ગીરા ધોધ
ગીરા ધોધ એટલે ગુજરાતનો એક ખૂબ જ જાણીતો ધોધ. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ ગામની નજીક આ ધોધ આવેલો છે. વઘઈથી સાપુતારા જવાના રસ્તે ૨ કી.મી. જેટલું ગયા પછી, સાઇડમાં એક રસ્તો પડે છે. આ રસ્તે ૨ કી.મી. જેટલું જાવ એટલે ગીરા ધોધ પહોંચી જવાય. ટૂંકમાં, વઘઈથી ગીરા ધોધ ૪ કી.મી. દૂર છે. અહીં અંબિકા નદી પોતે જ ધોધરૂપે પડે છે. અને આગળ વહી, બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ધોધ લગભગ ત્રીસ મીટર ઉંચાઈએથી પડે છે. ચોમાસામાં જયારે અંબિકામાં પુષ્કળ પાણી હોય ત્યારે આ ધોધ ઘણો જ જાજરમાન અને રૌદ્ર લાગે છે. ઘણે દૂરથી ધોધની ગર્જના સંભળાય છે. ધોધ પડતો હોય એ જગાએ તો પાણીમાં ઉતરાય જ નહિ, ડૂબી જવાય અને ખેંચાઈ જવાય. અરે ! થોડે દૂર પણ પાણીમાં ઉતરવા જેવું નથી. ધોધ પડ્યા પછી, નદી વળાંક લે છે, એટલે નદી કિનારે ધોધની બરાબર સામે ખડકાળ પથ્થરો પર ઉભા રહી ધોધનાં દર્શન કરી શકાય છે. ધોધ બહુ જ સુંદર લાગે છે. એમ થાય કે બસ અહીં ઉભા રહી ધોધને જોયા જ કરીએ અને એનો કર્ણપ્રિય ધ્વનિ સાંભળ્યા કરીએ ! અહીંથી ધોધના ફોટા સરસ રીતે પાડી શકાય છે. ધોધને જોઇ મનમાં એક જાતનો રોમાંચ અને આનંદ થાય છે.
ચોમાસા પછી ડીસેમ્બર સુધી આ ધોધ જોવા માટે ઉત્તમ સમય છે. ધોધની નજીક છેક નદીના કિનારા સુધી વાહનો જઈ શકે છે. અહીં ચા, નાસ્તો, મકાઈ, રમકડાં વગેરેની દુકાનો છે. નજીકમાં અંબાપાડા ગામ છે, વાંસનાં ગાઢ જંગલો છે.
ગિરિમથક સાપુતારા અહીંથી ૫૦ કી.મી. દૂર છે. એ એક જોવા જેવું સ્થળ છે. વઘઈ, સૂરતથી ૧૫૦ કી.મી., અમદાવાદથી ૪૦૦ કી.મી. અને મુંબઈથી ૨૫૦ કી.મી. દૂર છે. વઘઈ રેલ્વે સ્ટેશન, બીલીમોરા-વઘઈ રેલ્વે લાઈન પર આવેલું છે. રહેવા માટે વઘઈ અને સાપુતારામાં હોટેલો છે.
આ ગીરા ધોધ વિકસાવાય, ધોધ આગળ રહેવાજમવા અને બાગબગીચા વગેરે સગવડો ઉભી થાય તો પ્રવાસીઓની સંખ્યા ઘણી વધે અને આવક પણ ઉભી થાય, તથા ધોધ દુનિયામાં જાણીતો થાય. ધોધ ખરેખર એક વાર જોવા જેવો છે. અહીં મૂકેલ, ધોધની તસ્વીરો જુઓ.
આ વિસ્તારમાં શિંગણા ગામની નજીક ગિરમાળ આગળ એક બીજો ધોધ આવેલો છે. એ ધોધ ગુજરાતનો ઉંચામાં ઉંચો ધોધ છે. એનું નામ જાણો છો ? જાણતા હો તો કહો.