વીરેશ્વર તથા પોળોનાં મંદિરોના દર્શને
પાંચસોથી હજાર વર્ષ પહેલાંના સમયગાળામાં ગુજરાતના વિજયનગર ગામની નજીક પોળો નામની નગરી વસેલી હતી. અહીં વહેતી હરણાવ નદીના કિનારે એક વાર દાનવીર ભામાશા પસાર થતા હતા ત્યારે અહીંનું સુંદર વાતાવરણ જોઈને ખુશ થઇ ગયા અને અહીં એક જૈન મંદિર બનાવ્યું. અરાવલ્લીના પહાડી જંગલો વચ્ચે આવેલ આ જગાએ ત્યાર પછી થોડા થોડા અંતરે બીજાં મંદિરો બનતાં ગયાં. ધીરે ધીરે મંદિરોની આ સંખ્યા ત્રણસો જેટલી થઇ ગઈ. આ મંદિરોમાં જૈન મંદિરો ઉપરાંત શીવ મંદિરો પણ હતાં. વખત જતાં કાળજીના અભાવે પોળોનાં આ મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયાં. આજે આ મંદિરોના ખંડેર અવશેષો જોવા મળે છે. પોળોનાં મંદિરોની નજીક વીરેશ્વર મહાદેવ નામનું એક સુંદર સ્થળ આવેલું છે.
અમે આ ઇતિહાસપ્રસિદ્ધ મંદિરો વિષે ઘણું સાંભળ્યું હતું. તે જોવા જવાની ખૂબ જ ઈચ્છા હતી. એટલે એક વાર અમે એ માટેનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો. ચોમાસાની એક સવારે ઘેરાયેલાં વાદળોની વચ્ચે અમે ચાર જણ અમદાવાદથી ગાડી લઈને નીકળી પડ્યા અને પ્રાંતિજ, હિંમતનગર થઈને ઇડર પહોંચ્યા. રસ્તામાં નરોડા શ્રી મહાપ્રભુજીની બેઠકનાં અને ગિયોડમાં શ્રી અંબેમાનાં દર્શન કર્યાં તથા ચા-નાસ્તો તો ખરો જ. અમદાવાદથી ઇડરનું અંતર ૧૧૩ કી.મી. છે. ઇડર આગળનો ઈડરિયો ડુંગર ભવ્ય લાગે છે.
ઈડરથી ઉત્તરમાં બે રસ્તા પડે છે. એક સીધો રસ્તો ખેડબ્રહ્મા તરફ અને બીજો સહેજ પૂર્વ દિશામાં વિજયનગર તરફ જાય છે. ઈડરથી વિજયનગરનું અંતર ૫૧ કી.મી. છે. ઈડરથી અમે આ રસ્તા તરફ આગળ વધ્યા. ૨૩ કી.મી. પછી વીરેશ્વર મહાદેવનું બોર્ડ આવ્યું. ડાબી બાજુના આ સાંકડા રસ્તે બે કી.મી. જેટલું ગયા પછી, વીરેશ્વર મહાદેવ પહોંચ્યા.
અહીં અરાવલ્લીનાં જંગલો વચ્ચે એક ટેકરી પર વીરેશ્વર મહાદેવ બિરાજ્યા છે. મંદિર નાનું છતાં સરસ છે. બાજુમાં નરસિંહ ભગવાનનું મંદિર છે. પાછળ એક ઝરણું છે. વરસાદની ઋતુમાં આ ઝરણામાં પાણી વહેતું હોય ત્યારે આ જગા ખૂબ જ સુંદર લાગે. વીરેશ્વર મહાદેવની બાજુમાં એક આંબાના ઝાડ નીચે આંબાવાળા હનુમાનજીનું મંદિર છે. પાછળ, રહેવા માટે રૂમો બાંધેલી છે, તથા રસોઈઘર છે. અહીં એક બે દિવસ રહેવાનો પ્રોગ્રામ કરીને
આવો તો પણ મઝા આવે. વચ્ચેની ખુલ્લી જગામાં એક ફુવારો છે. રસોઈઘરની બાજુમાં અખંડ ધૂણો છે તથા તેની બાજુમાં ગૌમુખમાંથી સતત પાણી વહે છે. અહીં આવતા દર્શનાર્થીઓને મંદિર તરફથી ચા પીવડાવવાની પ્રથા છે. જમવાના સમયે અન્નઘરમાં જમવાની પણ વ્યવસ્થા છે.
આ મંદિર સંકુલની પાછળ, ઉપર આવેલાં જંગલોમાં ગુપ્તગંગા નામનું સ્થળ છે. અહીં ડુંગરમાંથી કુદરતી રીતે જ પાણીની સરવાણી ફૂટે છે અને શુદ્ધ નિર્મળ જળ નીચે મંદિર તરફ વહે છે. ખૂબ જ સુંદર જગા છે. વીરેશ્વર મંદિરની બાજુનાં પગથિયાં ચડીને, દસેક મિનિટમાં ગુપ્તગંગા આગળ પહોંચી જવાય છે. આ સ્થળે ગીચ ઝાડીમાં પથરાયેલા પથ્થરો પર બેસી કુદરતી નઝારો માણવાનું મન થઇ જાય છે. અહીંથી જંગલોમાં ટેકરીઓ પર હજુ દૂર જવું હોય તો જઈ શકાય છે અને ટ્રેકીંગની મઝા લઇ શકાય છે.
અમે અહીં થોડી વાર બેસી, વીરેશ્વરથી મૂળ રસ્તે આવી, વિજયનગર તરફ આગળ વધ્યા. વીરેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઘણો આનંદ આવ્યો. અહીં નાનાં ગામ વસાહત તરીકે ઓળખાય છે. વીરેશ્વરથી દસેક કી.મી. જેટલું ગયા પછી, એક ગામ આવ્યું. અહીંથી હવે પોળોનાં મંદિરો શરુ થતાં હતાં.
સરકારે આ ખંડેર મંદિરોની ઓળખ માટે દરેક મંદિર આગળ બોર્ડ મારેલું છે તથા બોર્ડમાં તે મંદિરનું નામ અને તે ક્યારે બન્યું તેની આશરે તવારીખ લખેલી છે. આ ગામ આગળ ‘શીવ પંચાયત’ મંદિરનું બોર્ડ જોયું. પણ આ મંદિર પાછા વળતી વખતે જોવાનું રાખી, અમે આગળ વધ્યા. થોડી વારમાં નદી પર લોદરી પુલ આવ્યો. પુલ ઓળંગ્યા પછી મોટા અક્ષરે ‘Polo Retreat 6 km’ લખેલું બોર્ડ આવ્યું. હવે અમે પોળોનાં મંદિરોથી માત્ર ૬ કી.મી. જ દૂર હતા. અહીં બે રસ્તા પડે છે તેમાં ડાબા રસ્તે જવાનું. થોડું જતામાં જ, વડવાઈઓ ઘુસી ગઈ હોય તેવા એક તૂટેલા મંદિરનાં દર્શન થયાં. પછી આંતરસુબા અને અભાપુર ગામ આવ્યાં. અભાપુર ગામમાં ‘શરણેશ્વર મંદિર’ છે.
અહીં પહોંચતાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. વરસાદ જોવાની મઝા આવી ગઈ. વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ. અમે અડધો કલાક ગાડીમાં જ બેસી રહ્યા. સાથે લાવેલ થેપલાં, ભાખરી, શાક, છુંદો, મેથીનો મસાલો એવું બધું ખાઈ લીધું. પછી મંદિર જોવા ગાડીમાંથી બહાર આવ્યા.
પથ્થરોનું બનેલું આ મંદિર તૂટીફૂટી હાલતમાં છે છતાં ઘણું સરસ લાગે છે. પ્રવેશ આગળ પથ્થરની કમાન છે. મંદિર સામે પોઠિયો છે. હજાર વર્ષ પહેલાંના શીવમંદિરની રચના, અત્યારનાં શીવમંદિરો જેવી જ છે. મંદિરના પ્રાંગણમાં ચોખ્ખાઈ સરસ છે. વ્યવસ્થા જાળવવા માટે પૂજારીજી છે. મંદિર આગળ વિશાળ ખુલ્લી જગા છે. અહીં કુદરતની સમીપમાં બેસવાનું ખૂબ ગમે એવું છે.
અમે આગળ ચાલ્યા. ૨ કી.મી. પછી, બાજુની ટેકરી પર એક ખંડેર મંદિર દેખાયું. સહેજ આગળ, પોળોનાં મંદિર જોવા આવનાર માટે, એક મોટી ઓફીસ બનાવેલ છે. અહીં સ્વાગત કક્ષમાં, મંદિરોનો ઇતિહાસ, રચના, મંદિરોનું સ્થાન વગેરેને લગતી માહિતી મળી શકે છે. ઓફીસના ગેટ આગળ, જૂના જમાનાની પથ્થરોની બે મોટી છત્રીઓ છે. એવું લાગે છે કે દસેક કિલોમીટરના પટ્ટામાં પથરાયેલા પોળોના મંદિરોની લગભગ વચ્ચેના ભાગે આ ઓફીસ બનાવેલ છે. ઓફીસથી સહેજ આગળ જતાં, ‘પોળો જૈન મંદિરો’ નું બોર્ડ જોયું. અહીં ગાડી મૂકી, બોર્ડમાં બતાવેલા રસ્તે વળ્યા. હરણાવ નદી પરના બ્રીજ પર થઈને જંગલોમાં દાખલ થયા. અહીં, ‘શીવ મંદિર કુંડ’, ‘લાખેણા મંદિર સમૂહ’, ‘જૈન મંદિર-૧,અભાપુર’ એવાં બોર્ડ જોયાં. કુંડ અને તૂટેલું મંદિર જોયાં. મંદિર સુધી જવા માટે રસ્તો બાંધેલો છે, પણ સફાઈ થતી હોય એવું લાગ્યું નહિ. પૂજારી નથી, બીજી કોઈ વસ્તી નથી. ફક્ત પ્રવાસીઓ આવે છે અને મંદિર જોઈને જતા રહે છે. આજે પણ ઘણા પ્રવાસીઓ આવેલ હતા. અહીં કોઈ ચાપાણીની દુકાન પણ નથી. આ જગા જો સાફ કરીને વિકસાવવામાં આવે અને ખાવાપીવા તથા રહેવાની સગવડ ઉભી કરવામાં આવે તો કેટલા બધા લોકો અહીં ફરવા માટે આવે ! નદી, જંગલ અને મંદિરોવાળી આ જગા એટલી સરસ છે કે પ્રકૃતિપ્રેમી લોકોને તો ખૂબ જ ગમે. એક ટુરીસ્ટ સ્થળ ઉભું થાય અને આવક પણ ઉભી કરી શકાય. પુરાતત્વ વિભાગે આ જર્જરિત મંદિરોને પુનઃસ્થાપિત કરવાનું વિચાર્યું છે ખરું. જયારે આ મંદિરો બન્યાં હશે ત્યારે અહીં કેટલા બધા લોકો રહેતા હશે ! અને આ સ્થળ કેવી જાહોજલાલી ધરાવતું હશે તેની કલ્પના સહેજે થઇ જાય છે. પોળોનાં બધાં મંદિરો જોવાં હોય તો દિવસો સુધી હરણાવને કિનારે જંગલો ખૂંદવાં પડે. થાકી જવાય.
ગાડી આગળ પાછા આવીને, મૂળ રસ્તે બીજા ૨ કી.મી. જેટલું ગયા. અહીં વનાજ ગામ આગળ હરણાવ નદી પર ડેમ બાંધેલો છે. ઉપરવાસમાં ભરાયેલું પાણી જોયું. જો ડેમ પૂરેપૂરો ભરાયેલો હોય તો આ સરોવર ખૂબ મોટું લાગે.
આ અમારું છેલ્લું સ્ટોપ હતું. અહીંથી વિજયનગર લગભગ ૧૦ કી.મી. જેટલું દૂર છે. પણ વિજયનગર જવાનું કોઈ પ્રયોજન હતું નહિ. એટલે વનાજ ડેમથી અમે પાછા વળ્યા. શરણેશ્વર આગળ ફરી વરસાદ પડ્યો. મૂળ રસ્તે ઈડરથી હિંમતનગર તરફ વળ્યા.
હિંમતનગર સાતેક કી.મી. જેટલું બાકી રહે ત્યારે વક્તાપુર ગામ આવે છે. અહીં રોકડિયા હનુમાનનું મંદિર છે. કહે છે કે હનુમાનજીની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. કોઈ શ્રદ્ધાળુ પગપાળા આ મંદિરે આવી દર્શન કરે તો તેની ઈચ્છા અવશ્ય પૂરી થાય છે. તેની યાત્રા અચૂક સફળ રહે છે અને તેને અકસ્માત થતો નથી. અમારી આજની યાત્રા તો સફળ હતી જ. અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરી, હિંમતનગર તરફ આગળ વધ્યા. વચ્ચે સપ્તેશ્વર મહાદેવ જવાનો ફાંટો પડે છે. અહીંથી તે ૨૩ કી.મી. દૂર છે. અમે એ બાજુ ગાડી લીધી અને સપ્તેશ્વર પહોંચ્યા.
સપ્તેશ્વર મહાદેવ, સાબરમતી નદીને કિનારે, ડેભોલ અને સાબરમતીના સંગમ આગળ આવેલું છે. આ મંદિર આગળ, કુદરતી રીતે જ પાણીની ધારા ફૂટે છે અને પાણી કુંડમાં ભેગુ થાય છે. કુંડમાં સ્નાન કરવાનો મહિમા છે. કહે છે કે સાત ઋષિઓએ અહીં ભેગા મળીને તપશ્ચર્યા કરી હતી. અમે અહીં શીવલીંગનાં દર્શન કરી ધન્યતા અનુભવી. મંદિર આગળ ખાણીપીણીની દુકાનો લાગેલી છે. રહેવાની પણ વ્યવસ્થા છે.
અહીંથી હિંમતનગર પાછા આવ્યા, તથા શામળાજીના રસ્તે ૭ કી.મી. દૂર આવેલા બેરણા પ્રકૃતિ મંદિર નામના સ્થળે ગયા. બહુ જ સરસ જગા છે. અહીં કંટાળેશ્વર હનુમાનજીનું ભવ્ય મંદિર છે. આ મૂર્તિ ૭૦૦ વર્ષ જૂની છે. આ ઉપરાંત, અહીં એક શીવમંદિર, વેદમાતા ગાયત્રી, સહસ્ત્રલીંગ શીવજીની પ્રતિમા, વૈકુંઠધામ અને ટેકરી પર બિરાજમાન સાંઈબાબાની વિશાળ મૂર્તિઓ છે. તેઓનાં દર્શન કરીને મન પ્રસન્ન થઇ જાય છે. આ જગા પક્ષીઓ, વૃક્ષો, ચોતરા, કમળતળાવ વગેરેથી ખૂબ જ શોભે છે. અહીં રહેવા જમવાની સરસ વ્યવસ્થા છે. એક દિવસની પીકનીકનો પ્રોગ્રામ કરીને અહીં આવવા જેવું છે.
હવે અંધારું થવા આવ્યું હતું. એક જ દિવસમાં અમે ઘણાં સ્થળોએ ફર્યા. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ હતો. શ્રાવણ માસ એટલે ભગવાન શીવજીનો મહિનો. આ દિવસે અમને ઘણાં શીવમંદિરોમાં દર્શન કરવાની તક મળી, એથી ઘણો આનંદ આવ્યો. બેરણાથી પાછા વળતાં, રસ્તામાં એક હોટેલમાં ભોજન કરી, અમદાવાદ પહોંચ્યા.
નોંધ: સપ્તેશ્વર પાસે ધારેશ્વર મહાદેવ તથા પેઢામલીમાં મીનીઅંબાજી પણ જોવાલાયક સ્થળો છે. પ્રાંતિજ પાસે ગળતેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલું છે. વળી, રસ્તામાં છાલા ગામથી ૭ કી.મી. દૂર કંથારપુરા ગામે કબીરવડ જેવો એક વિશાળ વડ છે, તે પણ જોવા જેવો છે.