૨ માર્કની કિંમત

            આજે એક ટૂંકી વાર્તા મૂકું છું.

                                                                    ૨ માર્કની કિંમત

       “સર, મારા પેપરમાં ટોટલ કરવામાં બે માર્ક રહી ગયા છે. માર્કનો કુલ સરવાળો ૩૪ થાય છે, પણ આપે ૩૨ જ મૂક્યા છે.” એન્જીનીયરીંગ કોલેજમાં ભણતો તુષાર, તેના પ્રોફેસરને નમ્રતાપૂર્વક ફરિયાદ કરી રહ્યો હતો.

     પ્રોફેસર વ્યાસ સાહેબે તુષારના હાથમાંથી પેપર પાછું લીધું. પાનાં ફેરવ્યાં, પછી હોંશિયામાં મૂકેલા માર્કનો સરવાળો કરી જોયો. ૩૪ જ થતો હતો. ફરીથી ચેક કર્યું. પણ ગણિત એમ કંઇ ખોટું પડે ? કુલ માર્ક ૩૪ થતા જ હતા. “ભલે, મારી ભૂલ થઇ હશે” એમ માની પ્રોફેસરે તેને ૩૪ માર્ક કરી આપ્યા. ફરી એક વાર પેપરનાં પાનાં ફેરવીને ધારી ધારીને જોયું, તો એક પ્રશ્નના જવાબમાં ૨ માર્ક મૂકેલા હતા, તે ૨ ના આંકડાના અક્ષર, પોતાના અક્ષર કરતાં સહેજ જુદા લાગ્યા. આ તો એક શંકા માત્ર હતી. “વિદ્યાર્થીને તપાસેલું પેપર જોવા માટે આપ્યું, પછી આ વિદ્યાર્થીએ જાતે ૨ માર્ક હોંશિયામાં લખી નાખ્યા હશે ? ૨ માર્ક વધારી દેવા માટે તે આવું જુઠ્ઠું બોલતો હશે ?” વ્યાસ સાહેબને આવી શંકા તો આવી, પણ એની સાબિતી શું ? ‘હશે, જે હશે તે’ કહીને સાહેબે મન મનાવ્યું. પણ મનમાં એક અજંપો તો પેદા થયો જ.

સામાન્ય રીતે કોલેજોમાં પ્રોફેસર પેપર તપાસીને માર્ક મૂકે, પછી તપાસેલું પેપર વિદ્યાર્થીઓને બતાવવાની પ્રથા નથી હોતી. પણ વ્યાસ સાહેબ એક ખેલદિલ માણસ હતા. વિદ્યાર્થીઓને, પોતે કેવું સાચુંખોટું લખ્યું છે તેનો ખ્યાલ આવે તે માટે તેઓ તપાસેલું પેપર જોવા આપતા હતા. પોતે મહેનતુ અને પ્રામાણિક હતા. વિદ્યાર્થીઓને સારું ભણાવવું, કામચોરી ના કરવી એ તેમની નીતિ હતી. આથી તો તે વિદ્યાર્થીઓમાં પ્રિય હતા, આદરપાત્ર હતા. વિદ્યાર્થીઓ હોંશે હોંશે તેમની આજ્ઞા માનતા. એક ખૂબ જ સરસ પ્રેમાળ વાતાવરણ તેમણે કોલેજમાં ઉભુ કર્યું હતું. તેઓ માનતા કે વિદ્યાર્થી મારી આગળ ખોટું ના બોલે, ગમે તેમ બહાનાં બતાવી, ખોટો લાભ ના મેળવી લે એ જરૂરી છે.

પણ આ માહોલમાં આજે આ ‘૨ માર્ક’ વાળી ઘટનાથી તેઓ જરા વ્યથિત થઇ ગયા. કદાચ તુષાર સાચો હોય અને પોતાને, સરવાળો કરતી વખતે પેલા ૨ માર્ક નજરે ના પડ્યા હોય એવું યે બને. આમાં સાચું શું ? ૨ માર્કનો બહુ સવાલ નથી. પણ જો વિદ્યાર્થી ખોટું બોલતો હોય અને હું ૨ માર્ક ઉમેરી આપું તો પછી આ તો એક પ્રથા પડી જાય. બીજાઓને પણ આવું સૂઝે. પછી પરીક્ષાની કિંમત શું રહે ? હોંશિયાર અને નિષ્ઠાવાન વિદ્યાર્થીની આમાં શું સ્થિતિ થાય ? ક્યાં ખોટું થયું છે, અને ભૂલ કોની છે, એ શોધી તો કાઢવું જ છે.

આવું વિચારતાં, પ્રોફેસરને એક યુક્તિ જડી આવી. અને ફરી પરીક્ષાઓ આવે ત્યારે તે યુક્તિનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું.

છ મહિના પછી નવી સેમેસ્ટરની પરીક્ષાઓ આવી. વ્યાસ સાહેબે પોતાની રીતે જ પરીક્ષા લીધી. અને દર વખતની જેમ જ તપાસેલાં પેપર વિદ્યાર્થીઓને જોવા માટે આપ્યાં. તુષારે અને બીજા વિદ્યાર્થીઓએ પોતાનાં પેપરો જોયાં. વ્યાસ સાહેબ સામે ખુરસીમાં બેઠા હતા. થોડી વારમાં તુષાર ઉભો થયો અને વિશ્વાસપૂર્વક બોલ્યો, ” સર, મારા પેપરમાં માર્કનો સરવાળો કરવામાં ૩ માર્કની ભૂલ થઇ લાગે છે. મને ૩ માર્ક ઉમેરી આપો.”

વ્યાસ સાહેબે આવું કંઇક થવાની ધારણા રાખી જ હતી. તેઓએ સ્વસ્થતાપૂર્વક તુષારને જવાબ આપ્યો, ” આ વખતે મેં તમને પેપરો જોવા આપતા પહેલાં, બધાનાં પેપરોની, આખેઆખી ઝેરોક્સ કોપી કઢાવી લીધી છે. બોલ તો તુષાર, તારા પેપરમાં માર્કના સરવાળામાં ભૂલ થઇ છે ખરી ? તુ ફરી ટોટલ ચેક કરી જો. તને જરૂર લાગે તો તારા પેપરની ઝેરોક્સ બતાવું”

તુષાર શું બોલે ? તેની પોલ પકડાઈ ગઈ હતી. પોતે જાતે પેપરમાં, કોઇક જવાબ આગળ હાથથી ૩ માર્ક લખી દીધા હતા, તે હવે સાબિત થઇ ગયું હતું. વર્ગના બીજા વિદ્યાર્થીઓ આગળ તેનું માથું શરમથી ઝુકી ગયું. તેને પસ્તાવો થવા લાગ્યો અને મનમાં ગાંઠ વાળી કે પોતે હવે આવું કામ ક્યારે ય નહિ કરે.

વ્યાસ સાહેબે તેને માફ કરી દીધો અને કહ્યું, “એન્જીનીયર બનવા માટે સખત મહેનતની જરૂર છે. ગમે તેવા સહેલા રસ્તે એન્જીનીયર બની તો જવાય, જિંદગી પણ ચાલ્યા કરે, પણ ઉજ્જવળ કારકિર્દી ના બને. સફળ બનવા માટે ખોટા ‘૨ માર્ક’ વાળી રીતો ના અપનાવવી જોઈએ.” તુષાર એક સફળ ઈજનેર બન્યો, એ કહેવાની જરૂર ખરી ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: