એક પત્રકાર, સરકારી ઓફિસમાં
મનોજ શાહ ઉત્સાહી યુવા પત્રકાર અને એક છાપાનો વિશેષ રિપોર્ટર હતો. એક દિવસ તંત્રીએ મનોજને કેબીનમાં બોલાવીને કહ્યું, ‘આપણા દેશના કાપડ ઉદ્યોગની પ્રગતિ ઉપર આપણે એક સચિત્ર લેખ પ્રકાશિત કરવો છે. તો તે અંગેની માહિતી ભેગી કરી લાવો ને !’
‘ચોક્કસ. આજે જ માહિતી એકત્ર કરવા માટે નીકળું છું.’ એમ કહીને મનોજ તંત્રીની કેબીનની બહાર નીકળ્યો. નીચે આવી એક ચા પીધી અને હેલ્મેટ ચડાવી, બાઈક સ્ટાર્ટ કરી, ભીડવાળો રસ્તો વીંધી તે ‘કાપડ નિર્દેશાલય’ની સરકારી ઓફિસે પહોંચ્યો. હેલ્મેટ લોક કરી, અંદર કાપડ નિર્દેશક(ડાયરેક્ટર)ના પીએ(પર્સનલ આસીસ્ટંટ)ની કેબીન આગળ આવ્યો.
બહાર ચમનલાલ પટાવાળો બેંચ પર બેઠો બેઠો બીડી ફૂંકતો હતો. બીડી પીતાં પીતાં જ એણે મનોજની સામે એવી રીતે જોયું કે જાણે કહેતો હોય, ‘બોલો ભૈ, ક્યાંથી ટપકી પડ્યા ?’
પત્રકાર મનોજ સમજી ગયો, બોલ્યો, ‘ડાયરેક્ટર સાહેબને મળવું છે.’
અને ચિઠ્ઠી પર નામ લખી આપવાને બદલે વીઝીટીંગ કાર્ડ કાઢીને આપ્યું. ચમનલાલ ઝીણી નજર કાર્ડ પર ફેરવી, બીડી બેંચની કોરે મૂકી, પીએની કેબીનમાં ઘૂસ્યો અને કાર્ડ પીએને આપ્યું. પીએ ભારત-ન્યુઝીલેન્ડ ક્રિકેટ મેચની કોમેન્ટ્રી સાંભળતો હતો. ચમનલાલના વચમાં ટપકવાથી એ થોડો ચિડાયો. એણે વીઝીટીંગ કાર્ડ ઉઠાવી ટેબલની એક બાજુએ મૂકી દીધું. ચમનલાલ બહાર જતો રહ્યો. પીએ પાછો કોમેન્ટ્રી સાંભળવા લાગ્યો. એકાએક ભારતીય બેટ્સમેન આઉટ થઇ ગયો. પીએ ગરમ થઇ ગયો અને ભારતીય ખેલાડી કેમ કરતાં આઉટ થયો એ સાંભળવાને બદલે રેડીઓ બંધ કરી દીધો અને બબડ્યો, ‘આ સાલા ભારતીયોને તો ક્રિકેટ રમવા પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. એક મીડીયમ પેસ બોલનો ય સામનો નથી કરી શકતા, ફાસ્ટ બોલને શું રમશે, હં’
‘હં’ કરવા જતાં ગરદનને એક ઝાટકો લાગ્યો ને એની નજર પેલા વીઝીટીંગ કાર્ડ પર પડી, ‘મનોજ, વિશેષ રિપોર્ટર.’ કંટાળા સાથે કાર્ડ ઉઠાવી, તે નિર્દેશકની કેબીનમાં ગયો. નિર્દેશકે કાર્ડ જોયું. ચશ્મા નીચેથી જ જોઈને કહ્યું, ‘પત્રકાર છે તો અંદર મોકલો.’
પીએ પાછો એની કેબીનમાં આવ્યો ને બેલ મારી. ચમનલાલ અંદર આવ્યો. પીએએ કહ્યું, ‘એને સાહેબ પાસે મોકલ.’
ચમનલાલે બહાર આવી મનોજને કહ્યું, ‘ચાલો’ અને તેણે નિર્દેશકની કેબીનનું બારણું ખોલ્યું. મનોજ નિર્દેશકની સામે ઉભો હતો.
‘આવો, બેસો’ નિર્દેશકે કહ્યું. મનોજ ખુરશી પર બેસી ગયો.
નિર્દેશક બોલ્યા,, ‘બોલો, શું કામ પડ્યું ?’
મનોજ કહે, ‘દેશમાં કાપડ ઉત્પાદનના ક્ષેત્રમાં અદભૂત પ્રગતિ થઇ છે એ ધ્યાનમાં રાખી અમારે એકાદ લેખ લખવો છે, તો થોડી માહિતી જોઈએ છે.’
નિર્દેશકે પૂછ્યું , ‘તમારા છાપાનું સરક્યુલેશન કેટલું છે ?’
મનોજે કહ્યું, ‘લગભગ સિત્તેરથી એંશી હજાર.’
નિર્દેશક હસ્યો, ‘તો તો તમને કાપડમીલોની ખાસ્સી જાહેરાતો મળી જશે. જે માંદી મીલો સરકારે ટેકઓવર કરી છે એની જાહેરાતો ય મળી જશે.’
મનોજે ભોળપણથી કહ્યું, ‘સાહેબ, તમે કદાચ ખોટું સમજ્યા છો. હું જાહેરાતો માટે નથી આવ્યો.’
નિર્દેશક કહે, ‘ખબર છે, ખબર છે.’
એણે સિગરેટ કાઢી, હોઠ વચ્ચે મૂકી. પછી કહ્યું, ‘જાહેરાત માટે તો તમારા જાહેરખબર વિભાગવાળા આવશે. અહીં બેઠા બેઠા એટલો તો અનુભવ થઇ જ ગયો છે. મીસ્ટર મનોજ, તમે કદાચ નવા નવા જોડાયા લાગો છો.’
‘જુઓ, ખરેખર એવું છે કે…..’ મનોજ પૂરું બોલી રહે એ પહેલાં જ નિર્દેશક બોલ્યા, ‘તમે કેમ આવ્યા છો એની મને ખબર છે. જાહેરાત પહેલાં લેખ કે લેખ માટે કંઇક મટીરીયલ. બધા એમ જ આવે છે. સમજી લો કે એ જ રીતે મોકલવામાં આવે છે.’
‘હં’ પત્રકાર મનોજ માંડ બોલ્યો. પછી કહે, ‘મારે લેખમાં કાપડ ઉત્પાદનની પ્રગતિના આંકડા મૂકવા છે. તો એ જોઈએ છે.’
નિર્દેશક સહેજ હસ્યો. પછી ધૂમાડો છોડતાં એણે બેલ મારી. પીએ હાજર થયો. નિર્દેશકે મનોજ વિષે થોડી વાત કહી અને એને રેકોર્ડ વિભાગના ઉપનિર્દેશક(જોઇન્ટ ડાયરેક્ટર) પાસે લઇ જવા કહ્યું.
‘ચાલો’ પીએ બોલ્યો.
‘થેન્ક્સ’ કહી મનોજ ઉભો થયો અને રેકોર્ડના ઉપનિર્દેશક પાસે પહોંચ્યો.
પીએએ ઉપનિર્દેશકને કહ્યું, ‘પત્રકાર છે, સાહેબે મોકલ્યો છે, થોડા આંકડા જોઈએ છે.’ પીએ જતો રહ્યો. મનોજે ઉપનિર્દેશકને ટૂંકમાં પોતાના વિષે કહીને, લંબાણપૂર્વક એ કેમ આવ્યો છે એ વિષે જણાવ્યું.
‘ઓહ, અચ્છા…..’ કહીને ઉપનિર્દેશકે પોતાના પીએને બોલાવ્યો. પીએ આવ્યો ત્યારે કહ્યું, ‘આને સહાયક નિર્દેશક(ડેપ્યુટી ડાયરેક્ટર) શ્રી જોષી પાસે લઇ જાઓ.’
પીએ વળી બોલ્યો, ‘ચાલો’
મનોજ ‘થેન્ક્સ’ કહીને ઉપડ્યો. સહાયક નિર્દેશક જોષીની અલગ નહિ પણ સંયુક્ત કેબીન હતી. ત્યાં મનોજે ફરીથી ‘એ કેમ આવ્યો છે’ તે કહ્યું.
જોષી બોલ્યો, ‘ચાલો હારૂં થ્યું તમે આજે આઈ ગ્યા, નકર કાલે મારું પરમોશન બીજા ડીવીઝનમાં ટ્રાન્સફર થવાનું હતું.’
‘ઓહ, એમ વાત છે ? ચાલો ત્યારે કોન્ગ્રેટ્સ’
‘થેંક યૂ, થેંક યુ’ જોષી બોલ્યો.
‘અચ્છા, કાલે તમારી પોસ્ટ કઈ હશે ?’ મનોજે પૂછ્યું.
‘એ જ, ડેપ્યુટી ડાયરેક્ટર… એટલે કે સહાયક નિર્દેશક.’ જોષી બોલ્યો, ‘હવે આ ઉંમરે પ્રમોશન થયા પછી કંઇ કામ કરવાનું હોતું નથી. બસ, ખાલી એક બે ઇન્ક્રીમેન્ટનો ફાયદો થાય. હા, એકાદબે બીજા ફાયદા થાય. એક જુદી કેબીન મળે. અને હા, એક પીએ પણ.’
‘તો અત્યારે ?’ મનોજે પૂછ્યું.
‘અત્યારે પીએ નહિ. પણ સ્ટેનો છે. આ ગ્રેડમાં પીએની પોસ્ટ નથી.’ જોષી કહે, ‘અને સ્ટેનો પાછી એક છોકરી છે. બહાર બેઠી છે. જોઈ હશે. ત્રણ છોકરાંની મા છે. આખો દા’ડો કંઇક ને કંઇક ઝાપટ્યા કરે છે. કાં તો સ્વેટર ગૂંથ્યા કરે છે. કંઇ કામની નથી.’
‘એમ ?’ મનોજે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું.
‘હવે જુઓ, તમારું કામ જે આસીસ્ટંટ પાસે છે, એની જોડે તમને લઇ જવાનું કહીશ તો કહેશે ‘એ મારી ડ્યુટીમાં નથી આવતું.’ જોષી બહુ દુઃખી થઈને બોલ્યો, ‘હાલો ને હવે, હું જ તમને આસીસ્ટંટ પાસે લઇ જાઉં.’
‘અરે ચાલશે, તમે કાં તકલીફ લ્યો ? મને આસીસ્ટંટનું નામ કહી દો, હું જાતે એમને મળી લઈશ.’
‘અરે હોય કંઇ ! એ તો અમારી ફરજ છે.’ કહેતો જોષી બહાર નીકળ્યો. મનોજ પણ તેની પાછળ પાછળ ગયો.
એક નાના હોલમાં એક ટેબલ આગળ જઈને જોષીએ બાજુવાળાને પૂછ્યું, ‘મહેતા ક્યાં છે ?’
‘ક્યાં છે ?’ બાજુવાળાએ જોષીના ચાળા પાડતાં કહ્યું, ‘જોષીસાહેબ, તમારી સરકાર એટલો પગાર તો નથી આપતી કે દાળરોટલો મળી રહે. તમને તો ખબર છે કે મહેતા થોડીઘણી કમાણી ઓફિસમાં સાડી, મોજાં, હાથરૂમાલ અને એવું બધું વેચીને કરે છે. બસ, એ જ ‘અભિયાન’ પર નીકળ્યો છે.’
આજુબાજુવાળા બધાય હસ્યા. જોષીએ સહેજ ચીમળાઈને મનોજ તરફ જોયું, એટલામાં મહેતા આવી ગયો. એના હાથમાં પ્લાસ્ટિકનો થેલો હતો, એમાંથી મોજાં બહાર લટકતાં દેખાતાં હતાં. જોષીએ જરા ગરમ થઈને એની તરફ જોયું. મહેતા બોલ્યો, ‘સોરી સર, તમે જે સાડી મંગાવી હતી, એ મળી નહિ. બીજી કોઈ બતાવું ?’ એમ કહી એ થેલામાં હાથ નાખવા માંડ્યો.
જોષી અકળાઈને બોલ્યો, ‘જુઓ, ખરીદવેચાણનું કામ પછી કરજો. પહેલાં આમને મળો. આ મનોજ પત્રકાર છે. એમને થોડી માહિતી જોઈએ છે.’
પત્રકાર શબ્દ સાંભળી બધા ગંભીર થઇ ગયા. મનોજને મહેતાને સોંપી જોષી જતો રહ્યો. મનોજે એક વાર ફરી મહેતા આગળ ‘એ કેમ આવ્યો છે ?’ એ અંગે એણે નિર્દેશક, ઉપનિર્દેશક અને સહાયક નિર્દેશકને જે કંઇ કહ્યું હતું, એ બધું કહ્યું. એ સાંભળી ગંભીર સ્વરે મહેતાએ કહ્યું, ‘હં તો તમારે આંકડા જોઈએ છે એમ ને ?’ પછી સહેજ હસીને કહ્યું, ‘આ રેકોર્ડ એટલે કે સ્ટેટેસ્ટિકલ ડિપાર્ટમેન્ટની ખૂબી જ એ છે કે અહીં બધું છે પણ સ્ટેટેસ્ટિક નથી.’
‘એવું છે ?’ મનોજે ઉદાસ થઈને પૂછ્યું.
‘જો કે તમે પ્રેસમાંથી આવો છો એટલે કંઇક તો આપવું જ પડશે. ચાલો’ કહી મહેતા ઉઠ્યો. એ મનોજને બાજુના રૂમમાં લઇ ગયો. ત્યાં ચાર ટેબલ હતાં પણ એક જ વ્યક્તિ બેઠી હતી.
‘સારું છે’ મહેતાએ મનોજને કહ્યું, ‘જેની જરૂર છે એ બેઠો છે.’
મહેતા ત્યાં ગયો. ‘મોટા બાબુ….’ એણે બૂમ પાડી. એકલો જ બેઠો બેઠો પત્તાં ચીપતો હેડ ક્લાર્ક માથું ઉંચુ કરીને જોવા લાગ્યો.
મહેતા બોલ્યો, ‘બીજા બધા ક્યાં ગયા ?’
‘ભઈ, દેસાઈ એની છોકરીનું એડમીશન કરાવવા ગયો છે. બક્ષીનો રેડીઓ બગડી ગયો છે, એટલે એ બહાર પાનવાળાની દુકાન પર કોમેન્ટ્રી સાંભળે છે. અને વકીલે હમણાં જ ફોન પર કહ્યું કે એની મિસિસને ઝાડા થઇ ગયા છે, એટલે એ આજે…….’ હેડ ક્લાર્ક પરમાર એકસામટું બધું બોલી ગયો.
‘સારી પેઠે ઈડલી ઢોંસા ઝાપટ્યા હશે.’ સાવ શાંત સ્વરે મહેતા બોલ્યો. પછી મનોજની ઓળખાણ આપતાં કહે, ‘આમને તમારું જ કામ છે. એ પત્રકાર છે. એમને કેટલાક આંકડા જોઈએ છે.’
‘આસીસ્ટંટ સાહેબ, એક વાત કહું, ખોટું ના લગાડશો.’ પરમાર સહેજ હસતાં બોલ્યો.
મહેતા કહે, ‘હા, હા, બોલ ને. તને કંઇ મસ્તી સૂઝી લાગે છે.’
પરમાર બોલ્યો, ‘બસ, એ જ કે તમારી યાદશક્તિ ઓછી થઇ ગઈ હોય તો રીટાયરમેન્ટ કેમ નથી લઇ લેતા ?’
મહેતા કહે, ‘કંઇ ખબર ના પડી. તું કહેવા શું માગે છે ? અને આમ હસે છે કેમ ?’
પરમાર, ‘હવે હસીએ પણ નહિ ? તમે જ તો મારો ટ્રાન્સફર ઓર્ડર બે દિવસ પહેલાં કાઢ્યો હતો. રીલીવર કોઈ આવ્યો નહિ. એટલે ગઈ કાલે મેં બધી ફાઈલો દીક્ષિતને આપી દીધી.’
‘અરે, હા’ મહેતા બોલ્યો, ‘આ સાલી યાદશક્તિ લાગે છે ખરેખર ઘટી ગઈ છે.’ પછી મનોજને કહ્યું, ‘ચાલો, તમને દીક્ષિત જોડે લઇ જાઉં.’
મહેતા આગળ ચાલ્યો. લગભગ નિરાશ થયેલો મનોજ પાછળ દોરવાયો. પરમાર પાછો પત્તાં ટીચવામાં પડ્યો.
નસીબજોગે દીક્ષિત બાજુના હોલમાં જ બેસતો હતો. મહેતા અને મનોજ ત્યાં પહોંચ્યા, તો દીક્ષિત સામે બેઠેલી કોમ્પ્યુટર ઓપરેટર મોના જોડે ખપાવતો હતો. મોના, મહેતાને ય ગમતી. એટલે એકાએક મહેતાને ટપકેલો જોઈ દીક્ષિતનો મૂડ બગડ્યો. મહેતાનો ય મૂડ બગડ્યો. ગુસ્સાથી એણે મોના સામે જોયું અને મનમાં બરાબર નક્કી કર્યું કે એ હવે એવું તિકડમ ચલાવશે કે જેથી મોના એના રૂમની સામે બેસે એવો ઓર્ડર આવી જાય. પણ અત્યારે તો મોના બેયની સામે વારંવાર જોઈને હસ્યા કરતી હતી. મહેતાએ તત્કાલ તો મનોજની ઓળખાણ કરાવી અને જતો રહ્યો.
મનોજે દીક્ષિતને ફરી ‘એ કેમ આવ્યો છે ?’ એ કહ્યું.
દીક્ષિતે કહ્યું, ‘તમે યાર, આંકડા લેવા આવ્યા ને સાવ ખાલી હાથે ?’
‘એટલે ?’ મનોજે ગંભીર અવાજે પૂછ્યું.
દીક્ષિત બોલ્યો, ‘લો હવે, એ ય કહેવું પડશે ?’
દીક્ષિતે માણેકચંદ તમાકુ કાઢીને મસળી, ‘અરે, કોઈ ડાયરી કેલેન્ડર નથી લાવ્યા ? કંઇ નહિ તો તમારા છાપાની રવિ પૂર્તિ લેતા આવવું’તું. અને તમારે ત્યાંથી ઘણાં મેગેઝીન બહાર પડે છે. કમ સે કમ એની કોપી લેતા આવ્યા હોત તો ? એક તો કેટલા ય લોકો આવે એના ચાપાણીના ખર્ચા અને કોણ જાણે બીજો કેટલો ય……’
‘આ શું બકવાસ કરો છો ? તમે લાંચ માંગો છો ?’ મનોજ છેવટે ગરમ થઇ ગયો, ‘ખબર છે હું પત્રકાર છું ?’
‘ખબર છે ભઈ’ દીક્ષિતે તમાકુ અંગૂઠા અને આંગળી વચ્ચે પકડીને હોઠમાં ખોસી. પછી કહે, ‘એટલે તો હું ચાપાણીનો ખર્ચો નહિ પણ ડાયરી-કેલેન્ડર જેવી મામુલી ચીજો માગું છું.’
આ સાંભળી બીજા બધા એક સાથે હસ્યા, મોના પણ. મનોજ ગુસ્સાથી ધમધમી ઉઠ્યો. છેવટે દીક્ષિત મનોજ સામે જોઈ ઠંડા કલેજે બોલ્યો, ‘આંકડા અઠવાડિયા પછી લઇ જજો.’
‘અઠવાડિયા પછી કેમ ?’ સાવ નંખાઈ ગયેલા અવાજે મનોજ બોલ્યો.
‘જુઓ, થોડો સમય તો લાગે જ.’ દીક્ષિત કહે, ‘ફાઈલ ખોલવી પડે, નોટ ‘પુટ અપ’ કરવી પડે, પછી નોટ હેડ ક્લાર્ક પાસે જાય, એ એમની ટેવ મૂજબ કંઇક સુધારો કરે, પછી આસીસ્ટંટને પહોંચાડે. આસીસ્ટંટ મહેતા એક નંબરનો કામચોર છે. એ સાલો નોટ જોયા વગર જ ડેપ્યુટી ડાયરેક્ટરને ફાઈલ મોકલશે, ત્યાંથી ફાઈલ જોઇન્ટ ડાયરેક્ટર પાસે જશે અને ત્યાંથી ડાયરેક્ટર પાસે. ડાયરેક્ટર એટલે કે નિર્દેશક ફાઈલનો સ્ટડી કરશે, પછી પરમીશન આપશે. પછી આ બધા અધિકારીઓ મારફતે ફાઈલ અહીં પાછી આવશે. પછી….’
‘ઓકે ઓકે, હું સમજી ગયો’ મનોજ જરા કડક અવાજે બોલ્યો.
‘ગુડ’ દીક્ષિત વ્યંગમાં બોલ્યો, અને આખી રૂમમાં બધા હસ્યા.
‘હું જોઈ લઈશ. હું પ્રધાનને ફરિયાદ કરીશ. આખા ડિપાર્ટમેન્ટની ફરિયાદ કરીશ. ઉપરથી નીચે સુધી બધા કામચોર જ બેઠા છે. આટલા કામ માટે ય લાંચ માગે છે. શરમ આવવી જોઈએ.’ મનોજ બોલ્યો.
‘એક અઠવાડિયા પછી જો આવો તો ડાયરી-કેલેન્ડર-મેગેઝીન લઈને આવજો.’ દીક્ષિતે આગળ ચલાવ્યું. ફરી એક વાર બધા ખંધુ હસ્યા.
ઉત્સાહી પત્રકાર નિરાશ થઇ બહાર જતો રહ્યો. મોનાએ દીક્ષિતને ચીડવ્યો, ‘દીક્ષિત, તું બધાને કારણ વગર ક્યાં ભરાવે છે ?’
દીક્ષિતે કંઇ સાંભળ્યું નહિ. મનમાં જ બબડ્યો, ‘મોટો પત્રકાર ના જોયો હોય તો ! એમની પેનને તાકાતવાન સમજે છે. હજુ અમારી પેનની તાકાતની એને ખબર નથી. મારી પેનથી એને રખડતો ના કરી દઉં તો હું દીક્ષિત નહિ.’
દીક્ષિત ઉઠ્યો. એક કાગળ લઇ એમાં લખવા લાગ્યો. ‘પોતાને પત્રકાર હોવાનું જણાવનાર શખ્સ મનોજ કાપડઉદ્યોગની પ્રગતિના આંકડા લેવા આ કાર્યાલયમાં આવ્યો હતો. વારંવાર એને જણાવવા છતાં એણે આંકડા આપવા માટે કોઈ લેખિત અરજી આપી નહિ. ખાલી મોઢામોઢ જ બોલતો રહ્યો. એની વાતચીત પરથી એવું લાગે છે કે એ પત્રકારના વેશમાં કોઈ વિદેશી જાસૂસ કે એજન્ટ છે. અને આપણા દેશના કાપડ ઉત્પાદનની પ્રગતિના આંકડા, મિલોની સંખ્યા, મિલોનાં સ્થળ વગેરે વિરોધી દેશોને આપીને કાપડઉદ્યોગની ઘોર ખોદવા ધારતો હતો. આથી આપણી કાપડ મિલોની સુરક્ષાને ખતરો ઉભો થવાનો ભય છે. વિદેશી દેશો ગમે ત્યારે આપણા કાપડઉદ્યોગને બરબાદ કરી શકે છે. આથી એવું સૂચન છે કે આ ઘટના વધુ તપાસ અર્થે ગૃહપ્રધાનના જાસૂસીખાતાને સોંપવામાં આવે.’
દીક્ષિત ફાઈલ બંધ કરી, ઉપર લાલ અક્ષરે ‘ટોપ સિક્રેટ’ લખી આસીસ્ટંટ પાસે ગયો. આસીસ્ટંટે વાંચ્યું. તે ગભરાઈને ઉભો થઇ ગયો ને સહી કરી ફાઈલ જાતે સહાયક નિર્દેશકને આપવા ગયો. દીક્ષિત પાછો જગા પર જઈ બેઠો. સહાયક નિર્દેશકે ફાઈલ જોઈ. એ ય સહેજ ભડક્યો. પણ મામલાની ગંભીરતા જોઈ, નોટ પર સહી કરી, તાત્કાલિક ઉભો થઇ ઉપનિર્દેશક પાસે ગયો. ઉપનિર્દેશક પણ ‘ટોપ સિક્રેટ’ લખેલું જોઈને ચોંક્યો. એણે ફાઈલ ખોલીને વાંચી. અને ‘હં’ બોલી, સહી કરી, ટોપ સિક્રેટ હોવાને કારણે, પટાવાળા કે પીએ મારફતે ફાઈલ મોકલવાને બદલે જાતે નિર્દેશક પાસે ગયો.
નિર્દેશકે ફાઈલ જોઈ ગંભીરતાથી વિચાર્યું. અને દીક્ષિત, આસીસ્ટંટ, સહાયક નિર્દેશક અને ઉપનિર્દેશકના વિચાર મૂજબ, ‘તુરંત કાર્યવાહી કરવી’ એવી નોંધ સાથે ફાઈલ, મહાનિર્દેશાલય મારફતે ગૃહખાતાને મોકલાવી. ગૃહખાતાએ ફાઈલ સીબીઆઈને સોંપી. સીબીઆઈ તરત એક્શનમાં આવ્યું.
એક અઠવાડિયામાં તો પોલિસ ઇન્સ્પેક્ટર મનોજને ઘેર પહોંચ્યો. એની જોડે બે હવાલદારો હતા. તેમની પાસે મનોજની ધરપકડનું વોરંટ હતું. સંજોગવશાત મનોજ ઘેર ન હતો પણ પ્રેસ પર ગયો હતો. એટલે એની પત્ની પોલિસને જોઈને બરાબર ગભરાઈ. એણે એકાએક જ કહ્યું, ‘તમે બેસો, એ આવે જ છે.’ અને અંદર જઈ ચા બનાવવા લાગી.
ત્રણેય પોલિસવાળા બેઠા અને મનોજની રાહ જોવા લાગ્યા. એ લોકો ઉભા થવાનું વિચારતા હતા, એટલામાં મનોજની પત્ની ચા, દાળમૂઠ અને બટાકાપૌઆ લઈને આવી. આવો અનુભવ પોલિસ માટે નવો હતો. ‘અરે, તકલીફ ક્યાં લીધી ?’ જિંદગીમાં પહેલીવાર ઇન્સ્પેક્ટર મૃદુતાથી બોલ્યો.
‘એમાં શું ?’ ત્રણેય ચા પીવા લાગ્યા. ચા સરસ હતી. દાળમૂઠ પણ સરસ હતી. ત્રણેયે વિચાર્યું, ‘હવે આટલી સારી પત્ની છે તો પછી આપણા આવવાનું કારણ કહી જ દઈએ.’ એટલે તેઓ કારણ કહીને જતા રહ્યા.
મનોજની પત્ની ગભરાઈ ગઈ. થોડી વાર પછી એણે મનોજનો સંપર્ક કરીને કહ્યું કે સીબીઆઈમાંથી પોલિસો પકડવા માટે આવ્યા હતા ને એવું કહેતા હતા કે કાપડઉત્પાદનની પ્રગતિના આંકડા તમે વિદેશી દેશોને આપવાના છો.’
મનોજ તો ભડકી જ ગયો. બહુ વિચાર્યું ત્યારે યાદ આવ્યું કે એણે કાપડનિર્દેશાલયના ક્લાર્કને લાંચ માગવા બદલ ખખડાવ્યો હતો. મનોજે તંત્રીને આ બાબત કહી. તંત્રીએ મનોજને કહ્યું, ‘હવે કેસ સીબીઆઈ પાસે છે. હું કાંઈ ન કરી શકું.’
‘પણ….’ મનોજ દુઃખી થઈને બોલ્યો.
‘પણ બણ શું ?’ તંત્રીએ કહ્યું, ‘ધારો કે લેખમાં તું આંકડા ન મૂકત તો ય ચાલતું. અથવા આશરે મૂકી દીધા હોત તો ય ચાલત. હવે તો એટલું વધી ગયું છે કે અમે વચ્ચે પડીએ તો આખું છાપું સીબીઆઈની ઝપટમાં આવી જાય.’
મનોજને કંઇ ભાન ના રહ્યું.
આજે,
પોલિસના ચોપડે મનોજ ફરાર છે. તે ભૂગર્ભમાં રહીને તંત્રને સુધારવાનો કોઈ પ્લાન વિચારી રહ્યો છે. એને ખાતરી છે કે અંતે તો સત્યનો જ જય થશે. પેલી ટોપ સિક્રેટવાળી ફાઈલ દીક્ષિત પાસે પહોંચી છે. એમાં નોંધ છે કે સીબીઆઈ, મનોજ નામના રાષ્ટ્ર વિરોધી તત્વ સામે કામગીરી કરી રહી છે. જોડે નિર્દેશકે પેનથી લખ્યું હતું કે મનોજની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ વિષે માહિતી આપી દીક્ષિતે બહુ ડહાપણભર્યું કામ કર્યું છે. એ બાબતે ગૃહખાતું એને એક ઇન્ક્રીમેન્ટ આપવાની ભલામણ કરી રહ્યું છે.
દીક્ષિત રોજ સવારે આવી પહેલાં નિર્દેશકની નોંધવાળી એ ફાઈલ ખોલીને વાંચે છે. પછી સચિવાલયમાં એના ઇન્ક્રીમેન્ટનું કેટલે પહોંચ્યું એની પૂછપરછ કરે છે. પછી ટેબલ પર બેસી મનમાં જ મનોજનો આભાર માને છે, અને સહેજ હસી પડે છે. એટલે મોના એને કહે છે, ‘બસ, એમ જ હસ્યા કરશો કે પાર્ટી પણ આપશો ?’
દીક્ષિત બધાને ઇન્ક્રીમેન્ટ આવવાની રાહ જોવાનું કહે છે અને ફાઈલ ખોલી ‘કામ’ શરુ કરે છે અલબત્ત, માણેકચંદનો ગૂટકો ચાવતા ચાવતા જ.