મિત્રો, ‘ફોટો ઓળખો’ વાળો પ્રોગ્રામ તો હું ચાલુ રાખીશ જ. પણ સાથે સાથે બીજું કંઇક પણ લખું, એવું વિચાર્યું છે. એટલે આજે મેં કરેલ
એક પ્રવાસ વર્ણન મૂકું છું.
વિસલખાડીનાં સંસ્મરણો
જંગલો, ડુંગરા, ખીણ, સરોવર – આ બધે રખડવાનો આનંદ માણવો હોય તો ગુજરાતમાં જ ઘરઆંગણે ઘણી જગ્યાઓ છે. આવી એક સરસ જગ્યા છે ‘વિસલખાડી’. રાજપીપળાથી નેત્રંગ જવાના રસ્તે, વીસ કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે. રાજપીપળાથી આ રસ્તે, કરજણ નદી પરનો પુલ પસાર કર્યા પછી, રસ્તાની બંને બાજુ જંગલ શરૂ થઈ જાય છે. આ જંગલમાંના વાંકાચૂકા, ઊંચાનીચા રસ્તે જવાનો ઘણો જ આનંદ આવે છે. છેલ્લે એક કિલોમીટર બાકી રહે ત્યારે મુખ્ય રસ્તાની ડાબી બાજુ જંગલ તરફ વળતાં જ ‘વિસલખાડી’નું બોર્ડ નજરે પડે છે. જંગલના આ કાચા, સાંકડા, ઊંચાનીચા રસ્તે એક બાજુ ડુંગર અને બીજી બાજુ કરજણ નદીના બંધનું ક્યાંક ક્યાંક ભરાયેલું પાણી બહુ જ સુંદર દશ્ય સર્જે છે. આ રસ્તે ગાડી ચલાવવાની મજા જ કંઈ ઑર છે ! પણ જો કાળજી ના રાખો તો ગયા સમજો ! આ એક કિલોમીટરના ડ્રાઈવિંગ પછી જંગલોની વચ્ચોવચ થોડી ખુલ્લી જગ્યા દશ્યમાન થાય છે. બસ, આ જ વિસલખાડી.
આ ખુલ્લી પણ ઊંચીનીચી જગ્યામાં વનવિભાગે બે કોટેજ બાંધેલા છે. તેમાં કુલ આઠ જણ આરામથી રહી શકે છે. રસોડા તરીકે વપરાય એવી એક રૂમ અલગ બાંધવામાં આવી છે. એક બાજુ, છતવાળા એક મોટા ચોતરા જેવી જગ્યા બનાવવામાં આવી છે, ત્યાં ખુરશીઓ નાંખી બધા સમુહમાં બેસી શકે છે. ખુલ્લી જગ્યામાં છએક તંબૂ બાંધવામાં આવ્યા છે. વધુ લોકો અહીં પ્રવાસે આવ્યા હોય અને કોટેજમાં જો જગ્યા ન મળે તો તંબૂમાં રાત વિતાવી શકાય છે. વનવિભાગના પાંચેક કર્મચારીઓ અહીં રહે છે, તે સિવાય અહીં કોઈ ગામ નથી, માનવવસ્તી નથી, ચા-નાસ્તા કે પાનબીડીની દુકાન કે એવું કંઈ જ નથી. પાવર સપ્લાય પણ નથી. સોલાર પેનલથી રાત્રે દસ વાગ્યા સુધી લાઈટ ચાલુ રહી શકે. એ પછી ઘોર અંધકાર. ચારે બાજુ જંગલો, એક બાજુ કોટેજની નજીક ખીણ અને ખીણના ઢોળાવ પછી કરજણ નદીના બંધથી ભરાયેલું સરોવર. સર્વત્ર કુદરતે વેરેલું સૌન્દર્ય. આ સૌન્દર્યમાં ઓતપ્રોત થઈ જવાનો આનંદ અવર્ણનીય છે. અહીં મોબાઈલ ટાવર પણ નથી. તેથી અહીં એક-બે દિવસ રહો એટલે જાણે દુનિયાથી દૂર
ફક્ત કુદરતના ખોળે હોઈએ તેવું અનુભવી શકાય.
અમે શિયાળાની એક ઠંડી-ઠંડી ગુલાબી સવારે વડોદરાથી વિસલખાડીના પ્રવાસે નીકળી પડ્યા. અમારું કુલ 45 જણનું ગ્રુપ હતું. વડોદરાથી 80 કિ.મી દૂર રાજપીપળા પહોંચ્યા. ત્યાંથી વિસલખાડી પહોંચ્યા ત્યારે સવારના અગિયાર વાગ્યા હતા. ખુલ્લી જગ્યામાં ગાડીઓ બરાબર ગોઠવીને પહેલાં તો સમગ્ર સ્થળનો એક ચકરાવો લઈ લીધો. બધાની જીભે ફક્ત એક જ શબ્દ હતો : ‘અદ્દભુત ! જંગલમાં મંગલ !’ કોટેજ ચારે તરફથી ફરીને જોઈ લીધી. ખીણ (ખાડી) તરફની દિશામાંથી પવન સતત આવ્યા કરતો હતો. કોટેજની બારીઓમાંથી પવન પસાર થાય ત્યારે વ્હીસલ વાગતી હોય એવો અવાજ આવે છે. તપાસ કરતાં ખબર પડી કે અહીં વ્હીસલનો અવાજ આવ્યા કરતો હોવાથી, આ જગ્યાનું નામ ‘વ્હીસલ ખાડી’ પાડ્યું હતું. જે પછીથી અપ્રભંશ થઈને ‘વિસલ’ થઈ ગયું અને આમ આ સ્થળનું નામ પડી ગયું ‘વિસલખાડી.’
અમારામાંના બે સભ્યોએ અગાઉથી આ જગ્યાએ આવીને ચા-નાસ્તો અને રહેવા-જમવાનું બુકીંગ કરાવેલ હતું. જંગલમાં ખુલ્લામાં રહેવાનું હોવાથી સાથે લાવવાની વસ્તુઓની વિગતો પણ બધાને જણાવેલી હતી. જાતમહેનત, સમય અને પૈસા વાપરીને કામ કરવાની લાગણી જ બધાને એકત્રિત રાખી શકે છે અને તેથી જ આવા કાર્યક્રમો થતા રહે છે. થોડીવારમાં જ ચા અને ગરમાગરમ ભજીયાંનો નાસ્તો તૈયાર થઈ ગયો. ભૂખ તો લાગી જ હતી ! બધાએ ચોતરા પર બેસી ભજીયાં ઝાપટ્યાં અને ચા ગટગટાવી.
અમે બધા દુનિયાદારીની બધી જવાબદારીઓ ઘરે મૂકીને જ આવ્યા હતા. હવે કાર્યક્રમ હતો થોડી બૌદ્ધિક રમતોનો. એવી એકાદ રમતની ટૂંકમાં વાત કરું. એ રમતનો નિયમ હતો કે કોઈ શહેરનું નામ અંગ્રેજીમાં આપ્યું હોય તો તે શહેરનું નામ ગુજરાતીમાં શોધી કાઢવાનું. દા…ત, ‘Write Nine’ તો તે શહેરનું ગુજરાતી નામ છે ‘લખનૌ’. આ પ્રકારની અનેક રમતોમાં સૌને મજા પડી ગઈ. લગભગ બે વાગ્યે ભોજન તૈયાર થયું. શીરો, રોટલી, રીંગણ-બટાટાનું શાક, મગ, દાળ, ભાત, પાપડ અને સલાડ પીરસાયાં. થોડા સભ્યોએ પીરસવાનું કામ સ્વૈચ્છિક રીતે કર્યું. ભોજનને ન્યાય આપીને જેને જ્યાં ફાવે ત્યાં આરામ કર્યો.
સાંજ પડી એટલે અમે ખીણના ઢોળાવમાં થોડું ઊતરીને સરોવરના પાણીનો સ્પર્શ કરી આવ્યા. એ સરોવરમાં સ્નાન કરી શકાય એમ હતું નહીં, કારણ કે ઘાસ અને કાદવને કારણે પાણીની ઊંડાઈ ક્યાં વધી જાય તે નક્કી નહોતું. એ રીતે ત્યાં પગ મૂકવો જોખમી હતો, પરંતુ ગમી જાય એવી વાત એ હતી કે ક્યારેક નાની કે મોટી બોટ અહીં મળી રહે છે જેમાં બેસીને ખુલ્લા વિશાળ સરોવરની સહેલ કરી શકાય છે. આ અનુભવ ખૂબ જ આહલાદક છે. કરજણ નદીની નજીક એક ટેકરી પર ‘જુનારાજ’નામનું ગામ છે. કરજણ નદી પર બંધ નહોતો બંધાયો ત્યારે રાજપીપળાથી જુનારાજ ચાલતા કે બસમાં જઈ શકાતું હતું. 1987માં બંધ બંધાયા પછી આ રસ્તો ડૂબી ગયો. જુનારાજની ત્રણ બાજુ પાણી ભરાઈ ગયાં. એટલે હવે જુનારાજ જવું હોય તો પેલી બોટમાં બેસીને જ જવું પડે. જુનારાજ જવાની બોટની સફર ખૂબ જ રોમાંચક છે.
મોડી સાંજે પરત ફર્યા બાદ અંતાક્ષરી અને જોક્સનો વારો આવ્યો. વિસલખાડીની ખુલ્લી જગ્યામાં હવે ‘કેમ્પફાયર’નો કાર્યક્રમ હતો. લાકડાંનું તાપણું સળગાવીને બધા ગોળ કુંડાળામાં ગોઠવાઈ ગયા. જાણે કે ગામડામાં તાપણું સળગાવીને બધા આજુબાજુ બેઠા હોય એવું દશ્ય લાગતું હતું. રસોઈ કરવાવાળા મહારાજ, આદિવાસી જેવા આઠદસ કલાકારોને લઈ આવ્યા હતા. તેમણે ઢોલ-નગારાં અને પીપુડી સાથે ગરબા જેવું નૃત્ય કરવાનું શરૂ કર્યું. એ પછી તો અમેય કંઈ ઝાલ્યા રહીએ ખરાં ? બધા મન મૂકીને નાચવા-કૂદવામાં જોડાઈ ગયા ! વાતાવરણ તો જે જામ્યું હતું……અવર્ણનીય ! મહેફિલનો રંગ રહી ગયો. સૌ ભૂખ્યા થયા હતા. હવે વારો હતો વાળુ કરવાનો. ખીચડી, કઢી, રોટલા, સેવ-ટામેટા અને રીંગણ-બટાકાનું શાક, ગોળ, પાપડ અને છાશ ! કાઠિયાવાડી ભોજનનો સ્વાદ સૌને રહી ગયો.
રાતના ઓળા પૃથ્વી પર ઊતરી રહ્યા હતા. થોડી ઠંડી પણ લાગવા માંડી હતી. સૌ સુવાની તૈયારી કરવા લાગ્યા. કોટેજમાં સુવા માટે કોઈ તૈયાર નહોતું અને તંબૂમાં સૂવા માટે પડાપડી હતી. તંબૂમાં સાદા સીધા પલંગ હતા અને તે પણ ભોંય પર જ મૂકેલા. તંબૂમાં જગ્યા ખૂટી પડી તો કેટલાકે બહાર ખુલ્લામાં જ પલંગ ઢાળી દીધા ! આમ જુઓ તો બધાને સગવડ ભોગવવાની ગમે પરંતુ અહીં તો અગવડ ભોગવવાની મજા આવતી હતી ! આ જ તો કુદરતી વાતાવરણની અસર છે. અહીં ચારે બાજુ નિ:શબ્દ જંગલ હતું, એક બાજુ ખીણ અને સરોવરની દિશામાંથી થોડી થોડી ઠંડી હવા આવી રહી હતી. કોઈ જગ્યાએ લાઈટો નહોતી. હતો માત્ર રાત્રીનો ઘોર અંધકાર. ઉપર આકાશમાં અગણિત તારાઓ ટમટમતા હતા. તંબૂમાં અને બહાર ખુલ્લી જગ્યામાં સૌ ઘસઘસાટ ઊંઘતા હતા. દૂ….ર કોઈ સરોવરના સામે કિનારે કોઈક એકલાઅટૂલા ઝૂંપડામાં ઝાંખુ ફાનસ બળતું દેખાતું હતું. આવા ખુલ્લા સૂનકાર પ્રદેશમાં અડધી રાત્રે ખીણ તરફ તથા આજુબાજુ આંટો મારવાની કેવી મજા આવે ! આ રોમાંચક અનુભવનું વર્ણન કરવામાં શબ્દો ઓછા પડે. એ તો જાતે માણો તો જ જાણો ! અમદાવાદ કે વડોદરામાં આવો અનુભવ સ્વપ્નેય ન થાય.
બીજા દિવસની સવાર પડી. સૌ નાહી-ધોઈને પરવાર્યા અને ચા-નાસ્તો કર્યો. હવે આગળનો કાર્યક્રમ હતો ડુંગરાઓમાં ટ્રેકિંગ કરવાનો. થોડાક મોટેરાંઓ સિવાય બધા જ ટ્રેકિંગ માટે નીકળી પડ્યા. એક બાજુ વૃક્ષોની વચ્ચે થઈને ડુંગર પર જવાય એવી કેડી હતી. સૌએ ઢોળાવ પર ચઢવાનું શરૂ કર્યું. હાંફતા, ઊભા રહેતાં, ફોટા પાડતાં અને હસીમજાક કરતાં સૌ ઉપર ચઢી ગયા. ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ કવિતા યાદ આવી ગઈ. જંગલ વીંધીને ઉપર પહોંચવાની મજા આવી ગઈ. આશરે એકાદ કલાક જેટલું ચાલ્યા હોઈશું પણ તોય જરાય થાક લાગ્યો નહોતો. મન મક્કમ કરીને, પ્રભુ પર શ્રદ્ધા રાખીને ‘બસ ચઢવું જ છે !’ એવો નિર્ધાર કરીને મનોબળ કેળવીએ એટલે ચડી જ જવાય. વળી, ચઢી ગયા પછી એમ લાગે કે ‘આ હું કેવી રીતે કરી શક્યો !’ એ એક ચમત્કાર જ કહી શકાય. પરંતુ આવા ચમત્કારો તો આપણા જીવનમાં થયા જ કરતા હોય છે. ટેકરાની ટોચ પરથી દેખાતું કુદરતી દશ્ય ભવ્યાતિભવ્ય હતું. એક બાજુ સરોવર, ચોતરફ ટેકરીઓ, ખીણો તો ક્યાંક દૂર દેખાતો રોડ-બસ… બધું જ અદ્દભુત હતું. ખાસ વાત તો એ લાગી કે ચારેબાજુ દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી કોઈ ગામ દેખાતું ન હતું. સૌ આ રોમાંચક અનુભવ માણીને નીચે ઊતર્યા. ફરીથી થોડીક રમતો અને ખાણીપીણી કરીને પરવાર્યા.
હવે છૂટા પડવાની ઘડી આવી હતી. બે દિવસ ખૂબ આનંદમાં પસાર કર્યા. દુનિયાથી દૂર, મોબાઈલથી દૂર, કુદરતના ખોળે ખૂબ મસ્તીમાં જીવ્યા હતા. આવો આનંદ બીજે ક્યાં મળે ? એકબીજાની હૂંફ અને લાગણી માણી હતી. એકબીજાની નજીક આવ્યા હતા. ઐક્ય અને ભાતૃભાવ અનુભવ્યો હતો. એકબીજાને મદદરૂપ થવાની તત્પરતા જોઈ હતી. છેવટે ભારે હૈયે સૌની વિદાય લીધી અને સૌ એકબીજાને ‘આવજો… આવજો…’ કહીને છૂટા પડ્યા. તમામ ગાડીઓ રાજપીપળા તરફ રવાના થઈ અને એક મધુર પ્રવાસના સંસ્મરણો સૌની સ્મૃતિમાં કાયમ માટે અંકાઈ ગયાં.
વિશેષનોંધ:
રાજપીપળાની નજીકમાં નર્મદા બંધના ઉપરવાસમાં સાતપુડા પર્વતની ઘણી ટેકરીઓ અને તેમાં વચ્ચે વચ્ચે વહેતી નદીઓ અને ધોધ આવેલા છે. આ વિસ્તારમાં ફરવાની ખૂબ જ મજા આવે છે. જેમ કે આવી એક જગ્યા છે ‘જરવાણી ધોધ’. આ ઉપરાંત, રાજપીપળાથી ડેડિયાપાડા થઈને નિનાઈ ધોધ જવાય છે. આ સ્થળ પણ ખૂબ જ, ખૂબ જ ગમે એવું છે. YHAI (Youth Hostel Association of India) નો સંપર્ક કરવાથી આ બાબતે વધુ જાણકારી મળી શકે છે.