ફોટો ઓળખો – ૫ નો જવાબ અને ફોટો ઓળખો – ૬

     ગયે વખતે મેં મૂકેલ ફોટો ‘ગુજરાતના પ્રખ્યાત કવિ દલપતરામનું સ્ટેચ્યુ’ નો હતો. આ સ્ટેચ્યુ અમદાવાદમાં રીલીફ રોડ પર લંબેશ્વરની પોળમાં આવેલું છે. કવિ અહીં જે મકાનમાં રહેતા હતા, તે મકાનના ઓટલાની ધારે આ સ્ટેચ્યુ મૂકેલું છે. સાચા જવાબ મોકલનાર મિત્રોનાં નામ :

(૧) નરેશ ચૌહાણ

(૨) કૌશલ પારેખ

(૩) હર્ષદ ઇટાલિયા

(૪) અશોક મોઢવાડિયા

મિત્રોનો આભાર.

ફોટો ઓળખો – ૬

     હવે આ સાથે નીચે એક નવો ફોટો મૂકું છું. ગુજરાતમાં આવેલા આ સ્થળનું નામ શું છે, અને તે ક્યાં આવેલું છે, તે જણાવવા વિનંતી. મારું એડ્રેસ : pravinkshah@gmail.com

ફોટો ઓળખો – ૪ નો જવાબ અને ‘ફોટો ઓળખો – ૫

ફોટો ઓળખો – ૪ નો જવાબ અને ‘ફોટો ઓળખો – ૫

     મિત્રો, ગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટોગ્રાફ ‘વિજય વિલાસ પેલેસ’, માંડવી (જીલ્લો કચ્છ)’ નો છે. મહેલની બહારની વિશાળ જગામાં જાતજાતનાં ઝાડપાન ઉગાડેલાં છે. મહેલ આગળ રાજાનું સ્ટેચ્યુ છે. તેમાં લખેલું છે, ‘મહારાજા ઓફ કચ્છ, ધીરજ મીરજા’. ટીકીટ લઈને મહેલ અંદરથી જોઈ શકાય છે.

મહેલને ૩ માળ છે. ભોંયતળિયે બેઠકરૂમ, બેડરૂમ, લોબીઓ, વરંડા વગેરે છે. બધું જ ભવ્ય છે. પહેલા માળે રહેઠાણ છે, જે પબ્લીક માટે ખુલ્લું નથી. ત્રીજા માળે ધાબુ, છત્રીઓ, ઝરુખા વગેરે છે. અહીંથી માંડવીનો દરિયા કિનારો તથા કિનારે ઉભી કરેલી પવનચક્કીઓ દેખાય છે. બહુ જ સુંદર દ્રશ્ય છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મનું શુટીંગ આ મહેલમાં થયેલું છે.

સાચો જવાબ લખીને મોકલનાર મિત્રોનો ખૂબ આભાર. તેમનાં નામ :

(૧) નરેશ ચૌહાણ

(૨) હર્ષદ (માધવ)

(૩) નીલેશ મોહનભાઈ

(૪) અશોક મોઢવાડિયા

(૫) કૌશલ પારેખ

ફોટો ઓળખો – ૫

     આ સાથે આજે એક નવો ફોટો મૂકું છું. તેમાં ગુજરાતની એક જાણીતી વ્યક્તિનું સ્ટેચ્યુ (પૂતળું) છે. આ પૂતળું કોનું છે, અને તે ક્યાં આવેલું છે, તેનો મને જવાબ લખશોજી. મારું e-m  એડ્રેસ pravinkshah@gmail.com  છે.

xyz

ફોટો ઓળખો – ૩ નો જવાબ અને ફોટો ઓળખો -૪

ફોટો ઓળખો – ૩ નો જવાબ અને ફોટો ઓળખો -૪

     ગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટો ‘ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર’ નો છે. તે સુરેન્દ્રનગર જીલ્લાના થાન ગામથી આશરે ૯ કી.મી. દૂર આવેલ છે. આ મંદિર આગળ જ પ્રખ્યાત ‘તરણેતરનો મેળો’ ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠ (ત્રણ દિવસ)ના રોજ ભરાય છે. આ મંદિરમાં ત્રણ આંખો (નેત્ર)વાળા શંકર ભગવાન બિરાજે છે. એટલે એમને ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે. કથા છે કે દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો અને પાંડવ અર્જુન મત્સ્યવેધ કરી, સ્વયંવરમાં જીત્યો હતો. મંદિર આગળ કુંડમાં સ્નાન કરવાનો મહિમા છે.

તરણેતરના મેળામાં લોકો રંગબેરંગી કપડાં પહેરી ફૂલફટાક થઈને આવે છે. અને અર્જુનની જેમ, પોતાને પણ અહીં યોગ્ય જીવનસાથી મળી જાય એવી આશા રાખે છે. અહીં શણગારેલી છત્રી ઠેર ઠેર જોવા મળે છે. કેટલા યે વિદેશીઓ પણ આ મેળાની મજા માણવા આવે છે.

ફોટો ઓળખી મને સાચા જવાબો મોકલનાર મિત્રોનું લીસ્ટ આ રહ્યું. તેમનો ખૂબ ખૂબ આભાર. મિત્રોએ રસ લીધો છે, તેથી ઘણો જ આનંદ થયો છે.

૧. નીરવ પટેલ

૨. નરેશ ચૌહાણ

૩. મૂકેશ પટેલ

૪. વિનય ખત્રી

૫. મુકુલ જાની

૬. ભરત ચૌહાણ

૭. કૌશિક પટેલ

૮. અશોક મોઢવાડિયા

૯. ભાવેશ ભટ્ટ

હવે આ સાથે ફોટો ઓળખો – ૪ માં નીચે નવો ફોટો મૂક્યો છે. ગુજરાતમાં જ આવેલું સ્થળ છે. તેનું નામ શું છે, અને તે ક્યાં આવેલું છે, તેનો મને જવાબ આપવા વિનંતી. મારું એડ્રેસ : pravinkshah@gmail.com

dsc_00031

ફોટો ઓળખો – ૨ નો જવાબ અને ફોટો ઓળખો – ૩

ફોટો ઓળખો – ૨ નો જવાબ અને ફોટો ઓળખો – ૩

     ગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટો ‘ગિરમાળ ધોધ’નો છે. તે ગિરમાળ ગામ પાસે આવેલો છે. લોકો તેને ‘ગિરિમાળા ધોધ’ કે ‘ગીરાનો ધોધ’ ના નામે પણ ઓળખે છે. ગુજરાતનો આ ઉંચામાં ઉંચો ધોધ છે. સોનગઢ (જી. સુરત)થી ૪૪ કી.મી. જાવ એટલે શીંગણા ગામ આવે, ત્યાંથી ૧૪ કી.મી. જાવ એટલે આ ધોધ આવે. છેલ્લા ૪ કી.મી.નો રસ્તો બહુ ખરાબ છે, પણ ગાડી જઈ શકે. શીંગણા પછી ‘યુ ટર્ન’ નામનું એક રેસ્ટોરન્ટ આવે છે. જંગલની વચ્ચે આવેલા આ એકલા અટુલા મકાનના રેસ્ટોરન્ટમાં જમવાની કેવી મજા આવે ! રોટલા, ખીચડી, કઢી, શાક – જલસો પડી જાય એવું છે.

ધોધમાં પડતી બે મોટી ધારાઓ નીચે મોટું તળાવ રચે છે, પછી એ પાણી આગળ વહે છે. ધોધમાં ઉતરી શકાય એમ નથી. કિનારે રેલીંગ બાંધેલી છે. ધોધ જોવા માટે અહીં સરસ ‘પોઈન્ટ’ બનાવ્યા છે. કિનારે કિનારે ૧૦૯ પગથિયાં જેટલું ઉતરીને, ધોધનો ઉપરવાસનો ભાગ સાવ નજીકથી જોઈ શકાય છે.

મને જવાબ લખનાર નીચેના મિત્રોનો ખૂબ આભાર.

(૧) હર્ષદ (માધવ), સૂરત

(૨) નીલેશ મોહનભાઈ

(૩) મૂકેશ પટેલ

(૪) નરેશ ચૌહાણ

(૫) અશોક મોઢવાડિયા

ફોટો ઓળખો – ૩

     આ સાથે એક નવો ફોટો મૂક્યો છે. ગુજરાતમાં જ આવેલું આ બહુ જાણીતું મંદિર છે. ઓળખીને મને જવાબ લખાશોજી. મારું e-m address : pravinkshah@gmail.com

DSCF4481_blog

ફોટો ઓળખો-૧ નો જવાબ અને ફોટો ઓળખો – ૨

ફોટો ઓળખો-૧ નો જવાબ અને ફોટો ઓળખો – ૨

     ગયા અઠવાડિયે મેં ‘ફોટો ઓળખો’ શીર્ષક હેઠળ એક ફોટો મૂક્યો હતો. તે ફોટો ‘લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા’નો છે. પ્રિય વાચકોએ ફોટો ઓળખીને મને જવાબ આપ્યા છે, તે બદલ તે મિત્રોનો હું ખૂબ આભારી છું. તેમણે રસ લીધો તેનો મને ખૂબ આનંદ છે. તે મિત્રોનાં નામ જણાવું.

(૧) હર્ષદ (માધવ), સૂરત

(૨) વિનય ખત્રી, પૂના

(૩) કૌશલ પારેખ

(૪) નરેશ ચૌહાણ

(૫) નીલેશ મોહનભાઈ

(૬) અશોક મોઢવાડિયા

(૭) અમિત પટેલ

લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈ.સ. ૧૮૯૦માં રાજકુટુંબના રહેઠાણ માટે બંધાવેલો. મેજર ચાર્લ્સ મંટ તેના આર્કીટેક્ટ હતા.

મહેલ ખૂબ જ ભવ્ય છે. તેના બહારના દેખાવમાં હિંદુ મંદિર, મુસ્લિમ મસ્જીદ, ખ્રિસ્તી ચર્ચ અને શીખ ગુરુદ્વારા જેવા ભાગો નજરે પડે છે. મહેલનો ભોંયતળિયાવાળો ભાગ પબ્લીક માટે ખુલ્લો છે. જોવા માટેનો સમય સવારના ૯ થી સાંજના ૫ સુધીનો છે. સોમવારે બંધ હોય છે. ગાઈડ નથી રાખ્યા, પણ દરેકને એક ઓડિયો ટેપ આપે છે. તેના સ્પીકરના છેડા કાનમાં ભરાવી દેવાના, એટલે તમે જેમ મહેલ જોતા જાવ તેમ એના વિશેનું વર્ણન કાનમાં સંભળાતું જાય. મહેલમાં જૂનાં શસ્ત્રો, માર્બલ અને કાંસાનાં શિલ્પો તથા થાંભલા, છત અને ભીંતો પરની અદભૂત કલાકારીગરી જોવા મળે છે. અહીં દરબાર હોલ છે, તેમાં મહારાજાનો દરબાર ભરાતો. દરબાર હોલમાં બેલજીયમના કાચવળી બારીઓ તથા મોઝેઇક ચિત્રો ધરાવતી દિવાલો મુલાકાતીઓનું તરત જ ધ્યાન ખેંચે છે.

૭૦૦ એકરના અહીંના વિસ્તારમાં, મહેલ ઉપરાંત બીજી ઈમારતો પણ છે, તેમાં મોતીબાગ પેલેસ અને મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝીયમ મુખ્ય છે. ૧૯૩૦માં મહારાજા પ્રતાપસિંહે અહીં મેદાનમાં ગોલ્ફ કોર્સ બનાવેલ. ૧૯૯૦માં પ્રતાપસિંહના પૌત્ર સમરજીતસિંહે આ ગોલ્ફ કોર્સમાં સુધારાવધારા કર્યા અને પબ્લીક માટે ખુલ્લું મૂક્યું. મોતીબાગ પેલેસ અત્યારે ગોલ્ફ ક્લબનું ક્લબ હાઉસ છે. સમરજીતસિંહ રણજી ટ્રોફીમાં ક્રિકેટ પ્લેયર પણ હતા.

મ્યુઝીયમમાં રાજવી કુટુંબનો કલાસંગ્રહ છે. ખાસ તો રાજા રવિ વર્માનાં ચિત્રો જોવા જેવાં છે. તેમાં રાજકુટુંબનાં portrait તથા હિંદુ દેવદેવીઓનાં ચિત્રોનો સમાવેશ થાય છે.  મ્યુઝીયમનું આ મકાન શરૂઆતમાં તો મહારાજાનાં બાળકોની સ્કુલ માટે હતું. બાળકોને લક્ષ્મી વિલાસ પેલેસમાંથી સ્કુલ સુધી જવા માટે નાનકડી ટ્રેનની વ્યવસ્થા હતી. એ ટ્રેન અત્યારે મ્યુઝીયમ આગળ રાખેલી છે. (માહિતીમાં કંઈ ભૂલ જણાય તો જણાવવા વિનંતી છે.)

બહારના ખુલ્લા વિસ્તારમાં લોન કરેલી છે. ફુવારા છે, ઝાડપાન છે. અહીં બેસવાનું ગમે એવું છે.

ફોટો ઓળખો – ૨

     હવે આ સાથે, નીચે એક નવો ફોટો મૂક્યો છે, તેને ઓળખો. એ ફોટો શાનો છે અને તે જગા ક્યાં આવેલી છે, તેનો મને pravinkshah@gmail.com પર ઈ-મેલથી જવાબ લખશો.

DSCF5545_blog