કદમખંડી અને કલેશ્વરી (કલેશ્રી) ધામ
પંચમહાલ જીલ્લાના લુણાવાડાની નજીક કદમખંડીની બેઠક અને કલેશ્વરીધામ બહુ જાણીતી જગાઓ છે. કદમખંડીમાં કદમના ઝાડ નીચે શ્રીગોકુલનાથજીની બેઠક છે, અને કલેશ્વરીધામમાં માતાના મંદિર ઉપરાંત ૧૦ થી ૧૫મી સદી દરમ્યાન બંધાયેલાં સ્થાપત્યોના અવશેષો છે. પુરાતત્વ ખાતુ તેનું જતન કરી રહ્યું છે. આ સ્થાપત્યો ઉપરાંત એક સરસ મજાના વિહારધામ તરીકે પણ તે જોવા જેવું છે.
અમે આ બે સ્થળો જોવા માટેનો એક દિવસીય પ્રોગ્રામ બનાવી, ગોધરાથી, સ્નેહીઓને સાથે લઇ, ગાડીમાં નીકળી પડ્યા. ગોધરાથી ૪૦ કી.મી.ના અંતરે આવેલા લુણાવાડા ગામે પહોંચ્યા. રસ્તામાં શહેરા પાસે મરડેશ્વર મહાદેવ તથા મહાકાળી માનાં દર્શન પણ કર્યાં. લુણાવાડામાં ચા નાસ્તો કર્યો. દિવસનો પહેલો નાસ્તો કરવાની તો કેટલી બધી મજા આવે ! લુણાવાડાથી મોડાસાના રસ્તે આગળ જતાં ૧૩ કી.મી. પછી લીમડીયા આવે છે. અહીંથી ડાબી બાજુ વીરપુરના રસ્તે વળી જવાનું. ૧૦ કી.મી. પછી રસુલપુર ગામ આવે. અહીંથી ૧ કી.મી.ના અંતરે કદમખંડી છે. આ ૧ કી.મી.નો રસ્તો કાચો અને સાંકડો છે. પણ ગાડી જઈ શકે.
કદમખંડી પહોંચીએ ત્યારે તો એમ જ લાગે કે આપણે બિલકુલ જંગલની મધ્યે આવી ગયા છીએ. ચારે બાજુ ઝાડ અને વચ્ચે મેદાન જેવી ખુલ્લી જગામાં એક મંદિર બાંધ્યું છે, વિશાળ ઓટલો છે, ઓટલા પર કદમનું અને વડનું ઝાડ છે. મંદિરમાં શ્રી ગોકુલનાથજીની બેઠક છે. અહીં કોઈ માણસ કે મુખ્યાજી રહેતા નથી. બિલકુલ એકાંત જગા છે. મુખ્યાજી વીરપુરથી સવારે ૮ વાગે આવે છે. વીરપુર અહીંથી ૩ કી.મી. દૂર છે. મુખ્યાજી બેઠકજીમાં ભગવાનની સેવાપૂજા કરી, ઝારીજી ભરીને અને પ્રસાદ ધરાવીને ૧૧ વાગે પાછા વીરપુર જતા રહે છે. એટલે મંદિરમાં અંદર જઇને દર્શન કરવાં હોય તો આ ટાઈમે જ અહીં આવવું જોઈએ. જો બીજા કોઈ સમયે આવો તો ફક્ત જાળીમાંથી જ બેઠકજીનાં દર્શન કરવા મળે. અહીં કૃષ્ણ ભગવાને પાંડવોના વનવાસ વખતે, તેમની સાથે બેઠક કરી હતી. ૪૦૦ વર્ષ પહેલાં, કપડવંજથી શ્રીગોકુલનાથજી અહીં પધાર્યા હતા. અને કથાવાર્તા કરી હતી. મહારાજશ્રી ભક્તોને સારા માર્ગે વાળવા કેવી કેવી દુર્ગમ જગાએ વિચરે છે, તેની કલ્પના, આ જગા જોઈને, સહેજે આવી જાય છે. અહીં કદમનું ઝાડ હોવાથી, આ જગા કદમખંડીની બેઠક તરીકે ઓળખાય છે. અહીં ફાગણ સુદ ત્રીજ અને ગુરુપૂર્ણિમાના દિવસે મોટો ઉત્સવ ઉજવાય છે, ત્યારે અહીં ઘણા વૈષ્ણવો દર્શને આવે છે.
અમે આગલે દિવસે જ મુખ્યાજીને ફોન કરી દીધો હતો. એટલે આજે ૧૦ વાગે આવ્યા ત્યારે મુખ્યાજી હાજર હતા જ. બેઠકજીમાં દર્શન કરવાનો ઘણો જ આનંદ આવ્યો. ઓટલા પર બેઠા. વડવાઇઓએ ઝૂલ્યા, બાજુમાં કૂવો છે તે જોયો અને આ જગાનું સાનિધ્ય માણીને પાછા વળ્યા. બેઠકજીની સામે એક ઝાડ નીચે આશારામજીના આશ્રમના પ્રતિકરૂપે મૂર્તિની સ્થાપના કરેલી છે તે જોઇ. જો કે અહીં આશ્રમ જેવું કંઇ છે નહિ.
૧ કી.મી.ના કાચા રસ્તેથી બહાર આવ્યા. પછી વીરપુર તરફ આગળ ચાલ્યા. ફક્ત અડધો કી.મી. જેટલું ગયા પછી ઝમજરમાંનુ મંદિર છે ત્યાં દર્શન કર્યાં. અહીં એક પુરાણી અવાવરુ વાવ પણ છે. ઝમજરમાંના મંદિર આગળ જ એક મોટો ડુંગર છે. એટલે આ મંદિર ડુંગરની તળેટીમાં આવેલું હોય એવું લાગે. આ ડુંગર અચલગઢના નામે ઓળખાય છે. ડુંગર પર પણ ઝમજરમાંનું સ્થાનક છે. અહીંથી કલેશ્વરી ૨૦ કી.મી. દૂર છે. આ ડુંગર છેક કલેશ્વરી સુધી લંબાયેલો છે. કહે છે કે ઝમજરમાં અને કલેશ્રીમાં, બંને બહેનો હતી. ઝમજરમાંને બાળકો ન હતાં, જયારે કલેશ્વરીને કળશી (સોળ) બાળકો હતાં. ઝમજરમાંએ બહેન કલેશ્વરી પાસે થોડાં બાળકો માગ્યાં. પણ કલેશ્વરીએ આપવાની ના પાડી. આથી ઝમજરમાંએ ડુંગરના પોલાણમાં છેક કલેશ્વરી સુધી હાથ લંબાવી, કલેશ્વરીનાં બાળકો લઇ લેવાનો પ્રયત્ન કર્યો. અત્યારે પણ ઝમજરના આ ડુંગરથી કલેશ્વરી સુધી પોલાણ(ગુફા) છે. જો કે તેમાં જવું જોખમભરેલું છે. અચલગઢ પર મુસ્લિમોની દરગાહ પણ છે. જંગલ અને ઝાડપાન વચ્ચે ઝમજરમાંના મંદિર આગળ બેઘડી બેસવાનું ગમે એવું છે.
ડુંગર પર ચડવાનાં પગથિયાં છે, પણ અમે ચડ્યા નહિ. અહીંથી જ અમે પાછા વળી, રસ્તામાં વરિયાળી, તુવેર અને મકાઈનાં ખેતરો જોતા જોતા લીમડીયા, મુખ્ય રોડ પર પાછા આવ્યા, અને મોડાસા તરફ આગળ ચાલ્યા. હવે અમારે કલેશ્વરી જવાનું હતું. ૧૧ કી.મી. જેટલું ગયા પછી, બાબલીયા ગામ આવ્યું. અહીંથી જમણી તરફ બાકોર-પાંડરવાડાના રસ્તે વળ્યા. ફક્ત એક કી.મી. પછી, લવાણા ગામ આગળ કલેશ્વરીનો નિર્દેશ કરતુ પાટિયું હતું. થોડું અંદર જઈ, ‘કલેશ્વરી પરિસર’ ના બોર્ડ આગળ ગાડી પાર્ક કરી, અને ગેટમાંથી ચાલતા જ અંદર દાખલ થયા.
અંદર ચાલીને જ ફરવાનું હોય છે. અહીંના દરેક સ્થાપત્ય આગળ તેના વિષે વિગત લખેલી છે. પ્રવેશદ્વારની નજીક જ સૌ પ્રથમ સાસુની વાવ આવે છે. ૧૪ કે ૧૫ મી સદીમાં બનેલી આ વાવની બંને બાજુની દીવાલો પરની કોતરણી જોવા જેવી છે. સાસુની વાવની લગભગ સામે જ વહુની વાવ છે. અહીં પણ સુંદર કોતરણીવાળા શિલ્પો છે. બંને વાવ લગભગ સરખી છે. વાવમાં પાણી છે, પણ ચોખ્ખાઈ નથી. અહીં આજુબાજુના વિસ્તારમાં ઝાડપાન, બેસવા માટેના ચોતરા, ઉંચાનીચા ઢાળવાળા રસ્તા – આ બધું રમણીય લાગે છે. બાજુના ડુંગર પરથી આવતું એક ઝરણું વચમાં વહે છે. ઝરણાની સામી બાજુએ સામસામે બે મંદિરો છે. એક છે કલેશ્વરી માતાનું મંદિર અને બીજું છે શીવમંદિર. કલેશ્વરીના મંદિરમાં નટરાજની મૂર્તિ છે, પણ લોકો તેને જ કલેશ્વરી માતા તરીકે પૂજે છે. સામેનું શીવમંદિર, કલેશ્વરી પરિસરમાંનું સૌથી જૂનું મંદિર હોવાનું મનાય છે. બંને મંદિર પથ્થરનાં બનેલાં અને સ્થાપત્ય કલાના સુંદર નમૂના જેવાં છે. આ મંદિરોના પ્રાંગણમાં વિશ્રામ કરવાનું મન થાય એવું છે. અમે પણ અહીં થોડું બેઠા જ. કલેશ્વરી માતાના મંદિરની બાજુમાં ખુલ્લામાં જ કષ્ટભંજન હનુમાનની સિંદૂરી મૂર્તિ છે.
શિવમંદિરની પાછળ એક મોટો કુંડ છે. કુંડના ગોખમાં વિષ્ણુ અને અન્ય દેવોની મૂર્તિઓ કંડારેલી છે. આ કુંડ હિડિંબા કુંડ તરીકે ઓળખાય છે. કુંડની બાજુમાં એક કૂવો છે. શિવમંદિરની નજીક છત વગરની રૂમ જેવી રચનામાં સુંદર કોતરકામવાળી મૂર્તિઓ ઉભી કરેલી છે. અહીં આજુબાજુની જગામાં બધે જ તૂટેલાં શિલ્પો, થાંભલાઓ વગેરે તો વેરવિખેર પડેલું જ છે.
શિવમંદિરની નજીક એક નાની ટેકરી પર શિકારમઢી નામની નાની રૂમ છે. રાજા શિકારે આવે ત્યારે ટેકરી પરની આ જગાએથી શિકાર શોધવાનું બહુ સહેલું પડતું. શિકારમઢી પરનાં શિલ્પો બહુ જ સરસ છે.
શિકારમઢીની બાજુમાં ઉંચા ડુંગર પર ચડવાનાં પગથિયાં છે. પગથિયાં સરસ પાકાં અને ચડવામાં તકલીફ ના પડે એવાં છે. ૨૩૦ પગથિયાં ચડીને ઉપર પહોંચો એટલે ઉપરનાં સ્થાપત્યો જોવા મળે. અહીં સૌ પ્રથમ ભીમની ચોરી છે. મહાભારતના ભીમે અહીં લગ્ન કર્યાં હશે, એવું અનુમાન કરી શકાય. નજીકમાં જ અર્જુન ચોરી છે. આ બંને બાંધકામો પરનાં શિલ્પો જોવા જેવાં છે. બાજુમાં જ ત્રણ પ્રવેશદ્વારવાળા મંદિરના ભગ્ન અવશેષો છે. અહીં મોટી સાઈઝના પગના અવશેષો દેખાય છે, જે ભીમ અને હિડિંબાના પગ હોવાનું કહેવાય છે.
આ ડુંગર પરથી ચારે બાજુનું દ્રશ્ય બહુ જ સરસ દેખાય છે. લાંબે સુધી ફેલાયેલો ડુંગર, દૂર દૂર દેખાતાં તળાવો અને જંગલ, ટ્રેકિંગમાં નીકળવાની જાણે કે પ્રેરણા આપે છે. રસુલપુર આગળનો ઝમજરમાંનો ડુંગર અહીં કલેશ્વરી માતાના ડુંગર સુધી ફેલાયેલો દેખાઈ આવે છે.
ડુંગરની શોભા માણી, અમે પગથિયાં ઉતરીને નીચે આવ્યા. થાક્યા તો હતા જ. કલેશ્વરી માતાના મંદિર આગળ એક ચોતરા પર બેસી અમે ખાવાનું પતાવ્યું. અમે જમવાનું અને પાણી ઘેરથી લઈને જ આવ્યા હતા. બાજુમાં એક હેન્ડપંપ હતો, ત્યાં હાથમો ધોઈ તાજામાજા થયા.
હવે કલેશ્વરીનાં સ્મારકો જોવાનું પૂરું થયું હતું. અહીં પાંડવોનો જ ઇતિહાસ બધે પથરાયેલો હોય એમ લાગતું હતું. આશરે છસો વર્ષ પહેલાં, આ બાંધકામો કોણે અને શા માટે કર્યાં હશે, એ જમાનામાં આ સ્થળની જાહોજલાલી કેટલી બધી હશે, કેટલા બધા લોકો અહીં દર્શને તથા ફરવા માટે આવતા હશે એ બહુ જ રસપ્રદ તથા સંશોધનનો વિષય છે. અહીં પથ્થરોનાં શિલ્પોનો કેટલો બધો ભંગાર હજુ પડેલો છે. એ બાંધકામો પણ જો તૂટી ના ગયાં હોત તો આ પરિસરમાં હજુ બીજાં કેટલાં બધાં સ્થાપત્યો હોત ! અમને ઇડર તથા વિજયનગર બાજુનાં પોળોનાં મંદિરો યાદ આવી ગયાં. ત્યાં પણ જંગલમાં ૩૦૦ જેટલાં મંદિરો વેરવિખેર અને અપૂજ્ય દશામાં પડ્યાં છે. ગુજરાતમાં કલેશ્વરીનાં આ સ્મારકોને વધુ ને વધુ લોકો જાણતા થાય એ જરૂરી છે.
કલેશ્વરીના કૃષ્ણ અને પાંડવોના ઈતિહાસને જાણીમાણીને અમે પછી ગોધરા તરફ પાછા વળ્યા. કલેશ્વરીથી બાકોર ૫ કી.મી. દૂર છે, પાંડરવાડા ત્યાંથી બીજા ૪ કી.મી. દૂર છે. આ વિસ્તારમાં જરમઈ માતાનું મંદિર આવેલું છે, તે જોવા પણ જઈ શકાય. કદમખંડીના મુખ્યાજી શ્રી દિલીપભાઈ છે અને તેમનો ફોન નંબર ૯૪૨૮૬૬૧૪૧૩ છે.










