કડીયા ડુંગર પરની પાંડવ ગુફા

                           આ વખતે ફોટાઓ સાથે, એક પ્રવાસ વર્ણન મૂકું છું. આવતી વખતથી જોવા લાયક સ્થળો વિષે ચાલુ રાખીશ.              

                                                   કડીયા ડુંગર પરની પાંડવ ગુફા 

     કુદરતના સાનિધ્યમાં પીકનીક મનાવવા એક દિવસ જવું હોય તો કડીયા ગુફા એક સારી જગા છે. ભરુચથી ઝગડીયા જવાના રસ્તે તે ભરૂચથી ૩૫ કી.મી. દૂર આવેલી છે. આ રસ્તે ગુમાનદેવ મંદિર પછી વાલિયા આવે, વાલિયાથી જમણી બાજુ વળી જવાનું અને ગામડાંઓમાં થઈને આ ડુંગર સુધી પહોંચવાનું. બોર્ડ મારેલાં નથી, એટલે રસ્તો પૂછતા પૂછતા જવું પડે. રસ્તો સાંકડો પણ સારો છે. ગાડી આરામથી જઈ શકે. અમે ભરુચ ગયા ત્યારે કડીયા ડુંગર જોવાનો એક દિવસનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો. જમવાનું ઘેરથી બનાવીને લઇ લીધું અને સવારે ૧૦ વાગે નીકળ્યા. અમે ૪ ગાડીમાં કુલ ૧૬ જણ હતા. ગામડાંઓમાં થઈને આજુબાજુનાં ખેતરોમાં લહેરાતા મોલને જોતા જોતા, એક કલાકમાં તો ત્યાં પહોંચી ગયા. કડીયા ડુંગર અને તેના પરની ગુફાઓ દૂરથી જ દેખાતી હતી. નીચે આશ્રમ છે. આશ્રમના પ્રવેશદ્વારની સામેની ખુલ્લી જગામાં ગાડીઓ મૂકી દીધી. પ્રવેશ પર બોર્ડ મારેલું છે, ‘હરિહર, ઉદાસીન અખાડા સંત શ્રી ગંગાદાસજી મહારાજ કડીયા ડુંગર’. અહીં ડુંગર આગળ, નીચે એક મોટો આશ્રમ બનાવ્યો છે. અહીં વડનાં ઝાડ ઘણાં છે. એની છત્રછાયામાં બાંકડા અને પાળીઓ પર બેસીને અહીંનું સૌન્દર્ય નીરખવાનું ગમે એવું છે. બાજુમાં બગીચો, મંદિર અને આશ્રમની ઓફિસ છે. દર પૂનમે તો અહીં ઘણા લોકો આવે છે. તે વખતે અહીં જમવાની વ્યવસ્થા પણ હોય છે. આજે પણ અહીં ઘણા લોકો આવેલા હતા. આશ્રમની એક તરફ આ આશ્રમના સ્થાપક બાપાનું સમાધિ મંદિર છે. ત્યાં અખંડ ધૂણી ધખે છે. વડના ઝાડ પર વાંદરાઓ કૂદાકૂદ કરતા નજરે પડે છે. વાંદરાનાં બચ્ચાં, વડની વડવાઈઓ પર લટકીને ઝૂલતાં હોય, એ દ્રશ્ય તો બાળકો અને મોટાંઓ બધાને જોવાનું ગમે છે. આ આખું સ્થાન ‘હરિહર’ના નામે ઓળખાય છે. આશ્રમના છેડેથી ડુંગર પર ચડવાનાં પગથિયાં શરુ થાય છે. અમે પણ આશ્રમમાં થોડું મહાલ્યા પછી પગથિયાં ચડવાનું શરુ કર્યું. પગથિયાં વ્યવસ્થિત બનાવેલાં છે. આશરે ૧૫૦ પગથિયાં ચડો એટલે ડુંગર પરનું મંદિર આવે છે. એમાં મા મનસાદેવી અને ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરની બહાર બેસવાની સગવડ છે. પગથિયાં ચડીને આવો એટલે સહેજે અહીં બેસવાનું મન થઇ જાય. અહીં બેઠા બેઠા નીચેનું દ્રશ્ય બહુ જ સુંદર લાગે છે. વડનાં ઝાડ, આશ્રમ અને દૂર દૂર સુધીનો નઝારો જોવાની મજા આવે છે. મંદિરમાં દર્શન કરીને મનમાં એક પ્રકારનો સંતોષ થાય છે. હવે, અહીંથી બીજાં પચાસેક પગથિયાં ચડીએ એટલે ડુંગરમાં કોતરેલી ગુફાઓ જોવા મળે છે. આ ગુફાઓ પાંડવ ગુફાઓ તરીકે જાણીતી છે. કડીયા ડુંગર પર આવેલી હોવાથી, ઘણા તેને ‘કડીયા ગુફા’ પણ કહે છે. અહીં એક એક રૂમ જેવડી લગભગ આઠ દસ ગુફાઓ ડુંગરના પથ્થરોમાં કોતરેલી છે. ગુફાઓમાં પેસવા માટે બારણાં જેટલી જગા પણ કોતરેલી છે, જો કે બારણાં લગાડેલાં નથી. પાંડવો વનવાસ દરમ્યાન અહીં થોડો સમય રહ્યા હતા, એવું કહેવાય છે. ગુફાઓમાં ચોખ્ખાઈ નથી. અંદરની બંધિયાર હવા ગંધાય છે. આ બધી ચોખ્ખાઈ કરવામાં આવે તો ગુફામાં અંદર જઇને બેસી શકાય. મંદિરથી ગુફાઓ સુધીનાં પગથિયાંની બંને બાજુ પાઈપોની રેલીંગ છે. એટલે આ રેલીંગ પકડીને ઉપર ચડી શકાય. ગુફાઓ આગળ પણ રેલીંગ પકડીને ધીમે ધીમે આગળ વધવાનું. પડી ના જવાય એનું ધ્યાન રાખવું પડે. ગુફાઓ પૂરી થયા પછી આપણે થોડી ખુલ્લી જગામાં આવીએ છીએ. અહીંથી નીચેના ઘણા મોટા વિસ્તારનું દ્રશ્ય આંખોમાં ઝીલાય છે. ફોટા પાડવા માટે આ સરસ જગા છે.  અત્યારેચોમાસું હતું એટલે સર્વત્ર લીલોતરી જ દેખાતી હતી. હવે, અહીંથી છેક ડુંગરની ટોચ પર જવું હોય તો બીજાં વીસેક પગથિયાં જેટલું ચડવું પડે. પણ અહીં તો વ્યવસ્થિત પગથિયાં છે જ નહિ. પગથિયાંના નામે, ડુંગરના ખડકમાં થોડું કોતરી, માત્ર નાનાં પગથિયાંનો રફ આકાર આપ્યો છે એટલું જ. એની પર પગ ટેકવીને, જરૂર પડે તો આગળ હાથ ટેકવીને એટલે કે “ચાર પગે” ધીરે ધીરે ઉપર ચડવાનું. હા, ઘણા બે પગે પણ ચડે. ચારે બાજુ ખુલ્લું અને આટલી ઉંચાઈએ ઘુમ્મટ જેવા ભાગ પર ચડીને ટોચે પહોંચવાનું. પવન આવે, ડર લાગે, જો ચક્કર આવે અને પડ્યા તો ગયા જ સમજો. છેક નીચે જ પહોંચી જવાય. બધા લોકો છેક ટોચે ચડતા નથી, પણ ટોચે પહોંચીને ખુલ્લામાં ઉભા રહેવાનો જે આનંદ છે, તે તો ત્યાં પહોંચનારા જ અનુભવી શકે. અમારામાંથી મોટા ભાગના તો ટોચે ગયા જ. છેક ટોચ પર ભીમની ચોરી છે. ભીમે અહીં લગ્ન કર્યાં હતાં, એવી કથા છે. નીચે જમીન પર લગ્ન કરવાને બદલે, ભીમ કડીયા ડુંગરની ટોચે લગ્ન કરવા માટે કેમ પહોંચ્યા હશે, એ તો એક સંશોધનનો વિષય છે. અમે બધા અહીં, પંદરેક મિનિટ, ટોચના ઢોળાવ પર બેઠા. નીચેનો આશ્રમ, અમારી ગાડીઓ, રસ્તો બધુ જ અહીંથી દેખાતું હતું. છેવટે, સાચવીને ઉપરથી ઉતર્યા અને ગુફાઓ તથા મંદિર આગળ થઈને નીચે પહોંચ્યા. ભૂખ તો બરાબર લાગી હતી. આશ્રમના એક ભાગમાં રસોઈઘરની રૂમો તથા ખુલ્લો વિશાળ હોલ છે. એ જગાએ બેસીને અમે ઘેરથી લાવેલું ભોજન જમ્યા. થેપલાં, ભાખરી, પૂરી, બટાકાનું શાક, ખમણ, ઇદડાં, અથાણું, ચટણી, પાપડ – ખાવાની મજા આવી ગઈ. થોડો વિરામ, ફોટા, વાંદરાંની રમત, આ બધુ માણી, આશ્રમમાં થોડું ફરી બહાર આવ્યા અને અમારી ગાડીઓ ભરુચ તરફ હંકારી મૂકી. પાછા વળતાં રસ્તામાં ગુમાનદેવ મંદિરમાં દર્શન કર્યાં. એક દિવસની પીકનીકમાં ખૂબ આનંદ આવ્યો. સમૂહમાં ફરવાનો તો આનંદ જ અનેરો હોય છે. રાજપારડીથી પણ કડીયા ડુંગર અવાય છે. રાજપીપળાથી આવનારને એ બાજુથી આવવાનું વધુ અનુકૂળ રહે. રાજપારડીમાં લીગ્નાઈટ પ્રકારના કોલસાની ખાણો છે. અહીંનો કોલસો અંકલેશ્વર, ભરુચ અને દહેજનાં કારખાનાંમાં વપરાય છે. અંકલેશ્વરથી પણ ગુમાનદેવ થઈને કડીયા ડુંગર જઈ શકાય છે. અંકલેશ્વરથી તે આશરે ૨૫ કી.મી. દૂર છે. 1_IMG_0004   2_IMG_0005   3_IMG_0007   4_IMG_0045   5_IMG_0009   6_IMG_0013   7_Picture 764[1]   8_IMG_0041   9_IMG_0018   10_IMG_0019   11_IMG_0021   12_IMG_0024   13_IMG_0028   14_IMG_0026   15_IMG_0030   16_IMG_0042

 

17_IMG_0047

 

18_IMG_0052

1 ટીકા (+add yours?)

  1. Vaibhav
    જૂન 07, 2016 @ 06:23:02

    Very Very Good

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: