માંડવી અને અંબેધામ, કચ્છ
આપણા ગુજરાતમાં એવી કેટલી યે જગાઓ છે જે ખરેખર જોવાલાયક હોવા છતાં, તે બહુ જાણીતી ના હોય એટલે ત્યાં પ્રવાસીઓ ઓછા આવતા હોય. આવી એક જગા છે કચ્છમાં આવેલું માંડવી અને તેની નજીક આવેલું અંબેધામ. આ સ્થળોએ ભવ્ય મંદિરો, રાજાનો મહેલ અને વિશાળ સમુદ્રતટ, એક સાથે જોવાનો લ્હાવો મળે છે. તો ચાલો આ સ્થળોના પ્રવાસે.
અમે ભૂજથી માંડવી અને અંબેધામનો એક દિવસના પ્રવાસનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો અને ભાડાની ગાડી કરીને એક સવારે ભૂજથી માંડવી તરફ નીકળી પડ્યા. માંડવી આવતા પહેલાં કોડાય ચાર રસ્તાથી અંબેધામ જવાનો રસ્તો પડે છે. અહીંથી અંબેધામ ૧૬ કી.મી. દૂર છે. અમે એ તરફ વળ્યા.
અંબેધામ ગોધરા નામના ગામમાં આવેલું છે. (પંચમહાલ જીલ્લામાં આવેલું ગોધરા અને આ અંબેધામવાળું ગોધરા, બે અલગ છે.) ગામ નાનુ છે એટલે આ પંથકમાં અંબેધામને સહુ કોઈ જાણે છે. અહીં આરસનું બનાવેલું અંબામાતાનું ભવ્ય મંદિર છે. મંદિરનો ગેટ, ઓટલો, છત, થાંભલા – બધું જ આરસનું. મંદિરના ઓટલા પર વાઘની બે પિત્તળની મૂર્તિઓ ગોઠવેલી છે. તે તરત જ ધ્યાન ખેંચે છે. મંદિર બહુ જૂનું નથી, એટલે જાણે હમણાં જ બન્યું હોય એટલું નવું લાગે છે. માતાજીનાં દર્શન કરી મન આનંદ પામે છે. અહીં પ્રવાસીઓ કરતાં ભક્તો વધુ આવતા હોય એવું લાગે છે.
આ મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. સંકુલમાં બીજાં ઘણાં મંદિરો છે. મુખ્ય મંદિરની પાછળ ભારતમાતાની ભવ્ય મોટી મૂર્તિ છે. મૂર્તિને વંદન કરવાનું મન થઇ જાય છે. મનમાં દેશદાઝ પ્રગટી આવે છે. બાજુમાં જ એક પ્રદર્શન રૂમ છે. તે જોવા જેવું છે. બીજા એક નાના કુંડમાં પાણી ભરેલું છે અને તેમાં મૂકેલો પથ્થર પાણી પર તરે છે. પાણી પર તરી શકે એવા પથ્થરનો આ નમૂનો છે. રામાયણની કથા મૂજબ, રામ ભગવાને આવા પથ્થર વાપરીને લંકા જવા માટેનો પૂલ, સમુદ્ર પર બનાવ્યો હતો.
એની બાજુમાં પ્રેરણાધામ છે. અહીં મહાવીર સ્વામીની મૂર્તિ અને વિવિધ પ્રસંગોને અનુરૂપ જંગલ તથા પ્રાણીઓ વિગેરેની પ્રતિકૃતિ અને મૂર્તિઓ છે. બે ઘડી ઉભા રહીને આ બધું જોવાનું ગમે એવું છે. તેની બાજુમાં એક વધુ પ્રદર્શન કક્ષ છે. અહીં આપણા ધાર્મિક ગ્રંથોમાં આવતા પ્રસંગોને પૂતળાં રૂપે રજૂ કર્યા છે એ જોઈને આપણને આ પ્રસંગોની યાદ મનમાં તાજી થઇ જાય છે. જેમ કે એક પગે ઉભા રહીને તપ કરતા ધ્રુવ, હિરણ્યકશ્યપનો વધ કરતા નરસિંહ ભગવાન વગેરે.
એની બાજુમાં પથ્થર અને માટીનો ઉપયોગ કરીને મોટો કૈલાસ પર્વત બનાવ્યો છે. એની ટોચ પર શંકર ભગવાન બિરાજે છે. પર્વત બહુ જ સરસ અને જોવા જેવો છે. દૂરથી જ તે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે છે. પર્વતની અંદર ગુફામાં દાખલ થઇ, વાંકાચૂકા ચઢાણવાળા માર્ગે ફરી, છેક ટોચ પર બહાર નીકળાય છે. ગુફાના માર્ગમાં પણ ઘણા દેવદેવીઓની મૂર્તિઓ છે. ગુફાની રચના ખૂબ જ આકર્ષક અને અદભૂત છે. ટોચ પર શંકર ભગવાનની મૂર્તિનાં સાવ નજીકથી દર્શન થાય છે. ટોચ પરથી પગથિયાં ઉતરીને નીચે આવી જવાય છે.
આ બધાં મંદિરો આગળ બગીચા અને રસ્તાઓ પણ છે. તેમાં થઈને અન્નક્ષેત્રમાં જવાય છે. અન્નક્ષેત્રમાં અહીં આવતા પ્રવાસીઓને માટે જમવાની વ્યવસ્થા છે. જમવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, જે ઈચ્છા હોય એટલી ભેટ નોંધાવી દેવાની. જમવાનું ખૂબ જ સારું અને વ્યવસ્થા પણ ઘણી સારી છે. રસોડામાં અને જમવાના હોલની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી છે. આમ જુઓ તો આખો અંબેધામ વિસ્તાર ખૂબ જ ચોખ્ખો છે. જમીને બગીચામાં કે મંદિરમાં કે ઓફિસ વિસ્તારમાં બેસવાનું કે થોડો આરામ ફરમાવવાનું ગમે એવું છે. આખું સ્થળ એવું સરસ છે કે અહીં બેસીને બધું જોયા કરવાનું મન થાય. અંબેધામમાં ત્રણેક કલાક તો સહેજે પસાર થઇ જાય. ખરેખર આ એક જોવાલાયક જગા છે.
અંબેધામથી અમારી ગાડી ઉપડી માંડવી તરફ. રસ્તો સારો છે. અંબેધામથી ૯ કી.મી. પછી માંડવીનો મૂળ રસ્તો આવી જાય છે. માંડવીમાં પહેલાં તો વિજય વિલાસ પેલેસ જોવા ગયા. પેલેસ જોવાની ટીકીટ લેવાની હોય છે.
મહેલની આગળના ખુલ્લા મોટા વિસ્તારમાં ખૂબ જ ઝાડપાન ઉગાડેલાં છે. મહેલ આગળ ખુલ્લા મેદાનમાં મહારાજા ઓફ કચ્છ, મહારાજ ધીરજ મીરઝાનું સ્ટેચ્યુ મૂકેલું છે. બહારથી જોતાં મહેલ ખૂબ જ ભવ્ય લાગે છે. જાણે કે પથ્થરોમાંથી કંડારેલું ત્રણ માળનું મોટું ગચ્ચું જ જોઇ લો ! મહેલને ભોંયતળિયે બેઠકરૂમ, બેડરૂમ, લોબીઓ, વરંડા વગેરે છે. બેઠકરૂમમાંનું ફર્નીચર ઉચ્ચ કક્ષાનું છે. લોબીઓમાં રાજાઓ અને તેમના વંશજોના ફોટા મૂકેલા છે. રાજાઓએ કરેલ શીકાર, યુધ્ધ વગેરેના પણ નમૂના મૂકેલા છે. ભોંયતળિયે પાથરેલી જાજમ, ઝુમ્મરો, દીવાઓ, સોફા, બેડ બધું જ ભવ્ય લાગે.
પહેલે માળે રાજાનું રહેઠાણ છે. પણ એ રૂમો પબ્લીક માટે ખુલ્લા નથી. સીડી દ્વારા બીજા માળે ચડીએ પછી ધાબુ આવે છે. ધાબા પર ઘુમ્મટ તથા કલાત્મક છત્રીઓ બનાવેલી છે. ધાબા પરથી આજુબાજુનાં દ્રશ્યો બહુ જ સરસ દેખાય છે. જંગલ, ઝાડપાન, દૂર દેખાતાં બીજાં મકાનો, એક બાજુ દૂર દેખાતો દરિયો, દરિયાકાંઠે ઉભી કરેલી પવનચક્કીઓ – આ બધું મનને હરી લે છે. માહોલ ઘણો જ સરસ છે. નાનાં છોકરાંને દોડાદોડી અને ધમાલ કરવાનું અહીં સારું ફાવે એવું છે. મોટાંઓને પણ અહીં દરિયા પરથી આવતી ઠંડા પવનની લહેરોમાં બે ઘડી આડા પડ્યા રહેવાનું કે પેલી છત્રીઓની વચ્ચેની જગામાં બેસવાનું મન થઇ જાય એવું છે. ફોટા પાડવા માટે આ બહુ જ સરસ જગા છે. ફિલ્મ ‘દિલ દે ચૂકે હૈ સનમ’નું શૂટીંગ અહીં થયેલું. અમને એનાં દ્રશ્યો યાદ આવી ગયાં.
છેવટે મહેલ જોઈને બહાર નીકળ્યા, માંડવી ગામ પહોંચ્યા અને ત્યાંથી ચાલ્યા દરિયાકિનારે. આજે દિવાળીનો તહેવાર હતો. એટલે અહીં દરિયાકિનારે પુષ્કળ લોકો આવ્યા હતા. ગીરદી બહુ જ હતી. ગાડી પણ દૂર જ પાર્ક કરવી પડી અને ચાલીને આવ્યા દરિયાકિનારે. અહીંનો બીચ ઘણો જ સરસ છે. પોચી, મુલાયમ રેતી અને પાણી પણ ઉંડુ નહિ, દરિયામાં ડર વગર ઉતરીને નાહી શકાય. મોજાં તો એવાં જબ્બર આવે કે પાણીમાં ઉભા હો તો મોજાંના ધક્કાથી ગબડી પડાય. પણ મોજાંનો માર ખાવાની અને ગબડવાની પણ મઝા આવે.
અમે દરિયામાં નાહ્યા, ખૂબ નાહ્યા, પાણી ઉડાડીને બધાને નવડાવ્યા, મોજાંનો માર આનંદથી માણ્યો, ઘણા બધા ફોટા પાડ્યા, એટલી બધી ધમાલ ચાલી કે પાણીમાંથી બહાર નીકળવાનું જ મન ના થાય. જયારે મન ખૂબ આનંદ પામે ત્યારે પડવાનો અને ઉછળવાનો થાક પણ શરીરને વર્તાતો નથી. કાયમ યાદ રહી જશે માંડવીનો આ દરિયાકિનારો.
અને કિનારા પર તો માનવમહેરામણ ઉમટ્યો હતો. એટલા બધા લોકો હતા કે કિનારા પર ક્યાંય સુધી બસ માણસો જ માણસો દેખાય. અહીં કિનારે લાઈનબંધ પવનચક્કીઓ લગાડેલી છે. દરિયાના પવનની લહેરોમાં આ ચક્કીઓ ફર્યા કરે છે. તેનાથી ઉત્પન્ન થતી વીજળી પાવરગ્રીડમાં પહોંચે છે. પવનથી આ વીજળી પેદા થતી હોવાથી, તે લગભગ મફતમાં મળે છે. ગુજરાત અને દેશને એટલો ફાયદો થાય છે. દરિયામાં ઉભા રહીને, ઘૂમતી પવનચક્કીઓનું દ્રશ્ય મનોહર લાગે છે.
કિનારે ઘણાં ઉંટ હતાં. ઉંટસવારી, ખાણીપીણી, ચગડોળ….. મનોરંજન માટે આ બધાથી વિશેષ શું જોઈએ ? અહીંથી દૂર દૂર પેલો મહેલ પણ દેખાતો હતો. આ જગા છોડીને જવાનું મન થતું ન હતું, છતાં અમે દરિયો અને માંડવી ગામ છોડીને ચાલ્યા ભૂજ તરફ. માંડવીમાં દરિયાકિનારે મોટું બંદર પણ છે.
કોડાય ચાર રસ્તા પાછા પહોંચ્યા. અહીં એક મોટું સ્વામીનારાયણ મંદિર છે. અમે અહીં દર્શન કરવા ઉતર્યા. મંદિર ઘણું વિશાળ છે. દર્શન કરી, બાજુમાં આવેલા શીવમંદિરમાં ગયા. આ મંદિર કમળ આકારનું છે. અહીં ભોળા શીવજીનાં દર્શન કર્યાં.
ત્યાર બાદ અહીંથી નજીક આવેલા જૈનોના ૭૨ જિનાલયમાં ગયા. જૈનોનું આ ધામ ઘણું જ મોટું છે અને ખૂબ પ્રખ્યાત છે. તેમાં એક મુખ્ય મંદિર તથા ચારે બાજુ બીજાં ૭૨ મંદિર આવેલાં છે. આ મંદિરોમાં મહાવીર સ્વામી તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ છે. બધાં જ મંદિરો આરસનાં છે. બહારથી બધાં મંદિરોનાં શિખરો દેખાય છે. આટલાં બધાં મંદિરો એક જ સ્થળે સળંગ બનાવવામાં કેટલો બધો સમય લાગ્યો હશે, કેટલા કારીગરો, કેટલો આરસપહાણ, કેટલા પથ્થરો, કેટલો સિમેન્ટ અને કેટલું બધું ધન વપરાયું હશે, એની કલ્પના કરી જુઓ ! મંદિરોની ડીઝાઈન કરનારા નિષ્ણાતો, બાંધકામ કરનારા અને વ્યવસ્થા તથા સંચાલન કરનારાઓની સૂઝસમજને દાદ દેવી ઘટે. જૈન સમાજે આવાં મંદિરો ઘણી જગાએ બાંધ્યાં છે.
આ મંદિરે ઘણી વિશાળ જગા રોકી છે. ૭૨ જિનાલય ઉપરાંત, બહારના ભાગમાં મોટું પ્રાંગણ, પાર્કીંગ, રહેવા માટેની સુવિધા, બાગબગીચા, ભાતાઘર – આ બધું મળીને આ કેટલું મોટું સંકુલ થાય ! ભાતાઘરમાં બધા દર્શનાર્થીઓને ચા અને નાસ્તો ફ્રી મળે છે. મંદિરની ઓફિસેથી કુપન લઇ, ભાતાઘરમાં પહોંચી જવાનું. તેનો સમય છે ૯ થી ૧૧ અને ૨-૩૦ થી ૫.
બધું ફરીને છેવટે ભૂજ પાછા આવ્યા. ભૂજમાં હીલ ગાર્ડન જોઇ ઘેર પહોંચ્યા. હીલ ગાર્ડન એ એક ઉંચી ટેકરી પર બનાવેલો મોટો ગાર્ડન છે. અહીં પણ એક ડુંગર બનાવી, તેના પર શીવજીની મૂર્તિ બેસાડેલી છે. બાગબગીચા, છત્રી, બેઠકો વગેરેને લીધે ગાર્ડન સુંદર લાગે છે. એક જગાએ ડાયનોસોરનું હાડપિંજર ગોઠવેલું છે. ખાણીપીણીની દુકાનો તો છે જ.
અમારો એક દિવસનો પ્રવાસ આનંદદાયક રહ્યો. ફરવાની મઝા આવી ગઈ. માંડવી અને અંબેધામ એક વાર જોવા જેવાં તો ખરાં જ. અમદાવાદથી ભૂજનું અંતર આશરે ૪૦૦ કી.મી. અને ત્યાંથી માંડવીનું અંતર ૬૦ કી.મી. છે. ભૂજ જવા માટે બસ અને ટ્રેનની વ્યવસ્થા છે. ભૂજને પોતાનું એરપોર્ટ પણ છે. ભૂજ ગયા વગર અમદાવાદથી માંડવી સીધા પણ જઈ શકાય. આ અંતર ૩૮૪ કી.મી. છે. (નોંધ : કચ્છનું માંડવી અને સૂરત બાજુ આવેલું માંડવી બંને અલગ સ્થળો છે.)