માનગઢ હીલ અને પાનમ ડેમ

                                   માનગઢ હીલ અને પાનમ ડેમ

       ભારતમાં અંગ્રેજી હકુમત દરમ્યાન, ૧૯૧૯માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્રિત થયેલા લોકો પર જનરલ ડાયરે ધડાધડ ગોળીઓ ચલાવીને આશરે ૩૦૦ જેટલા લોકોની લાશો ઢાળી દીધી હતી. ઇતિહાસમાં આ બનાવ ખૂબ જ જાણીતો છે. આવો જ એક બનાવ ગુજરાતના સંતરામપુર શહેરની નજીક આવેલી માનગઢની ટેકરીઓ ખાતે બન્યો હતો. પણ આ બનાવ ઇતિહાસનાં પૃષ્ઠો પર કદાચ નોંધાયો નથી. અહીં શું બન્યુ હતું, તેની જરા વિગતે વાત કરીએ.

અહીંની ગામડાની અભણ, આદિવાસી પ્રજામાં ગોવિંદ ગુરુ નામે એક નેતા થઇ ગયા. તેમનો જન્મ ૧૮૫૮માં ડુંગરપુર ખાતે થયો હતો. તેમણે ૧૯૦૩માં સંપ સભા નામે એક સંગઠન ઉભુ કર્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ અહીંની પ્રજાને એકતા, વ્યસન નાબૂદી, શિક્ષણ, સદાચાર, ગુનાથી દૂર રહેવું વગેરે માટે જાગૃત કરવાનો હતો. સંપ સભા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પણ કાર્ય કરતી હતી. આ બાબત અંગ્રેજ સત્તાના ધ્યાનમાં આવી. સંપ સભાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર માનગઢની ટેકરી હતું. ૧૯૧૩ના નવેમ્બરની ૧૭ તારીખે સંપ સભાના ભક્તો એકઠા મળ્યા હતા ત્યારે અંગ્રેજ કર્નલ શટને માનગઢ પહાડીઓને ઘેરી લઇ, તોપો અને મશીનગનથી હુમલો કરી સંખ્યાબંધ આદિવાસી ભક્તોને મારી નાખ્યા. કહે છે કે અહીં મરનારાની સંખ્યા ૧૫૦૦ જેટલી હતી. ગોવિંદ ગુરુ જીવતા પકડાયા. તેમને અંગ્રેજોએ વર્ષો સુધી જેલમાં પૂરી રાખ્યા. આ ઘટના જલિયાંવાલા બાગથી યે વધુ બર્બર હતી. શહીદોની યાદમાં, માનગઢ હીલ આજે પણ ગુજરાત અને રાજસ્થાનના ગ્રામ્ય લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં ગોવિંદગુરુની સમાધિ બનાવવામાં આવી છે. આ જગાએ એક ‘અમર જ્યોતિ સ્તંભ’ ઉભો કરવામાં આવ્યો છે. આ જગાને ‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’ નામ આપવામાં આવ્યું છે. આ સ્મૃતિવનનું શ્રી નરેન્દ્ર મોદીએ તા. ૩૦-૭-૧૨ના રોજ લોકાર્પણ કર્યું હતું. ( યાદ રહે કે પંજાબના ગુરુ ગોવિંદસિંહ અને આ ગોવિંદ ગુરુ અલગ વ્યક્તિઓ છે.)

માનગઢ હીલ વિષે અમે થોડું ઘણું સાંભળ્યું હતું. પણ તે નજરે જોવાની ઈચ્છા ખૂબ હતી. એટલે એક દિવસનો પ્રોગ્રામ બનાવી એક સવારે અમે નવ જણ ગોધરાથી બે ગાડીઓ લઈને નીકળી પડ્યા. ગોધરાથી શહેરા, લુણાવાડા થઈને સંતરામપુર પહોંચ્યા. ગોધરાથી સંતરામપુર ૭૪ કી.મી. દૂર છે. શહેરા આગળ મરડેશ્વર મહાદેવ અને માતાજીનું મંદિર જોવા જેવાં છે. લુણાવાડા ગામ શરુ થતા પહેલાં જ સંતરામપુરનો ફાંટો પડે છે. અહીં રસ્તામાં કચોરી ખાધી. સવારનો પહેલો નાસ્તો ઝાપટવાની તો ખૂબ મજા આવે. શીંગોડાં પણ ખાધાં. પંચમહાલ જીલ્લાના આ વિસ્તારમાં શીંગોડાં ખૂબ જ પાકે છે.

લુણાવાડાથી ૧૪ કી.મી. પછી ગોધર ગામમાં સ્વામીનારાયણ ભગવાનનું મંદિર છે, ત્યાં દર્શન કર્યાં. આગળ જતાં, રસ્તાની બંને બાજુ મોટું સરોવર ભરાયેલું નજરે પડે છે. પાનમ નદી પર બાંધેલા બંધને કારણે આ સરોવર રચાયું છે. સરોવરનો માહોલ બહુ જ સરસ લાગે છે. આ સરોવરમાં ઘણાં ઝાડપાન ડૂબી ગયાં હોય એવું લાગે છે. અહીં ગાડીમાંથી ઉતરીને ફોટા પાડ્યા.

સંતરામપુરથી માનગઢ હીલ ૨૧ કી.મી. દૂર છે. સંતરામપુર પછીનો આ બધો વિસ્તાર ટેકરીઓવાળો છે. એમાંથી પસાર થતા ઉંચાનીચા, વાંકાચૂકા સિંગલ લાઈનવાળા સાંકડા રસ્તે ગાડી દોડાવવાની મજા આવે એવું છે. છેલ્લે, માનગઢ હીલ ૧ કી.મી. બાકી રહે ત્યાં તો એકદમ સીધો ઢાળ છે. અહીં તો ગાડી ખૂબ સાચવીને ચલાવવી પડે. જો ભૂલ થાય તો ગયા જ સમજો. આ એક થ્રીલીંગ રાઈડ જેવું છે. અમે સફળતાપૂર્વક ઢાળ ચડાવીને હીલ પર પહોંચી ગયા. આજુબાજુની બધી ટેકરીઓમાં આ સૌથી ઉંચી ટેકરી છે. ઉંચાઈ છે ૧૨૧૫ ફૂટ એટલે કે ૩૭૦ મીટર.

ઉપર સારી એવી સપાટ જગા છે. ગાડી પાર્ક કરવા માટે પણ ઘણી જગા છે. પાર્કીંગની જગાએ શેડ કરેલો છે. શેડમાં એક સરસ ઝાડ છે. પાર્કીંગની સામે જ એક જૂનો હોલ છે. આ હોલમાં જ ગોવિંદ ગુરુની સમાધિ છે. સૌ પ્રથમ અમે ‘અમર જ્યોતિ સ્તંભ’ જોયો. પછી સમાધિ હોલમાં દાખલ થયા. હોલની દિવાલો પર આરસની તકતીઓ લગાડેલી છે અને એમાં ગોવિંદ ગુરુના જન્મથી માંડીને સંપ સભાની પ્રવૃતિઓ તથા અંગ્રેજોએ કરેલ સંહારની કથા વિગતે લખેલી છે. એ વાંચીને એમ થાય કે આપણા દેશભક્તો પર એક વિદેશી પ્રજાએ કેવી ક્રૂરતા આચરી હતી ! આ હોલમાં એક બાજુ ગોવિંદ ગુરુની સમાધિ પર ભક્તો ધૂપ સળગાવે છે, ફૂલો ચડાવે છે અને ભજન કીર્તન કરે છે. આજુબાજુનાં ગામડાંમાંથી કેટલા યે ભક્ત લોકો અહીં સમાધિનાં દર્શને આવે છે. અમે પણ અહીં બે મિનિટ ભાવપૂર્વક ઉભા રહીને એક દેશભક્ત વીર પૂરુષને મનોમન વંદન કર્યાં. હોલની બહાર ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુ મૂકેલું છે.

હોલમાંથી બહાર આવી, ટેકરી પર બીજી બાજુ ચાલ્યા. અહીં એક ભીંત પર, અંગ્રેજોએ ભક્તો પર ગોળીઓ ચલાવી ત્યારનું દ્રશ્ય થ્રી ડી સ્વરૂપમાં બનાવીને ચીતર્યું છે. બે ઘડી ઉભા રહીને આ ચિત્ર જોવા જેવું છે. આગળ રેનબસેરા નામની રૂમોમાં રાત્રે રહેવાની વ્યવસ્થા છે. જો કે કોઈ પ્રવાસી અહીં રાત્રે રોકાતા નથી. અહીં તમને ચાપાણી કે ખાવાપીવાનું કંઇ જ મળે નહિ, અને રાત બિહામણી લાગે. રેનબસેરાથી આગળ શંકર ભગવાનનું એક નાનકડું મંદિર છે. અહીં આજુબાજુ બધે જ સરસ બગીચા બનાવ્યા છે. લોન પણ ઉગાડી છે. બાજુમાં એક છતવાળો ચોતરો છે. અહીં બધે બેસવાની અને રમવાની મજા આવે છે. ફોટા પાડવા માટે લોકેશન ખૂબ સરસ છે. આગળ જતાં, ટેકરીની ધાર પર બીજો ચોતરો છે. અહીં ઉભા રહીને નીચેની ખીણ અને સામેની બીજી ટેકરીઓનો અદભૂત નઝારો જોવા મળે છે. ખીણમાં વહેતી નદી પણ અહીંથી દેખાય છે. આ ટેકરીઓની પછી રાજસ્થાનની હદ શરુ થાય છે.

આ બધુ જોઇ, ચોતરા પર થોડી વાર બેસી, મૂળ સમાધિ હોલ આગળ પાછા આવ્યા. હવે ભૂખ તો લાગી જ હતી. જમવાનું ઘેરથી લઈને જ આવ્યા હતા. એટલે પાર્કીંગની જગામાં બેસીને ખાઈ લીધું. ભાખરી, થેપલાં, ડુંગળી, અથાણું, પાપડી – ખાવાની મજા આવી ગઈ.

આ ટેકરી પર જ એકાદ કી.મી. દૂર, રાજસ્થાન સરકાર એક સ્મારક બાંધી રહી છે. ગાડીમાં બેસીને એ જોવા ચાલ્યા. વચમાં એક જગાએ અંગ્રેજોના હુમલા વખતનું ખૂબ મોટું ભીંતચિત્ર નવું બનાવ્યું છે તે જોયું. રાજસ્થાન સરકારનું બાંધકામ હજુ ચાલુ છે. એ જોઈને મૂળ જગાએ પાછા આવ્યા. અહીં હવે જમીન પર કોથળા પાથરીને, નાની દુકાનો લાગવા માંડી હતી. કદાચ બપોર પછી વધુ પ્રવાસીઓ આવતા હશે.

છેવટે અમે અહીંથી પાછા જવા નીકળ્યા. ટેકરીનો એ જ ઉતરાણ વખતનો ઢાળ, સંતરામપુર, લુણાવાડા….એ બધુ વટાવી ગોધરા તરફ વળ્યા. રસ્તામાં પાનમ ડેમ જોઇ આવવાનું વિચાર્યું. લુણાવાડાથી બારેક કી.મી. જેટલું ગોધરા તરફ આવ્યા પછી ડાબા હાથે એક રસ્તો પડે છે. આ રસ્તે ૧૪ કિ.મી. જાવ એટલે પાનમ ડેમ પહોંચી જવાય. રસ્તો સીંગલ અને ઉંચોનીચો છે, જંગલઝાડીમાંથી પસાર થાય છે. વચ્ચે વચ્ચે નાનાં ગામડાં આવે છે. આ રસ્તાની રોમાંચક સફર માણીને અમે પાનમ ડેમ પહોંચ્યા.

પાનમ નદી દેવગઢબારીઆ નજીક આવેલા રતનમહાલના ડુંગરોમાંથી નીકળે છે અને મહી નદીને મળે છે. કેળ ઉઝર ગામ આગળ એના પર ડેમ બાંધેલો છે. અહીં નદીનો પટ બહુ પહોળો છે, બંને બાજુ ઉંચી ટેકરીઓ છે. ડેમ પાછળ ભરાયેલું વિશાળ સરોવર, નાખી નજર ના પહોંચે એટલું વિસ્તરેલું છે. પાણીના વિશાળ સાગર જેવું લાગે. ડેમમાંથી કાઢેલી નહેરો મારફતે ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ૨ મેગાવોટ વીજળી પેદા કરતું નાનું પાવરહાઉસ પણ છે. ડેમ પછી નીચવાસમાં વહેતી પાનમ નદી જાજરમાન લાગે છે. ડેમની નજીક વિશ્રામગૃહમાં રહેવા જમવાની વ્યવસ્થા છે. ડેમથી પંદરેક કી.મી. દૂર સતકુંડા નામનો એક ધોધ છે. આ ધોધ એક પછી એક સાત સ્ટેપમાં નીચે પડે છે. જોવા જેવો છે. ડેમ જોઇ ગોધરા પાછા પહોંચ્યા ત્યારે સાંજનું અંધારું પડવા આવ્યું હતું.

માનગઢ હીલ જેવી જગા ગુજરાતમાં જ છે, એની કદાચ બહુ ઓછા લોકોને જાણ હશે. અહીં પ્રવાસીઓ વધે એ માટે પ્રયત્ન કરવા જોઈએ. જંગલમાં રખડવું હોય તો પાનમ ડેમ તરફ જતા રસ્તાની આજુબાજુનાં જંગલો બહુ જ સરસ જગા છે.

IMG_0260

 

IMG_0193

 

IMG_0269

 

IMG_0201

 

IMG_0205

 

IMG_0245

 

IMG_0255

 

IMG_0296

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: