અંગ્રેજીની ગમ્મત !

અંગ્રેજીની ગમ્મત ! 

     અંગ્રેજી ભાષામાં શબ્દોનાં અર્થઘટન ઘણી વાર કેવાં રમૂજી અને માર્મિક થઇ જાય છે, તેનાં થોડાં ઉદાહરણો અહીં જોઈએ.

(૧) અંગ્રેજીમાં A થી Z સુધીના કુલ ૨૬ મૂળાક્ષરો છે. GOD એટલે કે ‘ભગવાન’ શબ્દની વાત કરીએ તો, અંગ્રેજીના આ અક્ષરોમાં  G સાતમા નંબરે,  O પંદરમા અને  D ચોથા નંબરે છે. ૭, ૧૫ અને ૪ નો સરવાળો કરતાં ૨૬ આવે છે. એટલે કે  GOD માં  (ભગવાનમાં) બધા જ ૨૬ અક્ષરો અને આ અક્ષરોથી બનતી આખી અંગ્રેજી ભાષા સમાઈ ગઈ છે. છે ને ભગવાનની મહાનતા !

(૨) અંગ્રેજીમાં લાંબામાં લાંબો શબ્દ કયો ? જવાબ છે ‘smiles’ કારણ કે આ શબ્દના પહેલા અને છેલ્લા અક્ષર વચ્ચે એક  mile નું અંતર છે ! આમે ય  smiles એટલે કે હસતાં હસતાં જીવો તો જિંદગી લાંબી જ બને.

(૩) ત્રણ છોકરા લાઈનમાં બેઠા છે. વચલાનું નામ ‘પીન્ટુ’ છે. તો પહેલા અને ત્રીજા બેઠેલા છોકરાઓનાં નામ શું હશે ?

જવાબ : પીન્વન અને પીન્થ્રી.

કારણ કે વચલાનું નામ જો ‘પીન્ટુ’ એટલે કે ‘પીન two’ હોય, તો પહેલાનું નામ ‘પીન one’  એટલે કે ‘પીન્વન’ હોય. અને ત્રીજાનું ‘પીન three’ એટલે કે ‘પીન્થ્રી’ જ હોય.

(૪) જો ત્રણ ઘુંટણવાળા છોકરાનું નામ ‘નીતીન’ હોય, તો ઘુટણ વગરના છોકરાનું નામ શું હશે ? જવાબ : નીલેશ

કારણ કે ‘નીતીન’ એટલે ‘knee તીન’ એટલે કે ત્રણ ઘુટણ.

‘નીલેશ’ એટલે ‘knee less’ એટલે કે ઘુટણ વગરનો.

 

(૫) જો આપણે મમ્મી (Mummy)બોલીએ તો બોલતી વખતે બંને હોઠ ભેગા થાય છે અને ડેડી (Daddy) બોલીએ ત્યારે બંને હોઠ અલગ થાય છે. મમ્મી અને ડેડી વચ્ચે આટલો ફેર છે !

અને છેલ્લે,

(૬) સચિન તેન્ડુલકરની રમત ચાલતી હતી. સ્ટેડીયમમાં લોકો બૂમો પડતા હતા, ‘વન્દે માતરમ, વન્દે માતરમ’ સચિન આ સાંભળીને ખુશ થઇ ગયો કે વાહ ! મારી રમત વખતે લોકોને કેટલો બધો દેશપ્રેમ ઉભરાઈ આવે છે ! પણ લોકોની બૂમો ખૂબ જ વધી ગઈ ત્યારે તેને શંકા ગઈ. તેણે પેવેલિયન તરફ જઈ એક છોકરાને પૂછ્યું કે “શું લોકો મારી રમતથી આટલા બધા ખુશ છે ?’

ત્યારે પેલા છોકરાએ જવાબ આપ્યો, ‘આ લોકો કહે છે કે ‘વન્દે માતરમ’ એટલે કે “One day માં તો રમ”

કહેવાનો અર્થ કે “તું વન ડે માં તો રમી બતાવ”