કાવી કંબોઇ સ્તંભેશ્વર તીર્થ
શંકર ભગવાન એવા ભોળા ભગવાન છે કે તમે ઈચ્છો ત્યાં બધે તે દર્શન આપે છે. કાવીમાં પણ દરિયાકિનારે સ્તંભેશ્વર તીર્થમાં શીવજી બિરાજે છે. આ મંદિર બિલકુલ દરિયાકિનારે આવેલું છે. દરિયો માત્ર ૫૦ મીટર જ દૂર છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે દિવસના અમુક સમયે દરિયામાં ઓચિંતી ભરતી આવી જાય અને ભરતીનાં પાણી મંદિરમાંના શીવલીંગને ડુબાડી દે. આ દ્રશ્ય ખાસ જોવા જેવું છે. થોડી વાર પહેલાં તો આવું બનવાની કોઈ કલ્પના ન હોય અને જોતજોતામાં તો શીવલીંગ ડૂબી જાય. ભરતીનાં આ પાણી પછી ધીમે ધીમે ઓસરી જાય છે. દિવસમાં એક વખત આ ઘટના બને છે. દરરોજ ભરતી આવવાનો સમય જુદો જુદો હોય છે. એટલે કયા દિવસે કયા સમયે ભરતી આવશે, તે અગાઉથી જાણીને જવું જોઈએ, તો જ ભરતી જોવા મળે.
વડોદરા, ભરુચ કે કરજણથી કાવી જઈ શકાય છે. વડોદરાથી પાદરા, જંબુસર થઈને કાવી જવાય છે. આ અંતર ૭૩ કી.મી. જેટલું છે. જંબુસર થઈને જવાને બદલે, ગામડાંઓમાં થઈને જાવ તો થોડું ટૂંકું પડે. ભરૂચથી કાવી ૭૦ કી.મી. દૂર છે, અને જંબુસર થઈને જવાય છે. વડોદરા તથા ભરૂચથી કાવી, રેલ્વે રસ્તે પણ જવાય છે. મહી નદી દરિયાને મળે તે જગા, કાવીથી બહુ દૂર નથી.
કંબોઇ, કાવીથી ૩ કી.મી. દૂર આવેલું ગામ છે. વડોદરા કે ભરુચથી કંબોઇ સુધી પહોંચાય છે. પછીનું ૩ કી.મી. નું અંતર ચાલતા કે રીક્ષામાં કે પોતાના વાહનમાં જવું પડે છે. ક્યારેક કાવી જરૂર જજો, ભરતી જોવાની મજા આવી જશે.