વીસલ ખાડી

                                                           વીસલ ખાડી

     ગુજરાતના વનવિભાગે ગુજરાતમાં ઘણી જગાએ કેમ્પ સાઇટ ઉભી કરી છે. આવી જગાએ જઈ જંગલો, ડુંગરા, ખીણ, નદીઓ, ધોધ વગેરેનો ભરપૂર આનંદ માણી શકાય. આવી જ એક જગા છે વીસલખાડી. રાજપીપળાથી નેત્રંગ જવાના રસ્તે, ૨૦ કી.મી. દૂર આ સ્થળ આવેલું છે. આ રસ્તે ૧૯ કી.મી. જેટલું ગયા પછી ડાબી બાજુ, વીસલખાડીનું બોર્ડ આવે છે. આ રસ્તે દોઢ કી.મી. જાવ એટલે વીસલખાડી પહોંચી જવાય. દોઢ કી.મી.નો આ રસ્તો સાંકડો અને ઉંચોનીચો છે. એક બાજુ ડુંગરા અને બીજી બાજુ કરજણ નદી પરના ડેમનું ક્યાંક ક્યાંક ભરાયેલું પાણી. ખૂબ સાચવીને જવું પડે.

વીસલખાડીમાં ચારે બાજુ જંગલોની વચ્ચે થોડી જગા ખુલ્લી કરી તેમાં ૨ કોટેજો અને થોડા તંબુ ઉભા કરેલા છે. અહીં પવન આવે ત્યારે કોટેજોની બારીમાંથી વ્હીસલ વાગતી હોય એવો અવાજ આવે છે, એટલે આ સ્થળનું નામ પડી ગયું વીસલખાડી. અહીં કોઈ ગામ નથી કે નથી કોઈ વસ્તી. બસ, જંગલ વચ્ચે રહેવાનો આનંદ માણવાનો. એક બાજુ ઉંચાનીચા ડુંગર તો બીજી બાજુ કરજણ ડેમથી ભરાયેલું સરોવર. રાત્રે ૧૦ વાગે સોલર લાઈટ બંધ થઇ જાય. જંગલ વચ્ચે આમ તો સૂમસામ રાત્રિનો અનુભવ કરવાની બહુ જ મજા આવે. આ જગાએ બુકીંગ કરાવી પીકનીક મનાવવા આવો તો ઘણો આનંદ આવે. ડુંગરાઓમાં ટ્રેકીંગ પણ કરી શકાય. ગુજરાતમાં આવી જગાનો અનુભવ માણવા જેવો છે.

DSCF4603DSCF4608DSCF4615

 

 

નિનાઈ ધોધ

                                                                  નિનાઈ ધોધ

     કુદરતી સૌન્દર્યથી ભરપૂર હોય એવાં કેટલાં યે સ્થળો આપણા ગુજરાતમાં ઘરઆંગણે આવેલાં છે. નિનાઈ ધોધ તેમાંનું એક છે. તે વડોદરાથી ૧૮૦ કી.મી. દૂર જંગલોની વચ્ચે, ગુજરાતને છેવાડે, મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલું છે. વડોદરાથી ડભોઇ, તિલકવાડા, રાજપીપળા, મોવી, ડેડિયાપાડા, શીંગરોટી અને સગાઇ થઈને નિનાઈ પહોંચાય છે. શીંગરોટીથી મંજૂરી લેવાની હોય છે. છેલ્લા ૪ કી.મી.નો રસ્તો કાચો છે, પણ ગાડી જઈ શકે.

ધોધના વિસ્તારમાં દાખલ થતામાં જ વાંસની એક મઢૂલી બાંધેલી છે. અહીંથી વાંસનાં આડાંઅવળાં ૧૫૦ પગથિયાં ઉતરો એટલે ધોધનાં દર્શન થાય. ધોધ એક મોટા ધધૂડારૂપે પડે છે. માનવવસ્તી વગરના આ જંગલમાં ધોધનો કર્ણપ્રિય અવાજ સાંભળવામાં પરમ શાંતિનો અનુભવ થાય છે.

ધોધનું પાણી એક તલાવડી રચે છે. તલાવડી ઉભરાઈને પાણી આગળ વહે છે. કિનારે બેસીને નાહી શકાય, પણ છેક સુધી ધોધમાં જવું શક્ય નથી, ડૂબી જવાય. તલાવડીની ધારે ધારે ખડકો પર થઈને ધોધની નજીક જઈ શકાય, પણ ખૂબ સાચવીને.

     મુખ્ય રસ્તેથી ૨ કી.મી. દૂર માલસામોટ ગામ આવેલું છે. બસ, ગુજરાતની હદ અહીં પૂરી થાય છે. સગાઇ અને માલસામોટમાં રહેવાની સગવડ છે. આ ધોધ જોઈને લાગ્યા વગર નહિ રહે કે આપણા ગુજરાતમાં આવી સરસ જગા છે !

DSCF4941DSCF4946_ખડકોDSCF4953_ખડકની ધારે

રતનમહાલ

                                                                                  રતનમહાલ

     રતનમહાલ એ કોઈ મહેલ નથી, પણ એક રક્ષિત જંગલ છે, અભ્યારણ્ય છે. એક જમાનામાં અહીં રીંછોની સંખ્યા ઘણી હતી, એટલે એ રીંછ અભ્યારણ્ય તરીકે ઓળખાય છે. વળી, આ અભ્યારણ્ય સપાટ પ્રદેશ નથી, બલ્કે એક ડુંગર છે. ડુંગર પર ચડવાની શરૂઆત કરો ત્યાંથી જ જંગલ શરુ થઇ જાય છે. આશરે નવેક કી.મી. જેટલું ચડી જાવ એટલે ટોચે પહોંચી જવાય. મજબૂત ટાયરવાળી જીપ ઉપર સુધી જઈ શકે, ગાડીનું કામ નહિ. વચમાં એકબે નાનકડાં ગામ પણ આવે. આવા ઘનઘોર જંગલમાં, અહીં રહેતા લોકોને સૂમસામ રાત્રિ કેટલી ભયંકર લાગતી હશે ! ટોચ પર એક ચોતરો બનાવેલ છે. એક નાનકડું, પૂજારી વગરનું શીવમંદિર છે. ટોચ પરથી દૂર દૂરનું દ્રશ્ય જોવાની મજા આવે છે.

જંગલમાં રખડી, નીચે પાછા આવો પછી, ડુંગરની ધારે ધારે આશરે બે કી.મી. દૂર ભીંડોલ નામની જગા છે, તે ખાસ જોવા જેવી છે. અહીં ઝાડ, બાગબગીચા, રહેવા માટે કોટેજો અને તંબૂની વ્યવસ્થા છે. જમવાની પણ સગવડ છે. ડુંગરની ટોચ પરથી પાનમ નદી નીકળે છે, તે આ ભીંડોલ આગળથી જ મેદાનમાં પ્રવેશે છે. ખડ ખડ વહેતી નદીના કિનારે જ તંબૂઓ બાંધેલા છે. જંગલમાં મંગલ જેવી આ જગા છે. પાનમના કિનારે કિનારે ટ્રેકીંગ કરીને પણ ડુંગરની ટોચ સુધી પાનમના મૂળ આગળ પહોંચી શકાય છે.

આવું અદભૂત સ્થળ ક્યાં આવેલું છે, તે જાણવું છે ને ? પંચમહાલ જીલ્લાના દેવગઢબારીઆથી ૪૬ કી.મી. દૂર આવેલા કંજેટા ગામ આગળ આ અભ્યારણ્ય આવેલું છે. ક્યારેક તો જોવા જજો જ.

DSCF4712DSCF4738DSCF4771DSCF4777

કંથારપુરાનો વડ

                                                                                  કંથારપુરાનો વડ

       ગુજરાતમાં કબીરવડને બધા ઓળખે છે. પણ કબીરવડ જેવો જ એક બીજો મોટો વડ કંથારપુરા ગામમાં આવેલો છે, એને બહુ ઓછા લોકો જાણતા હશે. કંથારપુરા અમદાવાદથી આશરે ૩૦ કી.મી. દૂર આવેલું છે. ત્યાં જવા માટે અમદાવાદથી હિંમતનગરના રસ્તે નીકળવાનું. આ રસ્તે નરોડા પસાર થયા પછી ચિલોડા અને ચિલોડાથી દસેક કી.મી. પછી છાલા ગામ આવે છે. છાલાથી જમણી બાજુના નાનકડા રસ્તે વળી જવાનું. આ રસ્તે સાતેક કી.મી. પછી કંથારપુરા ગામ આવે.

     અહીંનો ભવ્ય વડ અને આજુબાજુ દૂર સુધી ફેલાયેલી તેની શાખાઓ જોઈને નવાઈ લાગશે. એમ થશે કે આટલો મોટો વડ, એ તો ખરેખર એક જોવા જેવી ચીજ છે. વડના મુખ્ય થડ આગળ મહાકાળી માતાનું મંદિર છે. ત્યાં લખ્યું છે, ‘જય મહાકાળી વડ, કંથારપુરા’. વડ બધી બાજુ ખૂબ ફેલાયેલો છે. એની નીચેથી રસ્તો પણ પસાર થાય છે. વડ નીચે બાંકડાઓ પર બેસી રહેવાની મજા આવે છે. અહીં ભરઉનાળે પણ એસી જેવી ઠંડક અનુભવાય છે. નાનાં બાળકો વડ પર ચડવાઉતરવાની રમત રમતાં હોય છે. વડ પર કેટલાં યે પક્ષીઓ અંને વાંદરાં જોવા મળે છે. વડની છાયામાં ગાયો અને ઢોરો આરામ ફરમાવતાં  દેખાય છે.

     આ વડ ૫૦૦ વર્ષ જૂનો છે. હમણાં જ જૂન ૨૦૧૩માં ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી આ વડ જોવા આવ્યા હતા અને તેમનાં ભૂતકાળનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. દહેગામથી પણ કંથારપુરા જવાય છે. ત્યાંથી તે ૧૫ કી.મી. દૂર છે. એક વાર આ વડ જોવા જેવો ખરો હોં.

DSCF4576

DSCF4582