થોડી તાજી ઘટનાઓ

થોડી તાજી ઘટનાઓ 

(૧) અમદાવાદના ભાસ્કર હાઉસના પરિસરમાં આવેલું એક રામમંદિર થોડુ નડતરરૂપ હતું. આથી આ મંદિર અહીંથી કાઢી નાખીને અહીંથી ૪૦૦ ફૂટ દૂર આવેલી એક અનુકૂળ જગાએ નવું રામમંદિર બનાવવાનું હતું. આ માટે એવો પ્લાન વિચારવામાં આવ્યો કે આ મંદિર પાયાસહિત આખેઆખું ઉપાડીને નવી જગાએ ‘રોપી’ દઈએ તો કેવું ? અને આ પ્લાનનો ખરેખર અમલ કરવામાં આવ્યો. આ વસંતપંચમીના દિવસે (તા. ૧૫-૨-૧૩) આ મંદિર, ટ્રેલરમાં ચડાવીને, આધુનિક પધ્ધતિથી નવી જગાએ લઇ જવામાં આવ્યું અને વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે ત્યાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું. ટાઈમની બચત અને પૈસાની પણ બચત.

(૨) હમણાં અલાહાબાદ શહેરમાં ગંગાજમુનાસરસ્વતી નદીઓના સંગમ આગળ પવિત્ર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. એ ૫૫ દિવસ સુધી ચાલવાનો છે. કરોડો લોકો આ મેળામાં સંગમ આગળ સ્નાન કરવા માટે આવી રહ્યા છે. એને માટેની જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેની એક ઝલક જોઈએ.

૧.  મહાકુંભ મેળાના આ દિવસો દરમ્યાન અહીં દરરોજ સરેરાશ ૪૦ લાખ લોકો સ્નાન
કરવા આવે છે. મૌની અમાસને દિવસે અહીં સૌથી વધુ ૩ કરોડ લોકો આવ્યા હતા.

૨.   સંગમ સ્થાને ૨૫ ચો. કી.મી. ના રેતાળ વિસ્તારમાં એક શાનદાર શહેર ઉભુ કરાયું છે.

૩.   અહીં લાઈટનાં સવા લાખ કનેક્શન અપાયાં છે.

૪.   ૨૦૦ કી.મી. લાંબા રસ્તા બનાવાયા છે.

૫.   ૬૦૦ કી.મી. લાંબી પાણીની પાઈપલાઈનો.

૬.   ૨૫ હજાર ટોઇલેટ.

૭.   ૧૦,૦૦૦ સફાઈ કામદાર.

૮.   ૧૫ હોસ્પિટલ.

૯.   ૩૦ પોલિસમથક અને ૧૫ હજાર પોલિસજવાનો.

૧૦. મહાકુંભના લાઈવ કવરેજ માટે દેશવિદેશના બે હજારથી વધુ મીડિયા પ્રતિનિધિઓ.

૧૧. કુંભમેળા સુધી ૭૫૦ સ્પેશ્યલ ટ્રેનો અને ૬૦૦૦ બસો.

એક મહા આયોજન લાગે છે ને !

(૩) બિહારના પટના શહેરમાં ગાંધી મેદાન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની, વિશ્વની સૌથી ઉંચી કાંસાની પ્રતિમા ઉભી કરાઈ છે. જમીનથી પ્લેટફોર્મ સહિત પ્રતિમાની ઉંચાઈ ૭૨ ફૂટ અને એકલી પ્રતિમાની ઉંચાઈ ૪૦ ફૂટ છે. પ્રતિમાનું વજન ૨૬ ટન છે. તેને બનાવવાનો કુલ ખર્ચ ૧૦ કરોડ રૂપિયા થયો છે. આશા રાખીએ કે આ પ્રતિમા જોઈને, બિહારમાં ગાંધી વિચારોનો થોડો પ્રચાર થાય.

(૪) હમણાં રશિયામાં આકાશમાંથી ઉલ્કાવર્ષા થઇ. એ દરમ્યાન તા. ૧૫-૨-૧૩ના રોજ ઉરાલ્સ વિસ્તારમાં ૫૫ ફૂટ પહોળી અને ૧૦૦૦૦ ટન વજનની એક ઉલ્કા પડી. એનાથી ઘણાં મકાનોને નુકશાન થયું અને ૧૨૦૦ લોકો ઘાયલ થયા. આજના જમાનાની આ અસાધારણ ઘટના છે.

(૫) ફ્રાન્સના નીસ શહેરમાં છેલ્લા ૧૪૦ વર્ષથી દર વર્ષે એક કાર્નિવલ યોજાય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા આ કાર્નિવલમાં અમેરીકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ભવ્ય પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. ફ્રાન્સે જ આ સ્ટેચ્યુ અમેરીકાને ભેટ આપ્યું હતું.

(૬) સ્પેનના કેનેરી આઈલેન્ડ ખાતે દર વર્ષે કાર્નિવલની ઉજવણી થાય છે. અ કાર્યક્રમમાં દરેક વ્યક્તિએ માત્ર સફેદ કપડાં પહેરીને આવવાનું હોય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા આ કાર્નિવલમાં લોકોએ એકબીજા પર ટેલ્કમ પાઉડર ઉડાડીને અનોખો આનંદ માણ્યો હતો. આનંદ માણવાની કેવી રીત !

(૭) ચીલીના પાટનગર સેન ડિયાગોની નજીક આવેલા કિલોન શહેરમાં દર વર્ષે ‘ટોમાટોની’ ઉત્સવ ઉજવાય છે. આ દરમ્યાન લોકો એકબીજા પર ટામેટાં ફેંકીને આનંદ માણે છે. કચરાયેલા ટામેટાના રસમાં બધા બરાબર રગદોળાય છે. આ ઉત્સવ જોવા હજારો વિદેશી પર્યટકો અહીં આવે છે.