થોડી કટાક્ષમય વાતો

થોડી કટાક્ષમય વાતો

(૧) આપણે બેંકમાંથી ઘણી જાતની લોન લઈએ છીએ, જેવી કે મકાન ખરીદવા, કાર ખરીદવા માટે વગેરે. પણ લોનનો અર્થ ખબર છે ? ‘લોન’ ને ઉલટાવીને લખીએ તો ‘ન લો’ એવું થાય. મતલબ કે ‘ના લેશો’. આમ, ‘લોન’ પોતે જ કહે છે કે તમે લોન ના લેશો.

(૨) નોકરી કરતા લોકો, ઘણી વાર નોકરીમાં ખાસ કશું કામ નથી કરતા હોતા. એટલે કટાક્ષમાં નોકરીને “નો કરી” કહે છે. “નો કરી” એટલે ‘ના કરી’ મતલબ કે નોકરીમાં કંઇ ના કર્યું.

(૩) આપણે ત્યાં, પ્રશ્નોના ઉકેલ માટે, સામાન્ય રીતે કમિટિ (Committee) રચવાની પ્રથા છે. કમિટિના સભ્યો વારંવાર મળે, ચર્ચાઓ કરે, ચાપાણી કરે, આમ છતાં, પ્રશ્નોનો ઉકેલ ક્યાંય સુધી નથી આવતો હોતો. એટલે કમિટિને ઘણી વાર “Come, meet, tea” (આવો, મળો અને ચાપાણી પીઓ) કહે છે !

(૪) કોઈ સંસ્થાની વાત કરીએ. દા. ત. એન્જીનીયરીંગને લગતી કોઈ સંસ્થા. આવી સંસ્થામાં ઘણા નિષ્ણાત સભ્યો હોય, બધા અલગ અલગ જગાએ રહેતા હોય, તેઓ તેમના વિષયમાં ખૂબ જ જાણકારી અને માહિતી ધરાવતા હોય, તેઓ આવી માહિતીની ફોન પર એકબીજા સાથે વાતો પણ કરતા હોય, ફોન પર ઘણા પ્રશ્નોની ચર્ચા પણ કરે. આમ છતાં, કોઈ પ્રશ્નની રૂબરૂ ચર્ચા કરવાની જે મજા આવે, રૂબરૂમાં મુક્તપણે જે વાત કરી શકાય અને સુઝાવ શોધી શકાય, તે ફોન દ્વારા ના થઇ શકે. એટલા માટે, સંસ્થા, બધા સભ્યોની એક કોન્ફરન્સ (પરિષદ, સમારંભ) યોજે. કોન્ફરન્સમાં બધા સભ્યો એક હોલમાં ભેગા થાય, પ્રમુખ અને અન્ય આમંત્રિત મહાનુભાવો પ્રવચનો કરે, નાસ્તો અને જમવાનું હોય, આભારવિધિ પણ હોય, અને વચ્ચે જે કંઈ સમય મળ્યો હોય તેમાં પેલા બધા પ્રશ્નોની ચર્ચા પણ થાય. સમયના અભાવે, બધા પ્રશ્નોની ચર્ચા પૂરેપૂરી ના થઇ શકે એવું પણ બને. એટલે પ્રમુખ છેલ્લે કહે કે, “હવે, આ કોન્ફરન્સમાં જે કંઇ ચર્ચા અધૂરી રહી ગઈ તે, આપણે ફોનથી એકબીજા સાથે વાત કરીને, પૂરી કરીશું.” છે ને ખૂબી ! ફોનથી જે ચર્ચાઓ વિગતે નહોતી થઇ શકી, એ માટે કોન્ફરન્સ રાખી. અને હવે, કોન્ફરન્સમાં ટાઇમના અભાવે, એ જ ચર્ચાઓ, ફોનથી કરવાનું નક્કી કર્યું ! આપણી આજના જમાનાની કોન્ફરન્સોનો સાર કાઢી જોજો, લગભગ આવું જ હશે. (કદાચ બધે આવું ન પણ હોય.)

(૫) એક વાર એક ભાઈ કહે, ” હું આજે મારા બાબલાની સ્કુલે ઓચિંતો જઈ ચડ્યો, તો મને ત્યાનું દ્રશ્ય જોઈને બહુ નવાઈ લાગી.”

બીજા ભાઈ કહે, ” કેમ એવું તે શું જોયું ?”

પેલા ભાઈ કહે, “અરે, સ્કુલમાં કો’ક કો’ક શિક્ષકો ભણાવતા પણ હતા !”