં આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો છે. સાવલીમાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રી હરરાયજી પ્રભુની બેઠક પણ આવેલી છે.

છેલ્લે વડોદરા પહોંચ્યા. આજનો પ્રવાસ ખૂબ આનંદદાયક રહ્યો.

DSCF4438DSCF4440DSCF4454DSCF4456DSCF4459DSCF4463